વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

( 635 ) સ્વામી વિવેકાનંદ જન્મ જયંતી અને એમનાં પ્રેરક વિચાર મોતી

Swami Vivkanand

(૧૨ જાન્યુઆરી૧૮૬૩૪ જુલાઇ૧૯૦૨)

“ઉઠો, જગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો.

સ્વામી વિવેકાનંદ   

૧૨ મી જાન્યુઆરી એ સ્વામી વિવેકાનંદ  જન્મ જયંતીનો દિવસ.

૧૨ મી જાન્યુઆરી ,૧૮૬૩ નાં રોજ કલકત્તામાં એમનો જન્મ અને ૪થી જુલાઈ ,૧૯૦૨ ના રોજ બેલુર મઠ ખાતે એમણે સમાધી લઈને દેહ ત્યાગ કર્યો.

માત્ર ૩૯ વર્ષ જ આ પૃથ્વી ઉપર તેઓ રહ્યા પરંતુ એ ટૂંકા સમય ગાળામાં હિંદુ ધર્મ ,સમાજ સેવા અને દેશ માટે કેટલું બધું કાર્ય કરીને સ્વામીજી ગયા ! આ એક મોટું આશ્ચર્ય છે !

આત્મ વિશ્વાસ,જ્ઞાન અને વેધક વાણી થકી વિવેકાનંદે,

ધર્મ પરિષદ ગજાવીને ઘેલું કર્યું અમેરિકા અને વિશ્વને.  

હિન્દુ ધર્મનો ધ્વજ લહેરાવ્યો જગમાં આ સ્વામીજીએ,

ટૂંકા જીવનમાં મહાન કાર્યો કરી નામ અમર કરી ગયા.   

સ્વામી વિવેકાનંદનો જન્મ સન ૧૮૬૩માં કલકત્તા ખાતે ભદ્ર કાયસ્થ પરીવારમાં થયો હતો.તેમના માતાપિતાએ સ્વામીની વિચારસરણી પર અસર પાડી – પિતાએ તેમના બૌધ્ધિક દિમાગથી તથા માતાએ તેમના ધાર્મિક સ્વભાવથી. બાળપણથી જ તેમનામાં આધ્યામિકતા તથા ઇશ્વર સાક્ષાત્કાર માટે લગાવ દેખાતો હતો. 

નરેન્દ્રનાથે સન 1880માં કલકત્તા ખાતે પ્રેસીડેંસી કોલેજમાં પ્રવેશ લીધો હતો અને બીજા વર્ષે તેઓએ કોલેજ બદલીને કલકત્તામાં સ્કોટ્ટીશ ચર્ચ કોલેજમાં એડમિશન લીધુ હતું.તે દરમિયાન તેમણે પાશ્ચાત્ય તર્કશાસ્ત્ર, પાશ્ચાત્ય તત્વજ્ઞાન અને યુરોપના રાષ્ટ્રોના ઇતિહાસનો અભ્યાસ કર્યો હતો. સને 1981માં તેમણે લલિત કલાની પરિક્ષા પાસ કરી હતી અને સને 1884માં તમણે વિનયન સ્નાતકની પરિક્ષા પાસ કરી હતી..

નરેન્દ્રનાથે ડેવિડ હ્યુમ, ઇમેન્યુઅલ કેંટ, જોહાન ગોટ્ટ્લીબ ફીશે, બારુક સ્પીનોઝા, જ્યોર્જ ડબલ્યુ. એફ. હેગેલ, આર્થર શોપનહોર, ઓગસ્ટી કોમ્ટેકોમ્ટે, હર્બર્ટ સ્પેંસર, જોન સ્ટુઅર્ટ મીલ, અને ચાર્લ્સ ડાર્વિનના લેખનકાર્યોનું વાંચન કર્યુ હતું. તેમણે વેદ , ઉપનિષદો , ભગવદ્દગીતા , રામાયણ , મહાભારત અને પુરાણો માં ઉંડો રસ દાખવ્યો હતો. તેઓ શાસ્ત્રિય સંગીતમાં, ગાયકી વાદ્ય એમ બન્નેમાં જાણકાર હતા. 

