વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

1065- સૌથી મોટી પથી – સીમ્પથી … હૃદય સ્પર્શી વાર્તા …..

સાભાર- શ્રી વિક્રમભાઈ દલાલ – એમના ઈ-મેલમાંથી   

સૌથી મોટી પથી – સીમ્પથી


          મીના લંડનમાં અપંગ બાળકોની સારવાર અંગેનો ડીપ્લોમા લઈને ભારત આવી હતી. જે કુટુમ્બમાં એવું બાળક હોય ત્યાં ખાધાખરચી અને થોડી હાથખરચી સાટે રહીને અનુભવ મેળવવાની અને આગળ ભણવાની તેની નેમ હતી.

          પટેલ દમ્પતીને બરાબર આવું જ જોઈતું હતું. એમની પાસે પુષ્કળ પૈસો હતો. નરેશભાઈ આખો દીવસ ઉદ્યોગ ધંધામાં અને રાતે ક્લબ – પાર્ટીઓમાં વ્યસ્ત રહેતા. જયાબહેન શહેરનાં આગેવાન મહીલા કાર્યકર હતાં. બે દીકરીઓ બાદ જન્મેલી રાધીકા પોલીઓનો શીકાર બની હતી.
જયાબહેનના બા કહેતાં, ‘માંદું છોકરું માનું. તું બહારનું સામાજીક કામ છોડી આની પુરતી કાળજી લે’.

          ‘એક ખાસ આયા રાખી છે. શહેરના કોઈ દાક્તરને બાકી નથી રાખ્યો. વ્હીલચેરમાં આયા તેને બધે ફેરવે પણ છે. બીજું તો શું કરી શકાય?’

          ‘બેટા, મા તે મા. માનો પ્રેમ આ બધાં ક્યાંથી આપી શકે?’

          પણ ત્યારે જયાબહેન મોઢું ચઢાવીને મુંગાં રહેતાં. એમને થતું, આને માટે શું હું ઘરકુકડી બનીને બેસી રહું?

          છોકરીઓ પણ કહેતી કે ‘આને કોઈ અપંગ બાળકોની સંસ્થામાં મુકી દો ને ! એને કશી રીતભાત નથી આવડતી. હાથે સેડા લુછે છે. અમારી બહેનપણીઓ મશ્કરી કરે છે’.

          એક વાર મોટીબહેનની બર્થ-ડે પાર્ટી હતી. બધા ભેળી રાધીકા પણ એના ઓરડામાં ગઈ. મોટીબહેન તાડુકી, ‘મમ્મી, આ ગાંડુને અહીં કેમ આવવા દીધી?’ સાંભળીને રાધીકાએ હાથમાનું રમકડું જન્મ દીનની કેક ઉપર છુટું ફેંક્યું. પાર્ટીના રંગમાં ભંગ પડ્યો.

          આ પરીસ્થીતીમાં મીનાનું આગમન ઘરમાં બધાંને જ માટે ભારે રાહતરુપ નીવડ્યું. મીનાએ પ્રેમથી રાધીકાને પોતાની કરી લીધી. તેનું ખાવા-પીવાનું, ઉઠવા-બેસવાનું, ઉંઘવાનું, હરવા-ફરવાનું ઝીણું-ઝીણું ધ્યાન એ રાખતી. આખો દીવસ રાધીકા કઈ રીતે ખુશમાં રહે, તેની જ કોશીશ તે કર્યા કરતી. જાતજાતની વાતો કરતી, ગીતો ગાતી અને ગવડાવતી. એક દીવસ તો સીડી ઉપર ‘નાચો નાચો મેરે મનકે મોર’ ગીત વગાડી પોતે કમ્મરે મોરના પીછાં ખોસી નાચવા લાગી. અને નાચતાં-નાચતાં જાણી જોઈને પડી ગઈ. રાધીકા એકદમ ઉભી થઈ ગઈ. એના લુલા પગમાં જાણે નવચેતન આવ્યું.

          આમ, ખુબ કાળજીથી, પેમથી અને બુદ્ધીપુર્વક મીના રાધીકાનો આત્મવીશ્વાસ જગાડવા લાગી. મુળમાં તો પોતાના પ્રત્યે કોઈક ધ્યાન આપે છે, પોતાના જીવનમાં કોઈક રસ લે છે, પોતે જાતે પણ કાંઈક ને કાંઈક કરી શકે છે, એમ અનુભવતાં રાધીકામાં નવો પ્રાણસંચાર થઈ રહ્યો હતો. એ પોતે પણ મીનાની ઝીણી ઝીણી કાળજી રાખતી થઈ હતી. મીના પોતે આગળ ભણતી પણ હતી, એટલે રાધીકા સાથે રમી કરીને એ જ્યારે પોતાનું વાંચતી કરતી હોય ત્યારે રાધીકા તેને જરીકે ખલેલ ન પહોંચાડતી. એટલું જ નહીં, એવે વખતે બીજું કોઈ આવે તોયે મોઢે આંગળી મુકી ચુપ રહેવાની નીશાની કરતી.

