વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

‘છેવટે ભારતને મારા જેવો કુશાગ્ર રાજનીતિજ્ઞા મળ્યો’

 

સંદેશ -ચીની કમ -ના સૌજન્યથી આજની પોસ્ટમાં ‘છેવટે ભારતને મારા જેવો કુશાગ્ર રાજનીતિજ્ઞા મળ્યો’ નામનો લેખ

વાંચવો તમને જરૂર ગમશે  .   

આ લેખમાં ભગવાન શ્રીકૃષ્ણ સમક્ષ  દેવર્ષિ  નારદ  એમની પૃથ્વી લોકની નગર ચર્યા પછી ભારતના રાજકીય નેતાઓ અને

એમની નીતિઓ ઉપર રમુજી વિશ્લેષણ રજુ કરે  છે  .

આ લેખમાં રમુજ સાથે કટાક્ષ પણ છે  . 

વિનોદ પટેલ 

 

—————————————————————–

 

 ‘છેવટે ભારતને મારા જેવો કુશાગ્ર રાજનીતિજ્ઞા મળ્યો’ -સંદેશ -ચીની કમ 

 

Krishna-Narad

ભગવાન શ્રીકૃષ્ણ તેમના મહેલમાં પટરાણી રુક્મિણીજી સાથે બેઠેલા છે. એવામાં દેવર્ષિ  નારદ તંબુરો

લઈને આવી પહોંચે છે. શ્રીકૃષ્ણ તેમનું સ્વાગત કરતાં કહે છે : “દેવર્ષિ  ! અચાનક આપ ?”

“હા પ્રભુ !” નારદજી આસન ગ્રહણ કરતાં કહે છે , “આપનો જન્મદિવસ છે એટલે આવ્યો છું. હેપી બર્થ ડે.”

શ્રીકૃષ્ણ કહે છે  “એ તો ઠીક છે, પણ મૃત્યુલોકમાં બધું ઠીકઠાક છે ને ?”

“શું ધૂળ ઠીકઠાક છે ? બધું અસ્તવ્યસ્ત છે. લક્ષ્મીજી નારાજ થઈ જાય તેવું છે.”

“શું થયું ?”

“ડોલર તરીકે ઓળખાતા વિદેશી રાક્ષસ સામે આપણાં દેવી લક્ષ્મીનો રૃપિયો ગગડયો છે.”

“એનો અર્થ એ થયો કે, ભારત વર્ષના લોકો એ નારાયણની પૂજા બંધ કરી હશે. જ્યાં નારાયણ નથી ત્યાં લક્ષ્મીજી પણ નથી. ભારત વર્ષની તિજોરીની ચાવી કોની પાસે છે ?”

“પ્રભુ ! હમણાં એ તપાસ કરવા જ હું ઇન્દ્રપ્રસ્થ ગયો હતો. ભારત વર્ષના ખજાનાની ચાવી એક લુંગીવાળા નેતા પાસે છે. મેં એમને પૂછયું કે, આમ કેમ થયું ? તો એમણે કહ્યું  હું ભારત વર્ષની સમસ્યાનો ઉકેલ અમેરિકામાં ભણેલી પદ્ધતિ પ્રમાણે કરી રહ્યો છું. પહેલાં મને અમેરિકાનું અર્થતંત્ર સુધરે તેમાં રસ છે. એ પછી ભારતની વાત. આ વિશે વધુ જાણવું હોય તો વડા પ્રધાનના આર્થિક સલાહકાર મોન્ટેકસિંહને મળો.”

“પછી શું થયું ?”

“તે પછી હું મોન્ટેકસિંહ નામના કહેવાતા અર્થશાસ્ત્રીને મળ્યો. તેમણે કહ્યું, મેં સબસિડીઓ બંધ કરવા પ્રધાનમંત્રીશ્રીને કહી દીધું છે. અમે અમેરિકા અને વિશ્વ બેંકની સૂચના પ્રમાણે ભારતમાં કામ કરી રહ્યા છીએ.”

“ભારત પર વિશ્વ બેંકનું રાજ ?”

“નારદજી ! આમેય આ દેશ વિદેશીઓના સીધા કે આડકતરા શાસનથી જ ટેવાયેલો છે. જુઓ આ દેશમાં આર્યો આવ્યા, હૂણો આવ્યા, તાતાર આવ્યા, મોગલો આવ્યા, ફિરંગીઓ આવ્યા. અંગ્રેજો આવ્યા. હવે ચીનાઓ ઘૂસી રહ્યા છે. બધું આમ જ ચાલશે. વધુ જાણવું હોય તો પ્રધાનમંત્રીને મળો.”

