વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

Daily Archives: જાન્યુઆરી 5, 2015

( 627 ) મળવા જેવા માણસ- શ્રી ગિરીશ ચિતલીયા…..પરિચય…..શ્રી પી.કે.દાવડા

શ્રી પી.કે.દાવડાએ એમની જાણીતી” મળવા જેવા માણસ “ની પરિચય શ્રેણી આગળ વધારતાં એમાં ૩૯ મો એક નવો પરિચય શ્રી ગિરીશ ચિતલીયાનો કરાવ્યો છે.

શ્રી દાવડાજી એ મોકલેલ એમનો પરિચય લેખ વી.વી.ની આજની પોસ્ટમાં એમના આભાર સાથે સાનંદ પોસ્ટ કર્યો છે.

શ્રી દાવડાજીએ આ શ્રેણીમાં જેમનો પરિચય કરાવ્યો છે એમાંના મોટા ભાગની વ્યક્તિઓ ભારતમાં સ્વ-પ્રયત્ને એમની કારકિર્દીમાં ખુબ આગળ વધી એમની નીવૃતીમાં અમેરિકામાં એમના સંતાનો સાથે રહેવા અમેરિકા આવેલી હોય છે. અમેરિકા આવીને એમની જીવન સંધ્યાનાં સોનેરી વર્ષો દરમ્યાન તેઓ લેખન પ્રવૃત્તિ કે એક યા બીજી સામાજિક પ્રવૃતિમાં ભાગ લઈને સારી રીતે પસાર કરે છે.

એવી રીતે જ  રીતે શ્રી ગિરીશભાઈ એક સમયે મુંબઈની અનેક Elite clubs માં ઉચ્ચ પદે રહીને સારી પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી,ભારતમાંની એમની બધી જવાબદારીઓમાંથી નિવૃત્તિ લઈ,૨૦૦૦ માં અમેરિકા આવ્યા છે અને ૨૦૦૬ માં તેઓ અમેરિકાના નાગરિક પણ બન્યા છે.

હાલ કેલીફોર્નિયાના Bay Area માં ચાલતી અનેક ગુજરાતી સામાજીક અને સાહિત્યીક સંસ્થાઓમાં રસ લઈ નિવૃતિનું જીવન વ્યતિત કરે છે. એમના પરિચયના અંતમાં શ્રી દાવડા શ્રી ચિતલીયા વિષે આશ્ચર્ય વ્યક્ત કરે છે કે ” એક વ્યક્તિ પોતાના જીવનકાળ દરમ્યાન આટલું બધું કઈ રીતે કરી શકે? ગિરીશભાઈ માને છે કે કામ એજ ઈશ્વર છે અને સાથે સાથે તેઓ માને છે કે જીવનમાં ઓછી જરૂરિયાતો જ સુખ આપી શકે છે.”

આશા છે આપને  શ્રી ગિરીશ ચિતલીયાનો પરિચય કરવાનો ગમશે.

વિનોદ પટેલ 

==============

મળવા જેવા માણસ- શ્રી ગિરીશ ચિતલીયા

પરિચય…..પી.કે.દાવડા 

શ્રી ગીરીશભાઈ ચિતલીયા

શ્રી ગીરીશભાઈ ચિતલીયા

ગિરીશભાઈનો જન્મ અમરેલી જીલ્લાના ચલાલા ગામમાં ૧૯૨૯ માં એક મધ્યમ વર્ગીય કુટુંબમાં થયો હતો. એમના પિતા શ્રી કમલશી કરશનદાસ ચિતલીયા મુંબઈ યુનિવર્સીટીએ શરૂ કરેલા B.Com. ડીગ્રી કોર્સના પ્રથમ બેચના વિદ્યાર્થી હતા.તેઓ મુંબઈના જય ભારત સાપ્તાહિકના માલિક અને તંત્રી હતા.