          વચ્ચે બે દીવસ મીનાને બહાર જવાનું થયું. જયાબહેનને રાધીકાની બરાબર કાળજી રાખવાનું કહીને એ ગઈ. પણજયા બહેનને ચાઈલ્ડ સાયકોલોજીના ક્લાસમાં જવાનું હતું અને તે પછી ક્લબમાંયે વાર્ષીક મેળાવડો હતો. મોટી દીકરીને ડાન્સના ક્લાસમાં જવાનું હતું એટલે રાધીકાને નોકર-ચાકરના હવાલે સોંપી બધાં બહાર જતાં રહ્યાં. રાધીકાએ તે દીવસે બીલકુલ ખાધું-પીધું નહીં. મમ્મી-પપ્પા ક્લબમાંથી રાતે બે વાગે આવ્યાં ત્યારે તે ઉંઘમાં હીબકાં લેતી હતી. માનું હૃદય ભરાઈ આવ્યું. પાસે સુઈને દીકરીને સોડમાં લીધી. રાધીકા માને વળગીને ખુબ રડી.

          બીજે દીવસે જયાબહેન આખો વખત ઘેર રહ્યાં. સાંજે મીના આવી ત્યારે રાધીકા માના ખોળામાં હતી. એ જોઈને મીનાને બહુ સારું લાગ્યું. તેણે જયાબહેનને થોડી પેટ છુટી વાતો કરી :

‘અપંગ બાળક સૌથી વધુ ભુખ્યું હોય છે પ્રેમનું. પોતે ઘરમાં અળખામણું નથી, વધુકું નથી, વણજોઈતું નથી, એવી એને ખાતરી થવી જોઈએ. તેનું મન પણ વિશેષ આળું હોય છે. લઘુતાગ્રંથીને કારણે નાની નાની વાતમાં તેનો અહં ઘવાય છે. રાધીકાને તેની બહેનો લંગડી કહેતી હોય છે. એમને વારવી જોઈએ’.

          ‘બહેન, આટલી નાની વયમાં તું આટલું બધું માનસશાસ્ત્ર ક્યાંથી સમજતી થઈ?’

          ‘જી …. … સ્વાનુભવે … … હું પણ આવી પોલીઓની દરદી હતી. મારાં માબાપે મને વીદેશી દમ્પતીને દત્તક આપી હતી. પણ એ પાલક માતપીતાએ મને ભરપુર પ્રેમ આપ્યો. ભણાવી ગણાવીને તૈયાર કરી મારો આત્મવીશ્વાસ જગાવ્યો. મોટી વયે જ્યારે જાણ્યું કે એ મારા જન્મદાતા માતાપીતા નથી, ત્યારે ધક્કો તો લાગ્યો, પણ એ લોકોએ મને પ્રેમથી તરબોળ કરી મુકીને મારું દુખ ભુલાવી દીધું. એ લોકોએ જ મને આ શીક્ષણ લઈને આપણા દેશનાં બાળકોને કાંઈક મદદરુપ થવા પ્રેરી … …’ કહેતાં કહેતાં મીનાની આંખો ભરાઈ આવી. ગળે ડુમો બાઝી ગયો.

જયાબહેન મમતાથી એના વાંસે હાથ ફેરવવા લાગ્યાં. રાધીકા  કાંઈ સમજી નહીં. છતાં એ પણ પાસે સરકી મીનાના પગે-હાથે હાથ ફેરવતી રહી.


(શ્રી નીમા  ઠાકરની મરાઠી વાર્તાને આધારે)     (વીણેલાં ફુલ – 8  પાના 25-26)

3 responses to “1065- સૌથી મોટી પથી – સીમ્પથી … હૃદય સ્પર્શી વાર્તા …..

  1. મનસુખલાલ ગાંધી જૂન 16, 2017 પર 9:25 પી એમ(PM)

    બહુ સુંદર વાર્તા,,

    Like

  2. mera tufan જૂન 26, 2017 પર 7:49 પી એમ(PM)

    Touching story. How some of your own can hurt. Sympathy was the right education.

    Like

  3. pragnaju જુલાઇ 29, 2017 પર 10:13 એ એમ (AM)

    ઍલોપથી,હોમીયોપથી,નેચરોપથી કરતા ઉતમ સીમ્પથી
    વાહ

    Like

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.