વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

Daily Archives: સપ્ટેમ્બર 7, 2012

(87) હસતા ચહેરા હવે દુર્લભ બની ગયા છે —લેખક કૃષ્ણકાંત ઉનડકટ (હાસ્ય યાત્રા-2 )

           

વિનોદ વિહારના બીજા નવા વર્ષે શરુ કરેલી હાસ્ય યાત્રા આગળ ચાલે છે.

આજની પોસ્ટમાં જાણીતા પત્રકાર અને ચિંતક શ્રી કૃષ્ણકાન્ત  ઉનડકટનો એક સુંદર લેખ ” હસતા ચહેરા હવે દુર્લભ બની ગયા છે ” એમના આભાર સાથે મુક્યો છે.  આશા છે એ આપને ગમશે.

કૃષ્ણકાંતભાઇ પત્રકારીત્વ ક્ષેત્રે બહોળો અનુભવ ધરાવે છે. હાલ તેઓ સંદેશ અમદાવાદ ખાતે એકઝીક્યુટિવ એડિટર તરીકે ફરજ બજાવે છે.એમની લોક પ્રિય કોલમ ચિંતનની પળે સંદેશની રવિવારની સંસ્કાર પૂર્તિમાં અને દૂરબીન કોલમ સંદેશની બુધવારની અર્ધ સાપ્તાહિક પૂર્તિમાં છપાય છે. એમનાં બે પુસ્તકો પ્રસિદ્ધ થઈ ચુક્યા છે ૧. ચિંતનની પળે અને ૨. ચિંતનને ચમકારે.


એમના પ્રેરક લેખો વાંચવા જેવા હોય છે.એમાં તેઓ એમની વાત સાચી અને સચોટ રીતે રજુ કરતા હોય છે.

—વિનોદ આર. પટેલ

_________________________________________________________

 

હસતા ચહેરા હવે દુર્લભ બની ગયા છે — (ચિંતનની પળે)  —લેખક શ્રી.કૃષ્ણકાંત ઉનડકટ 

હજી આંખમાં જાણે ફરકે છે કોઈ, હજી મીઠું શરમાઈ મરકે છે કોઈ,
 
વિખૂટાં પડયાં તોય લાગે છે ‘ઘાયલ’, હજી પણ રગેરગમાં સરકે છે કોઈ.
 
– અમૃત ઘાયલ

બેપ્રકારના લોકોનો ક્યારેય ભરોસો ન કરવો.એક જે ક્યારેય હસતા ન હોય અને બીજા જે દરેક વાતમાં હસતા હોય.આજે કોઈ વસ્તુની અછત હોય તો એ ‘સેન્સ ઓફ હ્યુમર’ની છે.હાસ્યનો જ્યારે દુકાળ પડે છે ત્યારે માણસના ચહેરા પર ન દેખાય એવી તિરાડો ઉપસી આવે છે.જિંદગીને લોકો એટલી બધી ગંભીરતાથી લેવા માંડયા છે કે જિંદગીમાંથી હાસ્ય ગુમ થતું જાય છે.
 
તમે વિચાર કરી જોજો કે આજે આખા દિવસ દરમિયાન તમે કેટલી વાર હસ્યા હતા?આપણે કેમ કોઈ વસ્તુ હળવાશથી લઈ શકતા નથી?આજના સમયની જો કોઈ કોમન કમ્પ્લેન હોય તો એ છે કે ક્યાંય મજા નથી આવતી.મજા જો અંદર નહીં હોય તો એ ક્યારેય બહારથી આવવાની નથી.તમારે તમારા લોકોને મજામાં રાખવા છે? તો પહેલાં તમે મજામાં રહો. તમે જેવું ઇચ્છતા હો એની શરૂઆત તમારે જ કરવી પડે.
 
માણસ જેમ જેમ આધુનિક બનતો જાય છે એમ એમ એનું હસવાનું ઘટતું જાય છે.માણસને હવે હસવા માટે પણ એસએમએસ અને કોમેડી શોની જરૂર પડવા લાગી છે.આપણું હસવું હવે આપણાં હાથની વાત નથી.હસવા માટે આપણને કશાકનો આધાર જોઈએ છે. વાહિયાત કોમેડી શો જોઈને આપણે હસવાનો ધરાર પ્રયત્ન કરીએ છીએ. હાસ્ય પણ હવે નેચરલ રહ્યું નથી.જો આવું જ ચાલ્યું તો એક દિવસ ગલગલિયાં કરવાં માટે પણ એક્સપર્ટ્સ હાજર હશે. ચાર્જ લઈને એ તમને ગલગલિયાં કરશે. હસવું ચાર્જેબલ થતું જાય છે.
 
