વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

( 405 ) બાજરીનો રોટલો અને મારાં ગ્રામ્ય જીવનનાં સંભારણાં

હ્યુસ્ટન નિવાસી હાસ્ય લેખક ,કવિ અને ગઝલકાર શ્રી ચીમનભાઈ પટેલે ” બાજરીનો રોટલો ” નામની એમની અછાંદસ કાવ્ય રચના એક ચિત્ર સાથે ઈ-મેલમાં મોકલી આપી હતી એને આજની પોસ્ટમાં એમના આભાર સાથે નીચે પ્રસ્તુત કરતાં આનંદ થાય છે .   

Bajarino Rotlo -Chiman Patel

બાજરીનો રોટલો  

એ ચુલો,

એ બળતણ,

એ ફૂંકો ઉપરની ફૂંકો.

ગામની માટીથી ઘડાયેલ એ કલાડી!

ખુદના ખેતરની બાજરી,

પરોઢે ઘરની ઘંટીથી હાથે દરાયેલ,

દાદીમાના બે હાથે ટપ ટપ ટીપાયેલ,

કડક કાયા લાવી કલાડીમાં પકાવેલ,

આ છે બાજરીનો એક રોટલો.

માથે માખણ મૂકી ઘરના વલોણાની મીઠી છાસ સાથેનો આસ્વાદ,

મળશે કયારે એકવાર  ફરીથી?

• ચીમન પટેલ ‘ચમન’ (૦૧ફેબ્રુ’૧૪)  

(ચિત્ર પ્રાપ્તિઃ હરિશ ભટ્ટ)   

—————————————–

બાજરીનો રોટલો અને મારાં ગ્રામ્ય સ્મરણો

આ ચિત્ર સાથેના શ્રી ચીમનભાઈ પટેલના કાવ્ય ઉપરથી મને મારા વતનના ગામમાં વીતાવેલાં શરૂઆતનાં ગ્રામ્ય જીવનનાં કેટલાંક સ્મરણો તાજાં થઇ ગયાં .

બાજરીનો રોટલો એ ગામમાં ખેડૂત વર્ગનો  મુખ્ય ખોરાક હતો  એવું જ બીજાં ગામોમાં પણ જોવા મળે .ચીમનભાઈનું વતનનું ગામ કૈયલ પણ મારા વતનના ગામ ડાંગરવા ગામને અડીને આવેલું નજીકનું ગામ છે . ઘઉંનો રોટલો કવચિત જ કોઈ કોઈ કુટુંબોમાં બનતો .

Bajrina Rotla-2ઘરના ખેતરમાં પકવેલી લીલા રંગની બાજરીને ઘરની ઘંટી ઉપર બહેનો અને માતા સવારે પરોઢીયે વહેલા ઉઠીને દળીને લોટ તૈયાર કરતાં. ઘંટીનો એ ઘર  ઘર  ..અવાજ હજુ કાનમાં ગુંજે છે .   ઘરના એક ખૂણે ઈંટ અને માટીથી બનાવેલા ચુલા ઉપર વગડેથી કાપી લાવેલાં લાકડાંને ચૂલામાં મુકીને ભુંગળીથી ફૂંકો મારીને ચૂલો સળગાવવામાં આવતો . ચુલા ઉપર કુંભાર વાડામાંથી ટકોરા મારીને પસંદ કરીને લાવેલી ક્લાડી મુકવામાં આવતી .મીઠાનું પાણી બાજરીના લોટમાં નાખીને ખુબ મસળીને એમાંથી થોડો ભાગ લઈને મારી માતા બે હાથો વચ્ચે રોટલાને ટીપી ટીપીને ગોળ ચન્દ્રના આકારનો રોટલો ઘડીને ક્લાડામાં શેકવા માટે નાખતાં એ દ્રશ્ય યાદ આવે છે . ધીમા તાપે તપીને રોટલો ચિત્રમાં બતાવ્યું છે એવો ખાવા માટે તૈયાર કરવામાં આવતો .