ઇશ્વરનો સાક્ષાત્કાર કરાવી શકે તેવા વ્યક્તિની શોધમાં તેઓ રામકૃષ્ણને મળ્યા અને તેમના શિષ્ય બની ગયા.રામકૃષ્ણએ તેમને એક ગુરૂ તરીકે અદ્વૈત વેદાંત  અને બધા જ ધર્મો સાચા છે તથા માનવ સેવા એજ સાચી પ્રભુપ્રાર્થના છે તેવુ શીખવ્યું હતું.

swamiji10એમના ગુરૂ રામકૃષ્ણ પરમહંસના અવસાન બાદ પરિવ્રાજક બની તેમણે સમગ્ર ભારત ખંડમાં પરિભ્રમણ કર્યુ અને ભારતની સ્થિતિનો તાગ મેળવ્યો.તેઓ પાછળથી શિકાગો ગયા અને સન ૧૮૯૩ની વિશ્વધર્મ પરિષદમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યુ હતું.પ્રખર વક્તા વિવેકાનંદને યુનાઇટેડ સ્ટેટ્સના અમુક મંચોએ યુનિવર્સિટીઓ અને ક્લબોમાં વક્તવ્ય આપવા તેમને નિમંત્રણ આપ્યું હતું. તેમણે કેટલાક જાહેર અને ખાનગી ભાષણોમાં કર્યા, અમેરિકા, ઇંગ્લેંડ અને યુરોપના અન્ય કેટલાક દેશોમાંવેદાંત,યોગ અને હિન્દુ ધર્મનો પ્રચાર કર્યો હતો.

તેમણે અમેરિકા તથા ઇંગ્લેંડમાં વેદાંત સોસાયટીઓની પણ સ્થાપના કરી હતી. પછીથી તેઓ ભારત પરત આવ્યા હતા તથા સન ૧૮૯૭માં તેમણે રામકૃષ્ણ મઠ તથા મિશન – એક સમાજસેવી તથા આધ્યાત્મિક સંસ્થાની સ્થાપના કરી. સ્વામી વિવેકાનંદને ભારતના પ્રથમ રાષ્ટ્ર-નિર્માતાઓ પૈકીના એક ગણવામાં આવે છે. મહાત્મા ગાંધી, જવાહરલાલ નેહરુ ,સુભાષ ચંદ્ર બોઝ ,અરવિંદ ઘોષ , રાધા કૃષ્ણન જેવા અનેક રાષ્ટ્રિય નેતાઓ તથા વિચારકો પર તેમના તત્વજ્ઞાનનો પ્રભાવ પડ્યો હતો. 

સ્વામી વિવેકાનંદ વિશે વધુ જાણવા માટે 

વિકિપીડિયાની આ લીંક પર ક્લિક કરો.

સમાધી લીધી એ પહેલાંના સ્વામીજીના શબ્દો

Before his Mahasamadhi he had written to a Western follower:

 “It may be that I shall find it good to get outside my body,to cast it off like a worn out garment. But I shall not cease to work.I shall inspire men every where until the whole world shall know that it is one with God.”

સ્વામી વિવેકાનંદ વિષે આખો અંગ્રેજી લેખ નીચેની લીંક ઉપર વાંચો.

http://www.belurmath.org/swamivivekananda.htm

 

સ્વામી વિવેકાનંદનાં વિચાર મોતીઓની માળા 

સ્વામી વિવેકાનંદના વિચારો, એમના પ્રવચનો, મુલાકાતો ,પત્રો અને અનેક પુસ્તકોમાં સચવાયેલા છે . એમાંથી કેટલાક પસંદગીનાં પ્રેરક વિચાર મોતીઓ અહીં મુક્યા છે. 