લોકોને હવે કોમેડી ફિલ્મ વધુ ગમવા લાગી છે.લોકો એવી વાત કરે છે કે આપણી ઉપાધિઓ કયાં ઓછી છે કે ફિલ્મ જોઈને કાલ્પનિક ઉપાધિઓ વહોરી લેવી!એના કરતાં કોમેડી ફિલ્મ જોવી સારી.મગજ ઘરે મૂકીને જ જવું ! કેવું છે,આપણને હવે હસવા માટે પણ મગજને ક્યાંક બીજે મૂકવાની જરૂર લાગવા માંડી છે.મગજ જો બોલી શકતું હોત તો કદાચ એ પણ એવું કહેતું હોત કે સારું છે તમે મને થોડો સમય રેઢું મૂકો છો, હું પણ થાકી જાઉં છું.
 
મગજની વાત નીકળે ત્યારે આપણે એવી વાતો સાંભળીએ છીએ કે માણસ એના મગજનો બહુ ઓછો ઉપયોગ કરે છે. આઈન્સ્ટાઈન કેટલા ટકા મગજનો ઉપયોગ કરતા હતા તેનાં ઉદાહરણો આપીએ છીએ. સવાલ એ નથી કે આપણે મગજનો કેટલો ઉપયોગ કરીએ છીએ,સવાલ એ છે કે આપણે મગજનો કેવો ઉપયોગ કરીએ છીએ. આપણે મગજનો જેટલો ઉપયોગ કરીએ છીએ એટલો બરાબર કરીએ છીએ?મગજના ઉપયોગની ટકાવારીની વાત સાંભળીને એક મિત્રએ કહ્યું કે સારું છે આપણે મગજનો ઓછો ઉપયોગ કરીએ છીએ.આટલા ઉપયોગ પછી પણ આવી હાલત છે તો મગજના પૂરતાં ઉપયોગ પછી શું થાત? કદાચ મગજ જ ફાટી જાત.
 
માણસ બધી વસ્તુમાં ‘ગોલ’નક્કી કરે છે.મારે આટલું હાંસલ કરવું છે.મારે આટલું કમાવવું છે, મારે અહીં પહોંચવું છે.સાથોસાથ હવે માણસે એ પણ નક્કી કરવાની જરૂર છે કે મારે જિંદગીમાં આટલું હસવું છે.જિંદગીમાં મને આટલી હળવાશ જોઈએ છે.ધરાર ભારે રહેવાનો કોઈ મતલબ નથી.દુઃખી રહેવું ફરજિયાત નથી.આખી દુનિયામાં ઘણી જાતની સૂચનાઓનાં બોર્ડ લગાવેલાં હોય છે પણ ક્યાંય એવું બોર્ડ હોતું નથી કે અહીં હસવાની મનાઈ છે. આપણે તો હસવાનું હોય ત્યાં પણ સોગિયાં મોઢાં કરીને બેઠાં હોઈએ છીએ. હાસ્યના કાર્યક્રમમાં પણ કેટલા લોકો ખડખડાટ હસી શકે છે?બધાં એવું વિચારે છે કે આપણે કેવા લાગીએ? યાદ રાખો,હસવાથી કોઈ ક્યારેય ખરાબ લાગતું નથી. હાસ્ય તો યુનિવર્સલ છે. હાસ્યની ભાષા એક જ છે.
 
લાઈફ ઇઝ નોટ સીરિયસ બિઝનેસ. પણ આપણને બધું તલવારના જોરે મેળવવાની આદત પડી ગઈ છે. જાણે હસશું તો કંઈક લૂંટાઈ જશે. સ્ટ્રીક્ટનેસ એ જિંદગીની લાક્ષણિકતા બની ગઈ છે. ક્યાંક કશી મોકળાશ છે જ નહીં એટલે જ આપણને હવે દરેક વસ્તુનો થાક લાગે છે. માણસને ઊંઘથી પણ આરામ મળતો નથી. સવારે ઊઠીએ ત્યારે પણ આપણને થાક વર્તાય છે.આપણે ઊંઘને દોષ દઈએ છીએ, કારણ કે આપણને પોતાની જાતને દોષ દેતાં આવડતું જ નથી. રાતે હસીને ન સૂઈએ તો સવાર ઉદાસ જ ઊગવાની છે.
 