શ્રીકૃષ્ણએ પૂછયું  “પછી તમે પ્રધાનમંત્રીશ્રીને મળ્યા ?”

“પ્રભુ ! હું પૂરા એક કલાક તેમને મળ્યો. ૫૯ મિનિટ હું બોલ્યો. તેઓ એક જ મિનિટ એક જ વાક્ય બોલ્યા “સોનિયાજીને મળો.”

“સોનિયાજી કોણ છે ?”

“પ્રભુ ! ભારતમાં નહીં જન્મેલાં છતાં ભારત વર્ષનાં સન્નારી છે. દેશની અસલી કમાન તેમના હાથમાં છે. અત્યંત શક્તિશાળી છતાં નિરાભિમાની છે. પી.એમ. નથી પણ પી.એમ. કોને બનાવવા તે પણ તેઓ જ નક્કી કરે છે. તેમના ચહેરા પર ક્યાંય પણ મેં ક્રોધ, કટુતા કે કિન્નાખોરીના ભાવ જોયા નહીં. હું તેમને મળ્યો.”

“તેમણે શું કહ્યું ?”
“તેમણે કહ્યું  “હું નિવૃત્તિના માર્ગે છું. રાહુલને મળો.”
“રાહુલ કોણ છે ?”

“રૃપાળો અને કુંવારો યુવરાજ છે. ગાલે ખંજન પડે છે, પણ લગ્ન કરતો નથી. મેં એને પૂછયું તો એણે કહ્યું કનિષ્કસિંહને મળો.”

“કનિષ્કસિંહ કોણ છે ?”
“રાહુલના સલાહકાર છે. એમણે કહ્યું દિગ્વિજયસિંહને મળો.”
“દિગ્વિજયસિંહ કોણ છે ?”

“વિપક્ષને લાગે છે કે તેઓ બેમર્યાદ બોલે છે, પણ તેઓ જે બોલે છે તે સાચું જ બોલે છે.”

“તેમણે શું કહ્યું ?”

“દિગ્વિજયસિંહે કહ્યું અમે અમેરિકા-ફમેરિકાથી ડરતા નથી, પણ અમારે સરકાર ટકાવવા લાલુ-મુલાયમ જેવા સાથીઓનો પણ ખ્યાલ રાખવો પડે છે. તમે એમને મળો.”

“લાલુ કોણ છે ?”

“પ્રભુ ! ભારત વર્ષમાં મને આ જ એક એવો માણસ મળ્યો જેણે કહ્યું તમારે કનૈયાની ગાયો માટે ઘાસ લઈ જવું હોય તો મારા ઘાસચારાના ગોદામમાં ખાયકી બાદ થોડું વધ્યું છે તે લઈ જાવ.”

“તે પછી આપ કોને મળ્યા ?”
“લાલુનાં ધર્મપત્નીએ પીરસેલી રબડી ખાઈને હું મુલાયમસિંહને મળ્યો.”
“મુલાયમસિંહ કોણ છે ?”

“મુલાયમસિંહ એક એવા રાજકારણી છે જે જેલમાં જવાના ડરથી ભારત વર્ષની પ્રવર્તમાન સરકારને ટેકો આપી રહ્યા છે. સીબીઆઈ નામની કોઈ વસ્તુથી ડરે છે. સંતો-મહંતોને જોઈ ભડકે છે. મારો વેષ જોઈ મને તો ચા પણ ના પીવડાવી. મેં કહ્યું, હું વીએચપીનો કાર્યકર્તા નથી. હું કોઈ પરિક્રમા કરવા આવ્યો નથી, પણ તેઓ માન્યા જ નહીં. મને સાધુ વેષમાં જોઈ પોલીસને બોલાવી અને ઉત્તરપ્રદેશમાંથી બહાર તગેડી મૂક્યો.”

“તો તમારે તેમના શત્રુઓને મળવું હતું ને ! રાજનીતિ તો કહે છે કે, દુશ્મનનો દુશ્મન તે આપણો મિત્ર.”

