વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

( 1008 ) મહાત્મા ગાંધી, રેંટિયો અને ઈન્ટરનેટ …… સોનલ પરીખ

૩૦મી જાન્યુઆરી એટલે કે ગાંધી નિર્વાણ દિને  દેશ અને પરદેશમાં પૂજ્ય બાપુને ભાવભરી શ્રદ્ધાંજલિ આપવામાં આવી .

આજથી ૬૯ વર્ષ અગાઉ ૩૦મી જાન્યુઆરી, ૧૯૪૮ ના દિવસે મહાત્મા ગાંધીએ પોતાના જીવનની આહુતિ આપી હતી .ગાંધી દેશ માટે જીવ્યા હતા અને દેશ માટે શહીદ બની એમનાં કાર્યોથી વિશ્વમાં અમર બની ગયા.

વિશ્વ પ્રસિદ્ધ નાટ્યકાર બર્નાડ શો એ મહાત્મા ગાંધી વિષે કહ્યું હતું કે –

“આવનારી પેઢીઓ ભાગ્યે જ વિશ્વાસ કરશે કે ક્યારેક આ સંસારમાં એવી વ્યકિત પણ રહી હતી, જે આધુનિક સ્વતંત્ર ભારતના પિતા,નવરાષ્ટ્રના નિર્માતા અને ભાગ્ય વિધાતા એવી ઘણી વિવીધતાઓ લઈને કોઈ નોખી માટીનો માનવી આ દેશમાં જન્મયો હશે”.

મારી નીચેની અછાંદસ રચનાથી પૂજ્ય બાપુને ભાવભરી શ્રદ્ધાંજલિ આપું છું.

ગાંધી અને આઝાદી …અછાંદસ રચના

Gandhi Sketch- Vinod Patel

પંદરમી ઓગસ્ટ ૧૯૪૭ એ ભારત બન્યો આઝાદ,

ખુશી ફરી વળી, સમગ્ર દેશે ખુબ જશન મનાવ્યો,

દિલ્હીમાં દેશ નેતાઓ ઉજવણીમાં હતા મગ્ન ,

પણ આઝાદીની લડતમાં આગેવાની લેનાર,

દેશ માટે જીવન ખપાવનાર દુખી રાષ્ટ્રપિતા ,

અલિપ્ત રહ્યા, ગેરહાજર રહ્યા એ ઉજવણીમાં,

ક્યાં હતા એ જશન ટાણે, અને શું કરતા હતા ?

કોમી દંગાઓથી દુખી આ દેશનેતા, એ વખતે,

દિલ્હીની ઉજવણીની ખાણી પીણીથી ઘણે દુર ,

બંગાળના નાના ગામમાં અનશન  ઉપર  હતા !

 નિસ્પૃહી હતા આ દીન દુખિયા મહાત્મા ગાંધી !

કેવી કરુણતા કે ,આઝાદીના માત્ર છ માસ પછી ,

એક ખૂનીના હાથે, દેશ માટે તેઓ શહીદ થયા .

દેશ માટે જીવનાર અને મરનાર આ રાષ્ટ્રપિતાને,

શહીદીની ૬૯મી સંવત્સરીએ દિલી સ્મરણાંજલિ. 

–વિનોદ પટેલ

=========

રીડ ગુજરાતી.કોમના સૌજન્યથી ગાંધી ઉપરનો મને ગમેલો એક લેખ મહાત્મા ગાંધી, રેંટિયો અને ઈન્ટરનેટ “ એનાં લેખિકા સાહિત્યકાર સુશ્રી સોનલ પરીખના આભાર સાથે નીચે પ્રસ્તુત છે.