બાળકને જોજો,એ ઊંઘમાં પણ હસતું હશે.આપણે ઊંઘમાં પણ કણસતા હોઈએ છીએ.આપણાં સપના પણ બિહામણાં બની ગયાં છે.જે જાગતી અવસ્થામાં હળવો નથી રહી શકતો તેની ઊંઘ પણ ભારે હોય છે.માણસ પોતાની જાત સાથે જીવવાનું ભૂલતો જાય છે. આપણે આપણી સાથે જીવીએ છીએ? તેનો જવાબ ના છે. આપણે મોબાઈલ અને લેપટોપ સાથે જીવવા લાગ્યા છીએ.કુદરતથી દૂર થતાં જઈએ છીએ.આપણને હવે દરેક વાતની સીડી જોઈએ છે,પેનડ્રાઈવ જોઈએ છે.આપણને હવે બીજી વસ્તુઓ ડ્રાઈવ કરે છે.આપણું સ્ટિયરિંગ આપણાં હાથમાં જ નથી.સ્માઈલિંગ ફેઈસ પણ હવે ડિજિટલાઇઝ્ડ બની ગયા છે. ગોળ પીળો ચહેરો આપણે એટેચ કરીને હેવ ફનનો મેસેજ કરી દઈએ છીએ.હાસ્યનો ચહેરો પીળો હોય?કોઈ હસતી વ્યક્તિના ચહેરા પર તમે પીળાશ જોઈ છે? હાસ્યનો ચહેરો તો ગુલાબી હોય.
 
તમે રોડ પર પસાર થતાં કે તમારી સાથે કામ કરતાં લોકોના ચહેરા પર નજર કરજો, કેટલાં લોકોના ચહેરા પર હાસ્ય હોય છે?ઉદાસી અને ઉપાધિ એ આજના સમયની સૌથી મોટી સમસ્યા છે. માણસના ચહેરાની ચામડી જડ થતી જાય છે.એક માણસ બ્યુટિશિયન પાસે ગયો.તેણે કહ્યું કે મારો ચહેરો તંગ થતો જાય છે, મારી સ્કિન ખેંચાય છે. ફેઈસ ડેડ લાગે છે. બ્યુટિશિયને હસીને કહ્યું કે, તમારે એક જ કામ કરવાનું છે. હસવાનું થોડુંક વધારી દો.
 
ડિપ્રેશનનું સૌથી મોટું લક્ષણ કયું છે? જે માણસ ડિપ્રેશનમાં હોય એ હસી શકતો નથી. તેના ચહેરા પરથી હાસ્ય જાણે અલોપ થઈ ગયું હોય છે.બીજી રીતે એમ પણ કહી શકાય કે જે હસતો નથી એના ડિપ્રેશનમાં જવાના ચાન્સીસ સૌથી વધુ રહે છે. તમારે તમારી જિંદગીને નેચરલ રાખવી છે તો હસતાં રહો.
 
કેવું છે?માણસને રડવું તરત આવી જાય છે અને હસવા માટે મહેનત કરવી પડે છે.તમારે જો હસવા માટે મહેનત કરવી પડતી હોય તો યાદ રાખજો કે તમારી જિંદગીમાં કંઇક ખૂટે છે.હવે તો માણસ હસવાનું પણ કોઈને સારું લગાડવા માટે કરે છે.માણસ હવે ખોટું હસતા શીખવા લાગ્યો છે.સાચું હસવાનું ભૂલી ગયેલા માણસ કેટલી વાર ખોટું હસતો હોય છે. ઘણા માણસોના તો હાસ્યમાં પણ રમત હોય છે. એટલે જ આપણે કહીએ છીએ કે તેના હસવા ઉપર ન જતો,એના હાસ્ય પાછળ છૂપી ક્રૂરતા છે.હસવાનું નાટક કરવું એ સૌથી મોટું પાપ છે. આપણે જ્યારે હસતાં હોઈએ છીએ ત્યારે ખરેખર હળવા હોઈએ છીએ?પાર્ટીઓમાં અને મિટિંગમાં આપણે હસવાના કેટલા નાટક કરતાં હોઈએ છીએ?આવી રીતે હસતાં લોકો કરતાં તો ઉદાસ લોકો કદાચ વધુ નેચરલ હોય છે. કમસે કમ એ પોતાની ઉદાસી છુપાવતા તો નથી.
 