ક્રોધ સાધકનો શત્રુ છે ,ક્રોધ. ક્રોધ  કરવાથી શરીરના રોમે રોમમાંથી શક્તિનો વ્યય થાય છે.

 પ્રથમ  તો તમારે સારા પૌષ્ટિક ખોરાક વડે શરીર ને સુદ્રઢ બનાવવું જોઈએ ત્યાર પછી જ મન મજબૂત થશે. મન તો કેવળ શરીરનો સુક્ષ્મ ભાગ જ છે. 

દંભી થવા કરતાં આખાબોલા નાસ્તિક થવું એ બહેતર છે. 

વિશ્વની તમામ શક્તિઓ આપણી જ છે. આપણે જ આપણા હાથ આંખો પર મૂકીને બરાડા પાડીએ છીએ કે બધે અંધકાર છે. જાણી લો કે આપણી પાસે અંધકાર નથી. હાથ ઉઠાવી લો એટલે પ્રકાશનું દર્શન થશે. એ તો પહલેથી જ  હતો .અંધકારનું , નિર્બળતા ક્યાંય હતી જ નહી .આપણે જ માની લીધું છે કે આપણે નિર્બળ , અપવિત્ર , અસફળ છીએ. 

જો તમારે સફળતા પ્રાપ્ત કરવી હોય તો તમારી પાસે પ્રચંડ ખંત અને દ્રઢ ઈચ્છાશક્તિ હોવાં જોઈએ . ખંતીલો માણસ કહે છે ; ‘હું સાગરને પી જઈશ, મારી ઈચ્છા થતાં સાથે જ પર્વતો કડકભૂસ થઈને તૂટી પડશે.આવા પ્રકારની શક્તિ પ્રાપ્ત કરો, આવા પ્રકારની ઇચ્છાશક્તિ દાખવો. જો તમે પુરુષાર્થ કરશો તો તમે ધ્યેયને  પામી શકશો . 

જુના ધર્મોએ કહયું , ‘જેને પ્રભુમાં શ્રધ્ધા નથી તે નાસ્તિક છે. નવો ધર્મ કહે છે ,’જેને પોતાનામાં જ શ્રધ્ધા નથી તે નાસ્તિક છે. 

કરોડો રૂપિયા ખોવોયેલા કદાચ પાછાં મળી જશે પરંતુ એક ક્ષણ પણ ઈશ્વર સ્મરણ વગર જશે તે ક્ષણ પાછી નહિ આવે. 

પ્રાર્થનાથી માણસની સુક્ષ્મ શક્તિઓ સહેલાઈ થી જાગ્રત કરી શકાય છે.

પ્રાર્થના અને સ્તુતિ ઈશ્વર તરફના વિકાસ માર્ગના પ્રાથમિક સાધનો છે. 

નિષ્ફળતાની કદી પરવા ન કરો. આ નિષ્ફળતાઓ સાવ સ્વભાવિક છે, જીવનનું તે સોંદર્ય છે. જીવનમાં જો મથામણ ન હોય તો જીવનની કોઈ કિંમત નથી. 

જો તમે પાંચ વિચારોને પચાવ્યા હોય અને તેમને તમારાં જીવન અને ચારિત્ર્યમાં ઉતાર્યા હોય તો જે માણસે આખી લાયબ્રેરી ગોખી લીધી હોય તેના કરતાં તમે વધુ કેળવાયેલા છો. 

તમારાં સદવિચારો એજ ઈશ્વરને અર્પિત કરવાના પુષ્પો છે. 

કદી પણ કોઈને મનથી, વચનથી, વિચારથી દુઃખી ના કરશો . સમસ્ત પ્રકૃતિના જીવો પ્રત્યે દયા દાખવવી એજ અહિંસા છે અને અહિંસા જ પરમ ધર્મ છે. 