“પ્રભુ ! તે પછી મેં એમ જ કર્યું. આ બધાના રાજકીય શત્રુના જૂથનું નામ ભાજપા છે. હું ભાજપાના વયોવૃદ્ધ નેતા લાલકૃષ્ણજીને મળ્યો.”

“નારદજી, આ લાલકૃષ્ણ કોણ છે ?”

“પ્રભુ ! લોકો તેમને એલ. કે. અડવાણી કહે છે. તેઓ દ્રોણાચાર્ય જેવા વયોવૃદ્ધ છે. પરણવાની ઉંમર વટાવી જવા છતાં પરણવા માગતા મુરતિયા જેવા તેમના હાલ છે.”

“એટલે ?”

“એટલે એમ જ પ્રભુ કે અડવાણીજી ૮૬ વર્ષની વયે પહોંચ્યા છતાં ભારત વર્ષના પ્રધાનમંત્રી થવા ઇચ્છે છે, પણ હવે તે શક્ય નથી.”

“કેમ ?”

“તેમના જ એક પટ્ટ શિષ્યે તમામ મોરચે તેમને મહાત કર્યા છે. ૮૬ વર્ષની વયે પણ રિસાઈને તેઓ ગોવાની બેઠકમાં ગયા નહોતા. તેમના શિષ્યની ટીકા કરવાની એક પણ તક તેઓ છોડતા નથી. ભારત વર્ષના સ્વાતંત્ર્ય દિને પણ તેમના શિષ્યના પ્રવચનની ટીકા કરી, પણ શિષ્ય બડો ચતુર છે. જેમ દ્રોણ કરતાં અર્જુન વધુ શક્તિશાળી બાણાવળી હતો તેવો જ.”

“અતિ સુંદર ! શિષ્ય અર્જુન જેવો હોય તો મને પ્રિય છે. કોઈવાર લઈ આવજો અહીં. હું તેને ફરી ગીતાનો ઉપદેશ આપીશ.”

“પ્રભુ ! એ શક્ય નથી.”
“કેમ ?”

“પહેલી વાત તો એ કે, એ આપનો ઉપદેશ સાંભળશે નહીં. એથી ઊલટું તે આપને ઉપદેશ આપશે. વળી તે જ્યારે બોલવાનું શરૃ કરશે ત્યારે ભારતની તમામ ન્યૂઝ ચેનલો તેમનું સમગ્ર ભારતમાં જીવંત પ્રસારણ કરશે. તમે બોલશો તો કોઈ કાકોય ત્યાં નહીં હોય.”

“કેમ ? મેં સંજય મારફતે ધૃતરાષ્ટ્રને બધું જ સંભળાવ્યું હતું ને ?”

“પ્રભુ ! અડવાણીજીના એ પટ્ટ શિષ્યએ સંઘના સંજય નામના પ્રચારકને ક્યારનો ય નિવૃત્ત કરી દીધો છે, એક સીડીકાંડ દ્વારા. અડવાણીજીનો પટ્ટ શિષ્ય પહેલાં પોતાના પક્ષમાં પ્રતિસ્પર્ધીઓની સાફસૂફી કરવામાં માને છે, પછી વિપક્ષોની. એણે અડવાણીજીને પણ નવરા કરી દીધા છે.”

“આ તો રાજનીતિ થઈ. મને આવો રાજનીતિજ્ઞ  પસંદ છે. મને આનંદ છે કે ભારત વર્ષને છેવટે મારા જેવો કુશાગ્ર રાજનીતિજ્ઞા મળ્યો ખરો. તમારે એ રાજનીતિજ્ઞને મળવું જોઈએ ને ?”

“પ્રભુ ! મેં એ પણ પ્રયાસ કરી જોયો. હું અડવાણીના શિષ્યને મળવા ગાંધીનગર ગયો. પહેલાં તો મારા આખા શરીરની આસપાસ કોઈ લોખંડી યંત્ર ફેરવ્યું. મારો તંબુરો પણ તપાસ્યો. હું સાધુ વેષમાં હતો એટલે જ મને અંદર જવા દીધો. પણ મને બહાર બેસાડી રાખ્યો.”

“કેમ ?”

“મને કહેવામાં આવ્યું કે, પહેલાં તમે કૈલાસનાથનને મળો.”

“સુંદર ! ત્યાં શું કૈલાસના નાથ ભગવાન શિવ હતા ? મારા તેમને પ્રણામ કહેવા હતા ને ?”

