વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

( 812 ) હેલ્થ ઇસ્યુ: આપણા દેશની ‘તબિયત’ બહુ સારી નથી!……. લેખક- શ્રી કૃષ્ણકાન્ત ઉનડકટ

હેલ્થ ઇસ્યુ: આપણા દેશની ‘તબિયત’ બહુ સારી નથી!

તંદુરસ્તીના મુદ્દે આપણો દેશ ક્યાં ઊભો છે? વર્લ્ડ્સ હેલ્ધીએસ્ટ કન્ટ્રિઝની યાદીમાં આપણે છેક 103મા ક્રમે છીએ. વિકાસ માટે દેશના લોકો સ્વસ્થ હોય એ સૌથી મહત્ત્વનું છે 

આપણા દેશના લોકોને સૌથી મોટી ચિંતા શેની હોય છે? માંદા પડશું તો શું થશે? કોઇ મોટી અને ખતરનાક બીમારી લાગુ પડી ગઇ તો કેવી રીતે મેનેજ કરીશું? બીમાર વ્યક્તિને હોસ્પિટલમાં એડમિટ કરતી વખતે ઘરના લોકોને સૌથી મોટું ટેન્શન એ જ હોય છે કે બિલ કેટલું થશે? દેશમાં એવો વર્ગ બહુ ઓછો છે કે જેઓ આરામથી એવું કહી શકે કે, મની ઇઝ નોટ એન ઇસ્યુ. મધ્યમ વર્ગના લોકો માટે સૌથી મોટો સવાલ એ હોય છે કે રૂપિયા કાઢશું ક્યાંથી? હા, ઘણા લોકો ડોક્ટરને એમ કહે છે કે રૂપિયાની ચિંતા ન કરતા પણ અંદરખાને તો એવું જ પ્લાનિંગ કરતા હોય છે કે કોની પાસેથી ઉછીના લેશું? કયો દાગીનો વેચીશું? થોડી ઘણી બચત હોય એ પણ ખર્ચાઇ જાય છે અને માથેથી દેવું થઇ જાય છે. આવું બધું કર્યા પછી પણ જો પોતાની વ્યક્તિને સારું થઇ જાય તો લોકો ભગવાનનો આભાર માને છે. રૂપિયા તો કમાઇ લેવાશે, ઘરનું માણસ બચી ગયું એનાથી મોટી વાત શું હોય! બીમારી આવે ત્યારે લોકો ગમે તે રીતે મેનેજ કરે છે! 

સવાલ એ થાય કે, દેશના લોકોનું સ્વાસ્થ્ય સારું રહે એ માટે સરકારની જવાબદારી કેટલી? આમ જુઓ તો શિક્ષણ અને સ્વાસ્થ્ય એ એવી બાબતો છે જેનું ધ્યાન સરકારે રાખવાનું હોય છે. કમનસીબે આ બંને ક્ષેત્રો પ્રતિ સૌથી વધુ દુર્લક્ષ સેવાયું છે. અત્યારની સરકાર સામે આક્ષેપ કરવો એટલા માટે વાજબી નથી કારણ કે અગાઉની સરકારોએ પણ કંઇ ઉકાળ્યું નથી. હા, અત્યારની સરકાર પાસે અપેક્ષાઓ જરૂરથી રાખી શકાય. ડિજિટલ ઇન્ડિયા, મેક ઇન ઇન્ડિયા અને ઇન્ડિયાની બીજી વાતો સાથે હેલ્થ ઇન ઇન્ડિયા વિશે પણ વાત કરવી પડે એવી હાલત આપણા દેશની છે. એક રીતે જોઇએ તો સ્વાસ્થ્યના મામલે દુનિયાની સરખામણીમાં આપણે હજુ ઘણા ‘પછાત’ છીએ! 

હમણા બ્લુમબર્ગ દ્વારા વર્લ્ડના હેલ્ધીએસ્ટ કન્ટ્રિઝની યાદી બહાર પડી. આ યાદીમાં આપણા દેશનું નામ છેક 103મા નંબરે છે. યાદ રહે, આ યાદીનો ઉપયોગ ધ યુનાઇટેડ નેશન્સ, વર્લ્ડ બેંક અને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન પોતાની પોલિસીઝ અને કાર્યક્રમો ઘડતી વખતે ઉપયોગ કરે છે. ભારત સુપર પાવર કન્ટ્રી બનવાનાં સપનાં જુએ છે. દેશના લોકોનું સારું સ્વાસ્થ્ય હશે તો જ આ સપનું પૂરું થવાનું છે. આપણા દેશમાં સમયાંતરે કોઇ ને કોઇ બીમારી માથું ઊંચકે છે. થોડો સમય ઊહાપોહ થાય છે અને તેના ઉપાયો માટે પણ ચર્ચા થાય છે. લાંબા ગાળા માટે જે થવું જોઇએ એ થતું નથી. 

