વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

( 871 ) ઝિન્દગી યૂં ભી ગુઝર હી જાતી, ક્યોં તેરા રાહ ગુજર યાદ આયા?….બઝમે-શાયરી – ડૉ. એસ. એસ. રાહી

‘ગાલિબ’ તો એમનું તખલ્લુસ .. પણ એમનું આખું નામ મિર્ઝા અસદુલ્લા બેગ ખાન … આ જાણીતા ઉર્દુ અને પર્સિયન કવિના નામથી કોણ અજાણ્યું હોય ! એમની જિંદગીમાં એમણે રચેલી ગઝલો સૈકાઓથી મુશાયરાઓમાં અને અનેક કાર્યક્રમોમાં ગવાતી આવી છે.‘ગાલિબ’ની ગઝલોમાં  ઊંડું તત્વજ્ઞાન અને અને ઊંડું જીવનદર્શન સમાયેલું જોવા મળે છે. 

મિર્ઝા ગાલીબના જીવન ઉપર એક સરસ હિન્દી ચલચિત્ર પણ ઉતારવામાં આવ્યું હતું જેમાં જાણીતા કલાકાર  નસરુદ્દીન શાહે મિર્ઝા ગાલીબ નો રોલ આબાદ નિભાવ્યો હતો. આ ચલચિત્રમાં મિર્ઝા ગાલીબની ગઝલોને ગઝલોના કિંગ જગજીતસિંહના સ્વરે સાંભળવા મળે છે.

આ ચલચિત્રના ૧ થી ૩૯ ભાગ Mirza Galib ..Part 1 to 39 .. આ લીંક પર ક્લિક કરીને જોઈ/સાંભળી શકાશે.

ગાલીબની ગઝલોની થોડી ઝલક  …..

ઇશ્કને ‘ગાલિબ’ નિકમ્મા કર દિયા,

વરના હમ ભી આદમી થે કામ કે

યે કહાં કી દોસ્તી હૈ કિ બને હૈ દોસ્ત નાસેહ,

કોઇ ચારાસાઝ હોતા, કોઇ ગમગુસાર હોતા.

અર્થ-આ દોસ્તી કેવા પ્રકારની છે જેમાં મિત્ર પોતે ઉપદેશક બની ગયા છે. ઉપદેશક બનવા કરતાં મારા દર્દનો કોઇએ ઉપચાર કર્યો હોત અથવા કોઇએ સહાનુભૂતિ દર્શાવી હોત તો મને વધુ આનંદ થાત.

આવા મશહુર ગઝલકાર મિર્ઝા ગાલીબ ઉપર  ડૉ. એસ. એસ. રાહી લિખિત એક સરસ પરિચય લેખ મુંબઈ સમાચારના સૌજન્યથી આજની પોસ્ટમાં પ્રસ્તુત છે. 

વિનોદ પટેલ 
 

ઝિન્દગી યૂં ભી ગુઝર હી જાતી, ક્યોં તેરા રાહગુજર યાદ આયા?

બઝમે-શાયરી – ડૉ. એસ. એસ. રાહી

Galib‘ગાલિબ’ના મૃત્યુનાં ૧૪૬ વર્ષ પછી તેમની ગઝલો હજુ ગઇકાલે જ લખાઇ હોય તેવી તાજગીભરી વેધક અને ધારદાર શા માટે લાગે છે? આ પ્રશ્ર્નનો જવાબ એ છે કે ‘ગાલિબે’ તેમની હયાતીમાં જે કાઇ અનુભવ્યું, વેઠ્યું, જોયું તેનું પ્રતિબિંબ તેમણે તેમની ગઝલોમાં બે ખૌફ ઝીલી બતાવ્યું છે કેમ કે ‘ગાલિબ’નું જીવન દર્દ, વ્યથા, નિરાશા, માન અને માનહાની, ખુમારી અને અવહેલના તેમજ બેચેનીથી સભર હતું.

