વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

Daily Archives: ડિસેમ્બર 4, 2013

( 357 ) મન મસ્ત હુઆ તબ ક્યા બોલે…… જીવન દર્શન – મહેન્દ્ર પુનાતર

આનંદ અને ખુશીમાં   શબ્દોની જરૂર પડતી નથી,

આંખ અને ચહેરા પરના ભાવો બધું કહી દે છે .
Man Mast hua

 

                                                   

ભગવાન મહાવીરને જ્યારે પરમજ્ઞાન થયું   ત્યારે તેઓ આંતરિક ચેતનામાં-મૌનમાં ઊતરી ગયા હતા. જ્ઞાન થાય પછી બોલવાનું   રહેતું નથી. પછી શબ્દોનો કોઈ અર્થ રહેતો નથી. આવા સમયે મહાત્માઓ બોલતા નથી.   બોલે તો પણ આપણી સમજમાં આવતું નથી. એટલા માટે તેઓ ચૂપ રહેવાનું પસંદ કરે છે.   જિજ્ઞાસુ હોય તેઓ સ્વયં આવા સંતોના જીવનમાંથી અર્થપૂર્ણ હોય તેવું શોધી   લે છે અને જેમને જાણવામાં તેમ જ સમજવામાં રસ નથી અને જેમની આંખો જોઈ   શકે તેમ નથી અને જેમના કાન સાંભળી શકે તેમ નથી તેમને કાંઈ પણ કહો તેનો કોઈ   અર્થ નથી. કહીએ તો પણ તેઓ પોતાની રીતે રંગો પૂરી લેશે.

મન સ્થિર ન હોય ત્યાં   સુધી સાચું બોલી શકાતું નથી અને સાચું સાંભળી શકાતું નથી. ચિત્તમાં જે   હોય છે તે બહાર નીકળે છે. બોલવામાં થતો બફાટ હકીકતમાં એ ભૂલ જીભની નથી.  જીભને ગમે તેટલી કાબૂમાં રાખો,   ગમે તેવો દૃઢ સંકલ્પ   કરો પણ અંદર જે સળવળતું હોય છે તે પ્રગટ થયા વગર રહેતું નથી. અંદરનો ભભડાટ   જીભ દ્વારા બહાર નીકળે છે.

મહાપુરુષોના બોલવામાં અને આપણા બોલવામાં   ફરક રહેલો છે. તેઓ જરૂર પૂરતું બોલે છે અને આપણે જે કાંઈ મનમાં આવે તે બોલ્યા   કરીએ છીએ. માણસ બોલવા માટેના વિષયો શોધી કાઢે છે અને કોઈ પણ વિષય ન મળે   તો હવામાનની વાતો પણ કરી શકે છે. બોલવા કરતાં   સાંભળવાનું વધુ મહત્ત્વ છે. સૌ કોઈ બોલે છે, સાંભળવાવાળા બહુ   ઓછા છે.

માણસ પોતાના સુખની, દુ:ખની, કિસ્મતની, બહાદુરીની, બુદ્ધિની, આવડતની વાત વારંવાર દોહરાવ્યા કરે છે. આમાં બીજા પર   પ્રભાવ પાડવાનો અને પોતે કાંઈક વિશેષ છે એવું પ્રતિપાદન કરવાનો આશય હોય છે.   માણસ પોતાના વિશે જ્યારે વાત કરે છે ત્યારે જાણ્યે-અજાણ્યે અહંકાર ડોકિયાં   કરતો હોય છે.

આપણે જ્યારે આપણી વાત કહેતા હોઈએ ત્યારે મોટે ભાગે બીજાના માટે તેનો કોઈ અર્થ   હોતો નથી. આમ છતાં લોકો કાન માંડીને સાંભળતા હોય એવું આપણને લાગે છે.   હકીકતમાં જે લોકો કાંઈ બોલી શક્તા નથી તેઓ સાંભળે છે, પણ તેમને આમાં કાંઈ   રસ હોતો નથી. બાકીના લોકો બોલવાનો મોકો શોધી રહ્યા હોય છે. તેમને સાંભળવા કરતાં   તમારી વાતનો જવાબ આપવામાં વધુ રસ હોય છે. તેઓ સાંભળવામાં નહીં પણ તેમને   જે કાંઈ કહેવું છે તેમાં મગ્ન હોય છે.

