વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

Daily Archives: ઓક્ટોબર 9, 2012

(106) ગાંધીજી ગાંધીવાદી ન હતા – ચંદ્રકાન્ત બક્ષી (ગાંધી જયંતી ભાગ-5)

ગુજરાતી સાહિત્ય જગતમાં સ્વ.ચંદ્રકાંત બક્ષીના નામથી  કોઈ અજાણ્યું નથી.આજીવન કલમ જીવી અને એમની  આગવી

ખુમારીથી સાહિત્ય  જગતમાં છવાઈ ગયેલા  આ જાણીતા લેખકનો આશ્ચર્ય ઉપજાવે એવા શીર્ષક વાળો લેખ “ગાંધીજી

ગાંધીવાદી ન હતા” બઝ્મે વફા  બ્લોગના આભાર સાથે આજની પોસ્ટમાં મુક્યો છે.

વિનોદ વિહારમાં ,તા.2જી ઓક્ટોબર,2012 ના રોજ શરુ કરેલું ગાંધી સપ્તાહ ગાંધીજી વિશેના આ લેખથી આજની પોસ્ટથી

વિરામશે .આ લેખ અને લેખના અનુસંધાનમાં આપેલું અન્ય ગાંધી સાહિત્ય આપને  જરૂર રસસ્પદ  અને  પ્રેરક  લાગશે.

વિનોદ આર. પટેલ  ,સાન ડીયેગો 

________________________________________________________

ગાંધીજી ગાંધીવાદી ન હતા – ચંદ્રકાન્ત બક્ષી

૧૯૪૮માં ગાંધીજીના અવસાન પછી ચાર વર્ષ બાદ બીબીસીએ ગાંધીજી વિશે એક મોટો રેડિયોપ્રોગ્રામ આપવાનું નક્કી કર્યું અને એમની સાથે જીવેલી વ્યક્તિઓના ટૂંકા ઈન્ટરવ્યુ સાથે એ પ્રોગ્રામ તૈયાર કર્યો. એક જ વ્યક્તિ વિશે બીબીસીનો આ લાંબામાં લાંબો કાર્યક્રમ હતો. ત્રણ વર્ષ પછી પરિણામ એ આવ્યું કે ૨૭ કલાકનું રેકોર્ડિંગ થયું હતું. ટેપની લંબાઈ સાડા પંદર માઈલ જેટલી હતી. ૯૦ કલાકનું એડિટિંગ થયું હતું. ૭૮ ટેપો હતી. પણ આ પરિશ્રમ પછી જે નિષ્પત્તિ થઈ એમાં ગાંધીજી વિશે ઘણી અંતરંગ માહિતી પ્રકાશમાં આવી હતી.

“ગાંધીના ગુજરાતમાં આવું થઈ શકે?” જેવા બાલિશ પ્રશ્નો પૂછનારાઓની આંખો પહોળી થઈ જાય એવું ગાંધીજીનું વ્યક્તિત્વ આ રેકોર્ડિંગમાંથી સાફ ઊભરે છે. ઉમાશંકર જોશી વારંવાર કટાક્ષમાં કહેતા અને એમાં સંપૂર્ણ સત્ય હતું – “ગાંધીજી ગાંધીવાદી ન હતા!” જેમની પ્રતિક્રિયાઓ આપવામાં આવી છે એ લોકો ગાંધીજીની સૌથી નિકટ હતા અને એમના પ્રતિભાવ હિન્દુસ્તાનના મૌખિક ઇતિહાસનો એક અંશ બની જાય છે. કેટલીક માહિતી ખરેખર રોચક પણ છે.

ડો. રાજેન્દ્ર પ્રસાદ સર્વ પ્રથમ ૧૯૧૭માં બિહારમાં ગાંધીજીના સંપર્કમાં આવ્યા. ગાંધીજી પ્રથમ વાર અમદાવાદની ક્લબમાં આવ્યા ત્યારે સરદાર બ્રીજ રમી રહ્યા હતા અને એમની સાથે માવળંકર પણ હતા, જે પાછળથી લોકસભાના અધ્યક્ષ બન્યા હતા. ઔંધના એક નાના દેશી રાજ્યના રાજપુત્ર આપા પંત ત્રણચાર વર્ષ પછી આશ્રમમાં બેહોશ થઈ ગયા ત્યારે ગાંધીજીએ આપા પંતને માંસાહાર કરવાનો આદેશ આપ્યો હતો અને લખ્યું હતું કે જો તમે શાકાહારી પ્રોટેઈન પચાવી ન શકતા હો તો તમારે માંસાહારી પ્રોટેઈન જ લેવું જોઈએ.

