વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

( 228 ) દુઃખ પણ જવા માટે જ આવતું હોય છે : ચિંતનની પળે – કૃષ્ણકાંત ઉનડકટ

ફૂલો કા ખેલ હૈ, કભી પત્થર કૈ ખેલ હૈ, ઈન્સાન કી જિંદગી તો મુકદર કા ખેલ હૈ,

હમ જિસકો ઢૂંઢતે હૈ ઝમાને મેં ઉમ્રભર, વો જિંદગી તો અપને હી અંદર કા ખેલ હૈ..

– રાજેશ  રેડ્ડી

એક શહેનશાહ હતો. દુઃખ હોય કે સુખ, એને સતત ભય લાગતો હતો કે હવે શું થશે? સુખમાં હોય ત્યારે એને થતું કે આ સુખ ચાલ્યું જશે તો? દુઃખમાં હોય ત્યારે ડર લાગતો કે આ દુઃખ ક્યારેય ખતમ જ નહીં થાય તો? આ ઉપાધિનું શું કરવું એની શહેનશાહને સમજ પડતી ન હતી. આખરે તેને વિચાર આવ્યો કે મારા દરબારમાં કેટલાં બધાં બુદ્ધિરત્નો છે, એ ક્યારે કામ આવશે? ચાલો તેને જ કહું કે મને આ મુશ્કેલીનો માર્ગ શોધી આપે.

દરબાર ભરીને શહેનશાહે ફરમાવ્યું કે મને એક એવી વીંટી જોઈએ છે જે દુઃખમાં મને દિલાસો આપે અને સુખમાં મને છકી જતા રોકે, આવી વીંટી ક્યાંથી લાવવી? બધા દરબારીઓ મૂંઝાયા. કોઈને કંઈ રસ્તો સૂઝતો ન હતો. એવામાં જ એક ફકીર ફરતો ફરતો દરબારમાં આવી ચડયો. બધાને દ્વિધામાં જોઈ તેણે કારણ પૂછયું. વીંટીની વાત નીકળી તો એ હસવા લાગ્યો. તેણે કહ્યું કે બસ આટલી જ વાત છે? તે શહેનશાહ પાસે ગયો અને કહ્યું કે તમારી વીંટી આપો. શહેનશાહે હાથની આંગળીમાંથી વીંટી કાઢીને આપી. ફકીરે આ વીંટી ઉપર કંઈક લખ્યું અને પાછી શહેનશાહને પહેરાવી દીધી. વીંટીમાં માત્ર એટલું જ લખ્યું હતું કે આ પણ વહ્યું જશે.

ફકીરે કહ્યું કે સુખ કે દુઃખ કંઈ જ કાયમી નથી. સુખ હોય ત્યારે વિચારજો કે આ પણ ચાલ્યું જવાનું છે એટલે તમે છકી નહીં જાવ અને દુઃખ હોય ત્યારે પણ વિચારજો કે આ પણ ચાલ્યું જવાનું છે એટલે તમે હતાશ નહીં થાવ. માણસ ગમે તે સ્થિતિમાં હોય, એ ભય હેઠળ જ જીવતો રહે છે. ખાસ તો દુઃખ આવે કે તરત જ માણસ ફફડી જાય છે. હાય હાય હવે શું થશે? મને તો કોઈ રસ્તો જ સૂઝતો નથી. કંઈ જ સારું થશે એવું લાગતું જ નથી. હા, જિંદગીમાં એવો સમય આવતો હોય છે જ્યારે માણસનું ક્યાંય ધ્યાન પડતું નથી. એવા સમયે ટકી રહેવા માટે માત્ર એક જ સૂત્ર અકસીર છે કે આ પણ ચાલ્યું જવાનું છે.