ચીમનભાઈએ કાવ્યમાં કહ્યું છે એમ ઘરની  ભેંસોના દૂધમાંથી બનેલ દહીને વલોણામા વલોવાતું અને પછી વલોવીને બનેલ છાશમાંથી તારવેલા ચોક્ખા માખણનો થર રોટલા ઉપર સારી રીતે ચોપડીને માતા સવારે નાસ્તામાં ખાવા આપતી .બીજા દિવસે બાજરીના ઠંડા રોટલાને દુધમાં મસળીને એમાં ખાંડ કે ગોળ નાખીને ખાવાની મજા તો કોઈ ઓર હતી .એવું હતું અમારું બાળપણનું સવારના નાસ્તાનું દેશી પૌષ્ટીક સીરીયલ . અહીં અમેરિકામાં આવીને જ્યારે પીઝા ખાવાનું શરુ થયું ત્યારે શરૂઆતમાં મને ઘરનો બાજરીનો રોટલો યાદ આવતો અને મનમાં થતું ક્યાં એ માખણથી લદાયેલ રોટલો અને ક્યાં આ ફિક્કો ફ્સ ચીજ વાળો પીઝા !

ગામના ખેડૂતો ખેતરમાં દર વરસે ઘઉં અને બાજરીની વાવણી કરતા . ખેતરને ખેડી ,એમાં બાજરીનું બી નાખી , નિયમિત અંતરે કુવામાંથી બળદથી કોસથી પાણી કાઢી પાણી પીવડાવવામાં આવતું ,  જ્યારે બાજરીનાં ડુંડા બરાબર તૈયાર થઇ ખેતરમાં લહેરાય ત્યારે  ખેડૂત કુટુંબ આ પાકને દાતરડાથી કાપીને એને ખળામાં લઇ આવતું .ખળામાં એની ઉપર બળદોને ગોળ ગોળ ફેરવીને  ડુંડામાંથી બાજરીના દાણા છુટા પડે એટલે એટલે એને સૂપડામાં ભરીને પછેડીથી પવન નાખીને  દાણા અને પરાળ છુટા પડાતા . આ રીતે બાજરીના ઢગલાને કંતાનના કોથળામાં ભરીને ગાડામાં ભરીને બાજરી ઘરે લાવવામાં આવતી.

દરરોજ વાપરવા માટે બાજરીને કોથળામાંથી ઘરના ઓરડામાં રાખેલ કોઠીમાં ઠાલવવામાં આવતી અને કોઠીને ઉપરથી માટીથી સીલ કરવામાં આવતું હતું . કોઠી નીચે રાખેલ ગોળ કાણામાંથી રોજ ખપ પુરતી બાજરી કાઢીને કપડાના ડૂચાથી કાણાને બંધ કરી દેવાતું .  ખેતરમાંથી બાજરી લીલી હોય ત્યારે લાવેલાં ડુંડાને તાપણીમાં સેકીને મસળીને બનાવેલ તાજો ગરમા ગરમ પોંક ખાવાની મજા પણ યાદ આવે છે .

વિનોદ પટેલ

———————————————-

શ્રી ચીમનભાઈ પટેલ “ચમન ” ની મને ગમેલી એક ગઝલ “માનવ જન્મ ” ને પણ નીચે માણો .

માનવ જન્મ!  

જીભ ચાલે છે તો બોલો, બીજાને દુભાવવા તો નહિ!

હાથ લંબાવો તો મદદ માટે, લાફો મારવા તો નહિ!

વસ્ત્રો ખરીદો એવા બદનને ખૂલ્લા રાખવા તો નહિ!

પગરખાં છે પગ સાચવવા, બીજાને કચડવા તો નહિ!

પાણી પ્રિતના જો પાવો, તરસ્યા રાખવા તો નહિ!

શોબત શરાબની રાખો તો, ભાન ભુલવા તો નહિ!

મણકા માળાના ફેરવો , મનને મણાવવા તો નહિ!

ભજન ભગવાનના ભજો, દેખાવ કરવા તો નહિ!

 સેવા કરો સમાજની, સ્વમાન ગુમાવવા તો નહિ!

વાતો વિશ્ર્વશાંતિની કરો, ખુદની લુંટાવવા તો નહિ!

સ્વાર્થને સાથમાં રાખી સબંધ બગાડવા તો નહિ!

આશરો અસત્યનો લઇ, સત્યને છૂપાવવા તો નહિ!

કામ આજનું  આજે કરો, મુલતવી રાખવા તો નહિ!

માનવ જન્મ ‘ચમન’ મળ્યો, વેડફી નાખવા તો નહિ!