આવા વાર્તાલાપમાં સૌ કોઈ બોલવા   ઉત્સુક હોય છે. કેટલાક માણસોને બોલતાં   તો આવડતું નથી પણ ચૂપ રહેતાં પણ આવડતું નથી. આ ઘણું મુશ્કેલ છે. અસ્વસ્થ ચિત્ત સાથે ચૂપ રહેવાનું અને સ્વસ્થ ચિત્ત હોય ત્યારે બોલવાનું કઠિન છે. મન શાંત થઈ જાય ત્યારે બોલવાનું રહેતું નથી. મન વિક્ષુબ્ધ હોય   ત્યારે વાણી દ્વારા એ બહાર નીકળવાનો પ્રયાસ કરે છે.

ઓશોએ કબીરવાણીમાં કબીરનાં પદોને   ટાંકીને આ વાતને યથાર્થ રીતે સમજાવી છે…  

“મન મસ્ત હુઆ તબ ક્યા બોલે  

હીરા પાયો ગાઠ ગઠિયાયો બારબાર બાકો ક્યોં ખોલે  

હલકીથી તબ ચઢી તરાજૂ પૂરી ભઈ તબ ક્યું તોલે  

સુરત કલારી ભઈ મતવારી મદવા પી ગઈ બિન તોલે  

હંસા પાયે માન સરોવર તાલ તલૈયાં ક્યોં ડોલે  

તેરા સાહબ હૈ ઘર માંહી બાર નૈના ક્યોં ખોલે  

કહે કબીર સુનો ભાઈ સાધો સાહબ મિલ ગયે તિલ ઓલે

‘મન મસ્ત હુઆ તબ ક્યા બોલે.’

જ્ઞાન અને આનંદની   મસ્તી હોય ત્યારે કશું બોલવાનું રહેતું નથી. માણસ દુ:ખી હોય ત્યારે બોલતો રહે   છે. દુ:ખની વાત અને વલોપાત એક યા બીજા સ્વરૂપે બહાર નીકળતો રહે   છે. આનંદિત બને છે ત્યારે ચૂપ અને શાંત બની જાય છે. માણસ પૂરેપૂરો સ્વસ્થ હોય   ત્યારે તેને શરીરનો ખ્યાલ રહેતો નથી. તેની તમામ ક્રિયાઓ સ્વાભાવિક બની   જાય છે. માથું દુ:ખે છે ત્યારે માથાનો ખ્યાલ આવે છે. પગમાં કાંટો   વાગે ત્યારે પગનો ખ્યાલ આવે છે.

મહાન તત્ત્વજ્ઞાની ચ્વાંગત્સુએ કહ્યું   છે કે ‘જોડો બરાબર પગમાં આવી જાય તો ખબર પડતી નથી, પરંતુ એ ડંખે   ત્યારે પગનો ખ્યાલ આવે છે.’   જે સ્વાભાવિક હોય છે તે આનંદજનક હોય   છે અને જે અસ્વાભાવિક હોય છે તે દુ:ખદાયક બને છે. માણસ જ્યારે સંપૂર્ણ રીતે   સ્વસ્થ બની જાય છે ત્યારે શરીર,   મન અને આત્મા શાંત બને છે. વિવાદના   સ્થાને સંવાદ સર્જાય છે. માણસ અંતરમાં ઊતરે તો તેને બહાર કશું શોધવાનું રહેતું   નથી.

અત્યંત દુ:ખ આવે ત્યારે ગળે ડૂમો બાઝી જાય છે. શબ્દો બહાર નીકળી શક્તા   નથી. અત્યંત આનંદમાં ભાવવિભોર બની જવાય ત્યારે શબ્દો આંખમાં આંસુ બનીને   સરકી પડે છે. આનંદ વ્યક્ત કરવા માટે ભાષાની, શબ્દોની જરૂર પડતી નથી.   જે કાંઈ કહેવાનું હોય તે ભાવ દ્વારા પ્રગટ થઈ જાય છે.

હીરા પાયો ગાઠ ગઠિયાયો બારબાર બાંકો   ક્યોં ખોલે’

હીરો મળી ગયો. ગાંઠમાં બાંધી લીધો પછી તેને વારંવાર શા માટે   ખોલવો? જિંદગીમાં માણસને જે કાંઈ મળી જાય છે તેને   વારંવાર તપાસ્યા કરે છે. ભરોસો અને વિશ્ર્વાસ નથી. આ ચાલ્યું તો નહીં જાયને એવો   ડર છે. તેને સાચવી રાખે છે.