ટીબી અંગેનો વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનનો ‘ગ્લોબલ ટ્યુબરક્યુલોસિસ રિપોર્ટ-2015’ હમણાં બહાર પડ્યો. આ રિપોર્ટમાં ભારતનું નામ સૌથી આગળ છે. ગયા વર્ષે આપણા દેશમાં ટીબીમાં નવા 9.6 મિલિયન કેસો નોંધાયા. અમુક બીમારીઓમાં તો આપણા દેશની હાલત આફ્રિકન દેશો કરતાં પણ ખરાબ છે. મેડિકલ ફેસેલિટીના નામે આપણે ત્યાં ઘણું બધું લોલમલોલ ચાલતું રહે છે. 

એક તરફ આપણા દેશમાં મલ્ટિનેશનલ કંપનીઓ ફાઇવ સ્ટાર હોટલ્સને ટક્કર મારે એવી હોસ્પિટલ્સ ઊભી કરી રહી છે તો બીજી તરફ સરકારી દવાખાનાઓની હાલત ખસ્તાહાલ છે. ફાઇવ સ્ટાર હોસ્પિટલ્સ ધનિકોને જ પરવડે તેવી છે. ગરીબો માટે તો આવી હોસ્પિટલમાં મરવાનું પણ નસીબ નથી હોતું! આપણા દેશમાં મોટાભાગે એવા જ લોકો સરકારી દવાખાનામાં સારવાર માટે જાય છે જેને ખાનગી દવાખાનામાં જવું પરવડતું નથી. સરકારી દવાખાને ગયા પછી પણ બહારની દવા લેવાનો ખર્ચ કંઇ નાનો-સૂનો આવતો નથી. 

સ્વાસ્થ્યની વાત સાથે બીજા બે મુદ્દા પણ જોડાયેલા છે. એક તો આપણે ત્યાં હજુ મેડિકલ ઇન્સ્યુરન્સ માટે જેટલી અવેરનેસ હોવી જોઇએ એટલી નથી. મેડિકલ ઇન્સ્યુરન્સને ખોટો ખર્ચ ગણવામાં આવે છે. જ્યારે બીમાર પડે ત્યારે બે છેડા ભેગા કરવામાં ફાંફાં પડી જાય છે. આ ઉપરાંત દવાની કિંમત પણ વધારે છે. એક જ કન્ટેન્ટવાળી ટેબ્લેટ અલગ અલગ ભાવે મળે છે. જે દવા બે રૂપિયાની મળતી હોય એ જ દવા બ્રાન્ડેડ કંપનીની હોય તો વીસ રૂપિયાની મળે છે! સરકાર ધારે તો આ બે મુદ્દે તો ઘણું કરી શકે એમ છે. એના માટે તો સરકારે માત્ર પોલિસી જ બનાવવાની છે, કંઇ ખર્ચ કરવાનો નથી. સવાલ દાનતનો છે. 

દુનિયાના હેલ્ધીએસ્ટ દેશોમાં સૌથી મોખરે કોણ છે? ટોપ ઉપર નામ છે સિંગાપોરનું. એ સિવાય ટોપ ટેનમાં ઇટલી, ઓસ્ટ્રેલિયા, સ્વિટ્ઝર્લેન્ડ, જાપાન, ઇઝરાયલ, સ્પેન, નેધરલેન્ડ, સ્વિડન અને જર્મનીનો સમાવેશ થાય છે. આ લિસ્ટમાં સૌથી નીચે સ્વાઝીલેન્ડનું નામ છે. સૌથી ઓછા હેલ્ધી ટોપ ટેન દેશોમાં સ્વાઝીલેન્ડ ઉપરાંત લુશોટો, કોંગો, ચાડ, મોઝામ્બિક, બુરુન્ડી, મલાવી, અંગોલા, યુગાન્ડા અને કેમરોનનો સમાવેશ થાય છે. હવે આપણા પડોશી દેશોની સ્થિતિ શું છે એના ઉપર પણ નજર ફેરવી લઇએ. આપણા કરતાં આપણા બધા જ દેશોની હાલત સારી છે. 

