વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

Daily Archives: નવેમ્બર 2, 2012

(122) મહાન પુરુષોનો વિનોદ ભાગ–2 (હાસ્ય યાત્રા -ભાગ-6)

Even a Chimp can laugh…Why not we ?
-Courtesy Yesha Pomal

શ્રી પ્રકાશ વેગડ સંપાદિત પુસ્તક ‘નાના મોટા માણસ, ઝીણી

ઝીણી  વાત’ પુસ્તકમાંથી નીચેના પ્રસંગો ,એમના અને રીડ

ગુજરાતી.કોમના  આભાર સાથે આજની પોસ્ટમાં મુક્યાછે.

આ અગાઉની પોસ્ટ નંબર 121- “મહાનપુરુષોનો વિનોદ”માં 

પોસ્ટ થયેલ રમુજી પ્રસંગોના અનુસંધાનમાં આ

વધુ રમુજી પ્રસંગોને વાંચવા વાચકોને  માટે રસપ્રદ

ને પ્રેરક રહેશે એમ માનીને અત્રે મુક્યા છે. 

વિનોદ આર.પટેલ 

_________________________________________________________________

[1] અબ્રાહમ લિંકન

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ અબ્રાહમ લિંકનના એક વિશ્વાસુ માણસે એમને નાણાંખાતાના સચિવથી સાવધ રહેવાનું સૂચન કર્યું અને જણાવ્યું કે રિપબ્લિકન પાર્ટીના ઉમેદવાર તરીકે સાલ્મન ચૅઝ રાષ્ટ્રપ્રમુખનું પદ મેળવવાની યોજના કરી રહ્યા છે. એ સાંભળીને લિંકને પોતાના રાજકીય મિત્રને પૂછ્યું : ‘તમે જાણો છો બગાઈ શું હોય છે ?’

એમણે નકારમાં પોતાનું માથું હલાવીને એ અંગેની પોતાની અનભિજ્ઞતા દર્શાવી. આથી લિંકને સ્પષ્ટતા કરતાં કહ્યું કે, ‘ઘોડાના શરીરે ડંખ મારતી મોટી માખી બગાઈ તરીકે ઓળખાય છે.’ અને મલકાતાં-મલકાતાં એમણે ઉમેર્યું કે, ‘મારા ગામના એક પડોસી પાસે એક આળસુ ઘોડો હતો. એક દિવસ એક ખેડૂતની નજર એ આળસુ ઘોડાને સતાવી રહેલ બગાઈ પર પડી અને એણે પોતાના હાથના ઝાટકાથી એની બગાઈ દૂર ભગાડી દીધી. એ જોઈને મારા પાડોસીએ એમને મીઠો ઠપકો આપતાં કહ્યું : ‘તમે આવું શા માટે કર્યું ? એ બગાઈ તો એને હરતો-ફરતો ને દોડતો રાખે છે !’

આટલું કહીને લિંકન હસી પડ્યા અને પોતાની વાતનો મર્મ સમજાવતાં કહ્યું, ‘જો મિ. ચૅઝના વાંસા પર રાષ્ટ્રપતિના હોદ્દાની બગાઈ ડંખ મારી રહી હોય તો હું એ બગાઈને મારવા નથી ઈચ્છતો. એના કારણે તો એનો વિભાગ જાગ્રત અને જીવંત રહેશે.’

 [2] જવાહરલાલ નહેરુ

ચીને તિબ્બત પર આક્રમણ કર્યું ત્યારે એણે હિમાલયનો કેટલોક ભારતીય પ્રદેશ પચાવી પાડ્યો. એ અંગે સંસદમાં ઘણો ઊહાપોહ થયો હતો. વિપક્ષી સભ્યોએ નહેરુની ઢીલાશ અને નિષ્ક્રિયતા અંગે તીવ્ર આક્ષેપો કર્યા હતા. એનો જવાબ આપવા નહેરુજી આવેશમાં આવી ગયા અને બોલ્યા : ‘મને એ સમજાતું નથી કે જે જમીન પર ઘાસનું એક પણ તણખલું ઊગતું નથી એ જમીન માટે તમે લોકો આટલો બધો હોબાળો શા માટે કરો છો ?

