વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

( 361) ભયને ભગાડો ….( વિચાર વલોણું ) -મારી નોંઘપોથીમાંથી ( ભાગ-૨)

આધ્યાત્મિક માર્ગના મારા સહયાત્રી અને જાની મિત્ર શ્રી સુરેશભાઈ જાનીએ તો એ પોસ્ટને એમના  બ્લોગ સૂર્ સાધનામાં માણસ એ સંજોગોનો ગુલામ છે એ નામે રી-બ્લોગ પણ કરી દીધી જે બદલ હું એમનો આભારી છું .

મારી પોસ્ટના પ્રતિભાવમાં એમણે લખ્યું “તમારી આ ટેવ ગમી ગઈ. બહુ જ પ્રેરક વિચારો.

હવે આવા મૌલિક ચિંતનો પીરસતા રહેજો.”

શ્રી સુરેશભાઈનું ઈ-પુસ્તક ” બની આઝાદ “  એમના અનુભવ સિદ્ધ ચિંતનના ખજાના રૂપ છે અને નેટ જગતને એમણે આપેલ અણમોલ ભેટ સમાન છે .એમાં રજુ કરેલા એમના પ્રેરક વિચારોની કક્ષાએ પહોંચવા માટે તો હું હજુ નવો નિશાળીઓ છું . પરંતુ ,દરેક મનુષ્ય માટે ધ્યેય એક હોય છતાં એને પ્રાપ્ત કરવાના રસ્તા જુદા હોઈ શકે છે .

આ પુસ્તકમાં એમનો આ વિચાર મને ખુબ ગમ્યો .

 જીવનમાં જે પણ આવે અને જે રીતે આવે
 તેને
 પૂર્ણ રીતે, પ્રેમપૂર્વક સ્વીકારવાની કળા
 હાંસલ કરવા જેટલો વિકાસ
 તમે કરી શકો -તે
 તમને તમે પોતે આપેલી સૌથી મોટી ભેટ છે.

ખેર આજની પોસ્ટમાં મારી નોધ પોથીમાંથી ” ભયને ભગાડો ” એ વિષયમાં મારી વિચાર યાત્રા આગળ વધારી રહ્યો છું . આશા છે આ પોસ્ટ પણ સૌ મિત્રોને ગમશે .

વિનોદ પટેલ

————————————————————-

ભયને ભગાડો ….( વિચાર વલોણું ) -મારી નોંઘપોથીમાંથી

fear_false_evidence_appearing_realમાણસના ચિત્ત તંત્રમાં અવાર નવાર જાત જાતના ભય ઉત્તપન થતા રહે છે . ભય કે ડર માનવની પ્રકૃતિનો એક હિસ્સો છે, એક ખાસિયત છે . દુનિયાની કોઈ  જગ્યા ભયથી મુક્ત નથી .

ભય જાત જાતના હોય છે . કોઈ કાર્યમાં કે પ્રોજેક્ટમાં હું સફળ થઈશ કે નિષ્ફળ ,માણસો મને સ્વીકારશે કે કેમ , વિદ્યાર્થીઓ માટે પરીક્ષામા હું સારા માર્ક મેળવી પાસ થઇશ કે નહી વિગેરે અનેક પ્રકારના ભયથી મન પીડાતું હોય છે . આજના સમયમાં વિશ્વના દરેક દેશોમાં આતંકવાદના ભયને લીધે માણસો ભયના ઓથાર નીચે જીવી રહ્યા છે .એરપોર્ટ ઉપર માણસો  ભય  નિવારવા  માટે  કેવી અગવડ ભોગવી રહ્યાં છે !

 માણસનો મોટામાં મોટો ભય મૃત્યુનો ભય હોય છે .ઘણા માણસો વિમાનમાં નવા નવા મુસાફરી કરે ત્યારે વિમાનને અકસ્માત થશે તો શું થશે એ ચિંતામાં ભગવાનનું રટણ કરવા લાગી જતા નજરે જોયા છે .વિમાન નીચે જમીનને અડીને લેન્ડ થાય ત્યારે જ એમના જીવમાં જીવ આવે છે . માણસની જીજીવીશાનું આનાથી વિશેષ ઉદાહરણ ક્યાં જોવા મળે !

