વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

Daily Archives: માર્ચ 21, 2016

( 870 ) વિશ્વ કવિતા દિન….મને ગમતાં કેટલાંક ગુજરાતી કાવ્યો –કાવ્ય પંક્તિઓ

world poetry dayઆજે ૨૧ મી માર્ચ વિશ્વ કવિતા દિન World Poetry Dayની ઉજવણીનો દિવસ છે.

કાવ્ય કહો કે કવિતા કહો, એ હૃદયમાં ઉઠતી ઉર્મીઓને શબ્દોનો શણગાર સજાવી એને અભિવ્યક્ત કરવા માટેનું વાહન છે.આવાં કાવ્ય વાહનના સર્જકને કવિના નામથી ઓળખાવવામાં આવે છે.

જ્યારે કવિની રચના એની રચના કરતી વખતે કવિના અંતર મનમાં જેવા ભાવો પ્રગટ્યા હતા એવા જ ભાવો ભાવકના હૃદય મનમાં પણ પ્રગટાવે છે કે નહિ એના ઉપરથી કોઈ પણ કાવ્યની કિંમત અંકાય છે.દરેક કવિ એની કાવ્ય રચના દ્વારા કોઈને કોઈ સંદેશ  આપવાનો  પ્રયત્ન  કરે છે.

સરિતાની માફક કવિતા પણ એની પાસે જનાર ભાવકની સાહિત્યની તૃષા છીપાવે છે.ગુજરાતી સાહિત્યમાં આ જ સુધીમાં પ્રાચીન અને આધુનિક ઘણા કવિઓએ અનેક કવિતાઓની રચના કરી છે જે પુસ્તકાલયોમાં ગ્રંથસ્થ રૂપે પડેલી છે.આ બધી કાવ્ય રચનાઓમાં હૃદયને સીધી અસર કરે એવી ઘણી સુંદર કવિતાઓ છે એ બધીનો અહી નિર્દેશ કરવો મુશ્કેલ છે. દરેક ભાવકની પસંદગી પણ એક સરખી હોતી નથી.આજે  ફેસ બુક  ઉપર અને  સોસીયલ  મીડિયામાં  જે  કવિતાઓ  ફરતી   રહેતી  જોવા મળે  છે એને  કવિતા  કહેવી કે કેમ  એ એક વિવાદનો  પ્રશ્ન  છે.   

આમ છતાં આજના વિશ્વ કવિતા દિનની ઉજવણીના એક ભાગ તરીકે ગુજરાતી ભાષાની મને ગમતાં કેટલાંક ગુજરાતી કાવ્યો –કાવ્ય પંક્તિઓ અને મારી સ્વ-રચિત રચના અને પંક્તિઓ આજની પોસ્ટમાં પ્રસ્તુત કરી છે. આશા છે મને ગમી એવી વાચકોને પણ ગમશે -વિનોદ પટેલ  

મને ગમતાં કાવ્યો –કાવ્ય પંક્તિઓ 

મને ગમતાં કાવ્યો

સમજાતું નથી

મને એ જ સમજાતું નથી કે આવું શાને થાય છે
ફૂલડાં ડૂબી જતાં ને પથ્થરો તરી જાય છે !

ટળવળે તરસ્યાં, ત્યહાં જે વાદળી વેરણ બને,
તે જ રણમાં ધૂમ મુસળધાર વરસી જાય છે !

ઘરહીણાં ઘૂમે હજારો ઠોકરાતાં ઠેર ઠેર :
ને ગગનચુમ્બી મહાલો જનસૂનાં રહી જાય છે !

દેવડીએ દંડ પામે ચોર મૂઠી જારના :
લાખ ખાંડી લૂંટનારા મહેફીલે મંડાય છે !

કામધેનુને મળે ના એક સૂકું તણખલું,
ને લીલાંછમ ખેતરો સૌ આખલા ચરી જાય છે !

છે ગરીબોના કૂબામાં તેલનું ટીપુંય દોહ્યલું,
ને શ્રીમંતોની કબર પર ઘીના દીવા થાય છે !

– કરસનદાસ માણેક

ચરણ રુકે ત્યાં કાશી

જ્યાં ચરણ રુકે ત્યાં કાશી
ઝકળના બિંદુમાં જોયો ગંગાનો જલરાશિ

જ્યાં પાય ઊઠે ત્યાં રાજમાર્ગ, જ્યાં તરતો ત્યાં મહાસાગર,
જે ગમ ચાલું એ જ દિશા, મુજ ધ્રુવ વ્યાપે સચરાચર;
થીર રહું તો સરકે ધરતી હું તો નિત્ય પ્રવાસી.

સ્પર્શુ તો સાકાર, ન સ્પર્શુ તો જે ગેબી માયા,
હું જ ઉકેલું, હું જ ગૂંચવું, એવા ભેદ છવાયા;
હું જ કદી લપટાઇ જાળમાં હું જ રહું સંન્યાસી.

હું જ વિલાસે રમું, ધરી લઉં હું જ પરમનું ધ્યાન,
કદી અયાચક રહું, જાગી લઉં કદી દુષ્કર વરદાન;
મોત લઉં હું માગી, જે પળ, લઉં સુધારસ પ્રાશી !

-હરીન્દ્ર દવે

વાર્ધક્ય

ઉગતા સુર્ય ને પૂજવા ની વાત નથી ,

આ તો  આથમતા સુરજ ની વાત છે ,

શબ્દો નવા નવા શીખવા ની વાત નથી ,

આ તો  અર્થ ને સમજવા ની વાત છે ,

સાત  સાત ઘોડાવાળા રથ ની વાત નથી ,

આ તો રથી ની વ્યથા ની વાત છે ,

ખીલખીલાટ મોજ મસ્તી ની વાત નથી ,

આ તો બોખી કરચલી ની વાત છે ,

પૂરબ થી પશ્ચિમ ની યાત્રા ની વાત નથી,

આ તો વાદળ ઘેરાયા ની વાત છે

ઉંચે ચડી ને પછી ભૂસકા ની વાત નથી,

આ તો અટકેલા ડુસકા ની વાત છે ,

પૃથ્વી ની આસપાસ ફરવાની વાત નથી,

આ તો પૃથ્વી ફરી તેની વાત છે ,

કશુક વહેચી ને પામવા ની વાત નથી ,

આ તો પામેલું વહેચવા ની વાત છે ,

સુરજ ના તાપે પરસેવા ની વાત નથી,

આ તો સુરજ ના પસીના ની વાત છે ,

લખવા ખાતર લખવા ની વાત નથી ,

આ તો લખી ને રાખવા ની વાત છે .

ડૉ .મુકેશ જોશી

 

મજા જિંદગી છે 

મજા જિંદગી છે હસો ને હસાવો,
પ્રણયગાનના સૂર ઉરથી વહાવો.

વહી જાય તો કાળ પાછો ન આવે,
લઈ લો ને જીવન તણો સર્વ લ્હાવો.

અનીતિ ને નીતિ છે જૂઠું બધુંયે,
બધાં બંધનો એહ દૂરે ફગાવો.

જુઓ આસપાસે ચમનમાંહીં ફૂલો,
ખીલ્યાં એવી ખૂશબોને અંતર જગાવો.

ભરી છે મજા કેવી કુદરત મહીં જો,
જિગર-બીન એવું તમેયે બજાવો.

ભૂલી જાઓ દુ:ખો ને દર્દો બધાંયે,
અને પ્રેમ-મસ્તીને અંતર જગાવો.

ડરો ના, ઓ દોસ્તો! જરા મોતથીયે,
અરે મોતને પણ હસીને હસાવો.

– કવિ ભાનુશંકર વ્યાસ ’બાદરાયણ’ 

 

જેણે પાપ કર્યું ના એ કે 

પથ્થર થરથર ધ્રુજે !

હાથ હરખથી જૂઠ્ઠા ને જડ પથ્થર ત્યાં કોણ વેદના બૂઝે ?
અનાચાર આચરનારી કો અબળા પર ભાગોળે
એક ગામના ડાહ્યાજન સૌ ન્યાય નિરાંતે તોળે,

“આ કુલટાને પથ્થર મારી, મારી નાખો !” એમ કિલોલે કૂજે,
એક આદમી સાવ અઓલિયો વહી રહ્યો ‘તો વાટે,
સુણી ચુકાદો ચમક્યો, થંભ્યો, ઉરના કોઇ ઉચાટે;
હાથ અને પથ્થર બન્નેને જોઇ એનું દિલ દયાથી દૂઝે !
આ દુનિયાના શાણાઓ ના દુનિયાદારી જાણે,
ટોળા પર ત્યાં એમ હસીને બોલ્યો ટેવ પ્રમાણે :

”જેણે પાપ કર્યુ ના એકે
તે પથ્થર પહેલો ફેંકે !”

એકે એકે અલોપ પેલા સજ્જન, ત્યારે શું કરવું ના સૂઝે !
અબળા રહી ને રહ્યો ઓલિયો એનું કવિજન ગીત હજુયે ગુંજે.
– નિરંજન ભગત

 

મને ગમતી કાવ્ય પંક્તિઓ

આમ તો છું એક પરપોટો સમયના હાથમાં

તોય ઊભો વિશ્વને લેવા હું મારી બાથમાં

-રમેશ પારેખ…

વાદળ પૂછે સાગર ને

વરશું તારા પર કે કેમ…?

સાગર પૂછે રેતી ને

ભીંજવું તને કે કેમ…?

રેતી મન માં રડી પડી…!

આમ કઈ પૂછી પૂછી

ને થતો હશે પ્રેમ..!!

-અશ્વિન મનીયાર

નામ રહંતા ઠક્કરાં નાણાં નવ રહંત
કીર્તિ કેરા કોટડાં પાડ્યા નવ પડંત
પ્રાચીન

જનની જણ તો ભક્તજન કાં દાતા કાં શૂર
નહિ તો રહેજે વાંઝણી રખે ગુમાવે નૂર
પ્રાચીન

જે ઊગ્યું તે આથમે જે ફૂલ્યું તે કરમાય
એહ નિયમ અવિનાશનો જે જાયું તે જાય

પ્રાચીન

નીરખને ગગનમાં કોણ ઘૂમી રહ્યું
તે જ હું તે જ હું શબ્દ બોલે

-નરસિંહ મહેતા

ઘાટ ઘડ્યા પછી નામરૂપ જુજવાં
અંતે તો હેમનું હેમ હોયે

-નરસિંહ મહેતા

હું કરું હું કરું એ જ અજ્ઞાનતા
શકટનો ભાર જ્યમ શ્વાન તાણે

-નરસિંહ મહેતા

ઘટમાં ઘોડાં થનગને આતમ વીંઝે પાંખ
અણદીઠી ભોમકા પર યૌવન માંડે આંખ

-ઝવેરચંદ મેઘાણી

નથી જાણ્યું અમારે પંથ શી આફત ખડી છે
ખબર છે આટલી કે માતની હાકલ પડી છે

-ઝવેરચંદ મેઘાણી

જીવનની સમી સાંજે મારે જખ્મોની યાદી જોવી હતી
બહુ ઓછાં પાનાં જોઈ શક્યો બહુ અંગત અંગત નામ હતાં

-સૈફ પાલનપુરી

જાત ઝાકળની છતાં કેવી ખુમારી હોય છે
પુષ્પ જેવા પુષ્પ પર એની સવારી હોય છે

-ચિનુ મોદી ‘ઈર્શાદ’

આંખ ભીની હોય ત્યારે સ્મિત મુખ પર જોઈએ
જિંદગીની બેઉ બાજુ એમ સરભર જોઈએ
છો રહે ફોરમ વિહોણા જિંદગીના વસ્ત્ર સૌ
ફૂલ પીસીને કદી મારે ન અત્તર જોઈએ  

મનહરલાલ ચોક્સી

‘અધીરો છે ઈશ્વર બધું આપવા માટે,

તું ચમચી લઈને ઉભો છું દરિયો માંગવા માટે.

  • અનિલ ચાવડા

મારી સ્વ-રચિત એક કાવ્ય રચના અને થોડીક પંક્તિઓ

આ જિંદગી

ડગલે ને પગલે એક નવો જંગ છે આ જિંદગી

માનવીઓનો કામચલાઉ મેળો છે આ જિંદગી

સતત ગળતો રહેતો એક જામ છે આ જિંદગી

કભી ખુશી,કભી ગમનો રાગ છે આ જિંદગી

સફળતા વિફળતાનો ચગડોળ છે આ જિંદગી

જીવન-મૃત્યુ વચ્ચેનો એક ખેલ છે આ જિંદગી

સંબંધોના રખોપા માટેની કળા છે આ જિંદગી

યાદો ફરિયાદોનો સરસ સુમેળ છે આ જિંદગી

હસી ખુશીથી જીવી લેવા જેવી છે આ જિંદગી

આખરે કરેલાં કર્મોનો હિસાબ છે આ જિંદગી

વિનોદ પટેલ

 

સ્વ-રચિત પંક્તિઓ

ઉંમરલાયક

લોકો કહે છે કે હું હવે ખુબ ઉંમરલાયક થઇ ગયો  છું ,

પ્રશ્ન થાય છે , શુ હું ખરેખર ઉંમરને લાયક થયો છું !

 

ભૂલ

જે માણસ કામ કરે છે એની જ ભૂલ થાય છે

જે નથી કરતા એનું કામ ભૂલો શોધવાનું છે

 

સબંધો

સંબંધો અને છોડ બન્ને સતત માવજત માગે છે

ભૂલ્યા જો માવજત તો બન્ને મુરઝાઈ જાય છે

 

રસ્તો

રસ્તો ક્યાં લઇ જશે ,એની તમે ચિંતા છોડો

રસ્તો કાપવો જ હોય તો ડગ ભરવા માંડો

 

સુખ શાંતિ

વન આખું ખુંદી વળ્યું એક હરણું કસ્તુરીની શોધમાં,

ભૂલી ગયું બિચારું કસ્તુરીની સુગંધ છે એની નાભિમાં

જગત આખું દોડી રહ્યું આજે ,સુખ શાંતિની શોધમાં,

ભુલાતી એક પાયાની બાબત,સુખ પડ્યું છે ભીતરમાં.

 

ઉંમર

ઉંમરનો આંકડો વધતો જાય છે, શરીર પણ લાચાર છે ,

આંકડો શું નડવાનો છે ,જ્યારે જીગર  તમારું જુવાન છે .

–વિનોદ  પટેલ

 

Gandhi-Sonet -2