વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

( 752 ) યુ-ટ્યુબ પર મારો વિડીયો પ્રયત્ન…એક જ દે ચિનગારી ..સ્મરણો

શ્રી .પી.કે. દાવડાજી ના સત્સંગના વિડીયો જોઈ-સાંભળી મને પણ થયું ચાલો આપણે પણ યુ-ટ્યુબ પર વિડીયો અપલોડ કરવાનો હાથ અજમાઇ જોઈએ. એકાદ બે પ્રયત્નો પછી મેં ગઈ કાલે જે વિડીયો અપલોડ કર્યો એ આજની પોસ્ટમાં રજુ કર્યો છે.યુ- ટ્યુબ વિડીયો એ સાંપ્રત સમયમાં જન સંપર્ક અને માહિતી માટેનું એક અગત્યનું માધ્યમ બની ચુક્યું છે એ એક હકીકત છે.

જો કે હજુ મારા આ વિડીયોમાં ઓડિયોની ખામી રહી ગઈ છે એટલે તમને અવાજ જોઈએ એવો સ્પષ્ટ કદાચ નહી સંભળાય પણ આ તો પાશેરામાં પહેલી પૂણી છે . ધીમે ધીમે એ પણ ઠેકાણે આવી જશે. પાછલી ઉંમરે જમાના સાથે કદમ મિલાવી નવું નવું શીખવાના કેવા અભરખા થાય છે !

આ વિડીયોમાં જે ભજન મેં રજુ કર્યું છે એ મને ખુબ પ્રિય છે .એ ભૈરવી રાગનું ભજન છે . આજથી ૬૫ વર્ષ અગાઉ હું એ વખતની ખુબ જાણીતી હાઈસ્કુલ-સર્વ વિદ્યાલય-કડી અને એના જ વિશાળ નૈસર્ગિક પરિસરમાં આવેલ ગાંધી મુલ્યોને વરેલ છાત્રાલયમાં અન્ય ૪૦૦ વિદ્યાર્થોઓ સાથે રહીને અભ્યાસ કરતો હતો. આ છાત્રાલય એ વખતે આશ્રમને નામે વિદ્યાર્થીઓમાં જાણીતું હતું.

એ આશ્રમમાં સવાર સાંજ પ્રાર્થના થતી હતી .આ પ્રાર્થના વખતે આ ભજન -એક જ દે ચિનગારી સ્ટેજ ઉપર સંગીત શિક્ષક અને અન્ય ગુરુઓ સાથે બેસીને ગવડાવતો હતો એ યાદ આવે છે . હવે ૮૦ વર્ષની ઉંમરે ગળું પહેલાં જેવું બુલંદી રહ્યું નથી,ગાવાના મહાવરા વિના ધીમું થઇ ગયું છે .છતાં ગાવાનો પ્રયત્ન આ વિડીયોમાં મેં બીતાં બીતાં કર્યો છે એને કંટાલ્યા વિના સાંભળવા વિનંતી છે.

આ ભજન સાથે જોડાએલું એક બીજું સ્મરણ પણ યાદ આવે છે. શાળામાં વિદ્યાર્થીઓમાં વાચન અને લેખન પ્રવૃત્તિ વિકસે અને એમનામાં પડેલી શક્તિઓ તેઓ બહાર લાવી પ્રદર્શિત કરી શકે એ હેતુથી શાળાના પ્રિય આચાર્ય શ્રી નાથાભાઈ દેસાઈ અને ગુજરાતી વિષયના શિક્ષક જાણીતા સાહિત્યકાર શ્રી મોહનલાલ પટેલના માર્ગદર્શન હેઠળ એક હસ્ત લિખિત સામયિક “ચિનગારી “ચલાવવામાં આવતું જેને પુસ્તકાલયમાં એક કાચના બનાવેલા કબાટમાં ભરાવવામાં આવતું.આ ચિનગારી સામયિકના તંત્રી તરીકે મને જવાબદારી સોપવામાં આવેલી. આ કામ કરતાં કરતાં મારામાં રહેલી લેખન અને સંપાદન શક્તિનો પાયો એ વખતથી નંખાયો એમ કહું તો ખોટું નથી.