બાળકો જ્યારે નાના હોય છે  ત્યારે મૂળભૂત રીતે એમનામાં ભય હોતો નથી પરંતુ મોટેરાઓ ” જો તું આ નહી કરે કે કરીશ તો તને બાવો પકડી જશે “એમ કહીને એનામાં ભય અને ડરનું આરોપણ કરતાં હોય છે અને એના માનસને કલુષિત કરતાં હોય છે .આવો ડર બાળકોની સ્વભાવગત નિર્દોષતાને ખતમ કરી દે છે .

મોટા ભાગના ભય એ ભય નહીં પણ મનની ભ્રમણા હોય છે . જે માટે ભય હોય અને એના લીધે તમારી રાતની ઉંઘ હરામ થઇ ગઈ હોય એ બીજા દિવસે બન્યું જ ન હોય અને એના અંગે જે ભય રાખેલો એ ખોટો હતો , એક કાલ્પનિક ભય હતો ,એવુ જ્યારે ભાન થાય ત્યારે દિલને કેટલી રાહત થાય છે !  

તમને યાદ હશે કે ૨૦મી સદી જ્યારે પૂરી થતી હતી ત્યારે Y2K નો ભય ફેલાવવામાં આવેલો કે સ્ટોક માર્કેટ ક્રેસ થઇ જશે , વિમાનના અકસ્માતો થશે વિગેરે વિગેરે . આ ભયને લીધે ઘણાં માણસોએ બેન્કોમાંથી પૈસા ઉપાડી લીધેલા અને મિલકતો વેચવા માંડેલી . પરંતુ અંતે શું થયું ?આમાનું કશું ન બન્યું અને એ વર્ષ કોઇપણ જાતના વિપરીત બનાવ  વિના પુરું થયું અને નવું વર્ષ શરુ થયું !

માર્ક ટ્વેઇનએ સરસ કહ્યું છે કે મારા જીવનમાં મુશ્કેલીઓના ઢગ મેં જોએલા પરંતુ એમાંના મોટા ભાગની મુશ્કેલીઓ આવી જ નહિ ! અમેરિકાના  પ્રમુખ ફ્રેન્કલીન   ડી.  રુઝવેલ્ટે  1932 માં  ચૂંટાયા  પછીના એમના  પ્રથમ  પ્રવચનમાં  કહ્યું હતું કે :“Only Thing We Have to Fear Is Fear Itself” એટલે કે  જો કોઈ બાબતનો ભય રાખવો હોય તો ભયનો જ ભય રાખવો જોઈએ .

અંગ્રેજી શબ્દ FEAR અને FIRE એક બીજાને મળતા આવે છે . જો બન્ને નિરંકુશ બની જાય તો મનુષ્યને દઝાડતા હોય છે .

ભયની જોડકી બેનનું નામ ચિંતા છે . ઘણા મા-બાપો એમનો દીકરો કે દીકરી એસ.એસ.સી. ની પરીક્ષામાં સારા માર્ક્સથી પાસ  થશે કે નહીં  એની ખોટી ચિંતામાં ઉજાગરા કરતાં હોય છે .જેને પરીક્ષા આપવાની છે એણે બરાબર તૈયારી કરી હોઈ એને મનમાં વિશ્વાસ હોય છે પરંતુ મા-બાપો જાણે કે એમને ચિંતા કરવાનો જન્મસિદ્ધ હક્ક હોય એમ ચિંતા કરતાં હોય છે .

કોઈએ ખરું કહ્યું છે કે ચિંતા એ ઉછીની નહીં લીધેલી  રકમ ઉપર ચુકવવામાં આવતું વ્યાજ છે . ચિંતાની ચકલી તમારા માથા ઉપર માળો બાંધે એ પહેલાં એને ઉડાડી દેવી જોઈએ .

ચિંતા કે ભયનું કોઈ પ્રગટ કારણ સામે હોય નહિ તો યે ચિંતા કરવાની ટેવ એ એક માનવ સહજ નબળાઈ છે .ડર કે ભય એ એક જાતનો મનનો રોગ છે અને એ સાચી વિચારશક્તિને ઉધઈની જેમ લૂણો લગાડે છે .માણસને મનથી પાંગળો બનાવી દે છે અને જીવન માટે પ્રગતિ માટે બાધક બને છે .

