વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

Daily Archives: ઓક્ટોબર 8, 2012

(105) આવા લોકોથી તો દૂર જ રહેવું સારું!-ચિંતનની પળે – કૃષ્ણકાંત ઉનડકટ

 મૈં અપને ખયાલો કી થકન કૈસે ઉતારું, રંગો મેં કોઈ રંગ ગહરા નહીં મિલતા,

 

ડૂબે હુએ સૂરજ કો સમુંદર સે નિકાલો, સાહિલ કો જલાને સે ઉજાલા નહીં મિલતા.

 

-જાજિબ કુરૈશી 

આપણા સંબંધો આપણા વ્યક્તિત્વના ઘડતરમાં ખૂબ જ મહત્ત્વની ભૂમિકા ભજવે છે. આપણી ઉઠક-બેઠક કોની સાથે છે તેના પરથી આપણી છાપ ઊભી થતી હોય છે. કોઈએ સરસ વાત કરી છે કે તમારે કોઈ વ્યક્તિ વિશે જાણવું હોય તો તેના મિત્રો કોણ છે તેની તપાસ કરી લો. જે માણસ એક વ્યક્તિ સાથે દગો કરી શકે તે ગમે તેની સાથે દગો કરી શકે છે. જે માણસ ખોટું નથી કરતો એ સાચું કરવા જ પ્રયત્નશીલ રહેતો હોય છે. દરેક વ્યક્તિની એક ફિતરત હોય છે, દરેક માણસની એક પ્રકૃતિ હોય છે. દરેક માણસમાં અમુક ‘બેઝિક’ હોય છે જે ક્યારેય બદલાતું જ નથી, પછી એ સારું હોય કે ખરાબ.

 

ઘણી વ્યક્તિ વિશે આપણે કોઈ વાત સાંભળીએ ત્યારે આપણે બોલી દઈએ છીએ કે ના એ માણસ આવું ન કરે, એ માણસ એવો છે જ નહીં. કેટલાંક લોકોની વાત સાંભળીએ ત્યારે આપણે જ એવું કહીએ છીએ કે એ તો ગમે તે કરે, પોતાનો સ્વાર્થ સાધવા અને પોતાનું કામ કઢાવવા એ ગમે તે હદ સુધી જઈ શકે છે! આ ‘હદ’ કઈ તે દરેક માણસે સમજવું જોઈએ. તમે ક્યારેય વિચાર્યું છે કે તમારી આસપાસ જે લોકો છે એ કેવા છે? તમારા ઉપર તેનો પ્રભાવ કેવો પડે છે?

 

આપણી જિંદગીમાં અનેક લોકો આવે છે અને જાય છે. સંબંધોની બાબતમાં એક સારી વાત એ છે કે લોહીના સંબંધોને બાદ કરતાં તમને બીજા સંબંધો પસંદ કરવાની ચોઈસ મળે છે. એ પસંદગીમાં તમે ભૂલ કરો તો તમારે ભોગવવાનું આવે. કેટલાંક એવા લોકોને મળીએ પછી આપણને એવું થાય છે કે ના યાર, આની સાથે દોસ્તી ન હોય. દિલ આપણને રેડ સિગ્નલ બતાવતું જ હોય છે. જો તમે એ સિગ્નલને ધ્યાનમાં ન લો તો એક્સિડન્ટ થવાનું પૂરું જોખમ રહે છે.

 

સવાલ એ થાય કે કેવા લોકોથી દૂર રહેવું જોઈએ? સૌથી પહેલા તો એવી વ્યક્તિથી દૂર રહો જે તમારા સપનાં, તમારી ઇચ્છા,તમારા ધ્યેય અને તમારા વિકાસમાં આડે આવતાં હોય! દરેક માણસના મનમાં કોઈ ને કોઈ એમ્બિશન્સ હોય છે. મારે આમ કરવું છે, મારે આ બનવું છે, મારી મંઝિલ આ છે. સફરમાં કોણ તમારી સાથે છે તેના ઉપરથી નક્કી થતું હોય છે કે મંઝિલે પહોંચવાની તમારી ગતિ કેવી રહેશે? કેટલીક વખત સફરમાં એવા લોકો મળી જાય છે કે આપણને સફર અઘરી અને આકરી લાગવા માંડે. કેટલાંક લોકો સાથે એવું થાય કે તમે હતા તો સફર ક્યાં પૂરી થઈ ગઈ એ ખબર જ ન પડી. મિત્રો અને સંબંધો એવા હોવા જોઈએ જે આપણી જિંદગીને વધુ સ્પષ્ટ અને સાર્થક કરે. મિત્રો દીવાદાંડી જેવા હોવા જોઈએ જે આપણને સાચો રસ્તો ચીંધે. બાકી રસ્તો ભટકાવી દેનાર લોકોની આ દુનિયામાં કમી નથી.

