વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

Daily Archives: સપ્ટેમ્બર 28, 2012

( 97 ) રાષ્ટ્રીય શાયર સ્વ.ઝવેરચંદ મેઘાણીની ૧૧૬મી જન્મ જયંતીએ એક સ્મરણાંજલિ

Zaverchand Meghani-Painting- Artist Late Ravishankar Raval-1947

આપણી ગરવી ગુજરાતી ભાષાના સમર્થ કવિ, લોક લાડીલા લોક-સાહિત્યકાર અને રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીએ  જેમને રાષ્ટ્રીય શાયરનું બિરુદ આપ્યું હતું એવા શ્રી ઝવેરચંદ મેઘાણીની ૧૧૬મી જન્મ જયંતીની ઉજવણી ઓગસ્ટ માસમાં અનેક સંસ્થાઓ દ્વારા કરીને એમને અંજલી આપવામાં આવી.

૧૭મી ઓગસ્ટ,૧૮૯૭માં,ચોટીલા ,જી.સુરેન્દ્રનગરમાં એક સામાન્ય કુટુંબમાં જન્મેલ શ્રી મેઘાણીએ તા.૯મી માર્ચ,૧૯૪૭ના રોજ એમની ફક્ત ૫૦ વર્ષની ઉમરે હૃદય રોગના હુમલામાં બોટાદ,(જીલ્લો ભાવનગર) ખાતે એમનો પાર્થિવ દેહ છોડ્યો હતો.

ફક્ત ૫૦ વર્ષના ટૂંકા આયુષ્યમાં એમણે ઉદાહરણીય કર્મશીલ જીવન જીવી બતાવીને જે મબલખ અને અમુલ્ય

સાહિત્યનું સર્જન કર્યું એ એક અજાયબી પમાડે એવો ઇતિહાસ છે.

સ્વ.મેઘાણી એક લોકપ્રિય કવિ હોવા ઉપરાંત,સારા પત્રકાર,વાર્તાકાર,નવલકથાકાર,સ્વંત્રતા

સેનાની,લોક સાહિત્યકાર વગેરે અનેક ક્ષેત્રોમાં એમણે એમની પ્રતિભાનાં  દર્શન કરાવ્યાં હતાં.

શ્રી મેઘાણી અને એમના સર્જનનો  સવિસ્તર પરિચય

વિકિપીડિયાની આ લીંક ઉપર  જઈને મેળવો.

મેઘાણી એક સમર્થ લોક સાહિત્યકાર  

હું હાઈસ્કુલમાં અભ્યાસ કરતો હતો ત્યારે ઝવેરચંદ મેઘાણી મારા એક પ્રિય લેખક હતા.લાઈબ્રેરીમાંથી સૌ પ્રથમ  એમની સૌરાષ્ટ્રની રસધારની વાર્તા શ્રેણીના બધા જ ભાગ લાવીને મેં રસથી વાંચી નાખેલા.એક ગામડામાંથી શહેરમાં અભ્યાસ કરવા આવેલો હું વિદ્યાર્થી હતો એટલે  એમની વાર્તાઓનું ગામઠી વસ્તુ અને વર્ણન મને બહું ગમતું.આ વાર્તાઓમાંથી  પ્રેરણા પામી મેં થોડી આ પ્રકારની વાર્તાઓ લખવા માટે હાથ પણ અજમાવેલો  એ અત્રે યાદ આવે છે.

આજની પોસ્ટમાં મેઘાણીના લોક પ્રિય પુસ્તક સૌરાષ્ટ્રની  રસધાર ભાગ-૧ માંથી  સૌને  ગમે એવી એક વાર્તા-આનું

નામ  તે ધણી-નો વાચકોને  મેઘાણી સાહિત્યનો સાસ્વાદ  કરાવવા માટે મુકેલ છે.મને આશા છે આપને એ ગમશે.

સંકલન- વિનોદ આર. પટેલ ,સાન ડિયેગો.