કંજૂસ માણસ જેમ વારંવાર તિજોરી ખોલીને ધનને   જોઈ લે અને તૃપ્તિ અનુભવે તેવી આ વાત છે. મેળવવા જેવું બધું મળી ગયું હોય   પણ માણસને સંતોષ નથી. સુખ મળે ત્યારે માણસ અડોઅડ ચીપકીને ઊભો રહી જાય છે. સુખથી   પણ થોડું અંતર રાખવું જરૂરી છે,   કારણ કે એ ચાલ્યું જાય તો પણ તેનું   દુ:ખ ઓછું રહે.

‘હલકીથી તબ ચઢી તરાજૂ પૂરી, ભઈ તબ ક્યોં તોલે’

ત્રાજવાનું પલ્લું   હળવું હોય છે ત્યારે તે ઉપર રહે છે. જેવું તે ભારે થવા લાગે   છે ત્યારે નીચે નમે છે અને જ્યારે પૂરું ભરાઈ જાય છે ત્યારે જમીનને અડી   જાય છે. પછી તોળવાનું બાકી રહેતું નથી.

આપણી જિંદગી પણ ત્રાજવાના પલ્લા   જેવી છે. કાંઈક મેળવીએ ત્યારે નીચે નમીએ તો સારા લાગીએ. વૃક્ષ જ્યારે ફળોથી લચી   જાય છે ત્યારે નીચે નમે છે,   પરંતુ અહંકારયુક્ત માણસો ભાર વધે છે   ત્યારે નીચે નમતા નથી અને પોતાના ભારથી છેવટે તૂટી પડે છે. માણસ એક એક   પગથિયું માંડીને સફળતાની સીડી પર ચઢે છે અને ટોચ પર પહોંચે છે. ત્યાં પહોંચ્યા   પછી જો અહંકાર અને અભિમાન આવી જાય તો ગબડી પડે છે અને લિફટની જેમ ઝડપથી   નીચે સરકી જાય છે. ધન,   સંપત્તિ અને સત્તાને જીરવતાં આવડતું જોઈએ. થોડા પૈસા થાય અને જે લોકો કૂદકા   મારવા લાગે છે તેમને ગોથું ખાઈ જતાં વાર લાગતી નથી.

એક રીતે જોઈએ તો આપણે જિંદગીમાં   તોળવાનું અને માપવાનું કામ કરીએ છીએ. તોળવાનું એટલે બીજાની સાથે સરખામણી   કરવાનું. મોટે ભાગે લોકો પોતાને જે કાંઈ મળ્યું છે તેમાં રાજી નથી. સૌની   નજર બીજા તરફ છે.   શ્રીમંત ગરીબની સરખામણીમાં અમીર છે પણ   અતિશ્રીમંત માણસોની સરખામણીમાં તે પણ ગરીબ છે. અહીં શેરના માથે સવાશેર પડેલા છે. કોની   સાથે સરખામણી કરીશું,   આપણે દશની આગળ હોઈશું તો બીજા દશ આપણી   આગળ હશે. ધન, પદ અને પ્રતિષ્ઠા મેળવી લઈશું તો પણ બીજી હજારો ચીજો છે. કોઈ ને   કોઈ બાબતમાં આપણે પાછળ રહેવાના જ છીએ.

એક ઝેન ફકીરને કોઈએ પૂછ્યું:

તમારા   જીવનમાં આટલો આનંદ કેમ છે?  

ફકીરે કહ્યું: ‘હું જે કાંઈ છું   તેમાં રાજી છું. તમે જે કાંઈ છો તેમાં રાજી નથી એટલે દુ:ખી છો,’

કુદરતનાં તમામ તત્ત્વો સૂર્ય, ચંદ્ર,   તારા, પર્વતો,   વૃક્ષો અને પશુપંખીઓ એકબીજા સાથે   સરખામણી કરતાં નથી. માણસ જ એક એવું પ્રાણી છે જે બીજાની સાથે પોતાને તોળીને, માપીને દુ:ખી થાય છે.

‘સુરત કલારી ભઈ મતવારી મદવા પી ગઈ બિન   તોલે.’

