વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

Daily Archives: નવેમ્બર 22, 2014

( 594 ) સર્વવ્યાપી પ્રભુ……એક પ્રાર્થના કાવ્ય ….. વિનોદ પટેલ

સવારની ચા અને નાસ્તો પતાવી તાજો માજો બની મારી રૂમમાં આવી, કોમ્પ્યુટર ખોલી, મારા વર્ક ટેબલની ખુરશીમાં બેસીને આજની પોસ્ટના વિચારો કરતો બારી બહાર જોઉં છું,તો સૂર્યનાં બાળ કિરણો બધે ફેલાઈ ગયાં છે.વાતાવરણમાંની આહલાદક ઠંડી મનને એક અગમ ચેતના આપી રહી છે. આવી મજાની સવારે પ્રભુની અકળ લીલાઓ અને પ્રભુ સ્મરણ મનનો કબજો લઇ લે છે.

આવી સુંદર પ્રભુમય મનોસ્થિતિમાંથી આકાર પામ્યું એક પ્રાર્થના કાવ્ય .એને ઝટપટ કોમ્પ્યુટરમાં કેદ કરીને વાચકોના આસ્વાદ માટે આજની પોસ્ટમાં નીચે પ્રસ્તુત છે .

આશા છે એ આ પ્રાર્થના કાવ્ય મારી માફક તમને એ દિવ્ય પ્રભુ શક્તિનો થોડો પણ અહેસાસ કરાવવામાં કામયાબ નીવડશે.  

વિનોદ પટેલ 

 God is everywhere

સર્વવ્યાપી પ્રભુ

હે પ્રભુ, આવા પ્રશ્નો મનમાં થયા કરે ,

તું છે ? ક્યાં છે ? છે, તો દેખાય કેમ નહિ ?

પણ ક્ષણમાં મન જ જવાબ આપી દે,

ફૂલોના રંગો અને એની સુગંધમાં તું છે,

પતંગીયાની પાંખની રંગોળીમાં તું છે,

ઘટાદાર કબીર વડના બીજમાં તું છે,

આકાશમાં ઉડતા પંખીની પાંખમાં તું છે,

દરિયાઈ માછલીના ભૂતળ તરણમાં તું છે.

મેઘ ધનુષ્યના મનમોહક રંગોમાં તું છે ,

ઉષાની લાલી ,સંધ્યાની કાલીમામાં તું છે,

દરીયાની ભરતી,ઓટ અને સુનામીમાં તું છે,

પર્વત ટોચેથી વહેતા લાવારસમાં તું છે,

માતાના ગર્ભ અને પ્રસુતિ પીડામાં તું છે,

માતાના પ્રેમ અને શિશુના સ્મિતમાં તું છે,

કેમ ભૂલું છું, જ્યાં જ્યાં નજર કરું છું હું,

અત્ર ,તત્ર,સર્વત્ર જે દેખાય એ જ તું છે,

પ્રભુ મને એવી દિવ્ય દ્રષ્ટિ આપ કે જેથી,

તને સાચા સ્વરૂપે હર હંમેશ નીરખી શકું,

તારામય બની ,જીવન ધન્ય બનાવી શકું.

વિનોદ પટેલ , 11-22-2014