વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

( 716 ) સુખી કોણ ?…શ્રી પી.કે.દાવડા / લોટા પુરાણ ..બોધ કથાઓ … સુ.શ્રી પ્રજ્ઞા વ્યાસ

શ્રી.પી.કે.દાવડાજીએ   એમના ઈ-મેલમાં એક બોધ કથા “સુખી કોણ ?”મોકલી એ મને ગમી ગઈ એટલે એ નીચે પ્રસ્તુત કરેલ છે .દરેક માણસ માટે સુખની પરિભાષા જુદી જુદી હોય છે .છેવટે તો સંતોષી નર સદા સુખી . બહારથી સુખ મેળવવા ગમે એટલાં ફાંફાં મારીએ પણ ખરું સુખ અંતરનું સુખ છે .મારું એક મુક્તક છે .

સુખ પડ્યું છે ભીતરમાં.

વન આખું ખુંદી વળ્યું  હરણું કસ્તુરીની શોધમાં,

ભૂલી ગયું બિચારું ,કસ્તુરીની સુગંધ છે  નાભિમાં.

જગત  આજે દોડી રહ્યું  છે ,સુખ શાંતિની શોધમાં,

ભુલાતી પાયાની બાબત,સુખ પડ્યું છે ભીતરમાં.

વિનોદ પટેલ

=====================

સુખી કોણ ?

એક ચારણ હતો. એ ગામે ગામ ફરી, લોકોના વખાણ કરી, મળતી બક્ષીસથી પોતાનું ગુજરાન ચલાવતો.

એકવાર એક ગામના રાજા પાસે ગયો, રાજાના વખાણ કરી, આખરે એણે રાજાને એક સવાલ પૂછ્યો, “બાપુ દૂજાણું કેટલું?”

બાપુ એ જવાબ આપ્યો, “૧૦૦ ભેંસો, ૩૦૦ ગાયો અને ૫૦૦ બકરીઓ.”

બારોટે કહ્યું, “સુખી બાપુ, સુખી. દુધની તો નદીઓ વહેતી હશે, દુધે નહાતા હશો, મીઠાઈઓના તો ડુંગર ખડકાયલા હશે. સુખી, બાપુ સુખી !!”

રાજાએ સારી એવી બક્ષીસ આપી. ચારણ આશીર્વાદ આપી, ત્યાંથી નગરશેઠની હવેલીએ ગયો. સામાન્ય પ્રશસ્તિ કર્યા પછી પૂછ્યું, “શેઠ દૂજાણું કટલું?”

નગરશેઠે જવાબ આપ્યો, “૪૦ ભેંસો, ૧૦૦ ગાયો અને ૨૦૦ બકરીઓ.” બારોટે કહ્યું, “સુખી બાપ, સુખી ! દુધ રાખવા તો ટાંકીઓ બનાવી હશે, નોકર ચાકર મીઠાઈઓ ખાતા હશે, સુખી બાપ સુખી !!”

આમ કરતો કરતો ચારણ એક સામાન્ય દેખાતા ઘરમાં ગયો. સામાન્ય વાતચીત બાદ બારોટે પૂછ્યું,

“ભાઈ દૂજાણું કેટલું?” પેલા માણસે એક લોટા સામે આંગળી ચીંધીને કહ્યું,

“રોજ સવારે, આ લોટો લઈને કયારેક રાજાના મહેલમાં ,તો ક્યારેક નગરશેઠની હવેલીમાં જાઉં છું, લોટો ભરીને દૂધ મળે છે, જે આખો દિવસ ચાલે છે, રાતે લોટો માંઝી, ઊંધો કરી દઈને સુઈ જાઉં છું.”

બારોટથી બોલી જવાયું, “તું સૌથી સુખી બાપ, સૌથી સુખી.”મારો પણ કોઈ બ્લોગ નથી. રોજ સવારે એક ઈ-મેઈલ મોકલી, કોમપ્યુટર બંધ કઈ સૂઈ જાઉં છું.

-પી. કે. દાવડા

========================

લોટા ઉપર ત્રણ બોધ કથાઓ ..લોટા પુરાણ !

પ્રસ્તુત કરતા .. સુ,શ્રી પ્રજ્ઞાબેન વ્યાસ 

શ્રી દાવડાજીની  ઉપરની વાર્તાના ઈ-મેલ જવાબમાં સુ.શ્રી .પ્રજ્ઞાબેને એમના ઈ-મેલમાં લોટા ઉપરની ત્રણ સરસ બોધ કથા શોધી કાઢીને મોકલી એ પણ મજાની અને બોધ લેવા જેવી પ્રેરક છે. વળી,એમણે મોકલેલ શ્રી અધ્વર્યુ અનુવાદિત વાર્તા” અકબરી લોટો ” પણ આસ્વાદનીય છે.