જીવન આનંદ અને ઉત્સવ છે. એમાં રસને જોખી જોખીને   પીવાનો નથી. આ મધુશાલા છે. જેટલું પી શકાય તેટલો રસ માણી લેવાનો છે. ચિંતા અને   દુ:ખના બોજા હેઠળ દબાઈને માણસ જીવનનો આનંદ માણી શક્તો નથી. મરીઝના શબ્દોમાં   કહીએ તો જિંદગીના રસને પીવામાં કરો જલદી મરીઝ, એક તો ઓછી મદિરા છે   ને ગળતું જામ છે.

‘હંસા પાયે માન સરોવર તાલ તલૈયા   કયોં ડોલે’

હંસને માન સરોવર મળી જાય પછી એ તુચ્છ વસ્તુ પાછળ શા માટે ભટકે? માણસને એવી સંપદા   મળી જાય પછી કોઈ વસ્તુ પાછળ ભટકવાનું રહે નહીં. કોઈ તૃષ્ણા રહે નહીં અને   કશું છોડવાની પણ જરૂરત રહે નહીં. આ સંપદા છે- શ્રદ્ધા, વિશ્ર્વાસ અને   પ્રભુનું સાંનિધ્ય. માણસ જાગૃત બની જાય તો પરમાત્માનું દ્વાર નજીક જ છે.

‘તેરા સાહબ હૈ ઘર માંહી બહાર નૈના ક્યોં ખોલે.’

જે ભીતરમાં છે તેની   આપણે બહાર શોધ ચલાવી રહ્યા છીએ. અંતરમાં ડોકિયું કરવાની કોઈને ફુરસદ નથી.  મનુષ્ય જાતિના ઈતિહાસમાં આધ્યાત્મિકતાના શિખર પર પહોંચેલી જે થોડી ઘણી સ્ત્રીઓ   છે તેમાં રાબિયાનું નામ મશહૂર છે. એક દિવસ લોકોએ જોયું કે રાબિયા શેરીમાં કશુંક   શોધી રહી છે. કોઈએ પૂછ્યું: રાબિયા, શું ખોવાઈ ગયું છે? રાબિયાએ કહ્યું:   સોય ખોવાઈ ગઈ છે. એકઠા થયેલા બધા લોકોએ સોય શોધી કાઢવામાં તેને સાથ   આપ્યો. ખૂબ મથામણ પછી સોય મળી નહીં એટલે કોઈએ કહ્યું: રાબિયા, સોય ચોક્કસ કઈ   જગ્યાએ ખોવાઈ ગઈ છે તે કહે તો તેને શોધી શકાય. રાબિયાએ કહ્યું: સોય   અંદર ખોવાઈ ગઈ છે. બધા હસવા લાગ્યા.

એક જણે કહ્યું: રાબિયા, તું પાગલ થઈ ગઈ છો.   સોય અંદર ખોવાઈ છે અને તું બહાર શોધે છે. રાબિયાએ કહ્યું: તમે જે પ્રમાણે કરી   રહ્યા છો તે પ્રમાણે હું કરી રહી છું. તમે જે કાંઈ શોધો છો તે અંદર છે છતાં તમે   બહાર શોધી રહ્યા છો.

આપણે આનંદને મહેલાતોમાં, મોટરકારોમાં અને   સુખસગવડોમાં ખોઈ નાખ્યો છે. આપણે આવ્યા ત્યારે આ   બધું સાથે લઈને આવ્યા નહોતા અને જઈશું ત્યારે પણ આ બધું સાથે લઈને જવાના   નથી. જે કાંઈ પામીશું તે પ્રેમ અને આનંદ દ્વારા જ મેળવી શકીશું.

‘કહે કબીર સુનો ભાઈ સાધો, સાહબ મિલ ગયે તિલ   ઓલે.’

નાની એવી આંખથી આપણે સૂર્ય,   ચંદ્ર, તારા, પર્વતો બધું જોઈ શકીએ છીએ. એક નાનો   એવો તલ એટલે કે અહંકાર આપણી આંખની આડશ બની ગયો છે એટલે આપણને સાચું કશું   દેખાતું નથી. કામ, ક્રોધ, માન, માયા, લોભના તલો આંખની કીકીમાં આડશ બનીને બેસી ગયા છે. એટલે માણસ   માણસની આંખમાં સમાતો નથી. 

—મહેન્દ્ર પુનાતર

________________________________________

સૌજન્ય- મુંબઈ સમાચાર