___________________________________________

આનું નામ તે ધણી – (વાર્તા )  સ્વ.ઝવેરચંદ મેઘાણી

દિવાળીના નવા દિવસો હતા. વડોદ ગામની ખળાવાડમાં ખળાં મસળી-ઊપળીને તૈયાર થાતાં હતાં. જગા પટેલની વહુ-દીકરીઓ દાણા વાવલતી નવાં લૂગડાં અને ઘરેણાંના મનોરથમાં મહાલતી હતી. ટાઢા-ટાઢા વાવડા વાતા હતા. તેમાં મોતી જેવા દાણા ભૉં માથે વરસતા હતા અને વાવલનારીઓની ચૂંદડીઓના છેડા ફરકતા હતા.

શિયાળાની તડકીમાં ચળકતો, મૂઠી ફાટે તેવો બાજરો ખળમાં પડ્યો છે. જગો પટેલ પોતાના બાજરાના ગંજ સામે મીટ માંડીને જોઈ રહ્યા છે. લીલવણી બાજરો એની નજરમાં સમાતો નથી. પ્રભાતને પહોર એને પાપનો મનસૂબો ઊપડ્યો છે. એ વિચાર કરે છે કે ‘ઓહોહો ! મહેનત કરી-કરીને તૂટી ગયા મારા ભાઈયું : આ બાજરો પાક્યો અમારે પરસેવે : અને હવે ઠાલા મફતના દરબાર પોતાનો રાજભાગ લઈ જશે !’ વળી થોડીક વાર થંભી ગયા, બાજરા સામે ટાંપી રહ્યા. ફરી વાર પેટમાંથી કૂડ બોલ્યું : ‘રાતમાં એકાદ ગાડી બાજરો ભરીને ઘરભેળો કરી દઉં તો એટલો મારો સુવાંગ રે’શે, રાજભાગમાં નહિ તણાઈ જાય.’

અરધી રાતનો ગજર ભાંગ્યો એટલે પોતાના ભાઈ તથા સાથીને લઈને પટેલે ખળામાંથી બાજરાનું ગાડું ભર્યું. ભૂદેવો જેમ તરપિંડી જમતી વખતે પોતાની હોજરીનું ભાન રાખતા નથી, તેમ જગા પટેલે પણ લોભે જઈ ગાડામાં હદ ઉપરાંત બાજરો ભર્યો અને પાછલી રાતના ગાડું જોડી ઘર ભણી ચાલ્યા. સાથી ગાડું હાંકતો હતો; પોતે ગાડાની આગળ ચાલતા હતા; અને તેમના ભાઈ ગાડાની પાછળ ચાલતા હતા.

ગામનાં પાદર ઢૂકડાં આવતાં હદ ઉપરાંત ભારને લીધે ગાડાની ધરી ગુડિયામાંથી નીકળી ગઈ; અને ગાડાનું પૈડું ચાલતું અટકી પડ્યું. જગો પટેલ મૂંઝાણા. ત્રણેય જણાએ મળી મહેનત તો કરી. પણ ગાડું ઊંચું થયું નહિ. ધણીની ચોરી એટલે કોઈને મદદે બોલવવા જાય તો છતરાયું થઈ જાય; તેમ પાછળ ખળું પણ છેટું ગયું એટલે ગાડું પાછું ખાલી પણ કરી શકાય નહિ. આમ જગા પટેલને સાપે છછુંદર ગળ્યા જેવું થયું. સવાર પડશે – અજવાળું થશે – તો ફજેતો થશે, એવી બીકમાં હાંફળાફાંફળા થતા જગો પટેલ કોઈ વટેમાર્ગુની વાટ જોવા માંડ્યા. એવામાં ઈશ્વરને કરવું તે એના જ દરબાર – જેની ચોરી હતી તે – ગજાભાઈ ગોહિલ જ પરોઢિયામાં પોતાના હંમેશના નિયમ પ્રમાણે જંગલ જવા સારું હાથમાં પાણીનો કળશિયો લઈ નીકળ્યા. ટાઢ પડતી હતી એટલે દરબારે મોઢે બોકાનું બાંધેલું હતું. ફક્ત દરબારની આંખો જ બહાર તગતગતી હતી.

