વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

Daily Archives: ઓક્ટોબર 22, 2012

(114) એક નવા સાહિત્ય મિત્ર શ્રી પ્રવીણ શાસ્ત્રી અને એમની વાર્તાઓ- એક પરિચય

શ્રી પ્રવીણ શાસ્ત્રી

તાંજેતરમાં અચાનક જ એક નવા સાહિત્ય મિત્રનો પરિચય મેળવીને ખુબ આનંદ થયો.

આ મિત્ર છે શ્રી પ્રવીણ શાસ્ત્રી.તેઓ ગુજરાતી ભાષાના પ્રેમી છે અને વર્ષોથી વાંચવું ગમે એવું સાહિત્ય સૌને પીરસી રહ્યા છે.

એમનો આ પરિચય મારી માફક એમની ૭૦ વર્ષની ઉંમરે નીવૃતીની પ્રવૃત્તિ તરીકે એમના ગુજરાતી ભાષા પ્રત્યેના પ્રેમના દોરવાયા શરુ કરેલ એમના વાર્તાઓના  બ્લોગની અચાનક મેં લીધેલી મુલાકાત અને એમાં મે આપેલ પ્રતિભાવ દ્વારા થયો

મારા પ્રતિભાવના જવાબમાં મારા બ્લોગની મુલાકાત લઈને એમણે લખ્યું કે –

વિનોદભાઈ,

સપ્રેમ વંદન. બ્લોગની પહેલી મુલાકાતમાં જ મૈત્રીનો લોભ લાગ્યો છે. હવે કાયમ મળતો રહીશ. હું સાહિત્યકાર નથી. મનમાં ઉગેલી ગાંડી ઘેલી વાતો લખું છું. વાંચીને પ્રતિભાવ અને માર્ગદર્શન આપતા રહેજો. આભારી થઈશ.

પ્રવીણ શાસ્ત્રી

http://pravinshastri.wordpress.com

આમ અન્યોન્ય “પથમ મુલાકાતે જ પ્રેમ ” જેવું બન્યું !

એમના ઉપરોક્ત બ્લોગમાં એમના પરિચયમાં તેઓ આ પ્રમાણે જણાવે છે…….

“ટ્યુશન કરીને ભણ્યો હતો. B.Sc  થયા પછી છ માસ શિક્ષકની નોકરી અને ૧૯૬૮ સુધી બરોડા રેયોન લેબોરેટરીમાં કામ કર્યું. એમ્પ્લોયમેન્ટ વાઊચર મળતાં ૧૯૬૮માં ભારત છોડી લંડન ગયો. ત્યાં મનની ચળ હાથમાં પહોંચી. એક એકાંકીનું સર્જન થયું.

‘જુલીના ચક્કરમા’….. ભજવાયુંયે ખરું.   ૧૯૭૦મા અમેરિકા.

ડોલરના સરવાળા બાદબાકીના સમતોલનમા, આંખે ન તો ગુજરાતી વાંચ્યું કે હાથે ન તો ગુજરાતી લખ્યું….જાણે આડત્રીસ વર્ષનો માનસિક અંધકારયુગ!  અડધી સદીના નામાંકિત વિદ્વાન  સર્જકો અને તેમના સર્જનથી તદ્દન અજાણ.   ૨૦૦૯માં લગભગ સિત્તેરની ઉમ્મરે નિવૃત્ત થયો. નિવૃત્તિની પ્રવૃત્તિ તરીકે વાંચન માટે Iselin New Jersey ના ‘ગુજરાત દર્પણ‘  પુસ્તકાલયમાં સભ્ય થયો. તંત્રીશ્રી સુભાષભાઈ શાહનો પરિચય થયો. એમના પ્રોત્સાહનથી લખવાનું શરૂ કર્યું. વર્ષો પછી કલમ પકડી. પહેલી વાર્તા ‘સ્પેસ‘ ગુજરાત દર્પણમાં પ્રગટ થઈ. એજ રીતે ‘તિરંગા ઈન ન્યુજર્સી’ના શ્રી નિતીનભાઈ ગુર્જરે મારા સુસુપ્તમનને જાગૃત કર્યું. જીવન સંગિની યોગિનીએ જરૂરી સહકાર આપ્યો. ગુજરાતી લેખનના ઉદ્યાનમાં મારી પાનખરની ઋતુમાં એક પીળું બદામી પલ્લવ પાંગર્યું…. નવોદિત… તરીકે પુનર્જન્મ થયો       હું  …પ્રવીણ શાસ્ત્રી.   સ્વજનોમા લેખક કહેવાયો. માત્ર લેખક…. જેઓ લખે તે બધાજ લેખક કહેવાતા હોય તો હું પણ લેખક.”