હાસ્યને કૃત્રિમ ન બનાવો.જે કંઈ કોસ્મેટિક છે એ નેચરલ નથી. જેણે મેકઅપ કર્યો હોય એ દેખાઈ આવે છે. એવી જ રીતે ખોટું હાસ્ય પણ પકડાઈ જતું હોય છે. જે પોતાની જાત સાથે જીવી શકે છે એ જ ચહેરા ઉપર સાચું હાસ્ય ઉત્પન્ન કરી શકે છે. તમને જિંદગીથી ભાર લાગે છે? તો એક કામ કરજો, હસવાનું થોડુંક વધારી દો. અને હા ખરાં દિલથી હસજો, હળવાશ લાગશે. યાદ કરો તમે છેલ્લે ખડખડાટ ક્યારે હસ્યા હતા? છેલ્લે ક્યારે હસી હસીને તમારી આંખમાં પાણી આવી ગયાં હતાં? હસવાથી આંખોમાં પાણી આવી જાય ત્યારે જ આપણે ખરા અર્થમાં છલોછલ અને તરબતર હોઈએ છીએ. હાસ્ય તો ચહેરાની ખરી ચમક છે. હસશો નહીં તો ચહેરા ઉપર પણ કાટ લાગી જશે.
 
છેલ્લો સીન :
 
પ્રસન્નતા વસંતની જેમ હૃદયની બધી કળીઓને ખીલવી જાય છે. -મેપોલ
 
_____________________________________________________
 
(આ અગાઉ વિનોદ વિહારમાં પોસ્ટ કરવામાં આવેલો એમનો બીજો સુંદર લેખ (66) જે પરિસ્થિતિને બદલી ન શકો
 
તેને સ્વીકારી લો  લેખક-શ્રી કૃષ્ણકાંત ઉનડકટ પણ લેખ ઉપર ક્લિક કરીને વાંચો.)
 
 
(ઈન્ટરનેટ પર શ્રી કૃષ્ણકાન્તભાઈના બ્લોગ ચિંતનની પળે    ઉપર વાચકો એમના ઘણા પ્રેરક લેખો વાંચી શકશે.)
_____________________________________________________________
 
           Some Quotes on Humor- Laughter
 
 
હરીન્દ્ર દવેની એક અદ્‍ભૂત ગઝલ
વરસવાનું
 તરસવાનું
અમસ્તાં જવાનું
 ખસી જવાનું
 વસવાનું
અને
હસતા રહેવાનું …
 
-હરીન્દ્ર દવે
___________________________
 
 મોતને પણ હસીને હસાવો.

મજા જિંદગી છે હસો ને હસાવો,

 પ્રણયગાનના સૂર ઉરથી વહાવો.
 
વહી જાય તો કાળ પાછો ન આવે,
 લઈ લો ને જીવન તણો સર્વ લ્હાવો.
 
અનીતિ ને નીતિ છે જૂઠું બધુંયે,
 બધાં બંધનો એહ દૂરે ફગાવો.
 
જુઓ આસપાસે ચમનમાંહીં ફૂલો,
 ખીલ્યાં એવી ખૂશબોને અંતર જગાવો.
 
ભરી છે મજા કેવી કુદરત મહીં જો,
 જિગર-બીન એવું તમેયે બજાવો.
 
ભૂલી જાઓ દુ:ખો ને દર્દો બધાંયે,
 અને પ્રેમ-મસ્તીને અંતર જગાવો.
 
ડરો ના, ઓ દોસ્તો! જરા મોતથીયે,
 અરે મોતને પણ હસીને હસાવો.
 
– કવિ ભાનુશંકર વ્યાસ ’બાદરાયણ’

“A good laugh is  sun shine in a house .”   …………      Dr.Wilde

“Laughter is the shortest distance between two people “.Victor Borge                 

___________________________________________________________

છેવટે, નીચેની વિડીયોની લિંક ઉપર ક્લિક કરી, જીસસ ક્રાઈસ્ટની  રમુજી હરકતો જોઇને ખુબ હસી લો.

 

(આભાર – શ્રી દિલીપ સોમૈયા – એમના ઈ-મેલમાં આ હાસ્ય સભર વિડીયોની લીંક મોકલવા માટે )