આપણે સુખને સાહજિક ગણી લઈએ છીએ પણ દુઃખને સહજ રીતે લઈ શકતા નથી. સુખને આપણે આપણો અધિકાર સમજીએ છીએ અને દુઃખનાં રોદણાં રડીએ છીએ. કેટલાંક દુઃખ કુદરતી હોય છે, જેમાંથી માણસે પસાર થવું જ પડે છે. દુનિયાનો દરેક માણસ ક્યારેક તો આવી અવસ્થા ભોગવતો જ હોય છે. તમે એ દુઃખનો કેવી રીતે સ્વીકાર કરો છો તેના પરથી જ તેની તીવ્રતા અને અસરકારકતા નક્કી થતી હોય છે. માથે હાથ દઈને રડવાથી કોઈ દુઃખ ચાલ્યું નથી જવાનું. જો એ વાત સાચી હોય કે દરેક દુઃખ ચાલ્યું જ જવાનું હોય છે તો પછી માથે હાથ દઈને રડવું શા માટે ? હસતા મોઢે એનો સામનો શા માટે ન કરવો?

દુઃખથી છૂટવાનાં ફાંફાં ઘણી વખત માણસને વધુ દુઃખ આપતાં હોય છે. શાણા લોકો કહે છે કે ખરાબ સમયને શાંતિથી પસાર થઈ જવા દેવો. કાચબો કેવું કરે છે? જ્યારે એને ભય લાગે ત્યારે તેનાં અંગો સંકોરી લે છે. આપણે સંકોરીએ છીએ? ના, આપણે તરફડીએ છીએ. માથાં પછાડીએ છીએ અને આપણા દુઃખને ગાયા રાખીએ છીએ. દુઃખને પસાર થઈ જવા દો. વાવાઝોડું આવે ત્યારે આપણે બહાર નીકળવાનું ટાળીને ઘરમાં બેસી રહીએ છીએ. વાવાઝોડાને પસાર થવા દઈએ છીએ. આપણને એ ખબર જ હોય છે કે આ વાવાઝોડું પૂરું થવાનું જ છે. દુઃખ પણ પૂરું થવાનું જ હોય છે. એ પસાર થવા માટે જ આવે છે, આપણે બસ એ ચાલ્યું જાય ત્યાં સુધી રાહ જોવાની હોય છે.

કુદરતી દુઃખ તો કુદરતી રીતે જ દૂર થઈ જતાં હોય છે પણ બધાં દુઃખ કુદરતી નથી હોતાં, કેટલાંક દુઃખો તો આપણે હાથે કરીને ઊભાં કરેલાં હોય છે. આ દુઃખથી દૂર રહેવા અને આવી પડયું હોય તો ટાળવા માટે જ સમજદારીની જરૃર રહે છે. આવા સમયે પણ માણસ છેવટે તો પોતાના નસીબને અથવા તો પોતાના લોકોને દોષ દેવાની વૃત્તિ જ રાખતા હોય છે. દુઃખ માટે બે વસ્તુ સૌથી જરૃરી છે, એક તો કોઈને દોષ ન દો અને બીજું કોઈ વાતનો અફસોસ ન કરો, કારણ કે આ બંનેથી કંઈ જ ફર્ક પડવાનો નથી.

માણસ સૌથી વધુ શેનાથી દુઃખી થાય છે? એક તો સરખામણી કરીને અને બીજું અપેક્ષાઓ રાખીને. તેની પાસે આટલું છે અને મારી પાસે નથી, એ આટલું બધું કરી શક્યો અને હું તો કંઈ કરી જ ન શક્યો. ઘણા તો પોતાની મેળે જ પોતાની જિંદગીને વ્યર્થ સમજી લ્યે છે. યાદ રાખો, કંઈ જ નકામું કે ફોગટ નથી. તમારી જિંદગીનો મતલબ છે અને તમારું સુખ તમારે જ નક્કી કરવાનું છે. અપેક્ષા ન રાખો, કારણ કે જેટલી તમે વધુ અપેક્ષા રાખશો એટલા જ વધુ દુઃખી થશો.