ખેર આ સંસ્થા અને એના ગુરુઓ અને મિત્રો સાથેનાં  ઘણાં સ્મરણો મનની મંજુષામાં કેદ પડેલાં છે. હકીકતમાં ઘણા મિત્રો અને સ્નેહીજનો તરફથી મને સૂચન મળ્યાં છે કે મારા જીવન વિષે મારે લખવું જોઈએ . પણ હું કઈ એવી મહાન વ્યક્તિ નથી .એક અસામાન્ય પરિસ્થિતિઓમાંથી પસાર થયેલ એક સામાન્ય માણસ છું. મારી  જીવન  કથામાં-એક અલ્પાત્માના આત્મ પુરાણમાં –કોને રસ પડવાનો છે ?

હકીકતમાં મારા બ્લોગમાં છૂટક લેખોમાં અને “કુસુમાંજલિ” ઈ-પુસ્તકમાં મારા વિષે અને મારા કુટુંબીજનો વિષે મારા અંગત જીવનની ઘણી પેટ છૂટી વાતો મેં જણાવી જ છે.એમ છતાં જીવનના યાદગાર પ્રસંગો અને મને અસર કરી ગયેલી વ્યક્તિઓ વિષે “મારા જીવન પ્રસંગો ” કે એવા શીર્ષક હેઠળ સંસ્મરણો લખવા એક વિચાર મનમાં રમ્યા કરે છે .આના વિષે યથા સમયે  લખવા ઈચ્છા  છે જ.આ વિચાર જ્યારે હકીકતમાં કાર્યાન્વિત બને  ત્યારે ખરું ! જો અને જ્યારે એ લખાશે એમ અહીં મુકતો જઈશ. 

ખેર, આજે તો એક જ દે ચિનગારી ભજનને ૬૦-૬૫ વર્ષના  ઘણા લાંબા સમય પછી ફરી એક વાર ૮૦ વર્ષના વિનોદ પટેલને નીચે મુકેલ વિડીયોમાં નિહાળો/સાંભળો અને પ્રોત્સાહિત કરો.

વિડીયો પછી આ ભજન માંથી પ્રેરણા લઇ એમાંનો ભાવ પકડી  અંગ્રેજીમાં કરેલ મારો ભાવાનુવાદ પણ મુક્યો છે એને પણ વાંચશો.

મારા પ્રિય ભજનના શબ્દો આ રહ્યા …કેટલું ભાવવાહી છે આ ભજન !

એક જ દે ચિનગારી મહાનલ
એક જ દે ચિનગારી ….. ધ્રૂવ.

ચકમક લોઢું ઘસતાં ધસતાં
ખર્ચી જિંદગી સારી ;
જામગરીમાં તણખો ન પડ્યો
ન ફળી મહેનત મારી …..મહાનલ . ૧.

ચાંદો સળગ્યો ,સુરજ સળગ્યો
સળગી આભ અટારી ;
નાં સળગી એક સગડી મારી
વાત વિપતની ભારી …. મહાનલ ..૨

ઠંડીમાં મુજ કાયા થથરે
ખૂટી ધીરજ મારી
વિશ્વાનલ ! હું અધિક ન માગું,
માગું એક ચિનગારી ….મહાનલ ..૩.

– હરિહર ભટ્ટ

આ ભજનનો મેં કરેલ અંગ્રેજીમાં ભાવાનુવાદ …

I want only a spaklet !

Oh Lord, Oh Sun God,
You are a huge store of Burning Energy,
From far far away
You spread Light in this world
And in Moon, Mars And Other galaxy planets,
But still I shiver and tremble in the cold.

I don’t want more from you,
Please give me only a small sparklet,
Only a ray from your burning Mass
This will help me a lot.
By which I can kindle a tiny spark in me,
And with your light and heat,
I can steady my stumbling feet once for all.

Please chart my way in the darkness around me,
By this divine gift from you,
I can complete the journey of my life,
And finally merge in your mass of Light,
Oh God ! Oh Sun God !