‘ગાલિબ’નો જન્મ તેમના મોસાળ અકબરાબાદ(આગ્રા)માં ૨૭ ડિસેમ્બર ૧૭૯૭ના રોજ થયો હતો. તેમનું તખલ્લુસ(ઉપનામ) ‘ગાલિબ’ એટલું પ્રચલિત થઇ ચૂક્યું છે કે તેમનું મૂળ નામ મીર્ઝા અસદ-ઉલ્લા ખાં હતું તે લગભગ ભુલાઇ ચૂક્યું છે. તેમના પિતા અબ્દુલ્લાં બેગ ખાં ફોજી નોકરીમાં હતા. પણ ‘ગાલિબે’ નાની ઉંમરમાં જ પિતાનું છત્ર ગુમાવ્યું. તેમના ઉછેરની જવાબદારી કાકાએ લીધી હતી. ગાલિબનાં લગ્ન માત્ર ૧૩ વર્ષની વયે મીર્ઝા ઇલાહી બખ્શ ખાંની પુત્રી ઉમરાવ બેગમ સાથે થયાં હતાં. તેઓને સાત સંતાનો થયાં પણ તેમાંથી એકેય સંતાન જીવી ન શક્યું. તેઓના લગ્નજીવનની આ મોટી કરુણતા હતી.‘ગાલિબ’ ખૂબ લાંબુ જીવન જીવ્યા. તેમના કેટલાય મિત્રો-સ્નેહીઓ ‘ગાલિબ’ની હયાતી દરમિયાન વિદાય થઇ ગાય. ‘મારું મૃત્યુ થશે ત્યારે મારી પાછળ રડવાવાળું કોઇ નહીં હોય’ એવા વિચારથી ‘ગાલિબ’ ધ્રૂજી ઉઠતા. તા. ૧૫ ફેબ્રુઆરી ૧૮૬૯ના રોજ ૭૩ વર્ષની વયે ‘ગાલિબ’ દિલ્હીમાં મૃત્યુ પામ્યાં હતાં. દિલ્હીમાં તેમને નિજામુદ્દીન ઓલિયાના મઝારની પડખે દફનાવવામાં આવ્યા હતા.

‘ગાલિબ’તેમના યુગની સંસ્કૃતિનું જીવતું જાગતું ઉદાહરણ હતા. માનવીય મૂલ્યો, નૈતિક આદર્શો તથા સાંપ્રદાયિક એકતા અને સદ્ભાવને તેઓ પ્રેમ કરતા હતા. આ મૂલ્યોને તેમણે તેમના હૃદયમાં જીવનના અંત સુધી સ્થાન આપ્યું હતું. જીવનની કટોકટીની ક્ષણોમાં પણ તેમણે આ મૂલ્યો સાથે કોઇ બાંધછોડ કરી નહોતી.

અંતિમ મોગલ બાદશાહ અને શાયર બહાદુરશાહ ઝફરે ‘ગાલિબ’ને મોગલ વંશનો ઇતિહાસ લખવાનું કામ સોંપ્યું હતું અને તે માટે તેમને માસિક વેતન બાંધી આપ્યું હતું. ૧૮૫૭ના સંગ્રામનો આરંભ થયો ત્યારે ‘ગાલિબ’ની ઉંમર ૬૦ વર્ષ હતી. ૧૮૫૭ના સંગ્રામની અનેક ઉથલપાથલે ‘ગાલિબ’ને આઘાત અને શોકના દરિયામાં ડુબાડી દીધા હતા.

‘ગાલિબ’ની ગઝલોના પુસ્તક ‘દીવાને ગાલિબ’ની આજ સુધી એટલી આવૃતિઓ પ્રસિદ્ધ થઇ ચૂકી છે કે જેનો કોઇ હિસાબ કરી શકે તેમ નથી. ઇ.સ. ૧૯૬૭માં ‘ગાલિબ’ના જન્મને ૨૦૦ વર્ષ થયા ત્યારે માત્ર રાષ્ટ્રીય કક્ષાએ નહીં, પણ આંતરરાષ્ટ્રીય સ્તરે તેમની યાદમાં કેટલાય કાર્યક્રમોનું આયોજન થયું હતું. એજ વર્ષે દિલ્હીમાં ‘ગાલિબ’અકાદમીની સ્થાપના કરાઇ હતી. ભારત સરકારે તેમની સ્મૃતિમાં ટપાલ ટિકિટ બહાર પાડી હતી.

અજોડ અને અપૂર્વ શાયર ‘ગાલિબે’ એક શેરમાં લખ્યું છે :

હૈ ઔર ભી દુનિયામેં સુખનવર બહુત અચ્છે,

કહતે હૈ કિ ‘ગાલિબ’ કા હૈ અંદાઝે-બયાં ઔર.

આ વિશ્ર્વમાં ઘણા શાયરો અસ્તિત્વ ધરાવે છે. પરંતુ ‘ગાલિબ’ પાસે રજૂઆતની જે ખૂબી છે તે અન્ય શાયરો પાસે નથી.

‘ગાલિબ’ પાસે તત્ત્વચિંતનની પોતીકી મૂડી અને જીવનદર્શન નો અનોખો અભિગમ હતો. જુઓ આ શે’ર:

ઝિન્દગી યૂં ભી ગુઝર હી જાતી,

ક્યોં તેરા રાહગુઝર યાદ આયા?

જીવન વિતાવવું દુષ્કર નથી જીવન તો આમ પણ બશર થઇ જાત. પરંતુ તારો રસ્તો મને કેમ યાદ આવ્યો?

‘ગાલિબ’ના જીવન વિશે અનેક દંતકથાઓ પ્રચલિત છે. તેઓ ખૂબ દારૂ પીતા હતા અને તે માટે તેમણે દેવું કર્યું હતું. આ દેવું તેઓ ભરપાઇ ન કરી શક્યા ત્યારે અનેક લેણદારોએ ‘ગાલિબ’ પર કેસ કર્યો ત્યારે ‘ગાલિબે’ તેનો ખુલાસો કરતા અદાલતમાં જજ પાસે આ શે’ર કહ્યો હતો:

કર્ઝ કી પીતે થે મય ઔર સમજતે થે કિ હાં,

રંગ લાયેગી હમારી ફાકામસ્તી એક દિન

‘ગાલિબ’ કહે છે : “હું દેવું કરીને શરાબ પીતો હતો ત્યારે મને ખબર હતી કે એક દિવસ મારું ફક્કડપણું આ સ્થિતિ સુધી મને જરૂર પહોંચાડશે તેમની બેફિકરાઇ અત્રે કેવી વ્યક્ત થઇ છે!

પ્રેમ વિશેનો ‘ગાલિબ’નો નીચે ટાંકેલો શે’ર અમર થઇ ગયો છે. દુનિયાના કોઇ પણ પ્રેમીની અંગત ડાયરીમાં આ શે’ર જોવા મળે તો તેમાં આશ્ર્ચર્ય પામવા જેવું કશું નથી:

ઇશ્કને ‘ગાલિબ’ નિકમ્મા કર દિયા,

વરના હમ ભી આદમી થે કામ કે

આ પ્રેમે જ મને સાવ નકામો કરી નાખ્યો નહીં તો હું પણ કામનો જ માણસ હતો. આ શે’રમાં કટાક્ષ છે તો કરુણતા પણ છુપાયેલી પડી છે. ‘ગાલિબ’ માત્ર પ્રેમી નહીં, પણ વિશ્ર્વપ્રેમી હતા. તેમની શાયરીનું મધ્યબિંદુ પ્રેમ-પ્રણય છે. પ્રેમથી ઓછું તેમને કશું જ ખપતું નથી. જુઓ નીચેનો શે’ર:

ચંદ તસ્વીરે-બુતાં, ચંદ હસીનો કે પુતૂત,

બાદ મરને કે યે સામાં મેરે ઘર સે નિકલા.

મારા મરણ પછી મારા ઘરમાંથી જે કાંઇ ઘરવખરી મળી આવી તેમાં કેટલીક સુંદરીઓની તસવીરો અને કેટલાક પ્રેમપત્રોનો સમાવેશ થાય છે. આ શે’રમાં ‘ગાલિબ’નો રંગીન મિજાજ માણવા મળે છે.

દોસ્તી-મૈત્રી વિશે ઘણા શાયરોએ તેમની શાયરીમાં આલેખન કર્યું છે પણ ‘ગાલિબ’ની રજૂઆત એકદમ નિરાળી છે :

યે કહાં કી દોસ્તી હૈ કિ બને હૈ દોસ્ત નાસેહ,

કોઇ ચારાસાઝ હોતા, કોઇ ગમગુસાર હોતા.

આ દોસ્તી કેવા પ્રકારની છે જેમાં મિત્ર પોતે ઉપદેશક બની ગયા છે. ઉપદેશક બનવા કરતાં મારા દર્દનો કોઇએ ઉપચાર કર્યો હોત અથવા કોઇએ સહાનુભૂતિ દર્શાવી હોત તો મને વધુ આનંદ થાત.

‘ગાલિબ’ના વિખ્યાત શે’રનો આસ્વાદ હવે માણી લઇએ:

હમકો માલૂમ હૈ જન્નતકી હકીકત લેકિન,

દિલ કો ખુશ રખને કો ‘ગાલિબ’ યે ખયાલ અચ્છા હૈ.