રોજ રાત્રે સુતા પહેલાં પથારીમાં બેઠા બેઠા પ્રાર્થના કરો કે હે પ્રભુ આજના દિવસ દરમ્યાન મારાથી કોઈને પણ વાણી કે વર્તનથી તકલીફ થઇ હોય તેને માટે હું માફી માંગું છું, મને માફ કરજો અને ફરી કદી ના થાય તે માટે સદબુદ્ધિ આપજો

સવારે પાંચ વાગ્યા પહેલાં ઉઠો, આ સમય બ્રહ્મ મુહૂર્ત છે .આ સમયે પ્રકૃતિમાં સત્વગુણ પ્રધાન હોય છે. આ સમયમાં બુદ્ધિ તેજ બને છે અને શરીરને સ્ફૂર્તિ મળે છે. આ સમય જપ-તપ આધ્યત્મિક સાધના માટે શ્રેષ્ઠ સમય છે. 

શ્વાસ જયારે ડાબા નસકોરામાંથી વહેતો હોય ત્યારે આરામ લેવાનો સમય છે. જમણાંમાંથી વહે ત્યારે કાર્ય કરવાનો સમય છે  અને બંનેમાંથી વહે ત્યારે ધ્યાનનો સમય છે એમ જાણવું.આપણે જયારે શાંત હોઈએ અને બંને નસકોરાંમાંથી સરખો શ્વાસ લેતા હોઇએ ત્યારે નીરવ ધ્યાન માટેની યોગ્ય સ્થિતિમાં છીએ તેમ માનવું. 

પરિવર્તનથી ઈચ્છાશક્તિ વધુ મજબુત થતી નથી ; તે નિર્બળ બને છે અને પરિવર્તનને વશ થાય છે. પણ આપણે હંમેશા સંગ્રહણ વૃતિવાળા થવું જોઈએ. સંગ્રહણવૃતિથી ઈચ્છાશક્તિ મજબૂત થાય છે. 

જો ઇશ્વર હોય તો આપણે તેનું દર્શન કરવું જોઈએ ; જો આત્મા હોય તો આપણે તેની અનુભૂતિ કરવી જોઈએ ; નહી તો, એમાં માનવું નહિ એ વધુ સારું છે. દંભી થવા કરતાં આખાબોલા નાસ્તિક થવું એ બહેતર છે. 

કાર્ય કરવું એ ઘણું સારું છે, પરંતુ તે વિચારોમાંથી આવે છે. માટે મસ્તિષ્કને ઉન્નત વિચારોથી, સર્વોચ્ચ આદર્શોથી ભરી દો; તેમને અહર્નિશ તમારી નજર સમક્ષ રાખશો તો તેમાંથી જ મહાન કાર્યોનો જન્મ થશે. 

દરેક માનવીની સફળતા પાછળ કયાંક પણ જબરદસ્ત સચ્ચાઈ ,જબરદસ્ત પ્રમાણિકતા રહેલાં હોવાં જ જોઈએ ; જીવનમાં તેની અસાધરણ સફળતાનું કારણ એ જ છે. 

આપણને ગતિ આપનારું બળ વિચાર છે.મનને ઉચ્ચ વિચારોથી ભરી દો, તેના વિશે રોજ રોજ શ્રવણ કરો, મહિનાઓ અને મહિનાઓ સુધી તેનો વિચાર કરો. નિષ્ફળતાની કદી પરવા ન કરો. આ નિષ્ફળતાઓ સાવ સ્વભાવિક છે, જીવનનું તે સોંદર્ય છે. જીવનમાં જો મથામણ ન હોય તો જીવનની કોઈ કિંમત નથી. 

તમારાં સદવિચારો એજ ઈશ્વરને અર્પિત કરવાના પુષ્પો છે.

