વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

( 922 ) ચાર બોધ કથાઓ …..

જાણીતા બ્લોગ સન્ડે-ઈ-મહેફિલ ના સંપાદક ,સુરત નિવાસી મિત્ર શ્રી ઉત્તમભાઈ ગજ્જરે એમના ઈ-મેલમાં કેટલીક સરસ બોધ કથાઓ વાંચવા માટે મોકલી હતી,એમાંથી મને ગમેલ ચાર બોધ કથાઓને આજની પોસ્ટમાં એમના આભાર સાથે વિનોદ વિહારના વાચકો માટે પ્રસ્તુત કરેલ છે.વિ.પ.

૧.બાળકોની ખુબીઓને ખામીઓ સમજવાની ભૂલ

૧૩ વર્ષની ઉંમરની એક વિદ્યાર્થીનીથી શાળાના બધા શિક્ષકો કંટાળી ગયા હતા કારણ કે આ છોકરી વર્ગમાં પગ વાળીને બેસતી જ નહોતી. વર્ગમાં બેઠા બેઠા સતત પોતાના પગ હલાવ્યા કરે અને પાંચ મીનીટ ન થાય ત્યાં પોતાની જગ્યાએથી ઉભી થઇને વર્ગમાં આંટો મારે. શિક્ષકો ગમે તેવી સજા કરે તો પણ એની કોઇ અસર આ છોકરી પર થતી નહોતી.

છેલ્લા ઉપાય તરીકે આ છોકરીની મમ્મીને શાળાએ બોલાવવામાં આવી. શિક્ષકે એમને કહ્યુ કે ” આ છોકરી ભણવામાં બિલકુલ ધ્યાન નથી આપતી. એ શાંતીથી વર્ગમાં બેસી પણ શકતી નથી. આ છોકરીને અમે આ શાળામાં રાખી શકીએ તેમ નથી કારણકે એનામાં કંઇક ખામી હોય એવુ અમને લાગે છે તમે ખામીવાળા બાળકોને અભ્યાસ કરાવતી હોય એવી કોઇ શાળામાં એને પ્રવેશ અપાવો.”

વાત સાંભળીને છોકરીની મમ્મી પડી ભાંગી. પોતાની દિકરીના ભવિષ્યની ચિંતા માતાને સતાવી રહી હતી. દિકરીમાં શું ખામી છે એ તપાસવા માટે એણે એક મનોવૈજ્ઞાનિક ડોકટરની મુલાકાત લીધી. ડોકટરે નાની છોકરીની બધી વાતો ધ્યાનથી સાંભળી અને એનું નિરિક્ષણ કર્યુ. છોકરી શાંત બેસી રહેવાને બદલે એના પગ હલાવતી હતી અને વારે વારે ઉભી થતી હતી. ડોકટરે એની ચેમ્બરમાં રહેલો રેડીયો ચાલુ કર્યો અને છોકરીને ડાન્સ કરવા માટે પ્રત્સાહિત કરી. થોડી જ વારમાં 13 વર્ષની ઉંમરની આ છોકરી કોઇપણ જાતની તાલીમ વગર અદભૂત ડાન્સ કરવા લાગી.

ડોકટરે છોકરીની માતાને કહ્યુ, ” તમે કોઇ ચિંતા ન કરો. તમારી દિકરી ખામીવાળી નહી પણ ખુબીવાળી છે. ભગવાને એનામાં નૃત્યકળા ઠાંસીઠાંસીને ભરી છે. આને તમે કોઇ સારી સંગિત અને નૃત્યની શાળામાં મોકલો. ડોકટરના આદેશ પ્રમાણે એ છોકરીને એક સારી નૃત્યશાળામાં મુકવામાં આવી અને યોગ્ય તાલીમના કારણે આ છોકરી ન કેવળ પોતાના શહેરમાં પરંતું સમગ્ર વિશ્વમાં પ્રસિધ્ધ બની ગઇ.

શિક્ષકોએ જેને ખામીવાળી છોકરી સમજીને શાળામાંથી કાઢી મુકેલી એ છોકરી એટલે વિશ્વની શ્રેષ્ઠ ડાન્સર, કોરીયોગ્રાફર, અભિનેત્રી અને ડાયરેકટર ગિલીયન લીની.