આપણા 103મા નંબર સામે ચીન 55મા નંબરે, શ્રીલંકા 56મા નંબરે, નેપાલ 89મા નંબરે, બાંગ્લાદેશ 94મા નંબરે અને પાકિસ્તાન 100મા નંબરે છે. બ્રિટનનો નંબર ટોપ ટેનમાં ન આવ્યો એટલે ત્યાં હોબાળો મચ્યો છે. બ્રિટનનો નંબર 21મો છે. અમેરિકાનો નંબર 33મો છે. આપણે ત્યાં કહેવત છે કે પહેલું સુખ તે જાતે નર્યા. જોકે આ પહેલું સુખ આપણા નસીબમાં ઓછું છે. માત્ર સારવારની દૃષ્ટિએ જ આ મુદ્દાને જોવાનો નથી. સાથોસાથ હવા, પાણી, ખોરાક અને લાઇફ સ્ટાઇલમાં સુધારાની જબરજસ્ત જરૂરિયાત છે. 

આપણા દેશમાં કોઇના કોઇ વાદેઊહાપોહ થતા રહે છે, એવોર્ડ્સ પરત અપાય છે અને હો-દેકારા થાય છે, જે મામલે થવું જોઇએ એ મામલે કંઇ જ થતું નથી!

કૃષ્ણકાંત ઉનડકટ

kkantu@gmail.com

 સૌજન્ય-દિવ્ય ભાસ્કર.કોમ 

 

krishnkant-unadkat

Krishnkant Unadkat,

Executive Editor,
SANDESH Daily,Vastrapur,
AHMEDABAD-380015.
Cell :09825061787.
e-mail :kkantu@gmail.com

Blog :

www.krishnkantunadkat.blogspot.com

 

આ અગાઉ વિનોદ વિહારમાં શ્રી કૃષ્ણકાન્ત ઉનડકટના ઘણા ચિંતન લેખો પોસ્ટ થયા છે. એ બધા લેખો-

આ લીંક પર ક્લિક કરીને વાંચી શકાશે 

4 responses to “( 812 ) હેલ્થ ઇસ્યુ: આપણા દેશની ‘તબિયત’ બહુ સારી નથી!……. લેખક- શ્રી કૃષ્ણકાન્ત ઉનડકટ

  1. સુરેશ જાની નવેમ્બર 19, 2015 પર 5:37 એ એમ (AM)

    આપણા દેશમાં કોઇના કોઇ ‘વાદે’ ઊહાપોહ થતા રહે છે, એવોર્ડ્સ પરત અપાય છે અને હો-દેકારા થાય છે, જે મામલે થવું જોઇએ એ મામલે કંઇ જ થતું નથી!
    ————————
    એમ પણ બને – એમ જ બને !!!

    Like

  2. pragnaju નવેમ્બર 19, 2015 પર 8:14 એ એમ (AM)

    શ્રી કૃષ્ણકાન્ત ઉનડકટ ના ચિંતન તર્કશુધ્ધ અને વિચારણીય હોય છે.
    આખા દેશની હેલ્થની સ્થિતી અંગે ઢંઢોળી સઘન પગલા અંગે સુચવે છે .
    વ્યક્તીગત સામાજીક અને રાજ્ય લૅવલે પ્રયત્ન વધારાય તેવી આશા
    સાથે બ્લુમબર્ગ દ્વારા વર્લ્ડના હેલ્ધીએસ્ટ કન્ટ્રિઝની યાદીમા એટલી શ્રધ્ધા નથી
    ઉપાયમા કરોડોનો કબાલો હોય ત્યાં ………………….

    Like

  3. pravinshastri નવેમ્બર 20, 2015 પર 7:34 પી એમ(PM)