“પ્રભુ ! એ કૈલાસ પર્વતના નાથ નહીં, પણ આ તો ‘ગુજરાતના નાથ’ જેવા લાગ્યા. આખી સરકાર એ જ ચલાવતા હોય એમ લાગ્યું. એમને હું બહુ ઉપયોગી માણસ લાગ્યો નહીં.”

“પણ છેવટે તો ગુજરાતમાં જન્મેલા મારા જેવા એ કુશાગ્ર રાજનીતિજ્ઞ મળ્યા કે નહીં ?”

“ના પ્રભુ ! એક ભાઈના બહાર નીકળ્યા બાદ કોઈ અદાણી અંદર ગયા. અદાણીના બહાર નીકળ્યા બાદ કોઈ અંબાણી અંદર ગયા. અંબાણીના બહાર નીકળ્યા બાદ કોઈ તાતા અંદર ગયા. તાતાના બહાર નીકળ્યા બાદ કોઈ મિત્તલ અંદર ગયા. મિત્તલના બહાર નીકળ્યા બાદ કોઈ એસ્સારવાળા અંદર ગયા.”

“બસ, બસ, બસ… હું તમને એટલું જ પૂછું છું કે, તમારી એ શક્તિશાળી રાષ્ટ્રીય પ્રતિભા સાથે મુલાકાત થઈ કે નહીં ?”

“હા, થઈને પ્રભુ ! તેઓ બહાર નીકળ્યા ત્યારે ઊભા ઊભા જ તેમણે મને પૂછયું  “તમને ક્યાંક જોયેલા લાગે છે. તોગડિયાના માણસ તો નથી ને.”

“મેં કહ્યું, આપ ફિલ્મો જુઓ છો ?”

તેમણે કહ્યું, “પહેલાં જોતો હતો. અત્યારે લોકો મને જુએ છે. મને સાંભળે છે. મને અનુસરે છે, પણ ફિલ્મો જુઓ છો તેમ કેમ પૂછયું ?”

મેં કહ્યું  “એટલા માટે કે જો તમે ફિલ્મો જોઈ હશે તો ભૂતકાળમાં નારદનો રોલ જીવન નામનો એક કલાકાર કરતો હતો. તે અસલી નારદ મુનિ હું છું. હું ભારત વર્ષની કથળેલી લક્ષ્મીજીની હાલત વિશે જાણવા આવ્યો છું.”

“નારદજી, તમે અસલી નારદ મુનિ હોવ તો ચિંતા ના કરો. ૨૦૧૪ પછી બધું ઠીક થઈ જશે.” એમણે કહ્યું.

“કેવી રીતે ?” મેં પૂછયું.

એમણે કહ્યું  “જુઓ, ૨૦૧૪માં વડાપ્રધાન હું જ છું. બ્રિટનને તો મેં અત્યારે જ ઠેકાણે લાવી દીધું છે. ૨૦૧૪ પછી ઓબામાને મારા વીઝા લેવા પડે તેવી પરિસ્થિતિ પેદા કરી દઈશ. અત્યારે એક ડોલર બરાબર ૬૬ રૃપિયા છે. હું પ્રધાનમંત્રી બનીશ પછી ૬૬ ડોલર બરાબર એક રૃપિયો કરી દઈશ.”

“સાહેબ ! કાંઈ વાજબી બોલો તો સારું”  મેં કહ્યું.

બાંયો ચડાવતાં એમણે કહ્યું  “સાંભળી શકતા હોવ તો સાંભળો. ૨૦૧૪ પછી પાકિસ્તાનને નેસ્તનાબૂદ કરી હું ભારતમાં ભેળવી દઈશ. ચીનાઓને ચપટીમાં રોળી ગુજરાતમાં ઘરઘાટી બનાવી દઈશ. અમેરિકાને હું ભારતનું ખંડિયુ રાજ બનાવી દઈશ. વિશ્વ બેંકનું હેડ ક્વાર્ટર ભારતમાં લાવી દઈશ. ફ્રાન્સની ફજેતી કરી દઈશ. ઈટાલીને આળોટતું કરી દઈશ. જાપાનને પણ ગુજરાત મોડેલ અપનાવવું પડે તેવું કરી દઈશ. અરે, ચંદ્રને પણ નીચે લાવી અરબી સમુદ્રમાં ડૂબાડી દઈશ. ૨૦૧૪ પછી તો ગુજરાતનાં બાળકો મંગળ પર ક્રિકેટ રમતાં હશે….”