જેવા દરબાર જગા પટેલના ગાડા પાસેથી નીકળ્યા તેવા જ જગા પટેલે, ગરજવાનને અક્કલ ન હોય એ હિસાબે, દરબારને કોઈ વટેમાર્ગુ ધાર્યા અને મનમાં વિચાર્યું કે આ આદમી અજાણ્યો હોવાથી ગામનાને ખબર નહિ પડે કે હું બાજરો છાનોમાનો લઈ જાઉં છું. એવું ધારીને પોતે ઉતાવળા ઉતાવળા બોલ્યા કે ‘એ જુવાન ! જરાક આ ગાડું સમું કરાવતો જા ને.’
અંધારું, ગભરામણ અને દરબારે મોઢે બોકાનું બાંધેલ; એટલે જગા પટેલે તો દરબારને ન ઓળખ્યા; પણ દરબારે જગા પટેલને ઓળખી લીધા. દરબાર સમજી ગયા કે ‘મારા રાજભાગનો બાજરો આપવો પડે એ ચોરીએ પટેલ છાનુંમાનું ગાડું ભરી લઈ જાય છે.’ પરંતુ દરબારે વિચાર કર્યો કે હું ઓળખાઈ જઈશ તો જગા પટેલ જેવો માણસ ભોંઠો પડશે – શરમાશે. માટે પટેલ પોતાને ન ઓળખે એવી રીતે નીચું જોઈ ગાડાને કેડનો ટેકો દઈ પૈડું ઊંચું કરાવ્યું, એટલે પટેલ ધરી નાખી ગાડું ચાલતું કરી રાજી થતા ઘર ભણી હાંકી ગયા.

‘હશે ! હોય ! બિચારા રાતદિવસ ટાઢતડકો વેઠી મહેનત કરીને કમાય અને સારો દાણો ભાળીને એનું મન કદીક બગડે તોયે શું થઈ ગયું ! એ પણ આપણી વસ્તી છે ને !’ આમ વિચારતા વિચારતા દરબાર ચાલ્યા ગયા.

આ વાત બન્યા ને આશરે છ એક માસ થયા હશે. દરબારના દરિયાવ દિલમાં ઉપરની વાતનું ઓસાણ પણ નથી. એવે સમયે દરબારમાં મહેમાનો આવેલા. હવાલદાર મહેમાનો સારું ખાટલા-ગોદડાં લેવા જગા પટેલને ત્યાં ગયો. પટેલે હા-ના કરવાથી હવાલદારે જગા પટેલને કાંઈ કડવું વચન કીધું. એટલે પટેલને રીસ ચડી. પોતે બોલ્યા કે ‘મારે આવા દરબારના ગામમાં રહેવું જ નથી.’

હવાલદારે પણ તોછડાઈથી કીધું કે ‘ત્યારે શીદને પડ્યો છો ? તને ક્યાંય બીજે મળતું નથી ? હાલ્યો જા ને !’

એટલે જગા પટેલ ને પગથી માથા સુધી ઝાળ લાગી ગઈ. દુભાઈને રાતે ગાડામાં ઉચાળા ભર્યા. દરબારને આ વાતની કશી ખબર પણ નથી. પણ વળતે દિવસે સવારે દરબાર ડેલીએ ડાયરો કરી બેઠા છે, ત્યાં જગા પટેલ પોતાના બાળબચ્ચાં, રાચરચીલું અને ઢોરઢાંખર લઈ ગાડાં ભરી ડેલી પાસેથી નીકળ્યા. ગામનાં માણસો એમને વારવા-મનાવવા મંડ્યા, પણ પટેલ તો વધારે જોર કરવા માંડ્યા. દરબારને ખબર પડી, એટલે દરબારે પણ ચોપાટમાંથી નીચે ઊતરી જગા પટેલને ખૂબ સમજાવ્યા અને કારણ પૂછ્યું. જગા પટેલે ખિજાઈને કહ્યું કે ‘દરબાર ! અમારી વહુઓ આણામાં બે સારાં ગોદડાં લાવી હોય છે તેય અમે વેઠે કાઢી દઈએ, અમે ગાભા ઓઢીને આવી ટાઢમાં સૂઈ રહીએ, તોય તમારો ત્રણ દોકડાનો અમને હડબડાવે ! ફફડાવે ! એ અમને નથી પરવડતું.’

દરબારે સબૂરીથી આખી વાત જાણી લીધી. ઘણા દિલગીર થયા. હવાલદારને સજા કરી, અને પટેલને કહ્યું કે ‘બાપ ! તમે મારાં સોનાનાં ઝાડવાં છો. માફ કરો અને પાછા વળો.’