બોધ કથા -૧

એકવાર સંત કબીર ગંગાકિનારે પોતાનો લોટો ધોઈ રહ્યા હતા. એવામાં કેટલાક બ્રાહ્મણો પાણી પીવા માટે ત્યાં પહોંચ્યા. એ લોકોને નદીમાં નમીને ખોબે ખોબે પાણી પીતા જોઈને કબીરે કહ્યું : મહારાજ ! આ લોટો લો અને આરામથી પાણી પીઓ.

કબીરના એ શબ્દો તેમને અપમાનજનક લાગ્યા. એક બ્રાહ્મણે ગુસ્સે થઈને કહ્યું :તને અક્કલ છે કે નહિ? તારા અપવિત્ર લોટા વડે તું અમને અભડાવવા ઈચ્છે છે ?

કબીરે તરત જ હાથ જોડીને વિનયપૂર્વક કહ્યું : જો આ લોટો ગંગાના પવિત્ર જળનો સ્પર્શ પામ્યા છતાં પવિત્ર થઇ શકતો નથી, તો એમાં સ્નાન કરવાથી લોકોનાં પાપ કઈ રીતે ધોવાઈ જાય છે !

બોધ કથા-૨ 

એક કોઇ બ્રાહ્મણ સમુદ્ર સ્નાન માટે ગયો. સમુદ્ર સ્નાન ઘણું પવિત્ર ગણવામાં આવ્યું છે. પરંતુ તેના હાથમાં એક લોટો હતો. નહાવા જતી વખતે લોટો ક્યાં રાખવો? આથી તેણે સમુદ્રની રેતીમાં છુપાવી દેવાનો વિચાર આવ્યો.

લોટાને રેતીમાં દાટ્યો. પરંતુ હવે લોટો ક્યાં છે તે કેવી રીતે ખબર પડે? તેથી તેણે નિશાની તરીકે તેના પર શિવલીંગ બનાવ્યું અને ચિંતા મુક્ત થઇને નહાવા ગયો.

ત્યાં બીજા લોકો હતા તેમણે લોટાને ન જોયો પરંતુ બ્રાહ્મણને રેતીનું શિવલીંગ બનાવતા જોયો. તેમને થયું કે સમુદ્ર સ્નાનનું તો મહત્વ છે જ, પણ રેતીનું શિવલીંગ બનાવીને સમુદ્ર સ્નાન કરવાનું ઘણુ વધારે મહત્વ હોવું જોઇએ તો જ આ બ્રાહ્મણ આવું કરે. તેથી લોકો પણ શિવલીંગ બનાવીને સ્નાન કરવા માટે જવા લાગ્યાં.

થોડીવારમાં બ્રાહ્મણ બહાર આવ્યો તો એટલા બધા શિવલીંગ હતા કે પોતાના લોટા વાળું શિવલીંગ મળે નહી.સાર: લોકો કારણ સમજ્યા વગર જ રિતરીવાજો કે ધર્મ પાળે છે. એકે કર્યુ તેથી બીજો કરે છે અને આવું જ ચાલી આવે છે.

બોધ કથા-૩

જંગલના છેડે એક ગામ. ગામમાં  રહે એક મનજી કઠિયારો. જંગલમાં જઈ લાકડાં કાપે, વેચે અને તેનો જીવન ગુજારો કરે.

મનજી થોડો ગરીબ હતો. લાકડાં વેચીને દાળ-ભાતના પૈસા રળી લેતો.

મનજી પાસે માત્ર એક કુહાડી.

સવારે મનજી એ કુહાડી લઈને જંગલમાં જાય. લાકડાં કાપે ઘરે ઘરે વેચી પેટિયુ રળે.

મનજી ભક્તિશાળી હતો, રાત- દિવસ ભજન કરતો. એકવાર વહેલી સવારે ભગવાન પ્રસન્ન થયા.

ભગવાન કહે : ‘તું દુ:ખી કેમ રહે છે? શું વાત છે?’

મનજી કહે : ‘રાત-દિવસ મહેનત કરું છું, તોયે પૂરતો રોટલો નથી મળતો. અમે દુ:ખીના દુ:ખી છીએ.’

ભગવાન કહે : ‘લે આ લોટો!’

મનજી કહે : ‘લોટાનું શું કરું?’

ભગવાન કહે : ‘અરે, ભક્ત! આ લોટો જાદુઈ લોટો છે. એ સામાન્ય લોટો નથી. તું એનું મહત્ત્વ જાણીશ તો રાજી થઈશ.’