 ચીમન પટેલ ‘ચમન’ (૧૧જાન્યુ ‘૧૪)

————————————

 ચીમન પટેલ ‘ચમન’ની વધુ કૃતિઓ એમના બ્લોગની આ લીંક ઉપર વાંચી શકાશે .

http://chimanpatel.gujaratisahityasarita.org/

7 responses to “( 405 ) બાજરીનો રોટલો અને મારાં ગ્રામ્ય જીવનનાં સંભારણાં

  1. Anila Patel માર્ચ 4, 2014 પર 11:05 એ એમ (AM)

    Hu pan ahi Americama Indiathi laveli kaladima mara hathethi rotala banavu chhu pan mithashmato fer padej chhe.

    Like

  2. pragnaju માર્ચ 4, 2014 પર 12:19 પી એમ(PM)

    અહીં અમારા સ્નેહીઓને માંદગીમાં આધુનિક દવાઓ અનુકૂળ ન આવે ત્યારે જુવાર બાજરીના રૉટલા અને મગ તથા ફળો અને લીલા શાકભાજીના ખોરાકથી જાદુઇ અસર લાગી ! અહીં પણ બાજરીનો રોટલો
    આરોગ્યપ્રદ ભોજન ગણાય છે કોકવાર મગની દાળના લોટમાંથી ટોરટીલા બનાવીએ

    બલિહારી તુજ બાજરા, જેના લાંબા પાન;
    ઘોડે પાંખું આવિયું, બુઢ્ઢા થયા જુવાન.

    Like

  3. pravina Avinash માર્ચ 4, 2014 પર 10:58 પી એમ(PM)

    બાજરીનો રોટલો જેણે ખાધો હોય તે જાણે

    ખાધો હોય પચાવ્યો હોય તે તેની મિઠાશ સમજાવે

    ગરમ રોટલા સાથે ગોળ

    અને
    ઠંડા રોટલા સાથે તાજું મીઠું દહી.

    તે પણ પાછો ‘કલેડાંનો, હાથે ઘડેલો અને સગડી પર.શેકેલો !

    Like

  4. pravinshastri માર્ચ 5, 2014 પર 2:21 એ એમ (AM)

    વિનોદભાઈ, માત્ર ગઝલ અને બાજરીના રોટલાની અછાંદસ જ નહિ પણ આપનું ગ્રામ્ય જીવન અંગેનું વિવરણ પણ મારા જેવાને માટે શૈક્ષણિક કહેવાય. સુરત અને દક્ષિણ ગુજરાતમાં મોટેભાગે જુવારનો જ વપરાશ, અને જુવારના રોટલા જ ખવાય. હહેરોમાંતો ઘઉ ની ભાખરી કે રોટલી જ ખવાય.

    Like

  5. himmatlal માર્ચ 5, 2014 પર 4:27 એ એમ (AM)

    પ્રિય વિનોદભાઈ
    તમારી બાજરીના રોટલા નાં અને તેના પોંક ખાવાની વાતું સાંભળી રોટલો યાદ આવે છે અમારી બાજુ બાજરો કહે છે અને કચ્છમાં બાજર કહે છે એક કચ્છી દોહરો વાંચવા આપું
    ધીંગા માડીજા હથ્થ્ડા ધીંગી બાજરજી માની
    દેવકે ભી દુર્લભ હેડી મીઠડી બાજર જી માની
    ભાવાર્થ :- માના મજબુત હાથથી ઘડેલો બાજરાનો રોટલો એવો તો મીઠો હોય કે આપણે ખાધાજ કરીએ આવો બાજરાનો રોટલો દેવતાઓ માટે પણ દુર્લભ છે

    Like

  6. chaman માર્ચ 5, 2014 પર 1:47 પી એમ(PM)

    વિનોદભાઇ,
    મારું કાવ્ય અને એ જ વિષયમાં તમારું ચિત્ર ઊભુ કરતું લખાણ પાસે પાસે, જેમ આપણા ગામ પાસે પાસે. ઉપરાંત આપણે બંને મોસાળ પક્ષે ભાઇઓ. સગપણ અને લેખનો આ સંગમ વેબ જગત પર યાદ રહી જશે.
    આભાર સાથે.
    ચીમન પટેલ “ચમન”

    Like

  7. chandravadan માર્ચ 6, 2014 પર 2:08 એ એમ (AM)

    Rotalo….Juvar Ke BajaraNo.
    How can we forget that taste ?
    Nice Rachanao of Chimanbhai.
    Chandravadan
    http://www.chandrapukar.wordpress.com
    Avjo !

    Like

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.