એ સાંભળીને મહાવીર ત્યાગી પોતાની ખુરશી છોડીને સીધા-સટાક ઊભા થઈ ગયા. પોતાના માથા પર પહેરેલી ખાદીની ટોપી ઉતારી નાખી અને પોતાની ટાલ બતાવતા બોલ્યા : ‘પંડિતજી ! આ મારી ટાલ જુઓ. અહીં એક પણ વાળ હવે ઊગતો નથી. એથી શું આ મારું માથું કપાઈ જવા દેવું ?’ અને સંસદભવનમાં હાસ્યનું મોજું ફરી વળ્યું. નહેરુ પણ ખડખડાટ હસી પડ્યા. .

[3] વલ્લભભાઈ પટેલ

ચરોતરના પાટીદાર કુટુંબની એક કન્યાના વિવાહ માટે વર-પરિવારની વ્યક્તિઓ સાથે દહેજની વાટાઘાટો ચાલતી હતી. પણ દહેજની રકમ અંગે કોઈ સમજૂતી સધાતી નહોતી. સરદાર વલ્લભભાઈ પટેલને આ બાબતની જાણ થતાં, તેઓ ગુસ્સે થયા, અને વર-કન્યા બંનેનાં મા-બાપને બોલાવીને તાડૂક્યા : ‘તમે લોકો દહેજની ભાટાઈ અને ભાંજગડ છોડો અને વર-કન્યાને શુક્રવારીમાં મૂકી દો ! ત્યાં જે ભાવ નક્કી થાય તે ફાઈનલ !’ .

[4] ભૂલાભાઈ દેસાઈ

ગાંધીયુગના સ્વાતંત્ર્યસેનાની ભૂલાભાઈ દેસાઈએ ઘણી જ ઓછી ઉંમરમાં વકીલાતની શરૂઆત કરી દીધી હતી. કોર્ટમાં અન્ય વયોવૃદ્ધ વકીલો ને જજોની સામે તેઓ એક છોકરડા જેવા દેખાતા હતા. એક વાર એક અંગ્રેજ જજે એમની મશ્કરી કરતાં કહ્યું : ‘મિ. ભૂલાભાઈ ! યુ આર એ ચાઈલ્ડ ઈન લૉ !’ એ સાંભળીને ભૂલાભાઈએ તરત જ જવાબ આપ્યો : ‘યુ આર રાઈટ માય લોર્ડ ! આઈ એમ એ ચાઈલ્ડ ઈન લૉ ઍન્ડ યુ આર એ ફાધર ઈન લૉ !’ .

[5] આલ્બર્ટ આઈન્સ્ટાઈન

આલ્બર્ટ આઈન્સ્ટાઈને સાપેક્ષતાના સિદ્ધાંતની શોધ કરી ત્યારે સર્વત્ર તેમનો આદર થવા લાગ્યો. એ અંગે કટાક્ષ કરતાં તેમણે કહ્યું : ‘આજે જર્મનીમાં એક જર્મન વૈજ્ઞાનિક તરીકે મારો આદર થાય છે અને ઈંગ્લૅન્ડમાં એક પરદેશી યહૂદી તરીકે. પણ જો મારો સિદ્ધાંત ખોટો સાબિત થાય, તો જર્મન લોકો મને એ કહીને ધુત્કારશે કે, ‘એ એક પરદેશી યહૂદી છે !’ અને અંગ્રેજ લોકો એ કહીને ધુત્કારશે કે, ‘એ એક જર્મન છે !’ એટલું કહીને હસતાં-હસતાં એમણે ઉમેર્યું : ‘આ બાબત મારા સાપેક્ષતાના સિદ્ધાંતનો એક વધુ પુરાવો રજૂ કરે છે !’ .

[6] ચાર્લી ચેપ્લિન

હાસ્યસમ્રાટ ચાર્લી ચેપ્લિનના જીવનનો આ પ્રસંગ છે. એક ફિલ્મના શૂટિંગ દરમ્યાન મૅસ સેનેટે ચાર્લીને પૂછ્યું : ‘તને મોટરસાઈકલ ચલાવતાં આવડે છે ?’ ‘અરે ! એમાં શું ?’ ચાર્લીએ પોતાની લાક્ષણિક અદાથી આંખો નચાવતાં કહ્યું : ‘મોટરસાઈકલ પર તો મેં આખા લંડન શહેરની પ્રદક્ષિણા કરી છે !’ અને પોતાની આ વાતનું પ્રમાણ રજૂ કરવા એણે ત્યાં ઊભેલી બાઈક ઉપાડી. મૉબેલ નૉર્મન્ડને પાછલી સીટ પર બેસી જવા કહ્યું ને ગાડી સ્ટાર્ટ કરતાંની સાથે જ એની ગતિ વધારવા લાગ્યો. મૉબેલનો જીવ અદ્ધર થઈ ગયો. એણે ચાર્લીને ગતિ ઓછી કરવા કહ્યું. પણ ચાર્લી એવું કરી શક્યો નહીં.

એ પછીની બીજી ક્ષણે તો મોટરસાઈકલ એક ઝાડ સાથે અથડાઈ ગઈ. બંને જણ એક ખાડામાં જઈ પડ્યા. આ આઘાતમાં ચાર્લી બેભાન થઈ ગયો. જ્યારે તે હોશમાં આવ્યો ત્યારે એણે પોતાના ખરડાયેલા ચહેરે અત્યંત નિર્દોષભાવે કહ્યું : ‘મને એમ કે સાઈકલ અને મોટરસાઈકલ વચ્ચે કોઈ વધારે તફાવત નહીં હોય !’ .

[7] વિનોબા ભાવે

એક આશ્રમવાસીએ વિનોબા ભાવેને કહ્યું : ‘બાબા ! અમને ગ્રામોદ્યોગના ચોખા ખાવામાં વાંધો નથી, પણ એમાં ઘણી વાર જીવડાં જલ્દી પડી જાય છે !’ વિનોબાએ હસતાં-હસતાં જવાબ આપ્યો : ‘અરેરેરે ! જીવડાં જેવાં જીવડાં પણ એ સમજે છે કે, હાથછડના ચોખા, મિલના ચોખા કરતાં વધુ ગુણકારી છે ! અરે ભાઈ, તમારા જેવા માણસને એ નિર્ણય કરવામાં આટલી મુશ્કેલી નડે છે ?’ .

[8] લાઓ-ત્સે

ચીનના દાર્શનિક લાઓ-ત્સે એકવાર જાહેરમાં કહ્યું : ‘આખી દુનિયામાં મને હરાવે એવો કોઈ નથી.’ એ વાત એક જાણીતા મલ્લ પાસે પહોંચી. એણે વિચાર્યું કે આ તો મારા માટે એક પડકાર છે. એ ઝીલવો જ પડે. અને એ લાઓ-ત્સે પાસે પહોંચ્યો અને ખોંખારીને બોલ્યો : ‘તમને હું હરાવીશ, બોલો ક્યારે કુસ્તી લડશો ?’ દિવસ નક્કી થયો. હજારો પ્રેક્ષકો આ વિચિત્ર કુસ્તી જોવા પહોંચ્યા. સૌની સામે બંને જણ અખાડામાં ઊતર્યા. લાઓ-ત્સેએ કહ્યું : ‘કુસ્તીમાં તમે હંમેશાં વિજયી રહ્યા છો, મારી સાથે લડવાનું કબૂલ કરીને તમે મોટો ઉપકાર કર્યો છે. એનાથી મારું મોટું સન્માન થયું છે.’ એટલું કહીને તેઓ અખાડાની વચ્ચે જઈને ચત્તા સૂઈ ગયા અને બોલ્યા : ‘આવો પહેલવાન, મારી છાતી ઉપર બેસી જાવ અને ગર્વથી જાહેરાત કરો કે તમે જીત્યા છો !’