મહાત્મા ગાંધી, રેંટિયો અને ઈન્ટરનેટ…..સોનલ પરીખ

મહાત્મા ગાંધીનું વ્યક્તિત્વ અત્યંત સીધુંસાદું હતું,સાથે અનેક પરિમાણીય અને માપનનાં કોઈ ધોરણોમાં બંધ ન બેસે તેવું વિરાટ હતું. તેઓ વિજ્ઞાન અને ટેકનોલૉજીના પ્રખર વિરોધી હતા એવી એક વ્યાપક માન્યતા છે. સાથે અનેક બુદ્ધિજીવીઓ ગાંધીજી આજે હયાત હોત તો કૉમ્પ્યુટર અને ઈન્ટરનેટનો માનવીય નિસબત અને માનવ વિકાસના સંદર્ભે સારામાં સારો ઉપયોગ કરતા હોત તેવું પણ માને છે.

તાજેતરમાં એક દળદાર અંગ્રેજી પુસ્તક પ્રકાશિત થયું છે : ‘મ્યુઝિક ઑફ ધ સ્પિનિંગ વ્હીલ’ – જેમાં રેંટિયા જેવા સાદા યંત્રને સ્વાતંત્ર્યસંગ્રામ અને આત્મનિર્ભરતાનું પ્રતીક બનાવનાર મહાત્મા ગાંધીના ઈન્ટરનેટ યુગ સાથેનાં જોડાણની એક શક્યતા વર્ણવાઈ છે. પ્રસ્તુત છે વાચકો માટે એ પુસ્તકની થોડી રોચક વાતો….

વર્ષ 1931ના ડિસેમ્બર મહિનામાં મહાત્મા ગાંધી અને યુરોપના નૉબલ પ્રાઈઝ વિજેતા ચિંતક રોમા રોલાં – આ બે સુપ્રસિદ્ધ મહાપુરુષો વચ્ચે એક વાર્તાલાપ થયો હતો. આજે પણ એને વાંચીને મન પ્રકાશિત થઈ ઊઠે. તેનો એક અંશ જોઈએ.

રોમા રોલાં : તમે સત્યને ઈશ્વર શા માટે કહો છો ?

મહાત્મા ગાંધી : હિંદુઓમાં ઈશ્વરનાં હજારો નામ છે, પણ તેમાંનું એક પણ નામ ઈશ્વરની વિભૂતિને સર્વથા વ્યક્ત કરતું નથી. ઈશ્વર તેનાં સર્વ સર્જનોમાં- દરેક જીવમાં રહેલો છે. તેથી તેનું કોઈ એક નામ ન હોઈ શકે તેમ પણ આપણે કહીએ છીએ. પણ મારે માટે ઈશ્વરને વ્યક્ત કરી શકે તેવો જો કોઈ એક શબ્દ હોય તો તે સત્ય છે. પહેલાં હું કહેતો, ઈશ્વર સત્ય છે. પણ હવે હું માનું છું કે સત્ય ઈશ્વર છે.

રોમા રોલાં : પણ સત્ય એટલે શું ?

મહાત્મા ગાંધી : પ્રશ્ન અઘરો છે, પણ મેં મારા પૂરતું શોધી કાઢ્યું છે કે મારા અંતરાત્માનો અવાજ તે જ મારું સત્ય.

રોમા રોલાં : સત્ય એ જ ઈશ્વર હોય તો હું માનું છું કે ઈશ્વર એટલે પૂર્ણ આનંદ. સાચી કલા, નિરામય સૌંદર્ય, સૌજન્ય, સહજ આનંદ – આ ઈશ્વરનાં રૂપો છે.

મહાત્મા ગાંધી : હિંદુ ધર્મમાં ‘સચ્ચિદાનંદ’ શબ્દ છે. એનો અર્થ પણ આ જ છે. સત્ય આનંદવિહોણું ન હોઈ શકે. તેની શોધમાં હતાશા, યાતના, થાક બધું નથી આવતું તેમ નથી, પણ અંતે જે પ્રાપ્ત થાય છે તે નિર્ભેળ આનંદ જ હોય છે.

આ અંશ એક દળદાર પુસ્તક ‘મ્યુઝિક ઑફ ધ સ્પિનિંગ વ્હીલ : મહાત્મા ગાંધીઝ મેનિફેસ્ટો ફોર ધ ઈન્ટરનેટ એજ’ ના એક પ્રકરણમાંથી લેવામાં આવ્યો છે.