આપણા ધર્મ ગ્રંથોમાં આપણને અભયનો આગ્રહ કરવામાં આવ્યો છે .એટલે કોઈ પણ પ્રકારની ચિંતા કરવી કે ભય રાખવો એ ઈશ્વરમાં અને પોતાની જાતમાં અશ્રધા રાખવા બરાબર છે .

કથાકાર પુ. મોરારી બાપુએ સરસ કહ્યું છે કે ” આપણા મનનું ધાર્યું થાય તો એને હરીકૃપા સમજવી અને જો એ મુજબ ન થાય  તો હરિ ઈચ્છા સમજવી .”

તમને જેનો ડર કે ભય લાગતો હોય એ કરવું એમાં હિંમત છે . મનથી નબળા પોચા અને નાહિંમત માણસો પોતાની જાતે જ ભયની કલ્પના કરીને નાહક ડરતા હોય છે . ભયનો કોઈ ભય રાખ્યા વિના એનો સામનો કરવાથી જ નિર્ભય થવાય છે માટે જીવનમાં હંમેશાં નિર્ભય બનો , તમારામાંના ભયને ભગાડી દો .

આ કેવો સંજોગ બની ગયો ! આ પોસ્ટ લખવાનું પુરું કરીને ઈ-મેલ જોતો હતો એમાં ભય વિશેનો જ એક સુંદર વિડીયો  જોવામાં આવ્યો , જે આજના વિષયને બરાબર લાગુ પડે છે અને એની પૂર્તિ પણ કરે છે .

આ પ્રેરક વિડીયોને નીચે નિહાળો . આ પોસ્ટ અંગેનો આપનો પ્રતિભાવ આવકાર્ય છે .

Does Fear Paralyze You?

 

7 responses to “( 361) ભયને ભગાડો ….( વિચાર વલોણું ) -મારી નોંઘપોથીમાંથી ( ભાગ-૨)

  1. Atul Jani (Agantuk) ડિસેમ્બર 14, 2013 પર 1:40 પી એમ(PM)

    જીવ માત્રને પાંચ ક્લેશ લાગેલા હોય છે.

    ૧. અવિદ્યા
    ૨. અસ્મિતા
    ૩. રાગ
    ૪. દ્વેષ
    ૫. અભીનીવેશ

    આ અભીનીવેશ એટલે મારુ મૃત્યું ન થાઓ તેવી જીવની અંદર સતત રહેલી ઝંખના.

    આ પાંચ ક્લેશથી મુક્ત થવાનું યોગશાસ્ત્રનું ધ્યેય છે.

    ભગવદ ગીતામાં દૈવી સંપત્તિ તરીકે અભયને સહુ પ્રથમ કહેવામાં આવી છે.

    ઘણી વખત એવું જોવા મળે છે કે ચિંતા ન કશો તેમ કહેનારા ચિંતા કરતા હોય છે અને ભયભીત રહેતા હોય છે.

    આપની ડાયરીનો અમૂલ્ય ખજાનો આવી રીતે વહેચતા રહેશો.

    Like

  2. pragnaju ડિસેમ્બર 14, 2013 પર 2:17 પી એમ(PM)

    મા શ્રી અતુલભાઇ ની ભય અંગે ચિંતન મનન કરવા જેવી સનાતન ધર્મસાર ટીપ્પણી
    મનોચિકિત્સક અને વિજ્ઞાની સ્ટીફન ગોર્બર દ્વારા આ અંગે ઊંડું અધ્યયન કરવામાં આવ્યું છે. સ્વભાવ વિજ્ઞાનના આધારે તેમણે અપનાવેલી સારવારનાં ઉત્સાહજનક પરિણામો પણ મળ્યાં છે.

