વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

( 725 ) ” હું મૃત્યુ પામીશ “….. કાવ્ય.. લતા હિરાણી…….રસાસ્વાદ … વિ.પ.

જાણીતાં કવયિત્રી સુ.શ્રી લતા જ. હિરાણીની એક સરસ કાવ્ય રચના “ હું મૃત્યુ પામીશ “ એમના બ્લોગ સેતુ માં વાંચતાં જ એમાં રહેલો સંદેશ ગમી ગયો. 

વિનોદ વિહારના વાચકો માટે આ સુંદર કાવ્ય રચના એના રસાસ્વાદ સાથે નીચે પ્રસ્તુત છે. — વિ.પ.

હું મૃત્યુ પામીશ….. કાવ્ય..  લતા હિરાણી 

હું મૃત્યુ પામીશ 

અને તું ફૂલો મોકલીશ 

જે હું જોઇ નહીં શકું 

તું હમણાં જ ફૂલો મોકલને !

 

હું મૃત્યુ પામીશ 

અને તારા આંસુ વહેશે 

જેની મને ખબર નહીં પડે 

તું અત્યારે જ થોડું રડ ને !

 

હું મૃત્યુ પામીશ 

અને તું મારી કદર કરીશ 

જે હું સાંભળી નહીં શકું 

તું બે શબ્દો હમણાં જ કહે ને !

 

હું મૃત્યુ પામીશ 

અને તું મારા દોષો ભૂલી જઇશ 

જે હું જાણી નહીં શકું 

તું હમણાં જ મને માફ કરી દે ને !

 

હું મૃત્યુ પામીશ 

અને તું મને યાદ કરીશ 

જે હું અનુભવી નહીં શકું 

તું મને અત્યારે જ યાદ કર ને !

 

હું મૃત્યુ પામીશ 

અને તને થશે 

કે મેં એની સાથે થોડો વધુ સમય વીતાવ્યો હોત તો ! 

તું અત્યારે જ એવું કર ને ! 

 લતા હિરાણી 

સેતુ .. લતા જ. હિરાણી બ્લોગમાંથી સાભાર 

રસાસ્વાદ ……વિનોદ પટેલ 

માણસ જ્યારે મૃત્યુ પામે છે એટલે મૃતકનાં સગાંઓ અને મિત્રો એના શબ ઉપર ફૂલોની વર્ષા કરે છે પણ મૃતક એને ક્યાં જુએ છે ? એટલે કવયિત્રી કહે છે કે જો તમારે મરનાર પ્રત્યે પ્રેમભાવ બતાવવો હોય તો એના જીવતાં જ ફૂલો મોકલી એ દર્શાવો .જે મૃત્યુ પછી જોઈ શકવાનો નથી એના માટે આંસુ વહાવવા કરતાં એને જ્યારે સહાનુભૂતિની જરૂર હોય ત્યારે એના જીવતાં આંસુ સારી તમારી ભાવના વ્યક્ત કરવી યોગ્ય છે . 

એવી જ રીતે મૃતકના સત્કાર્યો માટે જો એને માન આપી કદર કરવી હોય, એના દોષો ભૂલી જો માફી આપવી હોય તો એ જ્યારે જીવતો હોય ત્યારે જ એ કરો તો એનો અર્થ છે કેમ કે એ મરણ પામે એ પછી તમે એને યાદ કરો છો , એના પ્રત્યે લાગણી બતાવો છો એવી બધી તમારી એના પ્રત્યેની સદ ભાવનાઓની મરનારને ખબર પડવાની નથી.ઘણીવાર માત્ર દેખાવ ખાતર એક ચીલા ચાલુ રીવાજ પ્રમાણે મૃતક માટે સારા શબ્દોથી એનાં વખાણ થતાં હોય છે.એના જીવતાં એનાં વખાણ કરવાનું કોઈ પણ કારણે ચુકી જવાય છે.  