‘ગાલિબ’તેમની શાયરીમાં કલ્પનાનાં ચિત્રો દોરતા અને તેમાં કાલ્પનિક રંગો પણ ભરતા. આ શે’રમાં ‘ગાલિબ’ની સ્વર્ગની કલ્પના અદ્ભુત રીતે વ્યક્ત કરવામાં આવી છે. વાસ્તવમાં સ્વર્ગ છે કે નહીં તેનાથી ‘ગાલિબ’ સારી રીતે વાકેફ છે પણ સ્વર્ગની વાત એ તો ભ્રમણા માત્ર છે. છતાં હૃદયને આનંદમાં રાખવા માટે આવી કલ્પના, તરંગ અને ભ્રમ કામ તો આવે જ છે એમ કહીને ‘ગાલિબે’ આ શે’રમાં કટાક્ષ અને વ્યંગનું સાહજિક આલેખન કરી દીધું છે. સ્વર્ગની કલ્પનાથી આનંદ મળતો હોય તો તેમાં વળી ખોટું શું છે? ‘ગાલિબ’ પાસે ચાબખા મારવાની પણ સુંદર કળા હતી. ‘ગાલિબ’ની શાયરીમાં વ્યક્ત થતા કટાક્ષ, રમૂજ, વક્રતા, ઉપહાસ, વ્યંગ વિશે એક જુદો લેખ થઇ શકે. ‘ગાલિબ’ નાસ્તિક નહોતા. તેમને ખુદામાં પૂર્ણ આસ્થા હતી. પરંતુ પાખંડી લોકો સામે તેમનો આક્રોશ તેમની શાયરીમાં વ્યક્ત થતો દેખાય છે. ‘ગાલિબે’ધર્મના ઝંડા લઇને ફરતા મુલ્લાઓ અને શેખોને શાયરી દ્વારા ઉઘાડા પાડી તેઓની ઝાટકણી કાઢી છે. ધર્મોપદેશક(વાઇઝ)ને ‘ગાલિબે’ આ રીતે બાનમાં લીધા છે. આ શે’ર જુઓ:

કહાં મયખાને કા દરવાજા‘ગાલિબ’ ઔર કહાં વાઇઝ,

પર ઇતના જાનતે હૈ, કલ વો જાતા થા કિ હમ નિકલે

શરાબખાનામાં વળી ધર્મોપદેશકનું શું કામ? પરંતુ સાચું કહું? ગઇ કાલે જ્યારે મદિરાપાન કરીને સુરાલયમાંથી બહાર નીકળતો હતો ત્યારે પેલો ધર્મોપદેશક અંદર જઇ રહ્યો હતો.

‘ગાલિબ’નું જીવન વ્યથા, દર્દ અને કડવાશથી સભર હતું. તેમણે આનંદ અને સુખની થોડીક ક્ષણો જ ગાળી હતી. તેઓ ઝિન્દગીભર મુશ્કેલીઓ અને પારાવાર આફતોથી ઘેરાયેલા રહ્યા હતા. તેમને ઇચ્છાઓ, અપેક્ષાઓ, તમન્નાઓ અને મહત્ત્વાકાંક્ષાઓના કેવળ બે-ચાર છાંટા જ મળ્યા હતા. આ વાત‘ગાલિબ’ તેમની ખૂબ જ લોકપ્રિય ગઝલના મત્લામાં કેવી રીતે કરે છે તે જુઓ:

કોઇ ઉમ્મીદ બર નહીં આતી,

કોઇ સૂરત નજર નહીં આતી.

મારી કોઇ આશા પૂરી થતી જણાતી નથી કે નથી મને કોઇ ઉપાય સૂઝતો. હવે તો કોઇ ચહેરો પણ દેખાતો નથી. ઉર્દૂ ભાષાના મહાકવિ તરીકે પ્રતિષ્ઠા હાંસલ કરનાર ‘ગાલિબ’ની ગઝલો જમાનાઓ સુધી આવનારી પેઢીના દિલોમાં રાજ કરતી રહેશે એમાં કોઇ શંકા નથી.

સૌજન્ય મુંબઈ સમાચાર .કોમ 

2 responses to “( 871 ) ઝિન્દગી યૂં ભી ગુઝર હી જાતી, ક્યોં તેરા રાહ ગુજર યાદ આયા?….બઝમે-શાયરી – ડૉ. એસ. એસ. રાહી

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.