    આ પદ્ધતિમાં વ્યકિતની પૂછપરછ કરીને ભયના મૂળ કારણને શોધવાનો પ્રયાસ કરવામાં આવે છે, તેમ જ તેને લગતી શંકાઓ દૂર કરીને ભયમુક્ત બનાવવા પ્રયત્ન કરવામાં આવે છે. એક નવી શોધ મુજબ ફલડિંગ પદ્ધતિ અપનાવવામાં આવે છે. જેમાં રોગીને જે વસ્તુ કે સ્થળ અંગેનો ભય હોય તેને લગતી સ્થિતિનું સતત આરોપણ કરવામાં આવે છે. જેથી અમુક ભય વિશે તેનું મન થાકી જાય છે અને તેમ કરતાં ભય દૂર થઇ જાય છે. કોગ્નિટિવ એટલે કે જ્ઞાનાત્મક સુધાર દ્વારા વ્યકિતને સમજાવીને ભય દૂર કરવાની હિંમત આપવામાં આવે છે અને ભયભીત રહેવાથી પોતાને જ નુકસાન થશે તેવું સમજાવવામાં આવે છે.

    આ ઉપરાંત યોગ, પ્રાણાયામ જેવી ક્રિયાઓ દ્વારા મનને શાંત અને સ્થિર રાખવાના ઉપાયો શીખવાડીને ભય દૂર કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે.

    સ્ટીફન ગોર્બર માને છે કે ઘણીવાર રોગીને મકાન, પરિવાર, પરિસ્થિતિઓ કે ખોટી ધારણાઓને કારણે પણ ભય રહેતો હોય છે. આમ જુદી જુદી સ્થિતિ અંગેનાં કારણો શોધીને રોગીની રુચિ અને સ્વભાવને અનુરૂપ પદ્ધતિ અપનાવવી જોઇએ. ક્યારેક માત્ર ઔષધિ આપવાથી પણ રાહત જણાય છે તો ક્યારેક જ્ઞાનાત્મક વિજ્ઞાનનો પણ પ્રયોગ કરવો જોઇએ. શિથિલીકરણ, યોગ, વ્યાયામ, ધ્યાન જેવી પદ્ધતિઓ માનસિક ચિકિત્સામાં વધુ ઉપયોગી બને છે.

    પરિણામે ચિકિત્સકો દ્વારા પણ હવે પ્રાચીન ભારતીય ઉપચાર પ્રણાલીઓ પ્રત્યેનું આકર્ષણ વધ્યું છે અને આ પદ્ધતિમાં દવાઓની આડઅસર કે ખર્ચાળ સારવાર વગેરેથી બચી શકાય છે.
    સૂફી સંતોની આ વાત પણ મનનીય…
    The first step is to acknowledge fear’s presence and give yourself time and space to be with fear. The Sufi mystic poet Rumi said it best,

    This being human is a guest house
    Every morning a new arrival.
    A joy, a depression, a meanness,
    some momentary awareness comes
    as an unexpected visitor.
    Welcome and entertain them all!
    Even if they are a crowd of sorrows,
    who violently sweep your house
    empty of its furniture,
    still treat each guest honorably.
    He may be clearing you out for some new delight.
    The dark thought, the shame, the malice,
    meet them at the door laughing,
    and invite them in.
    Be grateful for whoever comes,
    because each has been sent
    as a guide from beyond.”

    Like

  3. P.K.Davda ડિસેમ્બર 15, 2013 પર 4:21 એ એમ (AM)

    જેમ તમે કહ્યું છે તેમ ભય શરૂઆતમાં પ્રેરિત હોય છે. ત્યાર બાદ સ્વાનુભવ કે પરાનુભવમાંથી પણ ભયનો અનુભવ થાય છે. ગુનાહ કર્યા પછી પકડાઈ જવાનો ભય એ એક અલગ ભકારનો ભય છે. તમને જે પ્રકારનો ભય હોય છે એ તમારા સ્વપ્નમાં આવીને તમને આગાહ કરે છે. Insecurity પણ એક પ્રકારનો ભય ઉત્પન્ન કરે છે. ખરેખર તો સંપૂર્ણપણે ભયમુક્ત જીવન શક્ય નથી.