આ એમની નમ્રતા દર્શાવે છે પરંતુ એમની વાર્તાઓ વાંચવાથી લાગે છે કે એ માત્ર લખી નાખતા લેખક નથી પણ સારા લેખક છે.

એમની ગુજરાત દર્પણ માં વહેતી વાર્તા “શ્વેતા”  વાર્તાનું સીમાંકન ઓળંગીને એમની પ્રથમ નવલકથા બની પ્રસિદ્ધ થઇ ચુકી છે.

શ્રી પ્રવીણ શાસ્ત્રીએ એમના બ્લોગમાં આપેલ એમનો  સંપૂર્ણ પરિચય અહીં વાંચો.

શ્રી પ્રવીણ શાસ્ત્રીએ એમના બ્લોગમાં આજ સુધીમાં એમની કુલ  ૩૦ પ્રસિદ્ધ થયેલી અને કેટલીક નવી વાર્તાઓ પોસ્ટ કરી છે.

આ લગભગ બધી જ વાર્તાઓ નવા નવા વિષયોને પકડીને સુંદર સંવાદમય શૈલીમાં લખાયેલી વાંચકોને વાંચવા માટે જકડી રાખે એવી

છે.એમના બ્લોગની મુલાકાત લઈને એ વાર્તાઓ વાંચવાથી જ વાચકોને એની પ્રતીતિ  થઇ જશે.

એમના બ્લોગમાં પોસ્ટ થયેલી વાર્તાઓમાંથી મારી પસંદની બે વાર્તાઓ આજની વિનોદ વિહારની પોસ્ટમાં મૂકી છે.

શ્રી પ્રવીણ શાસ્ત્રીનો એક ગજાના વાર્તા લેખક તરીકેનો પરિચય મેળવવા માટે વાચકોને આ બે વાર્તાઓ ઉપયોગી થશે એવી આશા છે.

વિનોદ આર. પટેલ ,સાન ડિયેગો.

_____________________________________________________________________________

૧. લલ્લુ લેખક થયો !  (વાર્તા # ૨૮)       લેખક – શ્રી પ્રવીણ   શાસ્ત્રી

એક હાસ્ય લેખકની અદાથી રમુજી સંવાદમય શૈલીમાં લખાયેલી આ વાર્તામાં હસતાં હસતાં એમણે નવા લેખકોના પુસ્તકો ખરીદવા માટે

અમેરિકામાં વસતા લોકો કેવો રસ દાખવે છે એ અને રવિવારે મંદિરોમાં જમા થતા જુદી જુદી મનોવૃત્તિ ધરાવતાં લોકો ઉપર

વ્યંગ કરવામાં આવ્યો છે એ વાંચવો ગમે એવો છે.

આ આખી વાર્તા  અહીં વાંચો.

_______________________________________________________________________

૨. ફાધર્સ ડે  ( વાર્તા # ૧૨)              લેખક – શ્રી પ્રવીણ   શાસ્ત્રી

આ વાર્તા એક ચીલા ચાલુ કાલ્પનિક વાર્તા કરતાં એક આખી આત્મકથાત્મક વાર્તા છે એમ કહી શકાય.

આ વાર્તામાં એમણે એમના પિતા સ્વ.મગનલાલભાઈનો  અને એમના દિલમાં પડેલ માવતર પ્રત્યેના પ્રેમનો

એમણે સુંદર પરિચય કરાવ્યો છે.બાના અવસાન પછી તેઓ પિતાને સમજાવીને અમેરિકામાં લઇ આવ્યા .અહીં એમને

મનમાં ઓછું ન આવે એ માટે એમણે,એમનાં પત્ની અને કુટુંબીજનોએ દાખવેલ કાળજીનું સુંદર આલેખન કર્યું છે.

એકની એક બહેન અને એના સગાઓને પણ એક પછી એક અમેરિકા બોલાવી એમને સેટ થવામાં મદદ કરી એ શ્રી

પ્રવીણભાઈના હૃદયમાં પડેલી એક આદર્શ કુટુંબ ભાવનાનાં દર્શન કરાવે છે .

આ વાર્તા વાંચતાં  એમના પિતા અને  એમના એકના એક દીકરા શ્રી પ્રવીણભાઈનો એક બીજા પ્રત્યેના  પ્રેમનો

પણ આપણને પરિચય થાય છે.

આ આખી વાર્તા અહીં વાંચો.