ગિરીશભાઈનું પ્રાથમિક અને માધ્યમિક શાળાનું શિક્ષણ મુંબઈની પ્રખ્યાતઅંગ્રેજી મિડિયમની કબુબાઈ સ્કૂલમાં થયેલું. અહીંથી તેમણે ૧૯૪૭માં મેટ્રીકનીપરીક્ષા પાસ કરી, મુંબઈની વિલ્સન કોલેજમાં એડમિશન લીધું. વિલ્સનકોલેજમાં ચાર વર્ષ અભ્યાસ કરી, ૧૯૫૧ માં B.A.(Hon.) with Economics and Statistics ની ડીગ્રી મેળવી. શાળા કોલેજના આ વર્ષોમાં સામાજીક અને સાંસ્કૃતિક ઈતર પ્રવૃતિઓમાં ભાગ પણ લીધેલો.

B.A. ની ડીગ્રી મેળવી એમણે Law College માં એડમીશન લીધું. અહીં એમણે એમના બે મિત્રો સાથે મળીને ૧૯૫૧માં Rhythm Group ની સ્થાપના કરી. આ ગ્રુપે મુંબઈમાં અનેક સંગીતના અને અન્ય સાંસ્કૃતિક કાર્યક્રમો યોજ્યા, જેમાં એ મયના અતિ પ્રસિધ્ધ કલાકારોને આમંત્રી સફળ કાર્યક્રમોની હારમાળા આપી.

કલાકારોમાંથી જો થોડા નામો ગણાવું તો મુકેશ, તલત મહેમુદ, મહમદ રફી,જગમોહન, હેમંતકુમાર, મન્ના ડે, ગીતા દત્ત, અનિલ બિશ્વાસ, સી. એચ. આત્મા,ગુરૂદત્ત, વહીદા રહેમાન, માલા સિંહા, રહેમાન, જોની વોકર અને નુતન. એમની આ પ્રવૃતિ ૧૯૫૫ સુધી અવિરત ચાલતી રહી. આ સમય ગાળા દરમ્યાર એમના પિતાની તબિયત બગડતાં એમણે કાયદાનો અભ્યાસ અધવચ્ચે જ મૂકી દીધો અને પિતાના સાપ્તાહિક જય ભારતના કારોબારમાં જોડાઈ ગયા.

Chitaliya-2

(શ્રીમતી ઈન્દુમતિ બહેન ચિતલીયા )

૧૯૫૫માં ગિરીશભાઈના જીવનમાં બે મહત્વના બનાવો બન્યા. ૧૯૫૫ માં એમના arranged marriage ઈન્દુમતીબહેન સાથે થયા અને ૧૯૫૫માં જ તેઓ મુંબઈના અતિપ્રતિષ્ઠીત The Progressive Group માં જોડાયા. બસ અહીંથી ગિરીશભાઈની સામાજીક પ્રતિષ્ઠાએ હરણફાળ ભરવાની શરૂઆત કરી. આ ગ્રુપમાં જોડાવાના બે વર્ષની અંદર જ, એટલે કે ૧૯૫૭ માં એમને ગ્રુપના જનરલ સેક્રેટરીનો હોદ્દો આપવામાં આવ્યો જે એમણે ૧૯૬૦ સુધી સંભાળ્યો.૧૯૬૦ માં એમને ગ્રુપના ઉપ-પ્રમુખ બનાવવામાં આવ્યા, અને ૧૯૬૫માં એમને ગ્રુપના પ્રમુખનો હોદ્દો આપવામાં આવ્યો. The Progrssive Group ના ઇતિહાસમાંગિરીશભાઈ સૌથી નાની ઉમ્મરના પ્રમુખ હતા. આ હોદ્દો એમણે ૧૯૬૭ સુધીએટલે કે બે વર્ષ સુધી સંભાળ્યો. ત્યારબાદ પણ તેઓ આ ગ્રુપના Executive Member તો રહ્યા જ. બધા મળીને પંદર વર્ષ તેઓ આ ગ્રુપના મહત્વના કાર્યકર્તારહ્યા.

Chitaliya -3

(ડો. રાધાકૃષ્ણન તરફથી ગિરીશભાઈનું સન્માન)

યોગાનુયોગ પ્રોગ્રેસીવ ગ્રુપના પ્રમુખ તરીકે નો કાર્યકાળ પૂરો થતાં જ તેઓ The Indo-American Society, Bombay ના સંપર્કમાં આવ્યા. ૧૯૬૯ થી ૧૯૭૩ સુધી આ સંસ્થાના ઓનરરી સેક્રેટરી અને ટ્રેઝરર રહ્યા  અને ૧૯૭૩ થી ૧૯૭૬ સુધી એના ઉપ-પ્રમુખ રહ્યા અને ૧૯૭૭-૭૮માં પ્રમુખ પદે નિમાયા. આ સંસ્થાનાપણ કાર્યકારી બોર્ડના ૧૪ વર્ષ સુધી સભ્ય રહ્યા.

આ બે સંસ્થાઓમાં એમના કાર્યકાળ દરમ્યાન ગિરીશભાઈ અનેક આગેવાનવ્યક્તિઓના અંગત સંપર્કમાં આવ્યા. અહીં હું વધારે વિગતમાં ન ઉતરતાં માત્ર આ મહાનુભાવોના નામ જ આપું છું. ડો. માર્ટીન લ્યુથર કીંગ જુનીઅર અને એમના પત્ની કોરેટા કીંગ, વિજ્યાલક્ષમી પંડિત, શ્રી વી.વી. ગિરી, ડો.રાધાકૃષ્ણન, શ્રી સંજીવ રેડ્ડી, શ્રી મોરારજી દેસાઈ, ડો. કરણસિંહ, વી.પી.સિંહ,અર્જુનસિંહ, પી.એ.સંગમા,ટી. ટી. કૃષ્ણમાચારી, તાર્કેશ્વરી સિંહા, મધુ લીમયે,આચાર્ય કૃપલાણી, એમ. સી. ચાગલા, સી. ડી. દેશમુખ, નાની પાલખીવાલા,મીનુ મસાની, આદિત્ય બિરલા, જે. આર. ડી. તાતા, ટી. એન. શેશન, પ્રણવ મુકરજી, ખુશવંતસિંહ, કે. એમ. મુનસી, એમ. સી. સેતલવાડ અને ડો.સુબ્રમનિયમ સ્વામી.

આ બધી વ્યક્તિઓનો પરિચય ગિરીશભાઈને આ બે સંસ્થાઓ માટે પ્રવચન આપવા આમંત્રેલા ત્યારે થયો હતો, જો કે આમાંની કેટલીક વ્યક્તિઓ સાથે એમને અંગત મિત્રતાના સંબંધો પણ હતા.ગિરીશભાઈના લગભગ બધા જ કાર્યક્રમોની મુંબઈના આગળ પડતા સમાચારપત્રોમાં નોંધ લેવાતી અને એમની કાર્યકુશળતાના વખાણ થતાં હતાં.

આ બધા કામો વચ્ચે એમના પિતા દ્વારા શરૂ કરાયલા સાપ્તાહિક “જય ભારત”ના તંત્રી તરીકેની જવાબદારી પણ સંભાળતા અને મુખ્યત્વે એમના ઈનસ્યુરન્સ કંપનીના કામકાજને પણ સંભાળતા. ૧૯૭૧ માં એમને ફ્લેગ ડે નિમિત્તે બોક્ષ કલેક્શનના વડા નિમવામાં આવેલા, એ વર્ષે એમણે રેકોર્ડ કલેકશન કરી બતાવેલું. ૧૯૭૧ થી ૧૯૭૮ સુધી એમને ફ્લેગ ડે કમીટીના ઉપ-પ્રમુખ બનાવવામાં આવ્યા, અને ૧૯૭૮ માં એમને ચેરમેનનું પદ સોંપેલું.

ગિરીશભાઈ એટલી બધી સંસ્થાઓ સાથે જોડાયલા હતા કે જેની નોંધ આ નાના સરખા પરિચય લેખમાં લેવાનું શક્ય નથી, એના માટે તો એમણે આત્મકથા જ લખવી જોઈએ. છતાં અહીં હું થોડી વધારે સંસ્થાઓનો ઉલ્લેખ કરીશ. 