માણસના જીવતાં એનાં નજીકનાં સંબંધીઓ ઘણીવાર એને માટે  જરૂરી થોડો વધારે સમય કાઢી શકતાં નથી પરંતુ પછી જ્યારે એ મૃત્યુ પામે છે ત્યારે  એમને અંદરથી પશ્ચાતાપની લાગણી થતી હોય છે કે મરનારની સાથે થોડો વધુ સમય વિતાવ્યો હોત તો કેવું સારું થાત. એટલે કાવ્યના અંતે કવયિત્રી કહે છે કે પાછળથી પસ્તાવો કરવા કરતાં એના જીવતાં જ એની સાથે થોડો ક્વોલીટી સમય વિતાવ્યો હોય તો એના જીવને કેટલી શાંતિ મળે ! હુંફ મળે .

આ કાવ્ય વાંચવામાં સરળ છે ,એમાં કોઈ મોટી કલ્પનાઓ નથી પરંતુ એમાં જીવનની સચ્ચાઈ ,અનુભવ અને જીવન માટે ઉપર કહ્યું છે એમ એક પ્રેરણાત્મક સંદેશ છે. 

આવા જ પ્રકારનો જેમાં ભાવ અને સંદેશ છે એવું શ્રી વલ્લભભાઈ ઈટાલીયાનું  “માવતર એ જ મન્દીર” કાવ્ય યાદ આવે છે એ પણ એમના આભાર સાથે હું નીચે ટાંકુ છું.  

માવતર એ જ મન્દીર

જીવતાં માબાપને સ્નેહથી સંભાળજો, ખવડાવશો–પીવડાવશો;

પછી ગાયના પુંછડે પાણી ઢોળવાથી શો ફાયદો ?

એક વાર ‘રાબ’ ખાવાની ઈચ્છા એમની સ્નેહથી સ્વીકારશો;

પછી ગામ આખાને લાડવા ખવડાવવાથી શો ફાયદો ?

મસ્તક પર હાથ ફેરવી ‘બેટા’ કહેનારના લાડને માણી લેશો;

પછી ચીરવીદાયે પાછળ ‘સપ્તાહ’ બેસાડવાથી શો ફાયદો ?

બેઠા છે ‘ભગવાન’ આપણા જ ઘરમાં એમને ઓળખી લેશો;

પછી અડસઠ તીરથ કાજે દર દર ભટકવાથી શો ફાયદો ?

સમય કાઢી ઘરના એ વૃદ્ધ વડલા પડખે બેસી લેશો;

પછી બેસણામાં ફોટા સામે બેસી–બેસાડીને શો ફાયદો ?

લાડકોડથી ઉછેરનારાં માવતરને સદાય હૈયે વસાવી રાખશો;

પછી દીવાનખંડમાં તસ્વીર રાખવાથી શો ફાયદો ?

હયાતીમાં જ હૈયું એમનું ઠારી સ્વર્ગ સમ સુખ આપશો;

પછી ગંગાજળે અસ્થી પધરાવવાથી શો ફાયદો ?

‘માવતર એ જ મન્દીર’ – આ સનાતન સત્ય સમજી રાખશો;

પછી ‘રામનામ સત્ય છે’ રટવાથી શો ફાયદો ?

વલ્લભભાઈ ઈટાલીયા

સુ.શ્રી લતા હિરાણીનો પરિચય

 લતા હિરાણી
લતા હિરાણી

સુ.શ્રી લતા હિરાણીનો પરિચય ગુજરાતી પ્રતિભા પરિચયના સૌજન્યથી

અહીં ક્લિક કરીને વાચો. 

 

2 responses to “( 725 ) ” હું મૃત્યુ પામીશ “….. કાવ્ય.. લતા હિરાણી…….રસાસ્વાદ … વિ.પ.

 1. readsetu મે 27, 2015 પર 8:19 પી એમ(PM)

  ખૂબ ખૂબ આભાર વિનોદભાઇ…

  લતા હિરાણી

  Like

 2. pragnaju મે 28, 2015 પર 4:38 એ એમ (AM)

  સુંદર કાવ્ય રચના રસાસ્વાદ

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: