વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

( 727 ) મળવા જેવા માણસ….શ્રી હરનિશ જાની….. પરિચય….શ્રી. પી.કે.દાવડા

ગુજરાતી હાસ્ય સાહિત્યમાં ન્યુ જર્સી નિવાસી મિત્ર શ્રી હરનીશ જાનીનું નામ ખુબ જાણીતું છે. શ્રી દાવડાજી એ એમની પ્રસિદ્ધ પરિચય શ્રેણી “મળવા જેવા જેવા માણસ ” માં શ્રી હરનીશભાઈનો પરિચય કરાવતો લેખ એમના ઈ-મેલમાં મોકલ્યો છે એને આજની પોસ્ટમાં વિનોદ વિહારના વાચકો માટે પ્રસ્તુત કરતાં આનંદ થાય છે.

શ્રી દાવડાજીએ એમના ઈ-મેલમાં સાચું કહ્યું છે કે “હરનીશભાઈનો પરિચય કરાવવો એટલે સૂરજને અરિસો દેખાડવા જેવું છે. તમે જો હાથમાં પાણી લઈને ન હસવાનો સંકલ્પ કરો અને પછી હરનીશભાઈના લેખ વાંચો તો તમારો સંકલ્પ તુટી જશે. “

વિનોદ વિહારમાં અગાઉ વિવિધ વિષયોને આવરી લેતા એમના ઘણા હાસ્ય લેખો એમના પરિચય સાથે અગાઉ આ બ્લોગમાં પોસ્ટ કરવામાં આવ્યા છે.

આ બધા હાસ્ય લેખોથી વાચકોને હરનીશભાઈનો અને એમના હાસ્ય સાહિત્યનો પરિચય છે જ . એમ છતાં શ્રી પી.કે.દાવડા લિખિત એમનો પરિચય લેખ આજે પોસ્ટ કરી એ પરિચય ફરી તાજો કરાવવાની ખુશી છે.

વિનોદ પટેલ

મળવા જેવા માણસ….શ્રી હરનિશ જાની

પરિચય….શ્રી. પી.કે.દાવડા  

Harnish Jani-1

હરનિશભાઈનો જન્મ ૧૯૪૧માં વડોદરા જીલ્લાના છોટાદેપુરમાં થયેલો. એમના દાદા વિશ્વનાથ જાની રાજપીપલાના રાજાના મંત્રી હતા અને એ હેસિયતે એમની પાસે સેંકડો એકર જમીન હતી. કુટુંબની જાહોજલાલી અનુસાર બાર ઓરડા વાળું ત્રણ માળનું ઘર અને ઘોડાઓવાળી બગી વગેરે પણ હતા એટલું જ નહિં ગામની બસ સર્વીસ પણ એમના નામે હતી. હરનિશભાઈના પિતા સુધનલાલ રાજપીપલાની ક્રીકેટ અને હોકી ટીમોમાં સામીલ હતા. આઝાદી પછી જમીનના કાયદા-કાનૂનમાં ફેરફાર થવાથી મોટાભાગની જમીન હાથથી જતી રહી, છતાં પણ સારી એવી જમીન એમના હાથમાં રહી અને એ જમીનમાં હરનિશભાઈના પિતા ખેતીનું કામકાજ સંભાળતા. હરનિશભાઈના માતા સુશીલાબહેન અતિશય ધાર્મિક મનોવૃતિવાળા ગૃહીણી હતાં .

હરનિશભાઈનું પ્રાથમિક અને માધ્યમિક શાળાનું શિક્ષણ રાજપીપલામાં જ થયેલું. નાનપણમાં રાજપીપલાના ડુંગરોમાં રખડવાનું અને ત્યાંની કરજણ નદીમાં ભુસ્કા મારવાનું એમને બહુ ગમતું. ચોથા ધોરણમાં એમના શિક્ષક શિરવી સાહેબે એમના જીવનના ઘડતરને એક દિશા આપી. હરનિશભાઈ કહે છે, “મારી હાઈસ્કુલનો ૧૯૫૧થી ૧૯૫૮ સુધીનો સમય મારો સુવર્ણ સમય હતો. રાજપીપલા હાઈસ્કુલના ભવ્ય મકાનમાં ભણવા મળ્યું, જ્યાં મારા બાપા– કાકા પણ ભણ્યા હતા. નવમા ધોરણથી જ ફોરેન જવાનો નાદ મનમાં ભરાયો. અને ઈંગ્લિશ બોલવા લખવાની ગુજરાતી સ્કુલમાં જ તૈયારી કરવા લાગ્યો.. ચાર પાંચ યુરોપીયન  પેન ફ્રેંડઝ પણ બનાવ્યા.”

૧૯૫૮ માં ફર્સ્ટ કલાસમાં S.S.C. ની પરીક્ષા પાસ કરી વડોદરાની M.S.University માં દાખલ થયા. ત્યાં એક વર્ષ અભ્યાસ કરી, બીજા વર્ષથી ભરૂચની સાયન્સ કોલેજમા એડમીશન લીધું. અહીં ઈન્ટર સાયન્સમાં એંજીનીયરીંગ કોલેજમાં દાખલ થવા જેટલા માર્કસ ન મળતાં એમણે B.Sc. નો અભ્યાસ કરવાનો નિર્ણય લીધૉ, પણ તે ભરૂચમાં રહીને નહિં; કારણ કે ભરૂચમાં માત્ર બે સિનેમા ઘર હતા. એમની પસંદગી દસ ટોકીઝ વાળા સુરત ઉપર ઉતરી. વળી સુરતથી મુંબઈ નજીક હતું, એટલે શનિ-રવીમાં મુંબઈ રખડવા જઈ શકાય. ૧૯૬૨ માં B.Sc. ની પરીક્ષા પાસ કરી યુ. કે. ની બેડફોર્ડ યુનિવર્સીટીમાં એડમીશન લીધું, પણ પૂરતું ફોરેન એક્ષચેંજ ન મળવાથી આખરે એમણે વડોદરાની એંજીનીયરીંગ કોલેજ માં D.T.C. (Diploma in Textile Chemistry) નો અભ્યાસ કર્યો. કરજણ નદીથી એમને લાગેલો તરવાનો શોખ અહીં વડોદરા યુનિવર્સીટીમા એમનો ઉપયોગી થયો. અહીં હરનિશભાઈ યુનિવર્સીટીની તરાકુ ટીમના સભ્ય હતા.

અભ્યાસ પૂરો કરી હરનિશભાઈએ વલસાડના અતુલ પ્રોડક્ટસમાં કલર કેમિસ્ટ તરીકે જોડાયા. નોકરી દરમ્યાન પણ એમણે અમેરિકાની કોલેજોમાં એડમીશન માટે એપ્લીકેશન્સ કરવાનું ચાલુ રાખ્યું. ૧૯૬૭ માં એમના હંસાબેન વ્યાસ સાથે લગ્ન થયા. હંસાબહેને ફર્સ્ટ કલાસમાં M.A. ની ડીગ્રી મેળવી હતી અને એ નવ ગુજરાત કોલેજમાં લેકચરર હતા. લગ્ન બાદ હરનિશભાઈએ નોકરી બદલી અને તેઓ અંબિકા મિલમાં જોડાયા. 

harnish Jani -2                   

૧૯૬૯ માં એક મિત્રની મદદથી એમણે વર્જિનિયાની એક કોલેજમાં એડમીશન મળ્યું. એક વર્ષનો કોર્સ કરી, હરનિશભાઈ ૧૯૭૦ માં ન્યુયોર્કના એક ટેક્ષટાઈલ પ્લાંટમા કલર સુપરવાઈઝર બન્યા. ફરી પાછું N.J.I.T. માં પ્લાસ્ટિક ટેકનોલોજીનો કોર્ષ કરી વિલ્સન ફાયબરફીલ માં રીસર્ચ કેમિસ્ટની નોકરી લીધી. ત્યારબાદ અનેક કંપનીઓમાં નોકરી બદલી આખરે જર્મન કલર કંપનીમાં ટેકનિકલ ડાયરેક્ટરના પદે પહોંયા. એમની આ પ્રોફેશનલ જીવન યાત્રા દરમ્યાન એમને ઘણાં એવોર્ડસ મળ્યા જેમાં વાયર એન્ડ કેબલ એસોશિએશનન એવોર્ડસ મહત્વના છે. ૧૯૯૦ માં ટાટા-વોલ્ટાસના ગેસ્ટ તરીકે ભારતના અનેક શહેરોમાં દોઢ મહિનાની એમની લેકચર ટૂર એમની સર્વોચ્ચ પ્રોફેશનલ કામગીરી હતી. 

Harnish Jani-3                 

એમના સંતાનોમાં બે દિકરીઓ, આશિની અને શિવાની, અને એક દીકરો સંદિપ છે. આશિની કોમપ્યુટર સાયન્ટીસ છે અને સરસ કવિતાઓ લખે છે જે ઘણાં સામયિકોમાં છપાય છે. શિવાની ન્યુયોર્કની એક કોસ્મેટિક કંપનીમાં માર્કેટીંગ ડાયરેકટર છે, અને તે પણ લખે છે. દીકરો સંદીપ ડોકટરેટ માટે વિદ્યાર્થી છે.

અમેરિકા આવ્યા પછી હરનિશભાઈનું ગુજરતીમાં લખવા વાંચવાનું છૂટી ગયેલું. ભારત સાથે સંપર્ક પણ બહુ ઓછો હતો. અંગ્રેજી પુસ્તકો વાંચવાનું અને અંગ્રેજી પ્લે જોવાનું બનતું. અગાઉ ભારતમાં હતા ત્યારે ૧૯૬૦ માં એમની એક વાર્તા ચાંદની સામયિકમાં છપાઈ હતી અને ૧૯૬૫ માં ચિત્રલેખાની વાર્તા હરિફાઈમાં એમને પાંચમું ઈનામ મળેલું. છેક ૧૯૯૧માં આદિલ મન્સુરી, રોહિત પંડ્યા અને ડો. આર. પી. શાહ જેવા સાહિત્યકારોના સંપર્કમાં આવ્યા અને ત્યારથી ફરી લખવાનું શરૂ થયું. ૧૯૯૧ થી ૧૯૯૪ સુધી ટી.વી. માં અર્ધા કલાકના ગુજરાતી કાર્યક્રમનું સંચાલન કર્યું, જેમા રાઈટર, ડાયરેકટર અને પ્રોડ્યુસર હરનિશભાઈ જ હતા. ૧૯૯૧ થી લાગલગાટ ૧૨ વર્ષ સુધી અલગ અલગ સ્થળૉએ ૫૦ જેટલા હાસ્ય કાર્યક્રમો આયોજ્યા.

એમનો પહેલો વાર્તા સંગ્રહ “સુધન” (સુધન એમના પિતાજી નામ હતું) છપાયો અને એ વાંચી રધુવીર ચૌધરીએ એમને હાસ્યલેખકનું બીરૂદ આપ્યું. સુધન પુસ્તકને સાહિત્ય એકેડેમીનું બીજું ઈનામ મળ્યું. ત્યારબાદ એમના બા ના નામ ઉપરથી “સુશીલા” નામે નિબંધ સંગ્રહ બહાર પાડ્યું, જેને સાહિત્ય એકેડેમીનું શ્રેષ્ઠ હાસ્ય પુસ્તકનું પ્રથમ ઈનામ અને સાહિત્ય પરિષદનું જ્યોતીન્દ્ર દવે પારિતોષીક મળ્યા. હાલમાં જ ગાર્ડી ઈન્સટીટ્યુટે “હરનિશ જાનીનું હાસ્ય વિશ્વ” નામનો એમના ચૂંટેલા લેખોનો સંગ્રહ બહાર પાડ્યો છે.

હાલમાં સુરતના વર્તમાન પત્રમાં નિયમિત એમની કોલમ પ્રસિધ્ધ થાય છે.

હરનિશભાઈ કહે છે, “ હું લખું છું દિલથી, બોલું છું દિલથી, અને જીવું છું પણદિલથી. એટલે તો પાંચ એન્જીયોપ્લાસ્ટી અને એક બાયપાસ સર્જરી કરાવવીપડી!અમદાવાદથી મુંબાઇ દોડતા ગુજરાત  એક્સ્પ્રેસનું હું સંતાન છું, તેથીમાણસ- ભૂખ્યો છું. વાતો ગમે છે. માણસો ગમે છે….”

હરનિશભાઈની ખરી ઓળખાણ મેળવવી હોય તો તમારે એમના લખાણ વાંચવા પડશે .

-પી. કે. દાવડા

==========================================

યુ-ટ્યુબ પર હરનીશભાઈના ઘણા વિડીયો પોસ્ટ કરવામાં આવ્યા છે એમાંથી બે પસંદ કરીને નીચે પ્રસ્તુત કરું છું.  

પ્રથમ વિડીયોમાં GLA of NA ના June 2010 માં યોજાએલ  “સર્જકો સાથે સાંજ “ના કાર્યક્રમમાં એમનો એક હાસ્ય લેખ રજુ કરતા હરનીશભાઈ ને તમે જોઈ/સાંભળી શકશો.

Harnishbhai Jani  @ GLA of NA, Dec. 05, 2010

શ્રી હરનીશભાઈનાં ધર્મપત્ની શ્રીમતી હંસાબેન પણ લેખિકા છે. આ વિડીયોમાં આ જ પ્રોગ્રામમાં તેઓ  એમનો એક સુંદર નિબંધ રજુ કરી રહ્યાં છે.

Hansa Jani @ Sarjako Sathe Saanj June 2010

 

 

 

5 responses to “( 727 ) મળવા જેવા માણસ….શ્રી હરનિશ જાની….. પરિચય….શ્રી. પી.કે.દાવડા

  1. pragnaju જૂન 1, 2015 પર 6:01 એ એમ (AM)

    અમારા અમારા શ્રી હરનિશ જાનીની કેટલીક વાત આજે જાણી
    વાહ દાવડાજી
    અમારી મોટી દીકરી યામિનીના મિત્ર થાય અને નાના જમાઈ મીલિનકુમારના પણ મિત્ર થાય

    Like

  2. Pingback: આદરણીયશ્રી હર્નિશભાઈ જાની..મળવા જેવા …”માણવા જેવા માણસ” .. શ્રીપી. કે. દાવડા…સંકલન-રમેશ પટે

  3. Pingback: આદરણીયશ્રી હર્નિશભાઈ જાની..મળવા જેવા …”માણવા જેવા માણસ” .. શ્રીપી. કે. દાવડા…સંકલન-રમેશ પટે

  4. Pingback: આદરણીયશ્રી હર્નિશભાઈ જાની..મળવા જેવા …”માણવા જેવા માણસ” .. શ્રીપી. કે. દાવડા…સંકલન-રમેશ પટે

  5. Capt. Narendra જૂન 1, 2015 પર 10:48 પી એમ(PM)

    હરનીશભાઈ એટલે અહર્નિશ આનંદ આપનાર મિત્ર, માર્ગદર્શક અને ફિલસૂફ! તેમની સાથેનો મારો પરિચય સમયની દૃષ્ટીએ ઘણો લાંબો, પણ મળવાનું એથીયે લાંબુ હોવાથી હજી સુધી મળી શક્યો નથી! ટેલીફોન પર વાતચીત થાય છે અને તે દ્વારા તેમની પ્રતિભાની પ્રતિતી હંમેશા મળતી રહે છે. દાવડાજીએ ઉત્તમ પરિચય આપ્યો છે અને હવે આ મળવા જેવા માણસને મળવાની ઉત્સુકતા પ્રબળ થઈ છે! મળાય કે ન મળાય, એમની મૈત્રી અમને વહાલી છે!

    Like

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.