સત્ય, સત્ય પ્રાપ્તિનો નિર્ભેળ આનંદ અને સામાન્ય માનવીને પોતાનામાં રહેલાં સત્ય અને સત્વથી પરિચિત કરાવવો તે હતું મહાત્મા ગાંધીનું જીવન ધ્યેય. એક ગુલામ દેશનો હડધૂત થતો ગરીબ ગ્રામજન પણ પોતાની જાતને નિરુપયોગી કે અસહાય ન મહેસૂસ કરે તે માટે તેમણે તેના હાથમાં ચરખો મૂક્યો. ચરખાએ એ યુગમાં એવી ક્રાંતિ સર્જી કે ભારતનું નિર્માલ્ય પ્રજાજીવન એક વિરાટ ચૈતન્ય બની પોતાને જકડી રાખનાર સાંકળોને તોડી શક્યું.આ સંદર્ભે આ પુસ્તકના લેખક સુધીન્દ્ર કુલકર્ણી જે ભારતના ભૂતપૂર્વ પ્રધાનમંત્રી અટલ  બિહારી વાજપાઈના અંગત સહાયક હતા, તેમણે એક રસપ્રદ વાત કરી છે કે જે ક્રાંતિ ચરખાએ ગાંધીયુગમાં કરી હતી એ ક્રાંતિ-સામાન્ય માનવીના સશક્તીકરણની- આજે ઈન્ટરનેટે કરી બતાવી છે.

ઈન્ટરનેટ વાપરતો વૃદ્ધ કે અશક્ત માનવી દુનિયાના એક ખૂણામાં બેસીને માહિતી, જ્ઞાન ને મનોરંજન મેળવી શકે છે. સમય બદલાતો જાય તેમ સાધનો બદલાતાં જાય : ત્યારે ચરખો હતો, આજે ઈન્ટરનેટ છે. પણ ધ્યેય બન્નેનું એક જ છે – અને તો પછી ઈન્ટરનેટ એક સાચા માનવપ્રેમી મહાત્મા ગાંધીની વૈચારિક ક્રાંતિનો જ એક ચહેરો કેમ ન હોઈ શકે ? સુધીન્દ્ર કુલકર્ણી ઈન્ડિયન એક્સપ્રેસની પોતાની કોલમમાં પણ આ વાત વારંવાર કહેતા.

મહાત્મા ગાંધીનો જન્મ 1869માં થયો. ઈન્ટરનેટનો જન્મ તેનાgandhi-internet બરાબર સો વર્ષ પછી એટલે કે 1969માં થયો. ઈન્ટરનેટ યુગનું એક સીમાચિહ્ન એટલે સ્ટીવ જૉબ્સ.

સ્ટીવ જૉબ્સે 1990ના દાયકામાં એપલનું મશહૂર ‘થીંક ડિફરન્ટ’ એડવર્ટાઈઝિંગ કૅમ્પેન શરૂ કર્યું ત્યારે તેણે મહાત્મા ગાંધીનો ચરખા સાથેનો ફોટોગ્રાફ પસંદ કર્યો હતો, જેના પર ‘થીંક ડિફરન્ટ’ ઉપરાંત ‘બી ધ ચૅન્જ યુ વીશ ટુ સી ઈન ધ વર્લ્ડ’ એવું મહાત્મા ગાંધીનું અવતરણ હતું.

ડિજિટલ ટેકનૉલૉજીના અનેક ચહેરા છે, પણ તેના સંશોધન સાથે ઊંડી સામાજિક નિસબત જોડાયેલી છે. ઈન્ટરનેટ વિશ્વ સાથે જોડાયેલા તમામ ‘જેન્યુઈન’ સંશોધકોનું ધ્યેય ધન નહીં, પણ માનવજાતની સેવા અને સર્જનાત્મકતાનો આવિષ્કાર છે. આ સંશોધકો કહે છે કે ડિજિટલ ક્રાંતિ ખરેખર તો પ્રકૃતિના ઉત્ક્રાંતિના નિયમને અનુસરે છે.

