વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

Daily Archives: મે 3, 2014

( 445 )મગજનાં બારીબારણાં ખુલ્લાં રાખીને વાંચવા જેવું પુસ્તક …………ગુણવંત શાહ

 namo-wash

 
 

 નરેન્દ્ર મોદી  ગાળ ખાતા રહ્યા અને મક્કમપણે પોતાનું કામ કરતા રહ્યા ગુજરાતમાં ૨૦૦૨નાં કોમી હુલ્લડો થયાં પછીના એક દસકા દરમિયાન એક એવી આબોહવાનું નિર્માણ થયું જેમાં બે લક્ષણો સપાટી પર તરતાં થયાં: (૧) જો તમે નરેન્દ્ર મોદીને પેટ ભરીને ગાળો ભાંડો, તો જ તમે બૌદ્ધિક અને સેક્યુલર ગણાવ (૨) જો તમે નરેન્દ્ર મોદીના બચાવમાં એક શબ્દ બોલો કે લખો તો તમે અબૌદ્ધિક અને કોમવાદી આવી આબોહવાને મિડિયા દ્વારા જબરું પ્રોત્સાહન પ્રાપ્ત થયું. નરેન્દ્ર મોદી ગાળ ખાતા રહ્યા અને મક્કમપણે પોતાનું કામ કરતા રહ્યા. મગજનાં બારીબારણાં સંપૂર્ણપણે બંધ કરીને જે વિચારે તે મનુષ્ય બીજું બધું હોઇ શકે, પરંતુ ‘બૌદ્ધિક’ન હોઇ શકે.

ગુજરાતમાં અને દેશમાં સેક્યુલર કર્મશીલ તરીકે મોટે અવાજે બોલનારા કહેવાતા બૌદ્ધિકોનો એક એવો વર્ગ ઊભો થયો જેમણે નરેન્દ્ર મોદીની નિંદા કરવામાં સત્યની પરવા કરવાનું છોડી દીધું. એ જ વર્ગમાં કામ કરનારી સેક્યુલર કર્મશીલ એવી એક બહાદુર મહિ‌લાનો અંતરાત્મા જાગ્યો અને એણે ઢાલની બીજી બાજુએ સંતાયેલા સત્યની શોધ શરૂ કરી. જેવું એણે સત્ય બોલવાનું શરૂ કર્યું, ત્યાં તો એના કર્મશીલ મિત્રો રાતોરાત શત્રુ બની ગયા એ બહાદુર મહિ‌લાનું નામ મધુ પૂર્ણિમા કિશ્વર. એણે ગુજરાતના ગામડે ગામડે ફરીને મોદી સરકારના કામની ઝીણી સમીક્ષા કરી અને પુસ્તક પ્રગટ કર્યું: ‘Modi, Muslims and Media.’ (Manushi Publications, New Delhi, Rs. 401/-). અત્યારે આ પુસ્તક વાંચવાનું ચાલુ છે. સત્યને પ્રગટ થવામાં જે વિલંબ થાય તે વિલંબ પણ અંતે સત્યને જ મદદ પહોંચાડનારો હોય છે.

પુસ્તકને બે મહાનુભાવોનો જોરદાર આવકાર પ્રાપ્ત થયો છે. એક છે ચો.એસ. રામસ્વામી (‘તુઘલક’ના તંત્રી) અને બીજા છે જાણીતા સ્ક્રિપ્ટ રાઇટર સલિમ ખાન. આ બંને મહાનુભાવો ભલભલાની શરમ ન રાખે તેવા મિજાજના માલિક ગણાય તેવા સ્વતંત્ર વિચારકો છે. બંને પાકા સેક્યુલર છે અને સ્પષ્ટ વક્તા તરીકે જાણીતા છે. ચો રામસ્વામી આમુખમાં લખે છે: ‘જે ક્ષણે પુસ્તકમાં ઝફર સરેશવાલાનું નામ પડે છે તે ક્ષણથી પુસ્તક બાજુએ મૂકવાનું અશક્ય બની જાય છે. જ્યારે મોદી ઝફરને કહે છે: તમે મારા છો. પાંચ કરોડ ગુજરાતીઓમાં તમે સામેલ છો. હું જ્યારે નર્મદાનું પાણી સાબરમતી નદીમાં ઠાલવું છું ત્યારે હું તે પાણી જુહાપુરા જેવા મુસ્લિમ વસ્તી ધરાવતા વિસ્તારમાં જતું અટકાવું છું? નેહરુ બ્રિજ પાસે સાબરમતીના પાણીનો સૌથી વધારે લાભ પામનારા લોકો કોણ છે?…

