વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

Daily Archives: માર્ચ 27, 2016

( 875 ) એક સ્થાનિક અમેરિકન સીનીયર સેન્ટરની મુલાકાતે ..

કોણ ભલાને પૂછે છે? અહીં કોણ બૂરાને પૂછે છે?
મતલબથી બધાને નિસ્બત છે અહીં કોણ ખરાને પૂછે છે?
અત્તરને નીચોવી કોણ પછી ફૂલોની દશાને પૂછે છે?
સંજોગ ઝુકાવે છે નહીંતર અહીં કોણ ખુદાને પૂછે છે?

 – કૈલાસ પંડિત

જિંદગીની આ રાહમાં માનવીને રોજે રોજ અવનવા પ્રસંગોના અનુભવો થતા રહે છે.કેટલાક પ્રસંગો દિલને હળવું બનાવે છે,કેટલાક પ્રસંગોના અનુભવો દિલનો ભાર વધારે છે.એમ જિંદગી અવનવા અનુભવો કરાવતી એક નદીની જેમ વહેતી જ રહે છે.

ગઈકાલે દિલને ખુશ કરી ગયેલા અહીંના એક અમેરિકન સીનીયર સેન્ટરની મુલાકાતના પ્રસંગની આજે આ પોસ્ટમાં વાત કરવાની તક લઉં છું.

દીકરો અને દીકરાની પત્ની રોજ સવારે જોબ પર સવાર થી સાંજ સુધી વ્યસ્ત હોય,બે પૌત્રીઓ એમના કોલેજ અને શાળાના અભ્યાસ માટે ગયા હોય ત્યારે નાના મહેલ જેવા ઘરમાં સાવ એકલો આ જણ એના સદાના મિત્ર બની ગયેલા મિત્ર કોમ્પ્યુટર અને ટી.વી.નો સહારો લઇ એમાં મગ્ન બની જઈને એકલતા ઓછી કરવાનો અને સમયને સારી રીતે પસાર કરવાનો રોજ પ્રયત્ન કરતો હોય છે.કોમ્પ્યુટર અને એની મારફતે બ્લોગીંગ,ફેસ બુક અને ઈ-મેલથી કે ફોનથી સહૃદયી અને સમરસિયા મિત્રોના સંપર્કમાં ઘર બહારની દુનિયા સાથે જાતને જોડવાનો સતત પ્રયત્ન ચાલતો રહે છે.

શારીરિક મર્યાદાઓ સાથે ૮૦ વર્ષની ઉમરે આવી રીતે દિલ બહેલાવી દિવસો પસાર કરવાના પ્રયત્ન પછી પણ કોઈ વાર ઘર બહાર નીકળીને માણસો વચ્ચે જઈને એમની સાથે  રૂબરૂ વાતચીત કરનું મન થાય એ સ્વાભાવિક છે.જાત સાથે કેટલી અને ક્યાં સુધી વાતો કરી શકાય!

૧૯૯૪માં ભારતથી કાયમ રહેવા જ્યારે હું અમેરીકા આવ્યો ત્યારે લગભગ ૬ વર્ષ હું કેલીફોર્નીયા-લોસ એન્જેલસમાં રહ્યો હતો .અહીં આ શહેરમાં એશિયન ઇન્ડિયન સીનીયર એસોસીએશન ચાલતું હતું એની પ્રવૃતિઓમાં હું ભાગ લેતો હતો.ત્યારબાદ ૧૯૯૯ ની આખરથી હું સાન ડિયેગોમાં છું.અહી ગુજરાતી લોકોનું એસોસીએશન છે પણ એલ.એ.માં હતું એવું સીનીયર લોકો-વૃધ્ધો માટેનું જુદું એસોસીએશન નથી.