પહેલવાન મૂંઝાયો, આ તે કેવી કુસ્તી કે જેમાં હરીફ પહેલેથી જ હારી જાય ! એણે કહ્યું : ‘આવું હું કેમ કરી શકું ? લડાઈ વગર હાર-જીતનો ફેંસલો ન કરી શકાય.’ અને એ અખાડાની બહાર જતો રહ્યો. એ જોઈને લાઓ-ત્સે હસતા-હસતા ઊભા થયા ને બોલ્યા : ‘હું તો પહેલેથી જ કહેતો હતો કે મને કોઈ હરાવી શકે નહિ. જેણે જીતવાની ઈચ્છા ઉપર જ જીત મેળવી હોય, તેને કોણ હરાવશે !’ .

[9] કવિ ન્હાનાલાલ દલપતરામ

જ્યોતીન્દ્ર દવે સુરતની એક કૉલેજમાં ફેલો હતા ત્યારે મહાકવિ ન્હાનાલાલનું ભાષણ ત્યાં યોજવામાં આવ્યું હતું. બધી તૈયારીઓ થઈ ગયા પછી, અતિથિગૃહથી ભાષણના સ્થળ સુધી કવિને લઈ આવવાનું કામ જ્યોતીન્દ્ર દવેને સોંપવામાં આવ્યું. તેઓ અતિથિગૃહ પહોંચ્યા. કવિએ અમસ્તાં ઔપચારિકતા ખાતર જ્યોતીન્દ્રને પૂછ્યું : ‘તમે કવિતા કરો છો ?’ મશ્કરા સ્વભાવના જ્યોતીન્દ્રે રમૂજમાં ફટ દઈને જવાબ આપ્યો : ‘એ મૂર્ખાઈ હું નથી કરતો !’ ન્હાનાલાલનો ચહેરો એક ક્ષણમાં લાલચોળ થઈ ગયો. ‘હું કવિતા કરું છું તે શું મૂર્ખાઈ છે ?’ એમણે ગુસ્સે થઈને પૂછ્યું. જ્યોતીન્દ્રના આ વ્યવહારને કવિએ પોતાનું અપમાન ગણ્યું. અને ભાષણ માટે જવાની ના પાડી. અને આ વાત વણસતા સહુની મુશ્કેલી વધી ગઈ.

અંતે જ્યોતીન્દ્રે કવિને મનાવતાં-મનાવતાં સ્પષ્ટતા કરી : ‘સાહેબ ! ખરેખર મારા કહેવાનો આશય એ હતો કે, જો હું કવિતા કરું તો તે મૂર્ખતા કહેવાય, અને જો તમે કવિતા ન કરો તો તે મૂર્ખતા કહેવાય !’ આ સાંભળીને ન્હાનાલાલ હસી પડ્યા અને બગડેલી બાજી સુધરી ગઈ. .

[10] અટલ બિહારી વાજપેયી

ઈન્દિરા ગાંધી પહેલી વાર વડાપ્રધાન થયાં ત્યારે ‘જનસંઘ’ પ્રત્યે પોતાનો રોષ વ્યક્ત કરતાં એમણે સંસદભવનમાં કહ્યું : ‘મૈં અગર ચાહૂં તો પાંચ મિનિટ મેં ‘જનસંઘ’ કો ઠીક કર સકતી હૂં !’ એના જવાબમાં એ સમયના ‘જનસંઘ’ના પ્રમુખ અટલબિહારી વાજપેયીએ મલકાતાં મલકાતાં જવાબ આપ્યો : ‘મેડમ ! પાંચ મિનિટ મેં તો આપ અપની લટેં ભી ઠીક નહિ કર સકતીં !’

[11] સર્વપલ્લી રાધાકૃષ્ણન

ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન ભારતના ઉપરાષ્ટ્રપતિ હતા ત્યારે રાજ્યસભામાં એમની અધ્યક્ષતા હેઠળ ‘છૂટાછેડા’ના ખરડા પર ચર્ચા ચાલતી હતી. આ ખરડાની એક કલમમાં ‘પાગલ’ શબ્દને સ્થાને ‘જેનું મગજ અસ્થિર હોય’ એ શબ્દ મૂકવાનું કોઈએ સૂચન કર્યું.

ત્યાં રાધાકૃષ્ણને વ્યંગના સ્વરમાં કહ્યું : ‘આવું થશે તો આપણે સૌને છૂટાછેડા લેવાની નોબત આવી પડશે. કેમ કે મહિનામાં એકાદ વખત તો કોનું મગજ અસ્થિર નથી થતું ?’ એ સાંભળીને સભામાં હાસ્યનું મોજું ફરી વળ્યું. ત્યાં તો વિનોબાએ એક બીજું વ્યંગબાણ ફેંક્યું : ‘આ અંગે જો આપણી પત્નીઓનો અભિપ્રાય લેવામાં આવે, તો આપણાંમાંથી કોઈનુંયે મગજ સ્થિર નહિ નીકળે !’ .

[12] ચાર્લ્સ એડિસન

ચાર્લ્સ એડિસન, એ વીજળી અને ગ્રામોફોનના આવિષ્કર્તા આલ્વા એડિસનના જ્યેષ્ઠ પુત્ર હતા. એક પાર્ટીમાં એમના યજમાને ઉપસ્થિત મહેમાનો સામે એમનો પરિચય આપતાં કહ્યું : ‘મિ. ચાર્લ્સ, એ લાયક પિતાના એક લાયક પુત્ર છે. એમણે પોતાના પિતા આલ્વા એડિસનની ઝળહળતી કીર્તિ જીવંત રાખી છે.’ ઉપસ્થિત મહેમાનોએ તાળીઓના ગડગડાટથી એમને વધાવી લીધા. એ પછી સહુનો આભાર માનતા ચાર્લ્સે કહ્યું : ‘અહીં મારી જે પ્રશંસા કરવામાં આવી છે, એવી ને એટલી લાયકાત મારામાં નથી. ખરેખર તો હું મારી જાતને મારા પિતાના પ્રારંભના અખતરામાંનો જ એક ગણું છું.’ .

[13] આચાર્ય રામચન્દ્ર શુક્લ

હિંદી સાહિત્યના પ્રખર વિદ્વાન આચાર્ય રામચન્દ્ર શુક્લ લખનૌના અમીનાબાદ પાર્કમાં ફરવા ગયા હતા. રસ્તામાં ઊભેલા એક ભિખારીએ  હાથ લંબાવીને એમને કહ્યું : ‘સાહેબ ! આપકી ટોપી ઊંચી રહે !’ આવું સુંદર વાક્ય સાંભળીને સાહિત્યરસિક આચાર્યજીનું મન પ્રફુલ્લિત થઈ ગયું. ભિખારીને એક રૂપિયો આપતાં રમૂજમાં પૂછ્યું : ‘કોઈ મહિલા પાસે ભીખ માગે, ત્યારે શું કહે છે ?’

એ ભિખારી એમનું મોં જોઈ રહ્યો. કોઈ જવાબ આપી શક્યો નહિ. ત્યારે આચાર્યજીએ હસતાં-હસતાં કહ્યું : ‘એમને એમ કહેવાનું કે મેમસાહેબ, આપકી એડી ઊંચી રહે !’ એ સાંભળીને ભિખારી હસી પડ્યો. .

[14] ટ્રિસ્ટન બર્નાર્ડ

સાહિત્યની એક સભા સમક્ષ પોતાનું પ્રવચન આપવા જતાં પહેલાં એક નવોદિત લેખકે ફ્રાન્સના નાટ્યકાર ટ્રિસ્ટન બર્નાર્ડને પૂછ્યું : ‘ભાષણની સમાપ્તિ કેવી રીતે કરવી એ અંગે આપની શું સલાહ છે ?’ ‘એ તો સાવ સહેલું છે.’ ટ્રિસ્ટને કહ્યું અને મલકાતાં-મલકાતાં ઉમેર્યું, ‘તમારા કાગળિયાં એકઠાં કરવાં, શ્રોતાઓને નમન કરવું અને એકદમ બિલ્લીપગે ત્યાંથી ચાલ્યા જવું.’ ‘બિલ્લીપગે શા માટે ?’ ટ્રિસ્ટને પોતાની નજરોમાં તોફાન પ્રગટ કરતાં જવાબ આપ્યો, ‘એ લોકો જાગી ન જાય એટલા માટે.’