    મને જરા વાંકુ વિચારવાની કુટેવ છે. લેખક મહાશય લખે છે_____
    “માત્ર સારવારની દૃષ્ટિએ જ આ મુદ્દાને જોવાનો નથી. સાથોસાથ હવા, પાણી, ખોરાક અને લાઇફ સ્ટાઇલમાં સુધારાની જબરજસ્ત જરૂરિયાત છે.” સરસ વાત છે. પાનના ગલ્લા વાળો પણ આ વાત તો જાણે જ છે. ચાલો એક જ શહેરની વાત કરો. મુંબઈ મુંબઈની હવા સુધારવા માટે કયું જબ્બરજસ્ત પગલું એ સૂચવે છે? પાણીની ક્વોલિટી સૂધારવાનું શું સૂચન? મુંબઈ વાસીઓએ શું ફરજીયાત ખાવું જોઈએ. લાઈફ સ્ટાઈલમાં શું ફેરફાર કરવો જોઈએ કે દશ મિલિયન માણસોનું સ્વાસ્થ્ય સુધરી જાય? મુશ્કેલીઓનો તો આપણે સૌનો ખ્યાલ છે. પ્રશ્ન એ છે કે એનો નિવાડો શી રીતે આવી શકે એનો સર્વમાન્ય અને વ્હાવહારિક ઉપાય કોઈ જ સૂચવતું નથી. અને કદાચ કોઈ સૂચવે તો પ્રજા કે સરકાર લક્ષમાં લેતી નથી. બીજી વાત મેડિકલ ખરચાઓ.
    એક અનુભવેલી વાત.
    અમેરિકામાં એક ફોન કોલ મળ્યો. મારા બા બિમાર હતા અને હોસ્પિટલમાં એડમિટ કર્યા હતા. હું દોડ્યો. હોસ્પિટલમા જ ૧૫ દિવસ રહ્યો. રાત્રે બા સૂતા હોય અને સાથે મારી બહેન હોય તો હું જરા ઓફિસમાં બેસતો. સ્ટાફ સાથે વાતો કરતો. એક રાતે ગાડામાં એક બિમાર બાઈને લઈને તેના સ્વજનો આવ્યા. હોસ્પિટલમાં એડમિટ કરવાને માટે પહેલાં જ અમુક મોટી રકમની માંગણી કરવામાં આવી જે તે પરિવાર પાસે ન હતી. કોઈ ચેરિટી સંસ્થાનું સૂચન કરી ત્યાં કાઢ્યા. આ વાત તો ૧૯૭૬ની છે. અમેરિકામાં કોઈ પહેલાં પૈસાનું નથી પૂછતાં. પહેલાં ટ્રીટમેન્ટ શરૂ થઈ જાય છે. બાને પંદર દિવસ પછી વળાવીને પાછો આવ્યો હતો.
    જે દેશમાં મેડિકલ કોલેજમાં દાખલ થવા માટે જ લાખ્ખો રૂપિયા ડોનેશન (લાંચના) આપવાના હોય ડિગ્રી લાયસન્સના લાખો ખરચીને પ્રેકટિશ સૂધી પહોંચવાનું હોય તે ડોક્ટરની પહેલી પ્રાયોરિટી ખરચેલા પૈસા પાછા રળવાનું હોય. અને પછી તો નવ્વણુનો ધક્કો.
    આટલું બધું કોમેન્ટમાં લખાય? અટકી જવું જોઈએ…લો અટક્યો. જોડણીયે મઠારવી નથી.

    Like

  4. Ramesh Patel નવેમ્બર 28, 2015 પર 5:48 પી એમ(PM)

    પહેલું સુખ તે જાતે નર્યા. ખાણી-પીણી, રહેણી-કરણી, કુટેવો ને સ્વચ્છતા જે જાતે રાખવાની સમજદારી કેળવાય તો જ પ્રશ્ન હલ થાય. બીમારી, રોગો સામે સારવાર એટલી ખર્ચાળ પૂરવાર થતી જાય છે કે ..સરકારી સુવિધાઓ..મફતિયા…વામણી લાગે. મૂળ પ્રશ્ન ગરીબી …બેકારી ..વસ્તીનુ ભારણ છે એવું લાગે. અહેવાલો નંબર આપવાના પણ વિચિત્ર લાગે…એક નાનકડા દેશનો નંબર પહેલો આવે…ત્યાંની સગવડીયા હોસ્પિટલો પાછલા ક્રમાંકના મોટા દેશમા નંબરની દૃષ્ટિએ ઓછી હોય, પણ વસ્તી પ્રમાણે યોગ્ય સુવિધા પૂરી પાડે. આમ શ્રીંમત દેશો સાથે સરખામણી ,ભલે કમી બતાવે, ઘણું બધુ છે ને આગળ જવાનું છે..નિરાશાથી કાંઈ ના વળે.લેખ મનનીય છે.

    રમેશ પટેલ(આકાશદીપ)

    Like

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.