પરંતુ જગો પટેલ કોઈ રીતે સમજ્યા નહિ. એટલે દરબારે જગા પટેલના પડખે ચડી કાનમાં કીધું કે ‘પટલ ! જાવ તો ભલે જાવ; પણ જે ધણી કેડનો ટેકો દઈને બાજરાનું ભરતિયું વળાવે, તેવો ધણી ગોતજો, હો !’

આટલું કહી દરબાર તો ચાલ્યા ગયા. પણ આંહીં પટેલના હાડોહાડમાં ધ્રુજારો છૂટ્યો. પટેલથી કાંઈ બોલાયું નહિ. મનમાં એક જ વાત બોલાઈ ગઈ કે ‘આનું નામ તે ધણી ! જે ધણીની મેં ચોરી કરી હતી, તે જ ધણી ચોરીમાં મદદ કરે અને મારી આબરૂને ખાતર મને તો માફ તો કરે, પરંતુ એ વાતમાંયે હું ભોંઠો પડું એ દયાથી મને ખાનગીમાં પણ ઠપકો દે નહિ ! અરે, આવો ધણી મને બીજે ક્યાં મળે ?’ એમ વિચારીને પટેલે ગાડાં ફેરવ્યાં.

(તેના વંશજો હાલ પણ આ ગામમાં રહે છે. આ વાતને આશરે પોણાસો વર્ષ થયાં હશે.- ઈ.સ. 1923 ની સાલમાં)

[ ‘સૌરાષ્ટ્રની રસધાર ભાગ-1’ માંથી સાભાર ]

___________________________________________

મેઘાણીનું એક જાણીતું લોકગીત-ચારણ કન્યા

અભિષેક બ્લોગના આભાર સાથે નીચેની લીંક ઉપર આ ગીત વાંચવાનો અને સુંદર સ્વરે ઓડિયો ઉપર સાંભળવાનો

આનંદ લ્યો .આ ગીતમાં સ્વ.મેઘાણીની કવિત્વ પ્રતિભાનાં દર્શન થશે.

ચારણ કન્યા — ઝવેરચંદ મેઘાણી  

અભિષેક બ્લોગ : ચારણકન્યા – ઝવેરચંદ મેઘાણી

___________________________________________

ઝવેરચંદ મેઘાણી વિષે એક સુંદર સચિત્ર વેબ સાઈટ

સ્વ.ઝવેરચંદ મેઘાણીના સમગ્ર જીવનને આવરી લેતી  પુષ્કળ માહિતી અને અનેક તસ્વીરો ,જાણીતા ચિત્ર  કલાકારોએ દોરેલાં એમનાં આબેહુબ ચિત્રો વિગેરે પુષ્કળ દસ્તાવેજી માહિતી આ વેબ સાઈટમાં મુકવામાં આવી છે.વાચકોને એની મુલાકાત લેવા ભલામણ છે.

JHAVERCHAND  MEGHANI 

http://www.jhaverchandmeghani.com/

આ વેબ સાઈટમાં મેઘાણીના દુખદ અવસાન પછી મહાત્મા ગાંધીજીએ એમને જે અંજલિ એ મુકવામાં આવી છે

એને  નીચે વાંચો.

ગાંધીજી ઉપરાંત સરદાર વલ્લભભાઈ ,કાકા કાલેલકર,રવિશંકર મહારાજ,ઉમાશંકર જોશી જેવા અનેક

મહાનુભાવોએ આપેલ અંજલિઓ (Tributes) એમાં સામેલ છે.

કવિ દુલા ભાયા કાગે નીચેનો દોહરો રચી અંજલી આપી હતી.

છ્ન્દાં ગીતાં ને સોરઠાં , સોરઠ સરવાણી,

એટલાં રોયાં રાતે આંસુએ, આજ મરતા મેઘાણી.

______________________________________

આ પોસ્ટને અંતે  સ્વ. ઝવેરચંદ મેઘાણીના સૌને બહુ ગમતા એક ગીતને નીચેના વિડીયોમાં માણીએ 

અને એમને સ્મરણાંજલિ આપીએ.  

હો રાજ મને લાગ્યો કસુંબીનો રંગ