અમેરિકન સીનીયરો માટેનાં સેન્ટરો સાન ડીયેગોમાં ઘણાં છે.મેં એવા મારી નજીકના એક સેન્ટરના સભ્ય થવા માટે ફોન પર સંપર્ક કર્યો. સેન્ટરનાં ભલાં સંચાલિકાબેનએ સેન્ટરની મુલાકાત લેવા મને આમંત્રણ આપ્યું.તેઓ મૂળ શ્રી લંકાનાં પણ મલેશિયા રહેલાં છે.એમનાં માતા ઇન્ડીયન છે. 

મને થયું ચાલો જાતે જઈને જોઈએ તો ખરા કે ત્યાં કેવું છે અને શું પ્રવૃત્તિ ચાલે છે.અમેરિકાની સરકારની મદદથી વૃદ્ધ અને શારીરિક ક્ષતિ ગ્રસ્ત લોકો માટે આવાં સેન્ટરો ઘણી સરસ સેવા તાલીમબદ્ધ સેવકો-સેવિકાઓ  દ્વારા પૂરી પાડે છે.ગઈકાલે બસમાં મારી પાવર ચેર સાથે હું નજીકના અમેરિકન સીનીયર સેન્ટર પર સવારના ૧૦ વાગે પહોંચી ગયો.

આ સેન્ટરમાં વૃદ્ધજનો અને કેટલાંક કોઈ શારીરિક વ્યાધિ ગ્રસ્ત લગભગ ૫૦ થી ૬૦ સ્ત્રી-પુરુષો ત્યાં જોયાં.સેન્ટરનાં કાર્યકરો આ બધાં સભ્યો પ્રત્યે ખુબ પ્રેમથી સેવા પૂરી પાડી રહ્યાં હતાં.કોઈ ચાલી ના શકે એને વ્હીલચેરમાં ફેરવી રહ્યાં હતાં.બધાંને મારો પરિચય કરાવવામાં આવ્યો.મેં પણ મારો પરિચય આપ્યો.

હું ગયો એ દિવસે શુક્રવાર હતો એટલે બીજા રવિવારે આવતા ઈસ્ટરની એ દિવસે ઉજવણી થતી હતી.“ઈસ્ટર સન્ડે”ના દિવસે ખ્રિસ્તીઓ ભગવાન ઈસુના પુનરુત્થાનની (મૃત્યુ બાદ ફરીથી સજીવન થવું) ઉજવણી કરે છે. ખ્રિસ્તીઓ માને છે કે ભગવાન ઈશુ મૃત્યુ પામ્યાના ત્રણ દિવસ પછી પુર્નિજવિત થયા હતા.ઈસ્ટર સીઝનના એક ભાગરૂપે ભગવાન ઈશુના વધસ્તંભ પર મૃત્યુ પામવાની ઘટનાને ”ઇસ્ટર” પહેલાં આવતા “ગૂડ ફ્રાઈડે”ના દિવસે યાદ કરીને તાજી કરવામાં આવે છે.

Easter Bunny (Easter Rabbit or Easter Hare) ઈસ્ટર ઉજવણી માટેનું એક પ્રતિક છે,જે ઈંડાં લાવે છે એમ મનાય છે.આ દિવસે બાળકો એમના વડીલો સાથે એગ હન્ટ-ઈંડાં શોધવાની રમત રમતાં હોય છે.

આ સીનીયર સેન્ટરમાં સસલું -Bunny-ના લાંબા કાનનું ચિત્ર માથે લગાવી “એગ હંન્ટ ” એટલે કે ઈંડાં શોધી કાઢવાની રમત રમાતી હતી.આ રમતમાં પ્લાસ્ટીકનાં નાનાં મોટાં ઈંડાં જે એ રૂમની જુદી જુદી જગાઓએ સંતાડેલાં હોય એને એ જગાએ જઈને શોધીને એક પ્લાસ્ટિક બેગમાં ભેગાં કરવાનાં હોય છે.જે કોઈ સૌથી વધારે સંખ્યામાં ઈંડાં ભેગાં કરે એ પ્રથમ વિજેતા તરીકે જાહેર થાય અને એને કોઈ ઇનામ આપવામાં આવે.આ રમતની છેલ્લી બેચ વખતે હું પણ આ રમતમાં જોડાઈ ગયો.સેન્ટરનાં કાર્યકર બહેન વ્હીલચેરમાં મેં કહ્યું એ જગાએ લઇ ગયાં.આ રીતે સૌથી વધારે ૫૫ ઈંડાં બેગમાં ભેગાં કરીને હું પ્રથમ રહ્યો.મને ઇનામ આપવામાં આવ્યું.વાહ,ભાઈ,મને તો આ રમતમાં મજા પડી ગઈ !

આ પ્રસંગે ઝડપેલી કેટલીક તસ્વીરો આ રહી.

 પહેલી તસ્વીરમાં ૫૫ ઈંડાની બેગ સાથે અને છેલ્લી તસ્વીરમાં મળેલા ઇનામ સાથે ..  

ત્યારબાદ,મારી નજીકની ખુરશીમાં બેઠેલાં ૫૫ વર્ષનાં એક અમેરિકન બેન સાથે વાતચીત કરતાં જાણ્યું કે એમને ડિમેન્શિયાની વ્યાધીને લીધે એમની યાદ શક્તિ એમણે બિલકુલ ગુમાવી દીધી છે.એમના જીવનની અંગત વાતો દિલ ખોલીને નિખાલસ ભાવે એમણે મારી સાથે કરી. એમનું નામ જુન.તેઓ કહે એમના માતા પિતાએ એમનાં ત્રણ સંતાનોના નામ એપ્રિલ,મે અને જુન રાખ્યાં એ કેવું કહેવાય!એમને સ્ટ્રોકના પ્રથમ હુમલાથી બ્રેઈન હેમરેજ થયેલું.હેમરેજ પછી એમનું મગજ ખોલીને કરાવેલી ગંભીર પ્રકારની સર્જરી પછી તેઓ બચી ગયેલાં.સર્જરી પછીના ખરબચડાં નિશાન હજુ એમના માથામાં મોજુદ છે.

એમનાં લગ્ન કોલેજના એક પ્રોફેસર સાથે થયાં હતાં.એમનાથી એમને બે પુત્રો છે જે હાલ કોલેજમાં અભ્યાસ કરે છે.એમના પતિને એમણે એક દિવસ બીજી કોઈ સ્ત્રી સાથે પકડી પાડ્યા. બન્ને વચ્ચે ઝગડો થયો.પતિએ ગુસ્સામાં આવી આ બહેનના ચહેરા પર જોરથી મુક્કો માર્યો. આ ઘાયલ બેનને  નાક અને ચીક બોનની સર્જરી કરાવવી પડી.૪૦ વર્ષની ઉંમરે તનાવને લીધે એમને સ્ટ્રોકનો બીજો હુમલો થયો એમાં એમણે એમની યાદ શક્તિ બિલકુલ ગુમાવી દીધી .

એમના પતી સાથે છુટાછેડા લઈને હાલ તેઓ એકલા સરકારી સીનીયર હોમમાં રહે છે.એમનાં મોટાંબેન એમની દેખરેખ રાખે છે. જો કે એમનું બોસિંગ એમને ગમતું નથી.આવા દુખમાં પણ આ બહેન ખુબ રમુજી સ્વભાવનાં છે.૫૫ વર્ષનાં આ બહેન મને હસતાં હસતાં કહે “હું કોઈની સાથે ડેઈટ પર જાઉં તો પણ મને યાદ નથી રહેતું કે હું કોની સાથે ડેઇટ પર ગઈ હતી, એટલી ભુલકણી થઇ ગઈ છું !”

ત્યારબાદ બાર વાગે ખુબ જ પૌષ્ટિક ખોરાકનો લંચ સેન્ટરના કાર્યકરો દ્વારા પીરસવામાં આપવામાં આવ્યો.મારી સાથે લંચના ટેબલ પર ખુરસીમાં મારી સાથે જે બેઠેલાં હતાં એમાં એક ૮૫ વર્ષના જાપાનીઝ ભાઈ હેરી હતા,મારી ડાબી બાજુ આ ભૂલકણાં બેન જુન અને જમણી બાજુ એક ૮૦ વર્ષના ભૂતકાળમાં પ્લેન ચલાવી નિવૃત્ત થયેલ પાઈલોટ વૃદ્ધ અમેરિકન ભાઈ ડોન હતા.સામે ૮૫ વર્ષનાં ઇટાલિયન-અમેરિકન બેન શેલી અને સામે બેઠેલાં ૮૦ વર્ષનાં મૂળ લેબેનોન વૃધ્ધા લંચમાં સાથે હતાં.એવામાં એક વિએટનામી ડોશીમા મારી પાસે આવ્યાં અને કહે હું ગાંધી અને એમની દીકરી ઇન્દિરા ગાંધીને જાણું છું.ગાંધીને કોઈ ઇન્ડિયનએ જ મારી નાખ્યા હતા.મેં એમને સમજાવ્યું કે ઇન્દિરાએ ગાંધીની દીકરી નથી.ઇન્દિરા ગાંધીને પણ એમના બોડી ગાર્ડોએ જ માર્યા હતા.તેઓ કહે મને આની ખબર ન હતી.  

આ સેન્ટરનાં સંચાલિકા બેન મારા સભ્ય પદ માટે મારા ડોક્ટર તરફથી મળેલ કાગળોને ધ્યાનમાં લઈને આગળની પ્રક્રિયા કરી રહ્યાં છે.જરૂરી મંજુરી મળે એટલે દર વીકે બે દિવસ ૧૦ થી ૧ આ સેન્ટરમાં જવાનો વિચાર રાખ્યો છે.આનાથી ઘર બહારની દુનિયામાં જઈને દિલને હળવું કરવાનું બનશે અને જીવન સંધ્યાના આ સમયે અવનવા પ્રસંગ રંગોનો અનુભવ મળશે.

માણસે ગમે એવી પરિસ્થિતિમાં સુખી થવા માટે અને દિલને હળવું કરવા માટે જ્યાંથી પણ મળે ત્યાંથી શુદ્ધ આનંદ શોધી કાઢીને સમયનો મહત્તમ ઉપયોગ કરવાની કોઈ પણ તકને જતી કરવી ના જોઈએ .

મને ગમતું  ‘રૂસ્વા’ મઝલુમી નું આ રહ્યું એક કાવ્ય …

મને જિંદગીના પ્રસંગો ન પૂછો,
બધા હસતા, હસતા પતાવી દીધા છે.
પ્રલોભન, જો આવ્યા છે જીવનમાં જ્યારે
મેં ખુદ્દારે દિલથી ફગાવી દીધા છે.

બધા ઓરતાઓ, ને આશાઓ ક્યાંથી,
ફળે, મંજરીની, મહેક થઇને કાયમ
અફળ કામનાઓના, ઓથાર બેશક
રહી મૌન દિલમાં સમાવી દીધા છે.

તરંગોની માફક જે દિલમાં, ઊઠ્યા તે,
મનાવી લીધા છે રૂઠેલા ઉમંગો,
અને આવકાર્યા છે અવસર મળ્યા જે
હૃદય ઉર્મિઓથી વધાવી દીધા છે.

ખુદાની કસમ હું- છું ઇન્સાન ‘રૂસ્વા’
ને ઇન્સાનિયતનો પ્રશંસક રહ્યો છું,
મળી છે મને બાદશાહી ફરીથી
જે આવ્યા પ્રસંગો દીપાવી દીધા છે.

– ‘રૂસ્વા’ મઝલુમી

 Ester