 

બીજા એવા લોકોથી દૂર રહો જે તમારા સંસ્કાર અને સમજણને બગાડવાનો પ્રયત્ન કરતાં હોય. કોઈ નવી વ્યક્તિ આપણી જિંદગીમાં આવે ત્યારે પહેલો સવાલ એ કરો કે આ માણસ મારા લાયક છે? ઘણી વાર ધનવાન કે સત્તાવાન માણસને જોઈને આપણને એવી લાલચ ઊઠે છે કે આ માણસ સાથે સંબંધ રાખીશ તો મને ભવિષ્યમાં કામ લાગશે. યાદ રાખો કે જ્યારે તમે કોઈની આંગળી પકડો છો ત્યારે તમે એને આધીન થઈ જતાં હોવ છો. બધા જ લોકો ખરાબ હોય છે એવું નથી પણ સાચી વાત એ પણ છે કે બધા જ લોકો સારા પણ નથી હોતા.

 

લોહચુંબક લોખંડને ખેંચે છે. લોહચુંબક હશે તો લોખંડ દૂરથી ખેંચાઈથી આવવાનું જ છે. આપણે એ નક્કી કરવાનું હોય છે કે આપણે લોખંડ બનવું છે કે લોહચુંબક. તમારે લોકો તરફ ખેંચાવું છે કે લોકો તમારા તરફ ખેંચાય એવું ઇચ્છવું છે? યાદ રાખો, સારા માણસની બધાને જરૂર છે. તમે માર્ક કરજો, દરેક જગ્યાએ સારી નોકરી હોય જ છે, સારા માણસો મળતાં નથી.

 

આપણી જિંદગીમાં ઘણા એવા લોકો આવતા હોય છે જે આપણને અઘરી લાગતી બાબતો સહેલી બનાવી દેતા હોય છે. બીજા એવા પણ લોકો હોય છે જે આપણને સહેલી લાગતી વાતને પણ અઘરી બનાવી દે. માત્ર વિચાર કરવાવાળા માણસ પણ કંઈ કરી શકતા નથી. ફક્ત મોટા મોટા વિચારો કરવાવાળા માણસ કરતાં નાના નાના વિચારોનો અમલ કરનારા માણસ વધુ મહાન હોય છે. જે ડાહી ડાહી વાતો જ કરતાં હોય તેના વિશે પણ એ વિચારવું કે એણે વાતો સિવાય બીજું શું કર્યું છે? એવરેસ્ટ ચડવાની વાતો જ કરતી વ્યક્તિ કરતાં ગિરનાર ચડી જનાર માણસ વધુ વાજબી અને સાચો હોય છે.તમે જેવી વ્યક્તિની આસપાસ રહેશો એવા બની જશો. એક સરસ મજાની વાર્તા છે. સિંહ-સિંહણનું એક બચ્ચું જન્મ પછી થોડાં જ સમયમાં તેનાં મા-બાપથી જુદું પડી ગયું. સિંહનું આ બચ્ચું એક ભરવાડના હાથમાં આવ્યું. ભરવાડ એ બચ્ચાને લઈ ગયો અને ઘેટા-બકરાં સાથે મૂકી દીધું. ઘેટા-બકરાંનાં બચ્ચા સાથે જ એ મોટું થયું. સિંહનું બચ્ચું હોવા છતાંયે તેની હરકતો ઘેટાં-બકરાં જેવી જ થઈ ગઈ. એક વખત થયું એવું કે ભરવાડ જ્યાં રહેતો હતો ત્યાં સિંહ ત્રાટક્યો. સિંહને જોઈને બધાં જ ઘેટાં-બકરાં જીવ બચાવવા ભાગવા લાગ્યાં અને એની સાથે સિંહનું બચ્ચું પણ ભાગવા લાગ્યું. ’સોબત એવી અસર’ એ કહેવત એમને એમ નહીં પડી હોય.