Vinod Patel .7-24-2015

10 responses to “( 752 ) યુ-ટ્યુબ પર મારો વિડીયો પ્રયત્ન…એક જ દે ચિનગારી ..સ્મરણો

  1. pragnaju જુલાઇ 25, 2015 પર 10:48 એ એમ (AM)

    સારો પ્રયત્ન
    ભલે આ સૂર, તાલ, લય, રાગ, અને સંગીતની સરગમને અનુકૂળ ન હોય પણ ભાવવાહી શબ્દ જરા પણ નજર અંદાઝ કરવા જેવી વાત નથી…
    નમ્ર વિનંતી કે એક વખત આ સરગમ ને તમારા કર્ણપટલ સુધી વહેવા દો … એ માત્ર તન-મનને જ નહીં પરંતુ આત્માને પણ સરગમનાં તાનમાં મુગ્ધ કરીને ડોલાવશે..!!..જાણેકે ભાવ શબ્દ નૃત્ય કરી રહ્યાં છે એવું ભાસે છે ..!!! ખરેખર, જેવાં સુંદર શબ્દો એવું જ મધુરા ભાવ !.
    એકવાર આપણને પોતાના નાનકડા ‘હું’નો સૂર પ્રકૃતિમાં વ્યાપીને રહેલા ચૈતન્યના શાશ્વત સૂરની સાથે મિલાવી દેતાં આવડી જાય, એનો લય એ આપણો લય બની જાય, એની ગતિ અને તાલ આપણા ગતિ અને તાલની સાથે એકરૂપ બની જાય –

    Like

  2. vimala જુલાઇ 25, 2015 પર 11:12 એ એમ (AM)

    બહુ સરસ સાહેબ.
    આ ભજન મારું પણ ગમતું ભજન છે.
    આ ભજન વિષે આપના શાળા અનુભવ જેવો અનુભવ મારો પણ છે.
    રાજકોટની વલ્લભ કન્યા વિદ્યાલયમાં પ્રાર્થનામાં ગવાતું તે પ્રિય બૅની ગયું.
    અમારા શાળાના વાર્ષિક અંકો અમને અમારી કુશળતા વ્યક્ત કરવાનું સોપાન બનતું.
    આજે અહી આપના સ્વરમાં સાંભળતા સ્મરણો તાજા થયા. સુંદર ભાવાનુવાદ વાંચતા-સાંભળતા
    ભજનમાં ઑત-પ્રોત થવાયું. ખૂબ સરસ પ્રયત્ન. આભાર.

    Like

  3. harnishjani52012 જુલાઇ 25, 2015 પર 11:19 એ એમ (AM)

    બહુ સરસ. ગમ્યું. ભજન તો અમર છે્ આજે જ કવિશ્રીના જીવીત પુત્ર સુધાકર ભટ્ટને મોકલું છું. એમને આનંદ થશે.
    એ મારા નિકટના મિત્ર છે્.

    Like

  4. captnarendra જુલાઇ 25, 2015 પર 12:31 પી એમ(PM)

    વિનોદભાઈ,
    આપનું ભજન સાંભળતાં સાંભળતાં જ આ પ્રતિભાવ લખી રહ્યો છું. ખુબ ભાવવાહી રીતે ગાયું છે. આમ જ ભક્તિસંગીત રેલાવતા રહેજો અને અમને તેનો લાભ આપતા રહેશો એવી વિનંતી.

    Like

  5. chandravadan જુલાઇ 25, 2015 પર 2:13 પી એમ(PM)

    Vinodbhai…Your 2nd Video.
    Nice Prarthana…..You sang with your heart.
    Devotional Creations…
    Keep up your spirits !
    Chandravadan
    Avjo @ Chandrapukar !

    Like

  6. pravinshastri જુલાઇ 25, 2015 પર 4:14 પી એમ(PM)

    આપના ભાવ સભર દર્શન અને કંઠ્નો લાભ મળ્યો એ નો ખૂબ આનંદ થયો. કોઈ જાણકાર કહેશે કે આ ટ્રેડિશનલ રાગ જોનપુરી રાગ છે કે બીજો કોઈ રાગ છે. “ઘૂંઘટકે પટ ખોલ” ફિલ્મ સોંગ જોન્પુરી આધારીત છે. હરીહરજીના પુત્ર સુધાકરભાઈ ગુજરાત દર્પણની સાહિત્ય સભામાં પધાર્યા હતા. બસ ગાતા રહો. ખૂલ્લા ગળે ગાતા રહો. અમે સાંભળતાં રહીશું.