પ્રકૃતિમાં વિકાસ છે, પણ સંઘર્ષ નથી, સહકાર છે. ગાંધીએ પણ આ સિદ્ધાંત માનવવિકાસના પાયામાં જોયો છે. જોકે, ઈન્ટરનેટ વ્યાવસાયિકતાને રાજકારણની સાંકડી સીમાઓથી નિયંત્રિત થાય તો તે માનવવિકાસને બાધક નીવડે છે, જેમ માનવીનું મગજ નૈતિક મૂલ્યોવિહોણી બુદ્ધિથી ગેરમાર્ગે દોરવાય અને વિકાસને બદલે પતન લાવે તેમ.

સ્ટીવ જૉબ્સ કહે છે, ‘માનવીનું મન અત્યંત ઉધમાતિયું છે, જેમ તમે તેને શાંત પાડવા જાઓ તેમ તે વધુ ધાંધલ કરે છે, પણ એકવાર જો તે શાંત થાય તો એક સાચી ક્ષણમાં રહેલી અપરંપાર શક્યતાઓને જોઈ શકે છે.’ ‘હિંદ સ્વરાજ’માં ગાંધીજીએ લખ્યું છે, ‘મન અશાંત પક્ષી જેવું છે. જેમજેમ તેને વધુ પ્રાપ્તિ થાય તેમતેમ તેની ઝંખના વધતી જાય છે. તેના અસંતોષનો કોઈ અંત નથી.’ ‘પ્રાર્થના, ઉપવાસ, મૌન અને કાંતણ વડે તે શાંત થાય છે અને ચરખાના મધુર ગુંજારાવ જેવો પોતાના આત્માનો અવાજ પછી તે સાંભળી શકે છે.’

સ્ટીવ જૉબ્સે ભારતમાં આવ્યા બાદ પોતાનું નિરીક્ષણ આ શબ્દોમાં નોંધ્યું છે : ‘અમેરિકા અને ભારત વચ્ચે અત્યંત વિરાટ સાંસ્કૃતિક તફાવત છે. ભારતની ગ્રામીણ પ્રજા અમેરિકાના લોકોની જેમ બુદ્ધિના આધારે નથી જીવતી. આ પ્રજા પોતાની સહજ સ્ફુરણાના આધારે જીવે છે અને આ તેમની આ શક્તિ વિશ્વની અન્ય પ્રજાઓ કરતાં અનેક ગણી વધુ વિકસિત છે. હું માનું છું કે ઈન્ટ્યુઝન ઈઝ મોર પાવરફુલ ધેન ઈન્ટલેક્ટ. મારા જીવન પર આ બાબતની બહુ મોટી અસર છે.’

8 એપ્રિલ, 1921માં ભારતભ્રમણ કર્યા બાદ એક વ્યાખ્યાનમાં ગાંધીજીએ કહ્યું હતું, ‘આ પ્રવાસમાં મેં જોયું કે ભારતની ગ્રામીણ સ્ત્રીઓ આપણે તેમને માનીએ છીએ તેવી બુદ્ધિહીન કે અસંસ્કારી નથી. તેઓ પોતાની સહજ સમજના આધારે ભણેલા ભારતીયોના વિચાર વાદળમાં ધૂંધળું જોતી દષ્ટિ કરતાં વધુ સ્પષ્ટ જોઈ શકે છે.’

લેખક કહે છે, ‘ઈન્ટરનેટ અને અન્ય ડિજિટલ ટેકનૉલૉજી મહાત્માના વિચારોનું વહન કરવાનું સામર્થ્ય ચોક્કસ ધરાવે છે.’ ઈન્ટરનેટમાં ગાંધી જેમાં માનતા તેવી વ્યક્તિગત અને વૈશ્વિક જીવનશૈલીનો નવો યુગ નિર્માણ કરવાની ભરપૂર શક્યતાઓ રહેલી છે. એક એવું વિરાટ વિશ્વ, જેની ધરી નૈતિક મૂલ્યોની બનેલી હોય – જેમાં સંવાદિતા અને સાતત્યપૂર્ણ વિકાસ હોય.