અત્યારે મોટા ભાગના દુઃખી લોકોનું જો કોઈ સૌથી મોટું કારણ હોય તો એ છે કે મેં બધાનું કર્યું પણ મારી કોઈને પડી નથી. મેં કર્યું એ બધા જ ભૂલી ગયા છે અને મને રેઢો મૂકી દીધો છે. એક બહેનની વાત છે એ ઘરમાં મોટી હતી. એક અકસ્માતમાં મા-બાપ ચાલ્યાં ગયાં. ભાઈ નાનો હતો. બધી જવાબદારી બહેન પર આવી પડી. તેને ભણવું હતું પણ જો ભણે તો ઘર કેમ ચાલે? ભાઈના ભવિષ્યનું શું? આખરે તેણે નક્કી કર્યું કે હું ભણવાનું છોડી કામ કરીશ. ભાઈને કહ્યું કે તું ભણ, હું તારા માટે મહેનત કરીશ. ભાઈને ભણાવ્યો. ભાઈની ખુશીથી જ એને આનંદ મળતો. ભાઈને સરસ નોકરી મળી ગઈ. ભાઈનાં લગ્ન થયાં. ભાઈ-ભાભી એની જિદગીમાં વ્યસ્ત થઈ ગયાં.

બહેનનાં પણ સામાન્ય ઘરમાં લગ્ન થયાં. જોકે બહેન પછી એક જ ફરિયાદ કરે કે મેં મારા ભાઈ માટે કેટલું બધું કર્યું અને હવે એ પોતાની જિંદગીમાં મસ્ત થઈ ગયો, મારો ભાવ પણ પૂછતો નથી. એક સમય તો એવો આવ્યો કે ભાઈનું સુખ પણ તેનાથી સહન નહોતું થતું. એ જલસા કરે છે અને અમે માંડ માંડ પૂરું કરીએ છીએ. બહેનનો પતિ સમજુ માણસ હતો. એક દિવસ તેણે કહ્યું કે તેં જે કર્યું એનું તને ગૌરવ કેમ નથી? તું તો ઊલટું અફસોસ કરે છે. અરે, ભાઈના સુખ માટે તો તેં બલિદાન આપ્યું હતું અને હવે એ સુખી છે તો તારાથી સહન કેમ નથી થતું? તારે તો ખુશ થવું જોઈએ કે તારે જે કરવું હતું એ તું કરી શકી. તારા ભાઈને શા માટે દોષ દે છે? આપણા પડકારો આપણા છે અને આપણે તેનો સામનો કરીશું. દુઃખી થઈને તો તું તારા ભાઈનું પણ ભલું ઇચ્છી નથી શકતી અને તું પોતે પણ ખુશ નથી રહી શકતી. આવું કહીને તો તું તેં જે કર્યું છે એના ઉપર પણ પાણી ફેરવે છે.

બદલા કે વળતરની અપેક્ષા ઓલવેઝ દુઃખી કરે છે. દરેક પાસે પોતાના સુખ પૂરતું હોય જ છે, કમનસીબી એ જ છે કે આપણું સુખ ક્યારેય આપણને પૂરતું લાગતું નથી. મોટાભાગે તો દુઃખ હોતું જ નથી, આપણે જ તેને ઓઢીને ફરતાં હોઈએ છીએ અને હા, દુઃખ હોય તોપણ ડરો કે ડગો નહીં, કારણ કે કંઈ જ કાયમી નથી. તમે ધારો તો સુખને કાયમી રાખી શકો. સવાલ એ છે કે તમે દરેક પરિસ્થિતિમાં તમારી જાતને સુખી સમજો છો? જો હા તો તમને કોઈ જ કે કંઈ જ દુઃખી કરી શકશે નહીં. બસ એટલું જ નક્કી કરો કે મારે દુઃખી નથી થવું.

છેલ્લો સીન : 

રાતે સૂર્ય ગુમાવવા બદલ તમે આંસુ વહાવશો તો તમે તારા પણ ગુમાવશો.

-રવીન્દ્રનાથ ટાગોર.