રાઉન્ડ ટેબલ કોન્ફરન્સ માટે ગાંધીજી ઈંગ્લેન્ડ ગયા ત્યારે બર્નાર્ડ શો અને ચાર્લી ચેપ્લીન ગાંધીજીને મળ્યા હતા. દ. આફ્રિકાના રાષ્ટ્રપતિ જનરલ સ્મટ્સે ગાંધીજીને મળીને ૧૭ વર્ષ પહેલાં ગાંધીજીએ જેલમાં બનાવીને સ્મટ્સને ભેટ આપેલાં ચપ્પલ પાછાં આપ્યાં હતાં! ગાંધીજીને અમેરિકા આવવાનું આમંત્રણ અપાયું ત્યારે ગાંધીજીએ મજાકમાં કહ્યું હતું કે અમેરિકામાં ૨૪ કલાક પછી મને પ્રાણીબાગમાં મૂકી દેવામાં આવશે. ઈંગ્લેન્ડમાં બે ડિટેક્ટિવો સાર્જન્ટ અવન્સ અને સાર્જન્ટ રોજર્સ ગાંધીજીની સાથે જ સતત રાખવામાં આવ્યા હતા, જેમની સાથે ગાંધીજીની એટલી મૈત્રી થઈ હતી કે હિન્દુસ્તાન આવ્યા પછી બ્રિટિશ માલની હોળી કરનાર ગાંધીજીએ એમને માટે ખાસ આગ્રહપૂર્વક સરસ ઈંગ્લિશ ઘડિયાળોની ભેટ મોકલી હતી. ડો. વેરીઅર એલવીને જ્યારે પોતાની ધર્મપરિવર્તન કરવાની ઇચ્છા વિશે લખ્યું ત્યારે ગાંધીજીએ એમને પોતાના જ ખ્રિસ્તી ધર્મમાં રહેવાની સ્પષ્ટ સલાહ આપી હતી. ગાંધીજી લંડનની રાઉન્ડ ટેબલ કોન્ફરન્સ માટે સ્ટીમરમાં કેબિન – બર્થમાં નહીં પણ ડેકના સામાન્ય પ્રવાસી તરીકે ગયા હતા, જ્યાં ખાવાનું, સૂવાનું, પ્રાર્થના કરવાનું, બધું ખુલ્લામાં હતું. બાળકોએ આવીને ગાંધીજીની રજા માગી કે અમે ડેક પર નાચી શકીએ છીએ ત્યારે ગાંધીજીએ કહ્યું કે “મારી સૂવાની જગ્યાની આસપાસ તમે નાચી શકો છો, પણ મારા ઉપર નહીં નાચતા!” રોમમાં ગાંધીજી વેટિકનમાં ગયા હતા. મીચેલ એન્જેલોનાં અમર ચિત્રો જોયાં પણ એમને સૌથી વધારે રસ પિત્તળના વિરાટ ક્રોસમાં પડયો હતો. એ ક્રોસની પાછળ જઈને જોઈ આવ્યા હતા, જ્યાં જવાની મનાઈ હતી.

નોઆખલી પાસેના ગામમાં ગાંધીજી એક ધોબીના ઘરમાં રહ્યા હતા, કેરોસીનના લાલટેનના અજવાળામાં પત્રો લખતા, રોજ સવારે પાંચ મિનિટ બંગાળી શીખતા, એક ગામથી બીજા ગામ સુધી માઈલો ઉઘાડા પગે ચાલતા. એક આંધળી વૃદ્ધાએ ગાંધીજીને કહ્યું હતું, હું તમને જોવા માગું છું, બાપ! હું તમને હાથથી અડું! ગાંધીજીએ એ વૃદ્ધાનો હાથ પકડયો ત્યારે એમની આંખોમાં આંસુ હતાં. એ વખતે ગાંધીજી ૭૭ વર્ષના હતા.

ગાંધીજીની અંગ્રેજ શિષ્યા મીરાંબહેન ઉર્ફે માર્ગરેટ સ્લેડે કહ્યું છે કે ગાંધીજીનો નિર્ણય હતો કે કૂતરાંઓ મારી નાખવામાં અહિંસાના સિદ્ધાંતનું કોઈ ઉલ્લંઘન ન હતું. આશ્રમમાં એક વાછરડાના શરીરમાં કીડા પડી ગયા અને રોગ અસાધ્ય બની ગયો ત્યારે ગાંધીજીએ એ વાછરડાને મારી નાખવાની અનુમતિ આપી હતી. મીરાંબહેને વર્ણન કર્યું છે કે બાપુ ઝૂક્યા, વાછરડાનો આગલો પગ હાથમાં લીધો, ડોક્ટરે એની પાંસળીઓમાં એક ઈન્જેક્શન આપ્યું. એક ઝટકો લાગ્યો અને વાછરડું મરી ગયું. બાપુ એક શબ્દ બોલ્યા નહીં. વાછરડાના મોઢા પર એક કપડું ઢાંકીને ચાલ્યા ગયા. આ ઘટનાની બહુ તીવ્ર પ્રતિક્રિયા આવી. રેહાના તૈયબજીએ કહ્યું કે બાપુએ મને એક પત્ર બતાવ્યો જે એક જૈન મિત્ર તરફથી આવ્યો હતો. લખ્યું હતું: ગાંધી, તમે વાછરડું મારી નાખ્યું છે. તમે ગૌહત્યા કરી છે, જો હું બદલામાં તમારી હત્યા ન કરું તો હું જૈન નથી.

