વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

( 540 ) કારણ કે હું છોકરી છું… લેખક શ્રી વીનેશ અંતાણી

  
આજની આ ઢીંગલી એ ભવિષ્યની ગૃહિણી છે...... બેટી બચાઓ

આજની આ ઢીંગલી એ ભવિષ્યની ગૃહિણી છે……
બેટી બચાઓ

આપણા જીવન, આપણા સમાજમાં, દીકરીના સ્થાન વિશે સંવેદનશીલ અને સમજુ લોકો સકારાત્મક રીતે વિચારે છે. પરંતુ  હજુ આજે પણ સમાજનો મોટોભાગ દીકરી વિશે નકારાત્મક વિચારે છે.
 
વીનેશ અંતાણી
કારણ કે હું છોકરી છું…
Daughter
 
 
થોડા સમય પહેલાં ફેસબુક પર પ્રતિભાબહેને મારી નવલકથા ‘પ્રિયજન’માંથી એક સંવાદ એમની પોસ્ટ પર મૂક્યો હતો. હળવા મૂડની ક્ષણોમાં નવલકથાની નાયિકા ચારુનો પતિ દીવાકર પત્નીને કહે છે:
‘બુઢાપામાં જ્યારે તું મારામાંથી બધો રસ ગુમાવી બેઠી હશે ત્યારે એ છોકરી જ મને પ્રેમ કરશે… એના વહાલથી હું થોડા દિવસો કાઢી નાખીશ. પુત્રો ક્યારેય અવલંબન નથી બનતા… બુઢાપાના લાંબા લાંબા વેરાન રણને પાર કરવા એક દીકરી જોઇએ છે. એ દીકરી પણ તારી જ પ્રતિકૃિત હશેને? તું પણ બુઢ્ઢી થઇને ખખડી ગઇ હશે. ત્યારે તારી આ દીકરી જ તારું આ રૂપ સાચવીને બેઠી હશે.’
એ વાચ્યાં પછી ઘણા મિત્રોએ ફેસબુક પર આપણા જીવનમાં દીકરીના સ્થાન વિશે રસપ્રદ ચર્ચા કરી હતી.
 
ગમ્યું હતું. એટલા માટે નહીં કે મારી નવલકથાના અવતરણના સંદર્ભમાં ચર્ચા ચાલી હતી. પણ એટલા માટે કે આપણા જીવન, આપણા સમાજમાં, દીકરીના સ્થાન વિશે સંવેદનશીલ અને સમજુ લોકો સકારાત્મક રીતે વિચારે છે. પરંતુ એ ચિત્ર કેટલું વ્યાપક છે? આપણે જે સદીમાં રહીએ છીએ એમાં અનેક પુરાણા ખ્યાલોમાં આમૂલ પરિવર્તન આવ્યું હોવા છતાં સમાજનો ઘણો મોટોભાગ હજી દીકરી વિશે નકારાત્મક વિચારો ધરાવતો હોય એવા કેટલાય કિસ્સા નજરે ચઢે છે. યોગાનુયોગ હમણાં હું હિન્દીના સુપ્રસિદ્ધ નાટ્યકાર-વાર્તાકાર સ્વ. મોહન રાકેશની પત્ની અનીતા રાકેશની સ્મૃતિકથા ‘સતરેં ઔર સતરેં’ વાંચતો હતો. એમાં એમણે વિચ્છિન્ન દાંપત્યજીવનની સજા ભોગવતી માતા વિશે લખ્યું છે. અનીતા રાકેશની માને હિન્દીના સર્જકો સાથે ઊઠવાબેસવાનો સંબંધ હતો.
 
કલ્પી શકાય કે એમના વિચારો અન્ય મહિલાઓની સરખામણીમાં વધારે પુખ્ત અને સમજદાર હશે. પરંતુ એ જ મા અનીતા અને એના ભાઇ વચ્ચે કેવા ભેદભાવભર્યા વિચાર ધરાવતી હતી એ અનીતાના શબ્દોમાં જ જોઇએ. ‘અમારી મા દીકરી અને દીકરા વચ્ચે પણ બહુ મોટો તફાવત રાખતી હતી. માને મારો ભાઇ દરેક રીતે ચઢિયાતો લાગતો હતો અને બીજું કશું ન હોય તો પણ એનું ‘છોકરો’ હોવું જ એને બહુ મોટી લાયકાત લાગતી હતી. ‘એ કામ કરી શકે છે કારણ કે એ છોકરો છે. એ હસી શકે છે કારણ કે એ છોકરો છે. એ રમી શકે કારણ કે એ છોકરો છે…’ અર્થાત્, એ બધું કરી શકે છે કારણ કે એ છોકરો છે. મને કશું જ કરવાની છૂટ નહોતી કારણ કે હું છોકરી છું… હું મા માટે બહુ મોટું બંધન બની ગઇ હતી. એ પોતે એની મરજી મુજબ ક્યાંય જઇ-આવી શકતી નહોતી, ન તો મને પોતાની સાથે લઇ જઇ શકતી હતી.
 