‘ઈન્ટરનેટ સત્યાગ્રહીઓ’ ઊભા કરવાની વાત સાથે લેખકે અટલ બિહારી વાજપાઈએ જે ભૌતિક, સાંવેદનિક, રાજકીય, વૈશ્વિક, પડોશી રાષ્ટ્રો વચ્ચેની અને ડિજિટલ ‘કનેક્ટિવિટી’ની વાત કરી હતી તેનો પણ સંદર્ભ આપ્યો છે. ગાંધીજી કહેતા, ‘હું ભારતનો નહીં, સત્યનો સેવક છું.’ તેઓ ક્રાંતિકારી હતા. તેઓ વિજ્ઞાન અને ટેકનૉલોજીના નહીં, માણસ અને માણસાઈનું હનન કરતાં  તેનાં પરિણામોના વિરોધી હતા.

પુરાતન સાદા યંત્ર રેંટિયાથી માંડી તંત્રજ્ઞાનના વિકાસની ચરમસીમા સમા ઈન્ટરનેટ આ બન્ને અંતિમોને વિચારીએ તો લાગે છે કે મહાત્માની શાંતિમય અને અહિંસક વિશ્વકુટુંબ રચવાની ઝંખનાએ જે તાલાવેલીથી ચરખો ચલાવ્યો હતો તે જ નિપુણતાથી ઈન્ટરનેટને પણ આવકાર્યું જ હોત અને કૉમ્પ્યુનિકેશન રિવોલ્યુશનના આ યુગમાં પણ તેઓ અવતાર પુરુષ રહ્યા જ હોત. આ પુસ્તક મહાત્મા ગાંધીનો વૈચારિક ક્રાંતિનો તંતુ ઈન્ટરનેટ વિશ્વ સાથે જોડવાનો એક રસ પડે તેવો ઉપક્રમ લઈને આવ્યું છે. કોઈ ગાંધીજને કે ગાંધીયુગના કોઈ ચિંતકે ગાંધીવિચારોને આ પ્રકારનું પરિમાણ આપ્યું હોવાનું જાણમાં નથી.

-સોનલ પરીખ

સંપર્ક :sonalparikh1000@gmail.com

સૌજન્ય :રીડ ગુજરાતી.કોમ

 

gandhi-sins-2-3

===========

બે એરીયાની જાણીતી સંસ્થા “બેઠક” ઘણી સુંદર સાહિત્ય પ્રવૃતિઓ કરી રહી છે, એમાંની એક પુસ્તક પરબની પ્રવૃત્તિ છે.એમાં સભ્યોને વાંચવા માટે પુસ્તકો અપાય છે.હવે નવા વર્ષથી સારા પુસ્તકો વડીલોને સાંભળવા મળે એ માટે નવી ટેકનોલોજીનો ઉપયોગ કરી ઓડિયો -વિડીયો માધ્યમનો ઉપયોગ શરુ કરી સદવિચારો લોકો સુધી પહોંચાડવા ” વાચિકમ” નું અભિનવ પગલું શરુ કર્યું છે. આ માટે આ સંસ્થાને અભિનંદન ઘટે છે.

નીચેના ઓડિયોમાં સુશ્રી.દીપલ પટેલને એક જાણીતા પુસ્તકમાંથી ૩૦મી જાન્યુઆરીના શહીદ દિનને અનુરૂપ ગાંધીજી વિશેના ભાગનું પઠન કરતાં તમે સાંભળી શકશો.

Vachikam-Dipal patel

સૌજન્ય :શબ્દોનું સર્જન – બેઠક 

1 responses to “( 1008 ) મહાત્મા ગાંધી, રેંટિયો અને ઈન્ટરનેટ …… સોનલ પરીખ

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.