સ્વામી વિવેકાનંદ 

નીચેની પી.ડી.એફ.ફાઈલ ઉપર સ્વામીજીના વધુ પ્રેરક વિચારો  

સ્વામી વિવેકાનંદની રામ કૃષ્ણ પરમહંસ સાથેની એક રસપ્રદ પ્રશ્નોત્તરી

સ્વામી વિવેકાનંદ અમદાવાદમાં આવ્યા હતા 

ઘણા ઓછાને ખબર હશે કે સ્વામી વિવેકાનંદ અમદાવાદમાં આવ્યા હતા 

સ્વામી વિવેકાનંદે ઈ.સ.૧૮૯૧માં અમદાવાદની સફર કરી હતી અને કોટ વિસ્તારમાં ખાડિયાની અમૃતલાલની પોળમાં આવેલી લાલશંકરની હવેલીમાં સ્વામી વિવેકાનંદ જેવી વિભૂતિએ રોકાણ કર્યું હતું.સ્વામી વિવેકાનંદ જુલાઈ-૧૮૯૦થી ડિસેમ્બર-૧૮૯૨ દરમિયાન હિમાલયથી કન્યાકુમારી સુધીની સફર કરી હતી.તેઓ ક્યારેક વિવેકાનંદ’, ક્યારેક સચ્ચિદાનંદતો ક્યારેક વિવિદિશાનંદજેવાં વિભિન્ન નામો ધારણ કરીને ઓળખ છુપાવતા હતા.

પરિભ્રમણ દરમિયાન અજમેર, રાજસ્થાન થઈને ગુજરાતમાં ઈ.સ.૧૮૯૧ના નવેમ્બર મહિનામાં અમદાવાદમાં પ્રવેશ્યા હતા.અમદાવાદમાં થોડા દિવસો વિવેકાનંદે ભિક્ષાવૃત્તિથી ચલાવ્યું. એક દિવસ અમદાવાદના સબ જજ અને સમાજસુધારક લાલશંકર ઉમિયાશંકર ત્રવાડી રેલવે સ્ટેશનની બહાર નીકળતા હતા ત્યારે એક પ્રભાવશાળી સંન્યાસી(વિવેકાનંદ) પીપળાના વૃક્ષ નીચે બેઠા છે તે જોવે છે, લાલશંકર ત્યાં પહોંચે છે અને સ્વામી વિવેકાનંદ સાથે સંવાદ કરે છે.

વિવેકાનંદના જ્ઞાાનથી સમાજ સુધારક લાલશંકર આશ્ચર્યમાં ગરકાવ થઈ જાય છે. પ્રભાવિત થયેલા લાલશંકર ઉત્સુકતા સાથે વિવેકાનંદને પોતાના ઘેર પધારવાનું નિમંત્રણ પાઠવે છે.જૈન મંદિરા, મસ્જિદોની કલા સમૃદ્ધિ અને વૈભવ-વારસાથી પ્રભાવિત થઈને અમદાવાદમાં અંદાજે ૧૧ દિવસ પસાર કરીને વઢવાણ તરફ પ્રયાણ કર્યું હતું. 

સ્રોત — સંદેશ સમાચાર 

સ્વામી વિવેકાનંદ નું શિકાગોમાં આપેલ ઐતિહાસિક પ્રવચન 

સ્વામી વિવેકાનંદે તારીખ ૧૧ સપ્ટેમ્બર ૧૮૯૩ થી તારીખ ૨૭ સપ્ટેમ્બર ૧૮૯૩ દરમ્યાન શિકાગોમાં ધાર્મિક પરિષદમાં ભારતનું પ્રતિનિધીત્વ કર્યું હતું. ત્યાં એમણે Sisters  and Brothers of America થી શરૂઆત કરતા જ આખા હોલમાં મીનીટો સુધી તાળીઓનો થયો હતો. 