મનજી કહે : ‘પ્રભુ, હું ગરીબ છું, માંડ પેટ ભરાય છે. કઠિયારાના ધંધામાં બહુ કમાણી નથી.’

ભગવાન કહે : ‘ભક્ત, આ લોટાને તું ઊંચો કરી નીચેના ભાગે ત્રણ ટકોરા મારી નીચે ઊંધો વાળીશ તો એમાંથી મનપસંદ વસ્તુઓ મળશે. મીઠાઈ, ભોજન, ઘરેણાં વિગેરે મળશે. એ રીતે લોટા ઉપર હથેળી પછાડવાથી વસ્તુ પડતી બંધ થઈ જશે.’

મનજી કહે : ‘સારું પ્રભુ!’

મનજી તો પથારીમાં બેઠો બેઠો ‘સારું પ્રભુ – સારું પ્રભુ’ એમ બબડ્યા કરે છે.

પત્ની ઝટપટ આવી. મનજીના ખભે હાથ મૂક્યો : ‘શું છે? આમ ખોળામાં લોટો લઈને ‘સારું પ્રભુ – સારું પ્રભુ’ એમ બબડ્યા કેમ કરો છો?’

મનજી તો માથે લોટો મૂકીને ઘરમાં નાચવા માંડ્યો. નાચતો જાય અને ગાતો જાય.

‘મારો લોટો નથી ખોટો,

ખેલ પાડે છે એ મોટો,

ટકોરાની તાળી ઝીલે,

સુખ શાંતિનો તાજ ખીલે.’

પત્નીને નવાઈ લાગી. એને થયું કે નક્કી આદમીનું ફટકી ગયું લાગે છે, એની ડગરી ચસકી ગઈ છે. આમ ને આમ ચાલશે તો શેરીમાં ફજેતી થશે.

પત્ની કહે : ‘તમારો લોટો ખોટો નથી એ સાચું, પણ એમાં વિશેષતા શું છે એ કહેશો વારુ?’

મનજી કહે : ‘ચાલ ઘરમાં આવ.’

પત્ની કહે : ‘ચાલો.’

પતિ-પત્ની ઘરમાં ગયાં. એક થાળ લીધો. એ થાળની ઉપર લોટો રાખીને મનજીએ લોટાની નીચે ત્રણ ટકોરા માર્યા અને કહ્યું, ‘લોટા રે લોટા, મોહનથાળ આપ.’ આમ કહેતાં જ થાળ મોહનથાળથી ભરાઈ ગયો.

પછી તો બત્રીસ ભાતનાં ભોજન પણ લોટાએ આપ્યાં. ત્રણ ટકોરા નીચે મારી લોટો ઊંધો વાળો એટલે મનપસંદ વસ્તુ મળી જાય અને વસ્તુ ના જોઈતી હોય ત્યારે ઉપરના ભાગે હથેળી પછાડવાથી વસ્તુ પડતી જ બંધ થઈ જાય.

પત્ની ખુશ.

મનજી ખુશ.

જોતજોતામાં મનજીના ઘરમાં જાહોજલાલી દેખાવા લાગી. નાના સરખાં જર્જરિત ઘરની જગ્યાએ મહેલ જેવું મકાન બની ગયું. લોકો જોતા રહી ગયા.

મનજી તો દયાળુ હતો, રોજ સવારે તે ગરીબોને કપડાંનું દાન કરતો, મીઠાઈ વહેંચતો, નાનાં બાળકોને કપડાં આપીને ખુશ થતો.

મનજીની પડોશમાં મનુ કુંભાર રહેતો હતો, તે ઈર્ષાળુ અને ખંધો હતો, તેને રાતોરાત મનજીના બદલાયેલા દીદારથી ઈર્ષા થવા લાગી.

એકવાર એણે ગુપચુપ રીતે મનજીના ઓરડામાં જોયું. મનજી લોટાને ત્રણ ટકોરા મારીને આ બધી વસ્તુ મેળવતો હતો.

મનુને થયું : મારું બેટું, આ લોટાની જ કમાલ છે. આ લોટો ચોરી લેવો જોઈએ.

એક દિવસ મનજી બજારમાં ગયો હતો અને તેની પત્ની રસોડામાં બેઠી હતી, ત્યાં મનુ પાછલા બારણેથી ઘરમાં પેઠો, લોટો ચોરીને ઝટપટ તેના ઘરમાં આવી ગયો.

મનુની પત્ની બોલી ઊઠી : જુઓ, તમારા બાપદાદાના સમયની ઈંટો ઘરની બહાર પડી છે. તમે ઝટપટ રેતી માંગો, સિમેન્ટ માંગો એટલે બંગલો બની જાય.

