વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

Daily Archives: નવેમ્બર 4, 2014

( 575 ) પાદપૂર્તિ ….સાહિત્ય રસિક સીનીયર મિત્રોની એક શબ્દ રમત

નવરાશે નેટ વિહાર કરતાં એક ફેસ બુક પેજ ઉપર નીચેનું અવતરણ વાંચવામાં આવ્યું .

ચાહતા હોઈએ એ પાત્રની સાથે
જિંદગીના આનંદો વહેંચતા રહેવાની છે એક મજા
જ્યાં એક બીજાનો સાથ મજબુત છે
એવા સંબંધોમાં એકાંત કદી ટકી શકે ખરું ?
જીવન મુસાફરીના આ રાહમાં .

અજ્ઞાત સર્જકની આ પંક્તિઓ મને ગમી ગઈ એટલે ઈ-મેલ દ્વારા કેટલાક આત્મીય મિત્રોને એમના આસ્વાદ માટે મોકલી આપી .

આ પક્તિઓ મોકલતાં એમને મેં લખ્યું કે આમાં છેલ્લી લીટી “જીવન મુસાફરીના આ રાહમાં” પછી કંઇક અધૂરું હોય એમ મને જણાય છે ….તમે આગળ એને કેવી રીતે પૂરું કરશો ?

આમ લખી મિત્રોને આગળ પાદ પૂર્તિ કરવા માટે ઈજન આપ્યું. 

આના જવાબમાં સાનંદ જે ઈનપુટ મળ્યા એ ગમ્યા એટલે એને આજની પોસ્ટમાં પ્રસ્તુત કરવાનું મન થયું .મિત્ર સુરેશભાઈના અંગ્રેજીમાં લખેલ વાક્ય Compile all and make a post at V.V. એ મારા વિચારને મૂર્તિમંત કરવા માટે ધક્કો માર્યો.

તો આ રહી મિત્રોએ મોકલેલ પાદપૂર્તિની એ કડીઓ ….. 

સૂર સાધના (બની આઝાદ -ઈ- બુક)  મારફતે આઝાદ બનોનો સદા સંદેશ દોહરાવતા શ્રી સુરેશ જાનીનો સૌ પ્રથમ ટૂંકો ને ટચ સચિત્ર ઈનપુટ મળ્યો એ આ હતો …  

જીવન મુસાફરીના આ રાહમાં ….

આઝાદ બનો!! 

Paad purti-1

સુશ્રી પ્રજ્ઞા વ્યાસ (નિરવ રવે) નો સચિત્ર પ્રત્યુત્તર … 

જીવન મુસાફરીના આ રાહમાં ….

પ્રકાશ દે તુ, મુજ જીવનમાં,

પામવાને સાચો રાહ,

Padpurti-2

વિનોદ પટેલ ( વિનોદ વિહાર )

જીવન મુસાફરીના આ રાહમાં ….

ઓચિંતા જ અણદીઠ્યા કેવા અને કેટલા  

સહૃદયી મિત્રો આવી મળતા હોય છે !  

જીવન અધૂરું ના લાગે એ સહુની સંગતે . 

પ્રવીણ શાસ્ત્રી ( પ્રવીણ શાસ્ત્રીની વાર્તાઓ અને અન્ય સામગ્રી ) 

જીવન મુસાફરીના આ રાહમાં …. 

પ્રકાશ દે તુ, મુજ જીવનમાં,

પામવાને સાચો રાહ,

જીવન મુસાફરીના આ રાહમાં

આનંદ વહેંચતા સતત વહીયે

સુરેશ જાની –ફરી

જીવન મુસાફરીના આ રાહમાં

માશાલ્લા… 

વહેંચવાની મજા

માણવાની મજા કરતાં

વધારે ઉમદા હોય છે.  

રમેશ પટેલ(આકાશદીપ) 

જીવન મુસાફરીના આ રાહમાં …. 

રાહમાં જ રંગીલો મેળો રંગ ભરતો જશે. 

પી.કે.દાવડા ( મળવા જેવા માણસ ફેઈમ ) 

જીવન મુસાફરીના આ રાહમાં

ચાલો સૌને મળતા રહીએ.

 

આ સૌ પાદપૂર્તિ જવાબોને મૂળ કૃતિની પંક્તિઓની સાથે  નીચે ગોઠવીને થોડીક સંપાદિત કરીને જો મુકીએ તો એક આખી મજાની રચના આમ બને છે . 

 

ચાહતા હોઈએ એ પાત્રની સાથે

જિંદગીના આનંદો વહેંચતા રહેવાની છે એક મજા

જ્યાં એક બીજાનો સાથ મજબુત છે

એવા સંબંધોમાં એકાંત કદી ટકી શકે ખરું ?

જીવન મુસાફરીના આ રાહમાં

ઓચિંતા જ અણદીઠ્યા કેવા અને કેટલા 

સહૃદયી મિત્રો આવી મળતા હોય છે ! 

જીવન અધૂરું ના લાગે એ સહુની સંગતે,

આમ જીવનના રાહમાં

રંગીલો મેળો રંગ ભરતો જશે.

 

જીવન મુસાફરીના આ રાહમાં

પ્રકાશ દે તુ, મુજ જીવનમાં,

પામવાને સાચો રાહ,કે જેથી,

આનંદ વહેંચતા સતત વહીયે

માશાલ્લા… 

વહેંચવાની પણ મજા

માણવાની મજા કરતાં

કેટલી વધારે ઉમદા હોય છે!

અંતે તો, એક જ સંકલ્પ કરીએ,  

જીવન મુસાફરીના આ રાહમાં ….

ચાલો સૌને મળતા રહીએ.

આઝાદ બનીએ .

 

ગમ્યું ને સાહિત્ય રસિક મિત્રોનું આ સહિયારું કાવ્ય સર્જન ! 

મિત્રો,

આ રીતે અજાણતાં જ આ સૌ સાહિત્ય રસિક મિત્રો વચ્ચે રમાએલી પાદપૂર્તિની આ સર્જનાત્મક રમત રંગ લાવી ગઈ !

જીવનની સંધ્યાએ જીવનના અવનવા રંગો નિહાળતા,નિવૃતિના સમયનો સદુપયોગ કરીને પોત પોતાની રીતે સાહિત્ય સર્જનની રચનાત્મક પ્રવૃતિમાં આનંદ માણતા, આ સૌ સીનીયર સહૃદયી મિત્રોનો આ પાદ્પુર્તીની રમતમાં ભાગ લેવા બદલ ખુબ ખુબ આભાર .

આ પોસ્ટનું સમાપન કરતાં આ બ્લોગના માધ્યમથી હવે પછીની આવી પાદપૂર્તિની એક બીજી રમત તરતી મુકવાનો મનમાં વિચાર આવે છે .જ્યારે પણ એ શક્ય બને ત્યારે સૌ સાહિત્ય રસિક વાચકો પણ આવા સહિયારા કાવ્ય સર્જનમાં ભાગ લઇ શકશે . મળેલ જવાબોમાંથી પસંદગીની રચનાઓને આ રીતે પ્રસિદ્ધ કરવામાં આવશે. આશા છે આવા મજાના પ્રયોગમાં સૌનો સાથ અને સહકાર મળી રહેશે .

વિનોદ પટેલ