૧૯૮૧ માંતેઓ Indo Japanese Association ના ઉપ-પ્રમુખ નિમાયા. ૧૯૮૫ માં પ્રેસ ગિલ્ડઓફ ઈંડિયાના માનદ ખજાનચી નિમાયા.૧૯૮૭ થી મુંબઈની સર હરકિશનદાસ નરોત્તમદાસ હોસ્પિટલના માનદ સેક્રેટરી અને માનદ ખજાનચીના પદે નિમાયા. ૧૯૮૮માં તેઓ Urban Development Institute ના ચેરમેનના પદે નિમાયા. ૧૯૯૦ થી ૧૯૯૨ તેઓ ફિલ્મ સેંસર બોર્ડના સભ્ય રહ્યા. આ સિવાય રોટરી કલબમાં વર્ષો સુધી એક યા બીજા પદ ઉપર કાર્યરત હતા. મહારાષ્ટ્ર સરકારે એમને Honorary Executive Magistrate તરીકે પણ નિમેલા. આ સિવાય પણ ભારતીય વિદ્યાભવન અને બીજી અનેક સંસ્થાઓને પોતાની સેવાઓ ઉપલબ્ધ કરાવેલી. પોપ જોન પોલની ભારતની મુલાકાત વખતે જે સમિતી નિમાયલી તના ગિરીશભાઈ ખજાનચી હતા અને આ પ્રસંગે યોજાયલા કાર્યક્રમમાં ઈન્દીરા ગાંધી પણ હાજર હતાં.

સર હરકિશનદાસ નરોત્તમદાસ હોસ્પિટલના લાભાર્થે એમણે બી. આર. ચોપડાની મદદથી ટી.વી. સિરીયલ મહાભારતનો પાંચ કલાકનો લાઈવ શો, ૨૫૦૦૦ પ્રક્ષકોની હાજરીમાં, મુંબઈના બ્રેબોર્ન સ્ટેડીયમમાં યોજેલો.

ગિરીશભાઈ આટલી બધી સામાજીક પ્રવૃતિઓ કરી શક્યા એની પાછળ એમના જીવન-સાથી ઈન્દુમતિ બહેનનો ખૂબ જ મોટો ફાળો હતો. ઘરની તમામ જવાબદારીઓ ઉપરાંત બાળકોની દેખભાળ અને એમના ભણતર અને કારકીર્દીના ઘડતરની સંપૂર્ણ જવાબદારી પણ ઈન્દુબેને જ ઉપાડી લીધેલી.

ગિરીશભાઈના ત્રણે પુત્ર ભણી ગણીને ઠરી ઠામ થયા છે. એક પુત્ર ભારતમાં અને બે પુત્રો અમેરિકામાં સ્થાયી થયા છે. ૨૦૦૦ માં ગિરીશભાઈ પણ ભારતમાંની એમની બધી જવાબદારીઓમાંથી નિવૃત્તિ લઈ, ગ્રીનકાર્ડ મેળવી અમેરિકા આવ્યા. ૨૦૦૬ માં તેઓ અમેરિકાના નાગરિક થઈ ગયા. હમણાં કેલીફોર્નિયાના Bay Area માં ચાલતી અનેક ગુજરાતી સામાજીક અને સાહિત્યીક સંસ્થાઓમાં રસ લઈ નિવૃતિનું જીવન વ્યતિત કરે છે. મારા સદનશીબે મારો એમની સાથે થોડા સમય પહેલાં જ પરિચય થયો. હજી સુધી મારૂં આશ્ચર્ય અકબંધ છે કે એક વ્યક્તિ પોતાના જીવનકાળ દરમ્યાન આટલું બધું કઈ રીતે કરી શકે?

ગિરીશભાઈ માને છે કે કામ એજ ઈશ્વર છે અને સાથે સાથે તેઓ માને છે કે જીવનમાં ઓછી જરૂરિયાતો જ સુખ આપી શકે છે.

-પી. કે. દાવડા