વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

( 811) અમે સૂતા ઝરણાંને જગાડ્યું,…રચના… ઉમાશંકર જોશી

ગીત અમે ગોત્યું .. કવી -ઉમાશંકર જોશીનું યાદગાર ગીત 

અમે સૂતા ઝરણાંને જગાડ્યું,
ઉછીનું ગીત માગ્યું,
કે ગીત અમે ગોત્યું ગોત્યું ને ક્યાંય ના જડ્યું.

અમે વનવનનાં પારણાંની દોરે,
શોધ્યું ફૂલોની ફોરે,
કે ગીત અમે ગોત્યું …

અમે ગોત્યું વસંતની પાંખે;
ને વીજળીની આંખે,
કે ગીત અમે ગોત્યું …

અમે શોધ્યું સાગરની છોળે,
વાદળને હિંડોળે,
કે ગીત અમે ગોત્યું …

અમે ગોત્યું કંઇ સેંથીની વાટે,
લોચનને ઘાટે,
કે ગીત અમે ગોત્યું …

અમે ખોળ્યું શૈશવને ગાલે,
કે નેહ-નમી ચાલે,
કે ગીત અમે ગોત્યું …

અમે જોઇ વળ્યાં દિશદિશની બારી;
વિરાટની અટારી,
કે ગીત અમે ગોત્યું …

ઉરે આંસુ પછવાડે હીંચતું,
ને સપનાં સીંચતું,
કે ગીત અમે ગોત્યું …

-ઉમાશંકર જોશી

કવી ઉમાશંકર ના આ ગીતને નીચેના વિડીયોમાં માણો . 

સ્વર :- વિરાજ – બિજલ ઉપાધ્યાય
સંગીત :- શ્યામલ-સૌમિલ
રચના:- ઉમાશંકર જોશી

 

ઉમાશંકર જોશીનો પહેલો સંગ્રહ ‘વિશ્વશાંતિ’ પ્રગટ થયો ત્યારે એમની ઉમ્મર હતી માત્ર વીસ વર્ષ ! એ પછીના પચાસ વર્ષ સુધી એ સતત ગુજરાતી સાહિત્ય પર છવાયેલા રહ્યા. એમણે નાટકો, વાર્તાઓ, નિબંધો, અનુવાદ, વિવેચન બધું કર્યુ છે. ઉત્તમ રીતે કર્યું છે. પણ કવિતા એમનો પહેલો પ્રેમ હતી અને છેવટ સુધી રહી. એમનું શ્રેષ્ઠ પ્રદાન કવિતામાં જ જોવા મળે છે. ( કાવ્યસંગ્રહો : વિશ્વશાંતિ, નિશીથ, ગંગોત્રી, ધારાવસ્ત્ર, અભિજ્ઞા, સપ્તપદી, સમગ્ર કવિતા )

ઉમાશંકરે એકથી એક ચડિયાતા એવા સરસ ગીત આપ્યા છે કે એમનું ગીત પસંદ કરવાનું કામ બહુ સહેલું છે. આ ગીત પસંદ કરવાનું ખાસ કારણ એ કે આ ગીતમાં એમના કોમળ લય અને કલ્પનના સુંદર ઉદાહરણ સમાન છે. આ ગીતમાં કવિ ગીત શોધવા નીકળે છે ! કવિ ગીત શોધવાની શરૂઆત ઝરણાંથી કરે છે. પ્રકૃતિના વિવિધ અંગો – વન, વીજળી, સાગર – પાસે જઈને એ ગીત શોધવાની કોશિશ કરે છે. પણ કશેય એમને ગમતું ગીત મળતું નથી. એ પ્રિયજનની આંખો અને સેંથીમાંય જોઈ આવે છે. ને બાળકના ગાલમાં ગીત શોધી જુએ છે. પણ એમને ક્યાંય ગીત જડતું નથી. છેવટે ગીત એમને પોતાની અંદર જ – આંસુની પછવાડે ને સપનાં સીંચતું – મળી આવે છે.

ગીત એટલે તો લયનો ટહુકો. લય તો દરેક જણે પોતાનો જાતે જ – પોતની અંદરથી જ – શોધવો જરૂરી છે, એ કોઈનીય પાસે ઉછીનો લઈ શકાય નહીં. કવિએ આ વાત બહુ કોમળ રીતે – એક ગીત દ્વારા જ – અવિસ્મરણીય રીતે કરી છે.

સૌજન્ય- http://layastaro.com/?p=3415

વિનોદ વિહારમાં અગાઉ પોસ્ટ થયેલું કવી ઉમાશંકર નું એક બીજું સુંદર ગીત “મૃત્યુ પછી સાથે શું શું લઈ જઈ શકીશું… ? “નીચેની લીંક પર ક્લિક કરીને વાંચો.

(350) મૃત્યું પછી સાથે શું લઇ જઈશું ? … ઉમાશંકર જોશી 

 umashankar -Photos from Vipool Kalyani's post

(જન્મ: ૨૧-૭-૧૯૧૧, મૃત્યુ: ૧૯-૧૨-૧૯૮૮)

ગુજરાતી સાહિત્યના ગૌરાન્વિત કવિરાજ સ્વ .ઉમાશંકર જોશી વિષે નીચેની લીંક પર ક્લિક કરીને વધુ જાણો

1. ગુજરાતી પ્રતિભા પરિચય

2 http://umashankarjoshi.in/SvamukheKavita.html

4 responses to “( 811) અમે સૂતા ઝરણાંને જગાડ્યું,…રચના… ઉમાશંકર જોશી

  1. pragnaju નવેમ્બર 17, 2015 પર 1:00 પી એમ(PM)

    સ રસ સંકલન
    ગીતને વિડીયોમાં માણવાની મઝા

    Like

  2. મનસુખલાલ ગાંધી, યુ.એસ.એ. નવેમ્બર 17, 2015 પર 11:08 પી એમ(PM)

    સુંદર ગીત………….

    Like

  3. pravinshastri નવેમ્બર 20, 2015 પર 7:36 પી એમ(PM)

    કવિ કે કવિતા વીશે કંઈ પણ બોલવાની મને મનાઈ છે.

    Like

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.