(આભાર -‘સંદેશ’, તા. 7મી એપ્રિલ, 2013. રવિવાર. સંસ્કાર પૂર્તિ, ચિંતનની પળે કોલમ)

____________________________________________________

આ અગાઉ વિનોદ વિહારમાં પોસ્ટ થયેલા શ્રી કૃષ્ણકાન્ત ઉનડકટના બીજા પ્રેરક લેખો

આ લીંક ઉપર વાંચો

Mother Teresa- Quote

4 responses to “( 228 ) દુઃખ પણ જવા માટે જ આવતું હોય છે : ચિંતનની પળે – કૃષ્ણકાંત ઉનડકટ

  1. pragnaju એપ્રિલ 25, 2013 પર 5:34 એ એમ (AM)

    આવા ચિંતન વિચારો શાંતીપ્રદ રહે છે…ગોયેન્કાજીનું ચિંતન

    વિશ્વ શાંતિ માટે આંતરિક શાંતિ આવશ્યક

    વિશ્વ શાંતિ માટે આંતરિક શાંતિ આવશ્યક, ગોયન્કાજીનું અંગ્રેજીમાં પ્રવચન – Real Video Format

    ૨૯ ઓગસ્ટ ૨૦૦૦ ના રોજ સંયુક્ત રાષ્ટ્રસંઘના જનરલ એસેમ્બલી હોલમાં સહસ્રાબ્દી વિશ્વ શાંતિ સંમેલનના પ્રતિનિધિઓની હાજરીમાં આચાર્ય ગોયન્કાજીએ આપેલા પ્રવચનનો ગુજરાતીમાં અનુવાદ

    મિત્રો, આધ્યાત્મિક અને ધાર્મિક જગતના નેતાઓ!

    આજે આપણે સૌને એકત્ર થઈને માનવતાની સેવા કરવાનો એક ઉત્તમ અવસર ઉપલબ્ધ થયોં છે. ધર્મ જો એકતા લાવે તો જ ધર્મ છે, ફાટફૂટ પાડે તો એ ધર્મ નથી.

    આજે અહીં કન્વર્ઝનના પક્ષમાં બહુ ચર્ચા થઈ. હું કન્વર્ઝનના પક્ષમાં છું, વિરોધમાં નથી. પરંતુ એક સંપ્રદાયમાંથી બીજા સંપ્રદાયમાં નહીં, પણ એના બદલે કન્વર્ઝન દુઃખથી સુખમાં, બંધનથી મુક્તિમાં, ક્રૂરતાથી કરુણામાં થવું જોઈએ. આજે આવા જ પરિવર્તનની જરૂરિયાત છે અને આ કારણગત આ મહાસભામાં પ્રયાસ કરવાનો છે.

    પ્રાચીન ભારતે વિશ્વની સમગ્ર માનવતાને શાંતિ અને સામંજસ્યનો સંદેશ આપ્યો. પણ માત્ર એટલું જ નહી. શાંતિ અને સામંજસ્ય પ્રાપ્ત કરવાનો ઉપાય પણ બતાવ્યો, વિધિ પણ આપી. મને એમ લાગે છે કે માનવ સમાજમાં જો સાચેમાં શાંતિ સ્થાપિત કરવી હોય, તો આપણે હરએક વ્યક્તિને મહત્વ આપવું પડશે. જો હરએક વ્યક્તિના મનમાં શાંતિ નહી હોય તો વિશ્વમાં વાસ્તવિક શાંતિ કેવી રીતે આવશે? જો મારું મન વ્યાકુળ હશે, હંમેશા ક્રોધ, વેર, દુર્ભાવના અને દ્વેષથી ભરેલું હશે, તો હું વિશ્વને શાંતિ કેવી રીતે પ્રદાન કરી શકું? આ કરી જ નહી શકાય કારણકે સ્વયં મારામાં શાંતિ નથી. એટલે જ સંતોએ અને પ્રબુદ્ધોએ કહ્યું છે કે, “શાંતિ પોતાની અંદર શોધો.” પોતાની અંદર સ્વયં નિરીક્ષણ કરીને જોવાનું છે કે શું સાચેમાં મારામાં શાંતિ છે. વિશ્વના બધા સંતો, સત્પુરુષો અને મુનિઓએ આ જ સલાહ આપેલી છે – પોતે પોતાની જાતને જાણો. એટલે કે કેવળ બુધ્ધીના સ્તર પર નહી, પણ જયારે પોતાની અનુભૂતિના સ્તર પર પોતાના વિષેની સચ્ચાઈને જાણીશું ત્યારે જીવનની સમસ્યાઓનું સ્વત: સમાધાન થતું જશે.