એમનો આ પ્રાણવાન સંવાદ સાંભળી હું આપના શરણમાં આવ્યો છું પ્રભુ ! ગુજરાતનો આવો શક્તિશાળી નાથ મેં જોયો નથી.”

શ્રીકૃષ્ણ બોલ્યા  “નારદજી ! આવી પ્રભાવશાળી પ્રતિભાનો ભારતમાં જન્મ થયો છે તે જાણીને મને આનંદ થયો. લાગે છે કે, મારે હમણાં ભારત વર્ષમાં જન્મ લેવાનું માંડી વાળવું પડશે. હું આવા જ કુશાગ્ર રાજનીતિજ્ઞ ની કદર કરું છું, જેનામાં મારી ચતુરાઈ હોય, જેનામાં મારા જેવું આકર્ષણ હોય, જેનામાં મારા જેવાં લક્ષણો હોય. મારા એ વિશિષ્ટ પ્રતિભાને આશીર્વાદ છે કે તે એક દિવસ ભારતનો નહીં, પણ સમગ્ર વિશ્વનો ચક્રવર્તી બને.”

“એ તો ઠીક પ્રભુ! ગુજરાતમાં પણ ઘણી સમસ્યાઓ છે. બાળકો, ખેડૂતો, રિક્ષા ચાલકો અને બહેનોને પણ ઘણાં દુઃખો છે, પણ આજે એનું વર્ણન ક્યાં કરવું? ગુજરાતના લોકો પણ અદાણી જેવા સુખી થાય તેવા આશીર્વાદ આપો.”

શ્રીકૃષ્ણ બોલ્યાઃ “દેવી રુક્મણિજી ! લાગે છે કે, દેર્વિષને ગાંધીનગરમાં કોઈએ ચા પીવરાવી નથી તેથી હવે ઊલટું બોલે છે. આજે તો તમે જ સરસ ચા બનાવી લાવો.”

રુક્મિણીજી ઊભાં થતાં થતાં બોલે છે  “પ્રભુ ! પેલી મીઠાઈ પણ લેતી આવું.”

“કઈ ?”
“અદાણીના ત્યાંથી બોક્સ આવ્યું છે તે.”

શ્રીકૃષ્ણ રુક્મિણીજી સામે જોઈ રહે છે. નારદજી શ્રીકૃષ્ણ સામે જોઈ રહે છે. રુક્મિણીજીને લાગે છે કે, કાંઈક બફાઈ ગયું છે. તેઓ ચૂપચાપ રસોડામાં જતાં રહે છે. થોડીક જ ક્ષણોમાં ભગવાન શ્રીકૃષ્ણ સ્થિતઃ પ્રજ્ઞા થઈ એક મધુર સ્મિત આપે છે, જાણે કે તેમાં પણ તેમની કોઈ લીલા હશે.

(એપિસોડ કાલ્પનિક છે)

સૌજન્ય-આભાર..સંદેશ -(ચીની કમ)

 

 

4 responses to “‘છેવટે ભારતને મારા જેવો કુશાગ્ર રાજનીતિજ્ઞા મળ્યો’

  1. Ramesh Patel એપ્રિલ 23, 2014 પર 11:54 એ એમ (AM)

    વાહ ભાઈ વાહ..ખૂબ જ ધારદાર ને તથ્ય સહ.

    રમેશ પટેલ(આકાશદીપ)

    Like

  2. Anila Patel એપ્રિલ 23, 2014 પર 2:40 પી એમ(PM)

    Mari pase aa lekh Emailma mane koike 7 mas pahela moklyo hatoPan koine mokalayke nahi? e dvidhama me koiney moklyo nahato. mane tyarej jaher karvanu bahu man hatu pan pragt apragatna niyamo hu janati nathi.
    Bahuja saras chhe.

    Like

  3. dee35 એપ્રિલ 25, 2014 પર 9:35 એ એમ (AM)

    વાહ,આવા ધારદાર લેખો વાંચીને પણ પ્રજાની આંખો ખુલતી નથી એ મુંબઇનુ પાત્રીસ ટકા મત દાન બતાવે છે.જોઇએ ગુજરાતનો આંકડો કેટલો આવે છે.

    Like

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.