ડો. ઝાકિર હુસેન કહે છે કે ગાંધીજી હંમેશને માટે રેંટિયો વપરાય એમ ઇચ્છતા ન હતા. ગાંધીજી એ મશીનના વિરોધી હતા જે મનુષ્યનું શોષણ કરે છે. જે વિરાટ મશીનોનો કોઈ માલિક નથી એ મશીનોના ગાંધીજી વિરોધી હતા. એ કહેતા કે જે મશીનનો માણસ પોતે માલિક બની શકે, વાપરી શકે એ આદર્શ મશીન હતું. (આજનાં કમ્પ્યૂટરો માટે ગાંધીજીનો કદાચ વિરોધ ન હોત!) જેલમાં ગાંધીજીની પાછળ પ્રતિમાસ બ્રિટિશ સરકાર ૧૫૦ રૃપિયા ખર્ચ કરતી હતી ત્યારે જેલ સુપરિન્ટેન્ડન્ટે ઉપરી અધિકારીઓને લખ્યું કે આવા મહાન પુરુષ માટે સરકારે વધારે ખર્ચ કરવો જોઈએ. ગાંધીજીને ખબર પડી ત્યારે એમણે કહ્યું કે આ પૈસા ઈંગ્લેન્ડથી આવતા નથી, મારા દેશવાસીઓના ખિસ્સામાંથી આવે છે. મારી પાછળ મહિને ૩૫ રૃપિયાથી વધારે તમે ખર્ચો એવું હું ઇચ્છતો નથી. ગાંધીજી માનતા કે અંકુશો વ્યક્તિના પ્રયત્નો અને જવાબદારીને રૃંધી નાખે છે.

ગાંધીજીની હત્યાની આગલી સાંજે, જાન્યુઆરી ૨૯, ૧૯૪૮ને દિવસે ઇન્દિરા (ગાંધી) એમના નાનકડા પુત્ર રાજીવને લઈને ગાંધીજીને મળવા ગયાં હતાં. ઇન્દિરા ગાંધી કહે છે કે બાપુ મારા નાના છોકરા સાથે રમવા લાગ્યા. અમે ગોળાકાર બનાવેલો એક ફૂલગુચ્છ લઈને બાપુ પાસે ગયાં હતાં, જે વાસ્તવમાં વાળમાં નાખવા માટે હતો. બાપુએ મારા દીકરા રાજીવને પૂછયું કે આ ફૂલો હું ક્યાં લગાવું? મારા માથા પર પહેરી લઉં? મારા દીકરાએ બાપુને કહ્યું: માથા પર તમે કેવી રીતે લગાવશો? તમારે વાળ તો છે જ નહીં?

દાંડીકૂચ માટે એક પણ સ્ત્રીને પસંદ કરવામાં આવી ન હતી. અને દરેક આશ્રમવાસીએ ડાયરી લખવાની હતી. દાંડીકૂચ પછી ગાંધીજીને પકડવા માટે પોલીસ આવી ત્યારે ૧૮૨૭ના ઈસ્ટ ઇન્ડિયા કંપનીના કાનૂન નીચે વોરંટ જારી  થયું હતું. ગાંધીજીએ પોલીસની રજા લઈને બાવળનું દાતણ કરવું શરૃ કર્યું હતું અને પોલીસને વોરંટ વાંચવાની વિનંતી કરી હતી…!

(સફરનામા)

Please click the following YRL to read more about Gandhiji by Chandrakant Baxi and Shekhadam Abuwala.

http://bazmewafa.wordpress.com/2011/10/01/tamarunnamgandhiji_shekhadam/

___________________________________________________________

Best ever Gandhi Quotes

See ,read and conemplate on such other Best Quotes of Mahatma Gandhi on this web site : 

http://goodguy.hubpages.com/hub/Gandhi-Quotes

_________________________________________________________

વિનોદ વિહાર -ગાંધી જયંતી ભાગ- 1 થી ભાગ 4 ના લેખો

નીચે વાંચો.

   1. (100 ) રજી ઓક્ટોબર એટલે ગાંધી જયંતિ-રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીનો જન્મ દિવસ

2. (101) ગાંધી જયંતિ (ભાગ-૨)- ગાંધીજીનાં પૌત્રી સુમિત્રા ગાંધીની એમના દાદા વિશેની કેટલીક રસપ્રદ વાતો

4. (103 ) ગાંધીજીના જીવનના કેટલાક પ્રસંગો – ગાંધી જયંતી ભાગ-4