વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

( 873 ) હોળી-ધૂળેટીનો આનંદ મુબારક…. ત્રણ હોળી કાવ્યો …/ઇલેક્શનની હોળી- અમેરિકામાં … હરનીશ જાની (સંકલિત)

Happy holi

હોળી-ધુળેટી માર્ચ મહિનામાં અને હિંદુ કેલેન્ડર પ્રમાણે ફાગણ માસની પુનમના દિવસે,આવતો લોકપ્રિય હિંદુ તહેવાર છે.હોળીનો ઉલ્લાસ અને આનંદ લોકો અવનવા રંગોમાં રંગાઈ અને રંગીને ઉજવે છે.આ ઉત્સાહમાં લોકોના હૃદયની રંગીનતા જણાઈ આવે છે.

આ તહેવાર પ્રસંગે વસંત ઋતુનું પણ આગમન થઇ ચૂક્યું હોય છે.ખેતરોમાં પાક લહેરાતો હોય છે. કુદરતમાં પુષ્પોનો પમરાટ અને એક જાતની માદકતા છવાઈ જાય છે.

હોળીનો પર્વનો ઇતિહાસ અને અન્ય માહિતી માટે વિનોદ વિહારની માર્ચ ૨૦૧૨ ના વર્ષની હોળીના પર્વની આ પોસ્ટમાંથી વાંચો.

કરોના,કેલીફીર્નીયા નિવાસી કવિ મિત્ર શ્રી રમેશભાઈ પટેલ (આકાશદીપ) નું હોળીના તહેવારને અનુરૂપ સુંદર ગેય કાવ્ય એમના સાભાર સાથે આજની પોસ્ટમાં નીચે મુક્યું છે.

આ કાવ્યમાં એમણે હોળી-ધુળેટીમાં લોકોનો ઉલ્લાસ અને આનંદ ,રંગોની રમઝટ સાથે કુદરતમાં થતા માદક બદલાવનો આપણને પરિચય કરાવ્યો છે.

આજ આવી છે રંગીલી હોળી

હૈયાને રંગમાં ઝબોળી

આવી છે રંગીલી હોળી

છે કુદરત ખુશહાલ, સંગ નાચ મસ્તીનો વ્હાલ

શોભે તિલક આ ભાલ, લાવો હાથમાં ગુલાલ

ઉમંગે ખેલે ભેરૂઓની ટોળી

આજ આવી છે રંગીલી હોળી

ફાગણના રંગ ફાગ, મધુ કોયલના રાગ

છોડી વેરની આગ, ખેલો લઈને ગુલાલ

રંગભરી રમે નવોઢા ભોળી

આજ આવી છે રંગીલી હોળી

ઢોલ વાગ્યા હોળીના, લઈ કેસરિયા વ્હાલ

વ્રજમાં નાચે રે કાન, ભેટો લઈને ગુલાલ

લાવો ધાણી ખજૂરની ઝોળી

આજ આવી છે રંગીલી હોળી

રમેશ પટેલ  (આકાશદીપ)

શ્રી પી.કે.દાવડા નું એક વિચારવા જેવું હોળી કાવ્ય .

 

મનાવો પછી રોજ હોળી મજેથી

(ભૂજંગી)

કરીને ભલે કાષ્ટ ભેળા બધેથી,
જલાવો તમે આજ હોળી મજેથી,
ઉડાડો ગુલાલો અને રંગ બીજા,
અને માનજો બાળી નાખી બુરાઈ.

ભલે છેતરાઓ તમારી જ જાતે,
નથી નાશ પામી બુરાઈ જરાએ,
હજીતો વધારે વધે છે બુરાઈ,
હજી આજ લોકો રહ્યા છે લુંટાઈ.

હજી ટેક્ષ ચોરો મજાથી ફરે છે,
અને ભ્રષ્ટ નેતા હજીયે હસે છે;
ગરીબો તણા ભાગના ખાઈ નાણા,
હજી પ્રહલાદના બાપ છૂટા ફરે છે.

કરો નાશ આ દાનવોનો પહેલા,
પછી છો ઉડાડો થઈ રંગ-ઘેલા;
રંગો મુખ કાળા ધુતારા જનોના,
મનાવો પછી રોજ હોળી મજેથી.

-પી. કે. દાવડા

હ્યુસ્ટન નિવાસી હાસ્ય લેખક અને કવિ શ્રી ચીમન પટેલ “ચમન ” ની એક સુંદર હોળી રચના એમના અનોખા અંદાઝમાં માણો.

રંગ રાગ
આજ
ધૂળની જેમ
ઊડી રહી રંગની છોળો!
એકલવાયા
મારા મનને
શીદ આવી ઢંઢોળો?
રંગ ઘોળ્યો દિલડું ડહોળી,
ભરી પિચકારી એમાં બોળી.
પણ-
રમવી કોની સંગમાં હોળી?
આજ તો
મારેય છે રંગા’વું
પિચકારીયે છે છંટા’વું
સંગે રમી
રંગે રમી
દિલડું મારેય છે બહેલાવું!
ઉરના કો’ એકાંતે
આવી ‘એ’ લઈ પિચકારી
રંગી દીધો!
ભીજવી દીધો!
મને એના કસુંબલ રંગથી!!
ત્યારથી
એ રંગરાગમાં
એની સંગમાં
આજ લગી રંગાયેલ છું!!
*ચીમન પટેલ ‘ચમન’
(કસુંબલઃ કસુંબાના ફૂલનો રંગ)

 

Please, click the link below for whole article of Guj Mitra
http://gujaratmitra.in/Portals/6/Supplements/drp6.pdf

 

Holi Khelat Nandlal – Top Holi Songs

વિનોદ વિહાર ના વાચકોને હોળી-ધૂળેટીનો આનંદ મુબારક

1 responses to “( 873 ) હોળી-ધૂળેટીનો આનંદ મુબારક…. ત્રણ હોળી કાવ્યો …/ઇલેક્શનની હોળી- અમેરિકામાં … હરનીશ જાની (સંકલિત)

  1. pragnaju માર્ચ 24, 2016 પર 4:08 એ એમ (AM)

    હોળી-ધૂળેટી મુબારક

    Like

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.