મધુ કિશ્વરનું આ પુસ્તક કોઇપણ વસ્તુલક્ષી (objective) વાચકને મોદીવિરોધી પ્રચાર પાછળ રહેલી અપ્રામાણિકતા વિશે ખાતરી કરાવશે. મોદી આજના કલાકે જરૂરી એવા મનુષ્ય છે. આ સંદેશો ખૂબ જ અસરકારક ઢબે મુધ કિશ્વરે પાઠવ્યો છે. આવો સંદેશ પાઠવનાર દૂત એવા સૌ સત્યપ્રેમી લોકોનો આભાર પામવાની યોગ્યતા ધરાવે છે, જેઓ મોદીને અને મોદીના મિશનને સમજવા માગે છે.’ સલિમ ખાન પોતાની પ્રસ્તાવનામાં લખે છે: ‘મધુ કિશ્વરના આ પુસ્તકનું ખરું મૂલ્ય એ વાતમાં સમાયું છે કે એમાં મોદીના શાસનનો અભ્યાસ કરીને એવાં તથ્યો ભેગાં કરવાનો પ્રયત્ન થયો છે જેથી એટલું સાબિત થાય છે કે મોદીને દાનવ તરીકે રજૂ કરવાની પ્રવૃત્તિ વાજબી નથી… કિશ્વર હૃદયથી બોલે છે અને તેથી વાચકોને એમની વાત પ્રામાણિક જણાય છે.

આ પુસ્તક આખરી સત્ય હોવાનો દાવો નથી કરતું, પરંતુ એમાં જે તથ્યો રજૂ થયાં છે તેની અવગણના કરવાનું આપણને પોસાય તેમ નથી. વળી સ્પેશિયલ ઇન્વેસ્ટિગેટિંગ ટીમ (ફકર) દ્વારા જે ચીવટપૂર્વક અભ્યાસ થયો તે કિશ્વરનાં તારણોને પુષ્ટ કરનારો જણાયો છે. સાંપ્રત સમયના ઇતિહાસના આ તબક્કાની સમજણ લોકતંત્રની તંદુરસ્તી માટે અને કોમી સંબંધોમાં મૈત્રીપૂર્ણ સદ્ભાવ માટે ભારતમાં ઉપકારક બની રહેશે.’ પુસ્તકનું એક પાનું મને ખૂબ જ હૃદયસ્પર્શી જણાયું છે. મહેશ ભટ્ટ જેવા દિગ્દર્શક નરેન્દ્ર મોદીના અતિ કડવા ટીકાકાર ગણાતા હતા. એમણે ઝફરભાઇ સરેશવાળાને મોદી સાથે વાત કરવા માટે ઉત્તેજન પૂરું પાડયું. ઝફરભાઇએ મોદી સાથેની પ્રથમ મુલાકાતનું વર્ણન કર્યું તે અહીં પ્રસ્તુત છે:

‘અમે મોદીને મળવા ગયા. અમે બિલ્ડિંગમાં પ્રવેશીએ તેની ભાળ તેમણે રાખી અને તેઓ લિફ્ટ આગળ અમને આવકારવા ઊભા હતા. એમણે મારી સાથે હસ્તધૂનન કર્યું અને હિંદીમાં કહ્યું: ‘આઓ યાર વિશાળ ઓરડામાં હીંચકો હતો. એમણે મને હીંચકા પર પોતાની પાસે બેસાડયો. અમે આઠદસ જણા હતા. અમારી સાથે (ઇન્ડિયા રહના) રજત શર્મા પણ હતા. મેં વાતની શરૂઆત કરી અને કહ્યું: તમે પાંચ કરોડ ગુજરાતીની વાત કરો છો. શું તેમાં ૬૦ લાખ મુસ્લિમોનો સમાવેશ થાય છે ખરો? પરંતુ જો તમે હા કહો તો આપણે આગળ વાત કરીએ. પરંતુ જો તમે એમ કહો કે હું માત્ર ૪.પ કરોડ હિ‌ન્દુઓનો જ મુખ્યપ્રધાન છું, તો આગળ કશું કહેવાનું રહેતું નથી. એમણે મારા પ્રશ્નોના એક પછી એક જવાબો આપ્યા.