 

ખેતી વિશે જે લોકો જાણે છે એને ખબર હશે કે નીંદામણ એટલે શું? ખેતરમાં ઊગતા પાકની આજુબાજુમાં ઘાસ ઊગી નીકળે છે. આ ઘાસને ન કાપીએ તો પાક બરાબર ઊગતો, ખીલતો કે પાકતો નથી. આ ઘાસ કાપવાની ક્રિયાને નીંદામણ કહે છે. આપણી આસપાસ પણ આવા ઘાસ જેવા લોકો આવતાં રહે છે. નીંદામણની સમજ ન હોય તો આવું ઘાસ આપણને વિકસવા દેતું નથી.

 

દરેક વ્યક્તિને પોતાના ભવિષ્યની કલ્પના હોય છે. એ કલ્પનાને સાકાર કરવા માટે આપણે સતત આપણી જાતને સતર્ક રાખવી પડે છે. આપણે આપણી જ જાતને રિમાઈન્ડ કરાવતાં રહેવું પડે છે કે તારે આ જ કરવાનું છે. આપણે જ એક એવી ’ચેક પોસ્ટ’ બનાવવી પડે છે જ્યાં આપણે ખોટા રસ્તે તો નથીને એની તપાસ થાય. એવા દરેક પરિબળથી દૂર રહો જે તમને તમારા માર્ગ પરથી વિચલિત કરે.

 

કામ કે નોકરી કરતાં હોઈએ ત્યારે પણ આપણી આજુબાજુમાં એવા ઘણા લોકો હોય છે જે આપણને નિરુત્સાહ કરતાં રહે. આપણી સાથે કામ કરતાં ઘણા લોકોના મોઢે આપણે એવું સાંભળીએ છીએ કે આપણને તો પગારથી મતલબ છે! જેને માત્ર પગારથી જ મતલબ હોય છે એનો પગાર બહુ ઓછો વધતો હોય છે. તમારે પગાર વધારવો છે તો કામ તરફ ધ્યાન દો, પગાર તરફ નહીં. પગારથી જોખીને જે કામ કરે છે તેનું પલડું નીચું જ રહે છે. પગારથી કામને નહીં, કામને પગારથી જોખશો તો પગાર ઓટોમેટિક જ વધવાનો છે, કારણ ફરીથી એ જ કે સારા લોકોની બધાને જરૂર છે.

 

તમારો સમય બગાડે અને તમારી શક્તિને નબળી પાડે એવા લોકોથી દૂર રહો. જેમનામાંથી પ્રેરણા મળે, નવી દિશા મળે, થોડીક હિંમત મળે અને અઢળક પ્રેરણા મળે એવા લોકો જ આપણા માર્ગમાં પ્રકાશ રેલાવતાં હોય છે. તમારી લાઇફમાં કે તમારી કરિયરમાં એન્ક્રોચમેન્ટ કરવાવાળા માટે ’નો એન્ટ્રી’ રાખજો. તમારી પડખે જો ખરાબ વ્યક્તિ આવી જશે તો તમારી આસપાસ સારી વ્યક્તિ હશે એ પણ દૂર થઈ જશે. તમે ક્યારેય નજર માંડી છે કે તમારી આસપાસ જે લોકો છે એ કેવા છે? સારા હોય તો એને સાચવી રાખો અને જો સારા ન હોય તો સાવધાન થઈ જાવ! માણસની પસંદગીમાં જે થાપ ખાઈ જાય છે એ કાયમ પસ્તાતો રહે છે.

 

છેલ્લો સીનઃ

 

તમારે પતંગિયાં જોઈએ છે? તો ફૂલ બનો. ઉકરડાના નસીબમાં કાગડા જ હોય છે!

(સંદેશ, તા. 7 ઓકટોબર,2012-રવિવારની સંસ્કાર પૂર્તિમાં પ્રસિધ્ધ થયેલી ‘ચિંતનની પળે’ કોલમ)

 લેખક સંપર્ક :

kkantu@gmail.com

_________________________________________________________________