બોધ પાઠ : ઘણીવખત આપણે બાળકોની ખુબીઓને ખામીઓ સમજવાની ભૂલ કરતા હોઇએ છીએ. બાળકોના વર્તન પરથી એની ટેલેન્ટને સમજીએ અને બીજા બાળકો સાથે એની સરખામણી કરવાનું બંધ કરીએ.

૨.વિચારોના ચશ્માને પણ જરા સાફ કરતા રહેવા

ભાદરવા મહિનાના ધોમધખતા તાપમાં બપોરના સમયે એક ભાઇ દુધપાકની ડોલ હાથમાં લઇને ગટર પાસે ઉભા હતા અને એક ચમચા વડે ડોલમાંથી દુધપાક લઇને થોડો થોડો ગટરમાં નાંખતા હતા. ત્યાંથી પસાર થતી કોઇ વ્યક્તિનું ધ્યાન ગયુ એટલે એ પેલા ભાઇ પાસે પહોંચી ગયા. કેસર ઇલાઇચી વાળા સુકા મેવાથી ભરપુર મસ્ત મજાના દુધપાકને ગંદી ગટરમાં નાંખતા જોઇને એમને આશ્વર્ય થયુ.

દુધપાકને ગટરમાં નાંખી રહેલા પેલા ભાઇને પુછ્યુ , ” તમે , કેમ દુધપાકને ગટરમાં નાંખી દો છો ? “

પેલા ભાઇએ બળાપો કાઢતા કહ્યુ , ” અરે ભાઇ, શું કરુ ? આજે મારા દાદાના શ્રાધ્ધ નિમિતે કેટલી મહેનતથી આ સરસ મજાનો દુધપાક બનાવ્યો હતો. પણ તેમાં આ બે માંખો પડી છે અને મરી ગઇ છે એટલે એને ચમચાથી બહાર કાઢીને ગટરમાં ફેંકવા માટે આવ્યો છું પણ માંખ બહાર નિકળવાનું નામ જ નથી લેતી.”

વાત સાંભળતા જ રસ્તેથી પસાર થતા હતા તે ભાઇ ખડખડાટ હસી પડ્યા અને કહ્યુ , “ ભાઇ આમ જ જો આ મરેલી માંખોને બહાર કાઢવાનો પ્રયાસ કરશો તો દુધપાકની આખી ડોલ ખાલી થઇ જશે તો પણ માંખો બહાર નહી નિકળે. એક કામ કરો તમે જે ચશ્મા પહેર્યા છે તે મને આપો”. દુધપાકની ડોલ નીચે મુકીને પોતાના ચશ્મા ઉતારીને એ ભાઇના હાથમાં આપ્યા.
ચશ્માના કાચ પર બે મરેલી માંખો ચોંટી હતી. કપડું લઇને ચશ્મા બરાબર સાફ કર્યા અને પછી પાછા આપીને કહ્યુ , ” હવે આ ચશ્મા પહેરો “. પેલા ભાઇએ ચશ્મા પહેરીને ડોલમાં જોયુ તો દુધપાક તો ચોખ્ખો હતો. એમાથી મરેલી માંખો જતી રહી હતી.

બોધ પાઠ :

આપણા વિચારોરુપી ચશ્મા પર ચોંટેલી નકારાત્મતારૂપી માંખોને કારણે આ દુનિયાને અને દુનિયાના લોકો સાથેના આપણા સંબંધને જે સરસ મજાના દુધપાક જેવા મીઠા છે તેને ગંદી ગટરમાં ફેંકી રહ્યા છીએ. વિચારોના ચશ્માને પણ જરા સાફ કરતા રહેવા.

૩.નાના માણસોની મોટી ભેટ

એક અત્યંત પૈસાદાર પરિવારના એકના એક દિકરાના લગ્ન હતા. એકમાત્ર સંતાન હોવાથી દિકરાના માતા-પિતાએ ધામધૂમથી લગ્ન ઉજવવાનું નક્કી કરેલુ. લગ્નમાં સામેલ થનાર તમામ લોકોને કંઇક ભેટ આપવી એવુ નક્કી થયુ.