    Like

  7. Vinod R. Patel જુલાઇ 25, 2015 પર 10:23 પી એમ(PM)

    એક જ દે ચિનગારી પ્રાર્થના ગીતના કવિ સ્વ. હરિહરભાઈ ભટ્ટના ન્યુયોર્ક રહેતા પુત્ર શ્રી સુધાકરભાઈ ભટ્ટ એ ઈ-મેલમાં મોકલેલ સંદેશ એમના આભાર સાથે નીચે રજુ કરુ છું.

    મુરબ્બી શ્રી વિનોદભાઈ :
    આપની કુશળતા ચાહું છું .
    કદાચ આપને હું અજાણ્યો લાગ્યો હોઇશ , તો સૌથી પહેલા હું આપને
    મારી ઓળખાણ આપું .
    આપે યુ ટ્યુબમાં , જે પ્રાર્થના , એક જ દે ચિનગારી , ગાઈ છે , તે
    પ્રાર્થનાના કવિ , શ્રી હરિહરભાઈ ભટ્ટ , મારા પૂજ્ય પિતાશ્રી થાય.
    આ પ્રાર્થના પૂજ્ય ગાંધીજીને એટલી બધી પ્રિય લાગી કે તે પ્રાર્થના
    તેમણે આશ્રમ ભજનાવલીમાં પ્રગટ કરાવી છે , અને તે પ્રાર્થના
    તેમના સાબરમતી આશ્રમમાં પણ ગવાતી હતી . તે વખતે મારા
    પૂજ્ય પિતાશ્રી તે આશ્રમમાં જ રહેતા હતા .
    ભલે આપની મોટી ઉંમરને લીધે આપ પહેલા જેવી સુંદર ગાઈ ન
    શક્યા હો , પરંતુ આપે કરેલો પ્રયત્ન ખૂબ જ વખાણવા લાયક છે.
    તે બદલ આપનો અંતરથી ખૂબ જ આભાર .
    હું મારા કુટુંબ સાથે ન્યુયોર્ક શહેરમાં લગભગ ૫૦ વર્ષથી રહું છું .
    મારી ઉંમર હમણાં ૭૯ વર્ષની છે .
    પ્રભુકૃપાથી હું પણ કવિતાઓ લખું છું અને ન્યુયોર્ક , ન્યુજર્સી , ફ્લોરીડા
    ઇંગ્લેન્ડ થતા કવિસંમેલનમાં ભાગ લીધો છે .
    આપની યુ ટ્યુબ વીડિઓ મારા નિકટના મિત્ર શ્રી. હર્નીશભાઈ જાનીએ
    મોકલી હતી .
    સુધાકર હરિહર ભટ્ટના આપને મારા
    અંતરથી પ્રણામ.

    Like

  8. સુરેશ જાની જુલાઇ 26, 2015 પર 5:20 એ એમ (AM)

    હાથમાં અથવા ક્લિપ ઓન માઈક રાખો. અવાજ બરાબર આવશે.

    Like

  9. Pragnaji જુલાઇ 26, 2015 પર 7:11 એ એમ (AM)

    વિનોદકાકા,ખુબ સરસ આપની કુશળતા ચાહતા અભિનંદન તમે અને દાવડા સાહેબ ને સલામ
    આપે યુ ટ્યુબમાં જે પ્રાર્થના એક જ દે ચિનગારી ગાઈ છે તે ખરેખર પ્રસંશા ને પાત્ર છે
    ભલે આપની મોટી ઉંમરને લીધે આપ પહેલા જેવી સુંદર ગાઈ ન
    શક્યા હો ,સંપુર્ણ ભાવ સાથે,અર્થ સભર ખુબ સરસ
    અને પ્રાર્થના સાચ્ચે હૃદયમાં વસાવી છે
    પરંતુ આપ બીજીવાર આવાજ મોટો સંભળાય એમ volume રાખજો ,
    અવનવું મુકજો આને કહેવાય કે technology સાથે કદમ મિલાવ્યા

    Like

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.