વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

Daily Archives: માર્ચ 17, 2016

( 868 ) ના માન્યું ને !….( એક લઘુ કથા – સત્યઘટના પર આધારિત )… વિનોદ પટેલ

chiman -niyantika

ના માન્યું ને !….( એક લઘુ કથા – સત્યઘટના પર આધારિત ) 

વિનોદ પટેલ 

“ચંદ્રેશ,મને અમદાવાદ જવા દે ને,આવું શું કરે છે !”

“નિહારિકા,ખરું કહું છું.ઇન્ડિયા જવાનું માંડી વાળ,તને ખબર તો છે ને કે તને કેન્સર છે.આવી હાલતમાં તને એકલી કેવી રીતે જવા દઉં.મારી જોબ ઉપર અગત્યનો પ્રોજેક્ટ બાકી છે એટલે તારી સાથે હું આવી શકું એમ નથી.”

“હની,હું જાણું છું પણ મને આ ઉતરાણ પર અમદાવાદ જઈને પતંગ ચગાવવાની અને ત્યાં ભાઈ-ભાભી અને જુના મિત્રોને મળવાની મનમાં ખુબ ઇચ્છા થઇ આવી છે.”

“સાલું,અમદાવાદ તો મને પણ બહુ યાદ આવે છે પણ શું કરું જોબને લીધે લાચાર છું.તને ખબર છે,છેલ્લે આપણે અમદાવાદ ગયેલા ત્યારે ઉતરાણ ઉપર તારા ભાઈના બંગલાના ધાબે ચડીને વહેલી સવારથી માંડી સાંજ સુધી પતંગની કેવી મોજ માણી હતી.પણ આવી હાલતમાં તને અમદાવાદ એકલી મોકલતાં મારો જીવ નથી ચાલતો.તારા વિના મારો એક મહિનો કેવી રીતે જશે!”

“હની,એક મહિનો તો આમ ચપટી વગાડતામાં જતો રહેશે.અમદાવાદની તાજી હવા મારા ફેફસામાં ભરીને હું ફરી પાછી તારી પાસે આવી જઈશ.ડોક્ટર પણ કહે છે કે કેન્સર સુધારા પર છે,કોઈ ગંભીર સ્ટેજ પર નથી.ખુશીથી ઇન્ડિયા જઇ શકાશે.”

નિહારિકાના મનની પ્રબળ ઈચ્છા અને એના અતિ આગ્રહને વશ થઈને પ્રેમાળ પતિ ચંદ્રેશએ એને અમદાવાદ જવાની રજા આપતાં કહ્યું :

“હની,કેન્સરગ્રસ્ત હાલતમાં તું જાય છે તો તારું બરાબર ધ્યાન રાખજે.ત્યાં જઈને પતંગની મોજ કરવામાં તારી દવાઓ નિયમિત લેવાનું ભૂલી ના જતી.હું ફોન પર તારી ખબર અંતર પૂછતો રહીશ.”

ઘણા વર્ષો પછી અમદાવાદ પિયરમાં આવીને નિહારિકા જાણે સ્વર્ગમાં આવી ગઈ હોય એમ ખુશ ખુશ થઇ ગઈ. ઉતરાણ ઉપર કુટુંબીજનો અને મિત્રો સાથે પતંગની મોજ માણવાની એના મનની ઇચ્છા પણ પૂરી કરી લીધી.

અમેરિકા પાછા જવાના માત્ર બે દિવસ બાકી હતા ત્યાં જ નીહારીકાના કેન્સરે ઉથલો ખાધો.એના ભાઈએ તાત્કાલિક ગંભીર હાલતમાં એને હોસ્પીટલમાં દાખલ કરી એની બીજી સવારે જ બધાંને રડતાં છોડીને પતંગની મોજ માણ્યા બાદ નિહારિકા આ ફાની દુનિયા ત્યજીને કોઈ બીજી અગમ દુનિયાની મુસાફરીએ ચાલી નીકળી.

અમેરિકામાં ચન્દ્રેશને આ માઠા સમાચાર ફોન પર મળતાં જ તાબડતોબ એર ટીકીટ અને ઈમરજન્સી વિઝાની તજવીજ કરી ૨૪ કલાકની એના જીવનની લાંબામાં લાંબી પત્ની વિના એકલા કરેલી આંસુ ભરી મુસાફરી બાદ એ અમદાવાદ પહોંચી ગયો.અમદાવાદમાં સૌ સ્નેહીજનો નીહારીકાની અંતિમ ફ્યુનરલ ક્રિયા માટે એના ભાઈના બંગલે ચન્દ્રેશની જ રાહ જોઈ રહ્યા હતા.

ચન્દ્રેશ જાણે દોડતો હોય એમ એને સદાના માટે છોડી ગયેલ પત્નીના જીવ વિનાના ખાલી ખોળિયા પાસે નીચે બેસી જઈને ડુસકાં ભરેલા અવાજે એને કહી રહ્યો હતો:

“આખી જિંદગી તું મારો પડતો બોલ ઉપાડતી રહી,મારું કહ્યું માનતી રહી,પણ છેવટે જતાં જતાં તેં મારું કહ્યું ના માન્યું ને,મને એકલો છોડી છેતરીને એકલી જ જતી રહી ને !”

(સત્ય ઘટના પર આધારિત )

વિનોદ પટેલ