    Like

  4. સુરેશ ડિસેમ્બર 15, 2013 પર 10:02 એ એમ (AM)

    જીવનમાં જે પણ આવે અને જે રીતે આવે
    તેને
    પૂર્ણ રીતે, પ્રેમપૂર્વક સ્વીકારવાની કળા
    હાંસલ કરવા જેટલો વિકાસ
    તમે કરી શકો -તે
    તમને તમે પોતે આપેલી સૌથી મોટી ભેટ છે.
    ———
    આ ઓશોવાણી છે. મારી વાણી નથી! જોકે, એ આખી ઈ-બુક ક્યાંકથી મેળવેલું ગનાન જ છે ! એમાં કાંઈ મૌલિક નથી.
    હા .,.એમાં કશું એવું નથી કે, જે અનુભવ્યું ન હોય.
    —————-
    જીવનમાં હંમેશાં નિર્ભય બનો , તમારામાંના ભયને ભગાડી દો.
    આ ઉપદેશવું જેટલું સરળ છે; એટલું અમલમાં મુકવું સરળ નથી. એ માત્ર વાંચન, શ્રવણ કે સત્સંગથી ન આવી શકે. કોઈ પણ પ્રાણીની પાયાની વૃત્તિઓ ( ) માંની એક ‘ભય’ છે. એને અતિક્રમી શકાય એટલી મનની શક્તિઓ વિકસાવવી એ પ્રચંડ અનુશાસન માંગી લે છે.

    योगः चित्तानुशासनम् ।

    Like

    • Atul Jani (Agantuk) ડિસેમ્બર 15, 2013 પર 5:50 પી એમ(PM)

      योगः चित्तानुशासनम् ।
      આ સૂત્ર દાદા તમારું મૌલિક સૂત્ર છે.

      પાતંજલ યોગસૂત્ર પ્રમાણે
      યોગ: ચિત્ત વૃત્તિ નિરોધ:
      તેવું સૂત્ર છે.

      પાતંજલ યોગ સૂત્ર્ના પ્રથમ બે સૂત્રો આ પ્રમાણે છે.
      ०१. अथ योगानुशासनम् ।
      1.1 atha yoganusasanam
      હવે યોગમાર્ગના વિચારની શરૂઆત કરીએ.

      *
      ०२. योगश्चित्तवृत्तिनिरोधः ।
      1.2 yogah chitta-vrutti nirodhah
      ચિત્તની વૃત્તિઓના નિરોધને, અથવા ચિત્તની વૃત્તિઓ સંપૂર્ણપણે રોકાઇ જાય તેને, યોગ કહે છે.

      Like

  5. DR. CHANDRAVADAN MISTRY ડિસેમ્બર 16, 2013 પર 2:18 એ એમ (AM)

    માર્ક ટ્વેઇનએ સરસ કહ્યું છે કે મારા જીવનમાં મુશ્કેલીઓના ઢગ મેં જોએલા પરંતુ એમાંના મોટા ભાગની મુશ્કેલીઓ આવી જ નહિ ! અમેરિકાના પ્રમુખ ફ્રેન્કલીન ડી. રુઝવેલ્ટે 1932 માં ચૂંટાયા પછીના એમના પ્રથમ પ્રવચનમાં કહ્યું હતું કે :“Only Thing We Have to Fear Is Fear Itself” એટલે કે જો કોઈ બાબતનો ભય રાખવો હોય તો ભયનો જ ભય રાખવો જોઈએ
    Fear is one State of Mind.
    One must win over it or it can win & DESTROY the Self !
    Chandravadan Mistry
    http://www.chandrapukar.wordpress.com
    Avjo @ Chandrapukar !

    Like

  6. Ramesh Patel ડિસેમ્બર 18, 2013 પર 2:51 પી એમ(PM)

    ભય શબ્દ જ ભયાનકતા લઈ આવે…મક્કમ મનોબળથી , મનને પોઝીટીવ બાબતોમાં ગુંથતાં , ઘણાં અનિષ્ટો રસ્તે જ રઝળી પડે છે. આમ છતાં સમયસૂચકતા ખૂબ જ કામણગારી હોય છે. પણ અપેક્ષિત ભયના ઓળા નીચેનું જીવન દુષ્કર થઈ જાય છે..તે વિશે સુંદર ચીંતન શ્રી સુરેશભાઈ જાનીએ નિરુંપ્યું છે.

    રમેશ પટેલ(આકાશદીપ)

    Like

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.