11 સપ્ટેમ્બર 1983ના રોજ શિકાગોના આર્ટ ઈન્સ્ટિટ્યુટ ખાતે ધર્મ સંસદની શરૂઆત થઈ. આ દિવસે વિવેકાનંદે પોતાનું પ્રથમ ટૂંકુ વક્તવ્ય આપ્યું. તેમણે ભારત અને હિન્દુ ધર્મ વિશે વાત કરી.શરૂઆતમાં થોડો ગભરાટ અનુભવતા હોવા છતાં તેમણે વિદ્યાના દેવી સરસ્વતી ને પ્રણામ કરીને પોતાનું  “અમેરિકાના ભાઈઓ અને બહેનો!સાથે શરૂ કર્યુ.

આ શબ્દો માટે સાત હજારની મેદનીએ ઉભા થઈને તાળીઓ પાડીને તેમનું સન્માન કર્યુ અને બે મિનિટ સુધી આ સન્માન ચાલ્યુ. ફરી જ્યારે શાંતિ સ્થપાઈ ત્યારે તેમણે પોતાનું વક્તવ્ય શરૂ કર્યુ. સૌથી યુવાન રાષ્ટ્રોમાંના એકનું અભિવાદન કરતાં તેમણે આ રાષ્ટ્ર વિશે જણાવ્યુઃ 

 વિશ્વમાં સાધુઓની સૌથી પ્રાચીન પરંપરા, વેદની સન્યાસી પરંપરા, ધર્મ કે જેણે વિશ્વને સહનશીલતા અને વૈશ્વિક સદભાવ શીખવ્યો છે.અને તેમણે આ સંદર્ભે ભગવદ ગીતાના બે ફકરા ટાંક્યા—”જેવી રીતે બે વિભિન્ન પ્રવાહોનો સ્રોત અલગ-અલગ ઠેકાણે હોય છે પણ તેનું પાણી સમુદ્રમાં ભેગુ થાય છે, તેવી રીતે હે પ્રભુ, માણસની વિવિધ પ્રથાઓ અલગ-અલગ ભલે લાગતી હોય, પરંતુ તે તમામ રસ્તાઓ તારા સુધી લઈ આવે છે!અને જે કોઈ પણ મારી પાસે આવે છે, ભલે ગમે તે સ્વરૂપમાં આવે, હું તેના સુધી પહોંચુ છું; તમામ પુરુષો સમગ્ર માર્ગ પર સંઘર્ષ કરતા રહે છે, પરંતુ આ તમામ રસ્તાઓ આખરે મારા સુધી લઈને આવે છે.

ટૂંકું વક્તવ્ય હોવા છતાં, સંસદનો સાર તથા વસુધૈવ કુટુમ્બકમની ભાવના તેમાં અભિવ્યક્ત થતી હતી. 

નીચેના વિડીયોમાં સવામી વિવેકાનંદના એ ઐતિહાસિક સંબોધનને સાંભળો.

Swami Vivekananda Speech at Chicago – Welcome Address 

3 responses to “( 635 ) સ્વામી વિવેકાનંદ જન્મ જયંતી અને એમનાં પ્રેરક વિચાર મોતી

  1. pragnaju જાન્યુઆરી 17, 2015 પર 7:47 એ એમ (AM)

    સંતને કોટી કોટી વંદન

    Like

  2. aataawaani જાન્યુઆરી 12, 2017 પર 9:28 એ એમ (AM)

    સ્વામીવિવેકાનંદ જેવા મહાન સન્યાસીએ હિન્દૂ ધર્મ વિશેની સત્યતા જગતમાં પ્રસિદ્ધ કરી . ધન્ય છે . એમના માતા પિતાને અને સમર્થ ગુરુ રામકૃષ્ણ પરમહંસને . સ્વામી વિવેકાનંદને મારા કોટી કોટી વન્દન
    વિનોદભાઈ સ્વામી વિવેકાનંદનો પરિચય કરાવનાર પરિચય કરાવવા બદલ તમારો હું આભાર માનું છું ,

    Like

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.