અમારી સાથે મૌલાના ઇસા મનસૂરી હતા તેમણે કડક ભાષામાં વાતો કરી, પરંતુ મોદીએ એમની સાથે અત્યંત આદર જાળવીને વાત કરી.’ (વિગતો પુસ્તકના ૩૧મા પાને છે).’ મધુ કિશ્વરે ઝફરભાઇને પૂછ્યું: ‘આ મિટિંગનું ઓડિયો-વિડિયો રેકોડિગ કર્યું હતું ખરું?’ ઝફરભાઇએ કહ્યું: ‘અમે એ નથી કર્યું કારણ કે અમને એવો ખ્યાલ હતો કે મિટિંગ પાંચેક મિનિટથી વધારે નહીં ચાલે. અમને આશ્ચર્ય થયું કે એ મિટિંગ પૂરા અઢી કલાક ચાલી’ ગુજરાતના લોકો ઝફર સરેશવાળાને ઓળખી રાખે એ ખૂબ જરૂરી છે. ૨૦૦૨ના હુલ્લડો વખતે તેઓ ઇંગ્લેન્ડમાં હતા. તેઓ ડિવ્સબેરીમાં રહેતા હતા. એ સ્થળે રહેનારા ત્રણ મુસ્લિમોને હિંમતનગર પાસે મોતને ઘાટ ઉતારવામાં આવ્યા હતા. એ બનાવને કારણે હાલી ઊઠેલા અમે સૌએ ગુજરાત સરકારને ઇન્ટરનેશનલ કોર્ટમાં ખેંચી જવાનો વિચાર કર્યો. એ જ અરસામાં તે વખતના ગૃહપ્રધાન એલ. કે. અડવાણી યુ.કે.ની મુલાકાતે જવાના હતા.

ઝફરભાઇએ લંડનની કોર્ટમાં કેસ નોંધાવ્યો અને માગણી કરી કે અડવાણીને લંડનમાં પ્રવેશવા દેવામાં ન આવે. લંડનની કોર્ટમાં કેસ દાખલ થયો એટલે અડવાણી સ્પેનથી જ પાછા ફરી ગયા ઝફરભાઇએ યુ.કે.માં રહીને આંતરરાષ્ટ્રીય કક્ષાએ મોદીવિરોધી ઝુંબેશની શરૂઆત કરી દીધી. તેમણે યુ.કે.ની મસ્જિદે મસ્જિદે જઇને ગુજરાતના ૨૦૦૨નાં હુલ્લડોનો ભોગ બનેલા લોકો માટે ફાળો એકઠો કરવાનું શરૂ કર્યું. ગુજરાતના મુસ્લિમો માટે આટલી તીવ્રતાથી આંતરરાષ્ટ્રીય કક્ષાએ ઝફરભાઇએ કર્યું તેવું કામ કોઇએ નથી કર્યું.લંડનમાં નરેન્દ્રભાઇ સાથે (જેમ્સકોર્ટમાં) જે પ્રથમ મુલાકાત થઇ પછી બાજી પલટાઇ ગઇ.

આજે ટીવીની ચેનલો પર ઝફરભાઇ મોદીના પક્ષે રહેલું સત્ય રજૂ કરતા રહ્યા છે. તર્કયુક્ત દલીલો કરનારા આ મુસ્લિમ બિઝનેસમેનને નરેન્દ્રભાઇ તરફથી કોઇ જ ફેવરની જરૂર નથી. મારે આ પુસ્તક વાંચવાની ભલામણ કરીને ફક્ત એટલું જ કહેવું છે કે મોદીની નિંદા કરવાનું બંધ કર્યા વિના અને ગુજરાત મોડેલની ખામીઓ અંગે જે ટીકા કરવી યોગ્ય હોય તે કરવાનું ચાલુ રાખીને એક વાર આ પુસ્તક વાંચવાની તકલીફ લેવામાં સત્યની લહેરખીને આવકારવાનું ચૂકવા જેવું નથી. ૧૬મી મેને દિવસે લોકચુકાદો જે કહે તેની પ્રતીક્ષા કરીએ. ત્યાં સુધી તો મૌન જ શોભે. તસ્મૈ લોકાત્મને નમ:

પાઘડીનો વળ છેડે
હું ગાંધીબાપુની આભારી છું
જેમણે મને રાજકીય દૃષ્ટિએ
ફેશનેબલ ગણાતા પ્રવાહોમાં ન
ઘસડાઇ જવાની શક્તિ આપી.
અને જેમણે
બૌદ્ઘિક આતંક વચ્ચે જેઓ
રાજકીય સત્યનો ઇજારો
ધરાવવાનો દાવો કરે છે
તેઓની નિંદા સામે એકલી
ઊભી રહેવાની તાકાત મને
આપી.
– મધુ પૂર્ણિમા કિશ્વર

મોદીની નિંદા કરવાનું બંધ કર્યા વિના અને ગુજરાત મોડેલની ખામીઓ અંગે જે ટીકા કરવી યોગ્ય હોય તે કરવાનું ચાલુ રાખીને એક વાર આ પુસ્તક વાંચવાની તકલીફ લેવામાં સત્યની લહેરખીને આવકારવાનું ચૂકવા જેવું નથી.

ગુણવંત શાહ

સૌજન્ય:દિવ્ય ભાસ્કર