    આમ કરવાથી વ્યક્તિ સર્વવ્યાપી નિસર્ગના નિયમને, કુદરતના કાનૂનને, કે પછી કહો કે ઈશ્વરની ઈચ્છાને સમજવા લાગતો હોય છે. આ નિયમ બધાને લાગુ પડે છે. જો હું પોતાની અંદર નિરીક્ષણ કરીશ તો જોઇશ કે જેવો મનમાં કોઈ મેલ જાગે છે, તત્પર શરીરમાં એની પ્રતિક્રિયા અનુભુત થવા લાગે છે. શરીર ગરમ થઈ જાય છે, બળતરા થવા લાગે છે, ધડકન વધી જાય છે, તણાવ અનુભવાય છે. હું વ્યાકુળ થઈ જાઉં છું. અંદર મેલ જગાવીને તણાવ ઉત્પન્ન કરું છું તો પોતાની વ્યાકુળતા પોતાના સુધી જ સીમિત નથી રાખતો. એને બીજાઓને પણ વ્હેચું છું. પોતાની આસપાસનું વાતાવરણ એટલું તનાવપૂર્ણ બનાવી દઉં છું કે જે મારા સંપર્કમાં આવે તે પણ વ્યાકુળ થઈ જાય છે. હું ભલેને કેટલી સુખ-શાંતિની વાતો કરું, મારી અંદર શું થઈ રહ્યું છે, એ શબ્દોથી અધિક મહત્વપૂર્ણ છે. અને જો મારું મન નિર્મળ હોય તો પ્રકૃતિનો બીજો નિયમ કામ કરવા માંડે છે. જેવું મારું મન નિર્મળ થાય, આ કુદરત કે ઈશ્વર મને પુરસ્કાર આપવા માંડે છે. મને શાંતિનો અનુભવ થાય છે. આ હું પોતાની અંદર સ્વયં જોઈ શકું છું.

    કોઈ ભલે કોઈ પણ સંપ્રદાય, પરંપરા કે દેશના હોય, જયારે તે નિસર્ગના નિયમનો ભંગ કરી મનમાં મેલ જગાવે છે તો દુઃખી થતા હોય છે. કુદરત સ્વયં દંડ આપતી હોય છે. કુદરતના કાનુનનો ભંગ કરનાર તત્કાળ નારકીય યાતનાનો અનુભવ કરતા હોય છે. આ સમયે નારકીય દુઃખના બીજ વાવીએ છીએ, તો મૃત્યુ પછી પણ નારકીય દુઃખ જ મળશે. એજ રીતે, જો શું મનને શુધ્ધ રાખું, મૈત્રી અને કરુણાથી ભરું તો હમણાં પણ પોતાની અંદર સ્વર્ગીય સુખ ભોગવતો હોઉં છું અને આ બીજ મર્યા પછી પણ સ્વર્ગીય સુખ જ લાવશે. હું પોતાને ભલે હિંદુ કહું, ઈસાઈ, મુસ્લિમ, બૌદ્ધ, જૈન કે બીજું કંઈ પણ કહું કોઈ ફરક નથી પડતો. મનુષ્ય મનુષ્ય છે, મનુષ્યનું માનસ મનુષ્યનું માનસ છે.