એ ક્યાંય જતી તો મારા પર ભાઇનો ચોકીપહેરો મૂકી જતી… હું મારી બહેનપણીઓને મળું એ માને પસંદ નહોતું. એમની સાથે હું મોટેથી હસતી તો માને ગમતું નહીં. એ કારણે મારી કોઇ બહેનપણી નહોતી- હું સ્ટૂલ પર બેસીને બારીમાંથી જોયા કરતી અને જો કોઇ બહેનપણી આવે તો મારે બારી નીચે સંતાઇ જવું પડતું. જેથી મારો ભાઇ એને કહી શકે કે હું ઘરમાં નથી… મા માનતી હતી કે છોકરીએ વ્યસ્ત જ રહેવું જોઇએ. નહીંતર એનું મગજ બીજી દિશામાં ભટકવા લાગે છે…’ મોનિકા જૈનની હિન્દી કવિતા છે. જેમાં માના પેટમાં રહેલો છોકરીનો ગર્ભ આર્તનાદ કરે છે: ‘મને જીવવા દો. મને ખીલવા દો, મને સુંદર ચંદ્રની જેમ ચમકવા દો… મને આવવા દો અને આ દુિનયા જોવા દો. મને પક્ષીની જેમ ઊડવા દો… તમારા સ્વાર્થમાં આંધળા થઇને ક્રૂર બનજો નહીં, મને રંગબેરંગી માછલી જેમ તરવા દેજો… મારું રુદન સાંભળજો, મારી ચીસો સાંભળજો. મને મારી ઇચ્છાઓ અને સપનાં સાકાર કરવાની તક આપજો… મને આ સુંદર પૃથ્વી પર અવતરવાની તક આપજો. જન્મ પહેલાં જ મને મૃત્યુને ઘાટ ઉતારજો નહીં…’
 
નમિથા વર્માની અંગ્રેજી કવિતામાં એક છોકરી કહે છે:
‘હું એ જ ખૂણામાં બેઠી છું, જ્યાં એક વાર મારા નાનાભાઇએ મારા પર કાચનો ટુકડો ફેંક્યો હતો અને મારા મોઢા પર કાયમી લાલ ચીરો અંકાઇ ગયો હતો… છતાં મેં એના હાથમાં કાચ કેમ આપ્યો એવું કહીને બધા મારા પર તૂટી પડ્યા… હું એ જ ખૂણામાં બેઠી છું, જ્યાં ઊકળતા પાણીમાં મારી હથેળી દાઝી ગઇ હતી અને માએ મને ધમકાવી નાખી હતી કે મને ચૂલા પર મૂકેલી વસ્તુઓનું ધ્યાન રાખતાં આવડતું નથી… હું એ જ ખૂણામાં બેઠી છું, જ્યાં પિતાએ મને પટ્ટાથી ફટકારી હતી કારણ કે મારો ભાઇ જમી લે એ પહેલાં મેં જમી લેવાનું પાપ કર્યું હતું…’ કોઇએ કહ્યું છે: ‘છોકરીઓ દુનિયાને તેજોમય બનાવે છે, પરંતુ પોતે અજવાળું જોવા માટે તડપતી રહે છે.’
 
આપણા જીવન, આપણા સમાજમાં, દીકરીના સ્થાન વિશે સંવેદનશીલ અને સમજુ લોકો સકારાત્મક રીતે વિચારે છે. પરંતુ  હજુ આજે પણ સમાજનો મોટોભાગ દીકરી વિશે નકારાત્મક વિચારે છે.
 
વીનેશ અંતાણી

સૌજન્ય- દિવ્ય ભાસ્કર 

2 responses to “( 540 ) કારણ કે હું છોકરી છું… લેખક શ્રી વીનેશ અંતાણી

  1. hansa rathore સપ્ટેમ્બર 29, 2014 પર 8:43 પી એમ(PM)

    અનીતા રાકેશની માને હિન્દીના સર્જકો સાથે ઊઠવાબેસવાનો સંબંધ હતો.

    કલ્પી શકાય કે એમના વિચારો અન્ય મહિલાઓની સરખામણીમાં વધારે પુખ્ત અને સમજદાર હશે. પરંતુ ..આ જ હકીકત છે, સમાજ ગમે તેવા દંભ કરે, દેખાડા કરે, બે ચાર સારા માણસો ય હશે, પણ તો ય, આ જ સચ્ચાઈ છે..

    Liked by 1 person

  2. Sharad Shah સપ્ટેમ્બર 30, 2014 પર 4:09 એ એમ (AM)

    દિકરીની મહત્તા કે આવશ્યકતા વિષયે, અસંખ્ય લેખો, કાવ્યો,નિબંધો અને બીજું ઘણુ બધું છેલ્લા ચાર-પાંચ દસકથી લખાય છે. અનેક નાટકો ફીલ્મો, કાર્ટુનો કે ચિત્રો દ્વારા આ સમજાવવામાં આવી રહ્યું છે. છત્તાં હજી પણ ભારતિય સમાજનો મોટો વર્ગ દિકરા-દિકરીને સમાન દરજ્જો આપી નથી શક્યો તે હકિકત છે. મારા દેખ્યે દિકરાની મહત્તા પિતાના મન કરતા માતાના મનની ભિતર વધુ ગહરી ઉતરેલી છે. દિકરીની મહત્તાની, બહાર ખુલ્લે વાતો કરતી અનેક ભણેલી સ્ત્રીઓના મનને ટટોલતાં મને જણાયું છે કે તેની ભિતર દિકરી કરતાં દિકરાની આકાંક્ષા વધુ પ્રબળ છે.ભારતિય સ્ત્રી મનસમાં દીકરીનો દરજ્જો સમાન છે તે વાત ગહરાઈથી ઉતરશે નહી ત્યાં સુધી ધાર્યા પરિણામો મળવા શક્ય નથી.

    Like

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.