એકદિવસ પતિ-પત્નિ બંને સાથે બેસીને કોને કોને શું ભેટ આપવી ? એની ચર્ચા કરી રહ્યા હતા. લાંબી ચર્ચાના અંતે એવુ નક્કી થયુ કે લગ્નમાં આવનાર તમામ સ્ત્રીઓને એક સાડી અને તમામ પુરુષોને એક સુટ ભેટમાં આપવુ. મેનેજરને બોલાવીને આદેશ આપ્યો ” લગ્નમાં આવનાર મહેમાન માટે 500 સાડી અને 500 સુટના કાપડનો ઓર્ડર આપી દો. મારા લાડકા દિકરાના લગ્ન છે એટલે સાડી અને સુટ મોંઘામાં મોંઘા હોય એવા લેવાના છે એમા જરા પણ કંજૂસાઇ ન કરતા.”

મેનેજર જતા હતા એટલે શેઠાણીએ એને અટકાવીને કહ્યુ, ” તમે થોડી સાડી અને સુટ સસ્તા હોય એવા પણ લેજો.” શેઠે કહ્યુ, ” કેમ એવુ ? ” શેઠાણીએ કહ્યુ, ” ઘરના નોકરને જે ભેટ આપીશું એ બહુ મોંઘી આપવાની જરૂર નથી એમને તો સસ્તી આપીએ તો પણ ચાલે.” સાંજે સાડી અને સુટના કાપડની ખરીદી કરવા માટે મેનેજર શહેરના એક અત્યંત આધુનિક શોરૂમ પર પહોંચ્યા. આ શોરૂમ શહેરનો સૌથી મોંઘો શોરૂમ હતો.

મેનેજર અંદર પ્રવેશ્યા કે એનું ધ્યાન 4-5 જાણીતા ચહેરા પર પડ્યુ. આ બધા લોકો ઘરના નોકર હતા. મેનેજરને આશ્વર્ય થયુ કે નોકરો અહીંયા શું લેવા આવ્યા હશે ? એ તો એકબાજુ ઉભા ઉભા જોવા લાગ્યા. નોકરો સેલ્સમેનને કહી રહ્યા હતા, ” ભાઇ, અમારા શેઠના એકના એક દિકરાના લગ્ન છે. લગ્નપ્રસંગે અમારે એમને ભેટ આપવી છે. અમને આવા સામાન્ય કપડા ન બતાવો. તમારા શોરૂમમાં જે મોંઘામાં મોંઘા કપડા હોય એ બતાવો અમે બધાએ સાથે મળીને અમારા નાનાશેઠને ભેટ આપવા માટે અમારા પગારમાંથી ઘણી બચત કરી છે એટલે તમે ચિંતા ન કરતા.” નોકરોની વાતો સાંભળીને મેનેજરની આંખ ભીની થઇ ગઇ.

બોધ પાઠ:

મિત્રો, આપણે માણસોના હદય જોઇને નહી પરંતુ એના હોદા જોઇને ભેટ આપીએ છીએ. જો આપણને મોટા હોદા પર બેઠેલા માણસોને નાની ભેટ આપવાથી શરમ આવતી હોય તો પછી મોટા હદયના માણસોને નાની ભેટ આપતા શરમ કેમ નથી આવતી ?

કવિ ઉમાશંકર જોશી રચિત આ પંક્તિઓ યાદ આવી ગઈ

મોટાની અલ્પતા જોઈ થાક્યો

નાનાની મોટાઈ જોઇ જીવું છું.  

૪.જીવનમાં સંયમ ખુબ જ અગત્યનો છે

એક વેપારી પોતાના ઘરાકને મધ આપતો હતો. અચાનક એના હાથમાંથી મધ ભરેલું વાસણ છટકીને નીચે પડી ગયું. જમીન પર ઢોળાયેલા મધમાંથી જેટલું મધ ઉપર ઉપરથી લઇ શકાય એટલું મધ લઇ લીધુ બીજુ જમીન પર જ પડી રહ્યુ.

મધની મીઠાશના લોભથી ઘણીખરી માખીઓ તે મધ પર આવીને બેસી ગઇ. મીઠું મીઠું મધ એમને ખુબ જ ભાવતું હતું આથી એ મધ ચાટવા લાગી. મધ ચાટવામાં એવી તો મશગુલ બની ગઇ કે ધીમે ધીમે એની પાંખો મધમાં ચોંટી રહી હતી એનો ખ્યાલ પણ ન રહ્યો. મધથી પુરે પુરુ પેટ ભરાઇ ગયુ અને ઉડવાનો પ્રયાસ કર્યો પણ ઉડી જ ન શકી.