મનુ કહે : ‘સારું, પણ આ પ્રથમ પ્રયોગ છે, એટલે ઘરમાં ચાલ. કોઈને ખબર પડવી ના જોઈએ.’

આ દરમિયાન મનજી ઘરે આવ્યો. એક ગરીબ માણસના દીકરાના લગ્ન માટે ‚રૂપિયાની જરૂર  હતી. લોટો લેવા માટે પેટી બોલી. લોટો મળે નહિ. લોટો તો મનુ ચોરી ગયો હતો. હવે શું કરવું? ફાળ પડી….

આખું ઘર ફેંદી નાખ્યું. લોટો ક્યાં ગયો? હવે આ તરફ મનુ લોટો લઈને બેઠો હતો. બાજુમાં પત્ની બેઠી. લોટાની વચ્ચે ત્રણ ટકોરા મારી, ‘લોટા, નદીની રેતી આપ.’ એમ કહ્યું તો ત્યાં રેતીના ઢગલા થવા લાગ્યા.

હવે ઉપાધિ ત્યાં આવી કે આ રેતી બંધ કરવાનો કોઈ ઉપાય ન હતો. રેતી નીકળતી જ ગઈ, નીકળતી જ ગઈ.

રેતીનો ઢગ પગ સુધી આવ્યો, બંને પતિ-પત્નીએ આ લોટો ઊંધો ચત્તો કર્યો પણ રેતી તો નીકળતી જ ગઈ. છેવટે છાતી સુધી રેતી આવી. મનુથી બૂમ પડાઈ ગઈ. બૂમ પાડવામાં તેની પત્ની પણ જોડાઈ. બૂમાબૂમ સાંભળીને મનજી અને તેની પત્ની દોડતા આવ્યાં, જોયું તો તેમનો લોટો મનુના હાથમાં હતો. આખી વાત સમજમાં આવી ગઈ. તરત જ મનજી દોડ્યો. તેણે મનુના હાથમાંથી લોટો આંચકી લીધો અને કહ્યું : ‘આ લોટો તો મારો છે, તું ક્યાંથી લાવ્યો?’

મનુ રડી પડ્યો : ‘અરે, ભાઈ હું પણ કબૂલ કરું છું કે, આ લોટો તમારો છે, પણ હવે મહેરબાની કરીને આ રેતી બંધ કરો, નહિતર અમે બંને દટાઈ જઈશું.’

મનજીએ તરત જ લોટાના મુખ આડી હથેળી પછાડી દીધી. બસ, થયો ચમત્કાર અને રેતી બંધ થઈ ગઈ.

મનજી એ લોટો લઈને ઘરે આવી ગયો. મનુ તે દિવસથી સુધરી ગયો.

મને ગમતી આ વાર્તા માણો આજે હાસ્યનો ઉત્સવ માણીએ. . .

અકબરી લોટો – અન્નપૂર્ણાનંદ વર્મા, અનુ. જિજ્ઞેશ અધ્યારૂ

……………………………………………………..

છેલ્લે બાળકાવ્ય

’મંકોડાની માસી, નહાવા ચાલી કાશી

કેડે મોટો લોટો, હાથમાં છે સોટો.

અડધે રસ્તે મળ્યો મોર, માસી જાણે હશે ચોર

દડબડ દડબડ દોડ્યાં, દોરી-લોટો ખોયાં !!’

-પ્રજ્ઞા વ્યાસ 

 

 

3 responses to “( 716 ) સુખી કોણ ?…શ્રી પી.કે.દાવડા / લોટા પુરાણ ..બોધ કથાઓ … સુ.શ્રી પ્રજ્ઞા વ્યાસ

  1. pragnaju મે 14, 2015 પર 11:58 એ એમ (AM)

    સૂ શ્રી દાવડાજીના ઇ મેઈલમા ઘણી વાર બોધ કથા હોય તેથી પ્રેરણા લઇસંકલનની પ્રેરણા મળે છે.
    તેમને પ્રથમ ધન્યવાદ

    Like

  2. pravinshastri મે 15, 2015 પર 10:49 એ એમ (AM)

    વિનોદભાઈ, ખરેખર મજા આવી ગઈ. વાંચતા વાંચતા જ હિન્દીની પરીક્ષાઓ સમયમાં ભણેલી અકબરી લોટાની યાદ આવી ગઈ. સ્ક્રોલ કરતાં જ મળી ગઈ. અરે વાહ. અનેક વખત કહી ચૂક્યો છું…એક વાર વધું આપ સાચા સંકલન સંમ્રાટ છો. વિનોદ વિહાર એક ઉત્તમ કક્ષાનો નવનીત બ્લોગ છે.

    Like

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.