    આ રીતે કન્વર્ઝન થવું જ જોઈએ – મનની અશુધ્ધતાનું, મનની અશુધ્ધતામાં. આ કન્વર્ઝન લોકોમાં આશ્ચર્યજનક પલટો લાવશે. આ કોઈ જાદુ કે ચમત્કાર નથી, પણ પોતાની અંદર શરીર અને ચિત્તના પારસ્પરિક સંસ્પર્શને બરાબર રીતે જાણવાનું પરિણામ છે, જે એક વિશુધ્ધ વિજ્ઞાન છે. કોઈ પણ અભ્યાસ કરીને સમજી શકે છે કે મન કઈ રીતે શરીરને પ્રભાવિત કરતું હોય છે અને શરીર કઈ રીતે મનને પ્રભાવિત કરતું હોય છે. ઘણી ધીરજની સાથે જયારે આનું નિરીક્ષણ કરતાં જઈએ છીએ તો નિસર્ગના નિયમ ઘણા સ્પષ્ટ થતા જતા જોય છે, કે જયારે પણ આપણે ચિત્તમાં મેલ જગાવીએ છીએ, દુઃખી થઈએ છીએ અને જેવું ચિત્ત મેલથી વિમુક્ત થાય છે, શાંતિ-સુખનો અનુભવ કરવા લાગીએ છીએ. આત્મ નિરીક્ષણની આ વિધીનો અભ્યાસ કોઈ પણ કરી શકે છે.

    પ્રાચીન કાળમાં ભગવાન બુદ્ધ દ્વારા શીખવવામાં આવેલી આ વિદ્યા વિશ્વભરમાં ફેલાઈ હતી. આજે પણ વિભિન્ન વર્ગોના, સંપ્રદાયોના લોકો આવીને આ વિધા શીખતા હોય છે અને એ જ લાભ પ્રાપ્ત કરતા હોય છે. ભલે એ પોતે પોતાને હિંદુ, મુસલમાન, બૌદ્ધ, ઈસાઈ કહીને બોલાવ્યા કરે, આ નામોથી કોઈ ફરક પડતો નથી. મનુષ્ય મનુષ્ય છે, ફરક એ વાતથી પડશે કે જયારે તે અભ્યાસ દ્વારા વાસ્તવમાં ધાર્મિક બને, મૈત્રી અને કરુણાથી પરિપૂર્ણ થઈ જાય. એમના કર્મો સ્વયં એમના માટે અને બીજાના માટે હિતકારી બને. જયારે કોઈ વ્યક્તિ પોતાની અંદર શાંતિ જગાવે છે, તો એની આસપાસનું આખું વાતાવરણ શાંતિના તરંગોથી ભરાઈ જાય છે. એના સંપર્કમાં જે કોઈ આવે છે તે પણ શાંતિ અનુભવે છે. આ માનસિક પરિવર્તન જ સાચું પરિવર્તન છે, સાચું કન્વર્ઝન છે. આવશ્યકતા આ વસ્તુની છે. અન્યથા બધા બાહ્ય પરિવર્તન નિરર્થક છે.

    હું વિશ્વને ભારતનો એક અણમોલ સંદેશ વાંચી સંભળાવાની અનુમતિ માંગું છું. આદર્શ શાસક સમ્રાટ અશોકના ૨૩૦૦ વર્ષ પૂર્વે પથ્થર પર કોતરેલા આ શબ્દો બતાવે છે કે શાસન કેવી રીતે કરવું જોઈએ.