પોતાની જાતને બચાવવા ખુબ પ્રયાસો કર્યા પણ એ અસફળ રહી. વધુ મધ ખાવાની લાલચમાં એ પોતાનો જીવ ખોઇ બેઠી. અરે આશ્વર્યની વાત તો એ હતી કે મધનો સ્વાદ લેવા માટે જે નવી માખીઓ આવી રહી હતી તે જુની માખીઓની દુર્દશા જોતી જ હતી આમ છતા પણ મધ ચાટવાની લાલચને ન રોકી શકવાને કારણે સામે ચાલીને મોતને આમંત્રણ આપતી હતી.

બોધ પાઠ:

જીવનમાં સંયમ ખુબ જ અગત્યનો છે. ક્યાં અટકવું એનું પ્રમાણભાન ન હોય તો જીવન બરબાદ થતા બીલકુલ વાર ન લાગે.

7 responses to “( 922 ) ચાર બોધ કથાઓ …..

  1. Vimala Gohil જૂન 9, 2016 પર 11:04 એ એમ (AM)

    સરસ બોધપાઠ બોથ કથાઓ વાંચવાનો લાભ આપવા બદલ આભાર.
    પહેલી બોધ કથા
    ૧.”બાળકોની ખુબીઓને ખામીઓ સમજવાની ભૂલ”
    શિક્ષક તરીકેના કાર્ય સમય દરમિયાન અનુભવેલ ,જરા જુદી રીતેઃ.ધોરણ ૮ની એક વિદ્યાર્થીની સતત બે વાર એક જ વર્ગમાં નાપાસ થતી.
    પણ જિમ્નાષ્ટિક્માં આંતર શાળા હરિફાઈમાં શાળા માટે શિલ્ડ જીતી લાવતી.પણ શાળાનું હોમવોર્ક કદી નાકરે ,દરેક વિષયના શિક્ષકો
    રોજ શિક્ષા કરે ,માને કે આકરી શિક્ષાપછી કાલે ઘરકામ કરી લાવશે ;પણ એ રામ તો એના એ!!!! આ દોર બે વરસ ચાલ્યા કર્યો.
    ત્રીજે વરસે એના મોટી ઉમરના માતા-પિતાને બોલાવી ઘણી વાતો જાણી.મા-બાપને દિકરી અંગકસરત જેવા “ટાયલા”(એમના શબ્દો) કરે તે પસંદ
    નહી. કહેઃ”બહેન, એને ભણવામાં હુંશિયાર કરો, મેટ્રિક સુધી ભણી લે એટલે ભયો-ભયો.” આ મિટીંગ પછી વર્ગ શિક્ષક તરીકે વિદ્યાર્થીની નો કેસસ્ટ્ડી
    કરી પ્રોત્સાહન આપતા પહેલે નંબરે પાસ થઈ ગઈ ,ને આગાળ કોલેજ પણ કરી ત્યારે એના વાલી મીઠાઈ લઈ શાળામાં આવેલ,એ દિવસ અમારા સૌ માતે ગૌરવનો દિવાસ હતો.

    બધી જ બોધકથાઓ બગુ ગમી.

    Like

  2. pravinshastri જૂન 9, 2016 પર 3:02 પી એમ(PM)

    જીવનમાં ઠેર ઠેર બોધ દાયક વાતો અને વ્યવહાર, રોજે રોજ આપણી નજર સામે આવતાં જ હોય છે. જો એને કોઈકને કોઈક રીતે મુલવવામાં આવે તો માનવીનું સમગ્ર જીવન બોધ દ્વારા આદર્શમય બની જાય. પણ વાસ્તવમાં આપણે એ પાઠો ભણતા નથી. ભૂલતાં જ હોઈએ છીએ. યાદ રહે તો સૂત્રાત્મક રીતે દિવાલ પર લટકાવીને સંતોષ માનતા રહીએ છીએ. વાતો તરીકે મારા સુરતી વડીલ મિત્રની બોધકથાઓ સરસ જ છે. સન્ડે-ઈ-મહેફિલ એક ઉચ્ચ કક્ષાનું ઇ સામયિક છે.

    Like

  3. અનામિક ઓક્ટોબર 14, 2018 પર 7:43 પી એમ(PM)

    khubaj saras vartao , maja padi gai

    Like

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.