    “આપણે કેવળ પોતાના ધર્મનું (સંપ્રદાયનું) સમ્માન કરીને બીજાના સંપ્રદાયોની નિંદા નહીં કરવી જોઈએ.” આજે આ સંદેશનું બહુ મોટું મહત્વ છે. બીજાના સંપ્રદાયની નિંદા કરીને પોતાના સંપ્રદાયની સર્વોત્તમતા સિદ્ધ કરવામાં વ્યક્તિ માનવતાને માટે બહુ મોટી મુશ્કેલી ઉભી કરે છે. આગળ અશોક કહે છે, “આ ઉપરાંત અન્ય કારણસર બીજા સંપ્રદાયોનું સન્માન કરવું જોઈએ.” દરેક સંપ્રદાયનો સાર મૈત્રી, કરુણા અને સદભાવના છે. આ સારને સમજીને આપણે દરેક ધર્મનું સન્માન કરવું જોઈએ. છાલ હંમેશા ભિન્ન હોય છે — જુદાજુદા રીત-રીવાજ, કર્મકાંડ, અનુષ્ઠાન, ધારણાઓ વગેરે. એ બધાને લઈને ઝગડવાને બદલે એમની અંદરના સારને મહત્વ આપવું જોઈએ. અશોકના પ્રમાણે, “આમ કરવાથી આપણે પોતાના જ ધર્મની (સંપ્રદાયની) વૃધ્ધિ કરીએ છીએ અને બીજાના ધર્મોની પણ સેવા કરીએ છીએ. આનાથી વિપરીત વ્યવહાર કરવાથી આપણે પોતાના સંપ્રદાયની તો હાનિ કરીએ જ છીએ પણ એની સાથે બીજાના સંપ્રદાયની પણ.

    આ સંદેશ આપણને સૌને ગંભીર ચેતવણી છે કે જો કોઈ વ્યક્તિ પોતાના સંપ્રદાયના પ્રતિ અતિ શ્રધ્ધાનો માર્યો બીજાના સંપ્રદાયની નિંદા કરીને એવું વિચારતો હોય કે આમ કરવાથી એ પોતાના સંપ્રદાયની શાન વધારે છે, તો એ પોતાના કૃત્યોથી પોતાના જ સંપ્રદાયની હાનિ કરતો હોય છે.

    અંતમાં અશોક સર્વવ્યાપી ધર્મનિયામતાનો સંદેશ પ્રસ્તુત કરે છે. “આપસમાં મળીને રહેવું હિતાવહ છે. ઝગડો નહી કરવો. બીજાના સંપ્રદાયોનો જે ઉપદેશ છે તે દરેક લોકો સાંભળે અને સાંભળવા માટે ઉત્સુક પણ રહે.”

    જયારે અસ્વીકાર અને નિંદા કરવાના બદલે આપણે દરેક સંપ્રદાયના સારને મહત્વ આપીશું ત્યારે જ સમાજમાં વાસ્તવિક શાંતિ અને સૌમનસ્ય સ્થાપિત થશે.

    સર્વનું મંગળ થાય.

    Like

  2. સુરેશ જાની એપ્રિલ 25, 2013 પર 8:04 એ એમ (AM)

    વિચારો કે વાંચનથી ખાસ ફેર ન પડે.
    આંતરિક જાગૃતિ વિના બીજો કોઈ ઉગાર નથી.

    Like

  3. Ramesh Patel એપ્રિલ 25, 2013 પર 11:21 એ એમ (AM)

    જયારે અસ્વીકાર અને નિંદા કરવાના બદલે આપણે દરેક સંપ્રદાયના સારને મહત્વ આપીશું ત્યારે જ સમાજમાં વાસ્તવિક શાંતિ અને સૌમનસ્ય સ્થાપિત થશે.

    સર્વનું મંગળ થાય.
    ………………………………………….

    વિશ્વ આખું કુટુમ્બ…પશુ , પક્ષી કે માનવ. સૌના હિતમાં સમાયું આપણું હિત.

    સરસ મનનીય લેખ અને સુશ્રી પ્રજ્ઞાબેનની પ્રેરક લેખ.

    રમેશ પટેલ(આકાશદીપ)

    Like

  4. chandrakant એપ્રિલ 25, 2013 પર 1:56 પી એમ(PM)

    હમ જિસકો ઢૂંઢતે હૈ ઝમાને મેં ઉમ્રભર, વો જિંદગી તો અપને હી અંદર કા ખેલ હૈ..

    Vinodbhai saras lekh 6

    Like

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.